પાકિસ્તાનના હિંદુ 'બાળક'ની ઊંટની પીઠથી અમેરિકા સુધીની સફર

ઊંટ પર બાળક Image copyright RAMESH JAIPAL

તેમની ઉંમર ફક્ત ફક્ત પાંચ વર્ષની હતી જ્યારે પહેલીવાર રોજગારનો બોજો તેમના ખભા ઉપર આવી ગયો હતો. તેમને સંયુક્ત આરબ અમીરાતથી લઈ જવામાં આવ્યા જ્યાં તેઓ ઊંટોની દોડમાં સવાર તરીકે કામ કરતા હતા.

સડસડાટ દોડતા ઊંટની પીઠ ઉપર સવાર એ પાંચ વર્ષના બાળકને એના બદલામાં ફક્ત દસ હજાર રૂપિયા મળતા હતા. તેઓ એ પૈસા પરિવારજનોને મોકલી દેતા હતા.

વર્ષ 1990માં કદાચ એ સારી એવી રકમ હશે પરંતુ એ કમાણી તેમને માટે જીવલેણ બની શકતી હતી.

એ વખતે તેમની સામે તેમના બે દોસ્ત ઊંટ ઉપરથી પડીને મોતને શરણે જઈ ચૂક્યા હતા. અકસ્માત તેમની સાથે પણ થયો પરંતુ તેઓ બચી ગયા.

આ જ રીતે પાંચ વર્ષ વીતી ગયાં. વર્ષ 1995માં સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યૂનિસેફે એવાં બાળકોને આઝાદ કરાવ્યાં જેમનો ઊંટની દોડમાં સવાર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.

જીવીત બચી જનારા સદ્દ્નાસીબોમાં તેઓ પણ સામેલ હતા.

તેઓ પાછા પાકિસ્તાનના રહીમયાર ખાનમાં પોતાના ઘરે આવી ગયા અને પછી અહીંથી જ અભ્યાસનો સિલસિલો શરૂ થયો.

આર્થિક સ્થિતિ હજુ એવી નહોતી કે પરિવારજનો તેમનો ખર્ચ ઉઠાવી શકે, એટલે તેમણે પોતે નાનાં-મોટાં કામ શરૂ કરી દીધાં.

ગટર સાફ કરનારાઓ સાથે તેઓ કામ કરવાથી માંડીને રીક્ષા ચલાવવા સુધી તેમણે દરેક પ્રકારનાં કામ કર્યાં અને પોતાના શિક્ષણનો ખર્ચ પણ પોતે ઉઠાવ્યો.

22 વર્ષના સંઘર્ષ બાદ વર્ષ 2017માં આ યુવાન અમેરિકન સરકાર તરફથી આપવામાં આવતી ફેલોશિપ ઉપર અમેરિકન યુનિવર્સિટીની વૉશિંગ્ટન કૉલેજ ઑફ લૉ સુધી પહોંચી ગયો.

કાયદા અને માનવાધિકારનો અભ્યાસ કર્યા બાદ ગત વર્ષે તેઓ પાકિસ્તાન પરત ફર્યા અને હવે એવાં બાળકોના શિક્ષણ માટે કામ કરી રહ્યા છે જેવી સ્થિતિ તેમણે પોતે ભોગવી હતી.

પાકિસ્તાનના લઘુમતિ હિંદુ સમુદાય સાથે સંબંધ રાખનારા આ યુવાનનું નામ રમેશ જયપાલ છે, અને આ તેમની જ કથા છે.

પંજાબ પ્રાંતના શહેર રહીમયાર ખાનથી થોડા કિલોમીટર દૂર લિયાકતપુરના એક ગામમાં હાલમાં તેમના પ્રયત્નોથી હિંદુ સમુદાયનાં બાળકો માટે એક ટેન્ટમાં નાનકડી શાળાની સ્થાપના કરવામાં આવી છે.

ચોલિસ્તાનની રેત ઉપર ખુલ્લી હવામાં બનેલી આ શાળામાં બેઠેલા રમેશ જયપાલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે તેમને શિક્ષણ મેળવવાની લત અરબના રેગિસ્તાનોમાં લાગી જ્યારે તેઓ એક ઊંટ સવાર તરીકે કામ કરતા હતા.

તેમણે કહ્યું, "મારા અભ્યાસ દરમિયાન ઘણા અવરોધો આવ્યા પરંતુ મેં એને ટુકડે-ટુકડે પણ ચાલુ રાખ્યો."


જીવ હથેળી ઉપર લઈને ઊંટની સવારી

Image copyright RAMESH JAIPAL

વર્ષ 1980 અને 1990ના દસકામાં દસ વર્ષથી નાની ઉંમરનાં બાળકોને ઊંટોની દોડમાં ઉપયોગમાં લેવામાં આવતાં હતાં.

અરબ દેશોમાં થતી આ પારંપરિક દોડોમાં ઊંટની ઉપર સવાર બાળક જેટલું રોતું એટલું જ ઝડપથી ઊંટ દોડતું હતું.

આ જ કારણ હતું કે એની ઉપર સવાર થનારા બાળકની સમજી વિચારીને પસંદગી કરવામાં આવતી હતી.

ઊંટોના અમીર માલિકોને એવાં બાળકો દુનિયાના પછાત દેશોમાંથી બહુ સરળતાથી મળી જતાં હતાં.

પાકિસ્તાનના બહાવલપુર, રહીમયાર ખાન, ખાનીવાલ અને દક્ષિણી પંજાબના ઘણા વિસ્તારો પણ આ જગ્યાઓમાં સામેલ હતા.

રમેશ જયપાલ પોતાના એક બેરોજગાર મામાની સાથે સંયુક્ત આરબ અમીરાતના શહેર અલ-એન પહોંચ્યા.

જે પોતાની સાથે 10 વર્ષથી નાની ઉંમરનું બાળક લઈને આવતા હતા, એ લોકોને ત્યાં સહેલાઈથી નોકરી આપી દેવામાં આવતી હતી.

તેમના ખાનદાનની પણ આર્થિક સ્થિતિ ખરાબ હતી.

રમેશ કહે છે, "મારાં માતાને એવી આશા હતી કે ભાઈની સાથે જાય છે તો તે એનો ખ્યાલ રાખશે. તેમને ખબર હોત કે ત્યાં કેવી હાલત છે તો કદાચ ક્યારેય ના મોકલતાં."

"રણની વચ્ચોવચ અમે ટેન્ટ અથવા ટીનના ઘરમાં રહેતા હતા. દિવસમાં તાપમાન 41 ડીગ્રી સેલ્સિયસથી ઊંચું જતું રહેતું હતું અને શિયાળાની રાતો અત્યંત ઠંડી હતી."

શિયાળામાં સવારે ચાર વાગ્યે દોડની શરૂઆત થતી હતી.

બાકીના દિવસોમાં તેમણે ઊંટોની સાર-સંભાળ લેવાની રહેતી હતી.

એ દરમિયાન તેમને ચારો નાખવો, સફાઈ કરવી અને પછી માલિશ કરવી પડતી.

તેઓ કહે છે, "દોડ દરમિયાન એક અકસ્માતમાં મારા માથામાં વાગ્યું, દસ ટાંકા આવ્યા. આજે પણ એને લીધે માથામાં ક્યારેક બહુ દુ:ખે છે."

રમેશ જયપાલે જણાવ્યું કે ઘણીવાર પાકિસ્તાન પાછા જવાના તેમના પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા કારણ કે તેમનો પાસપોર્ટ તેમના માલિક પાસે જમા હતો.

પાંચ વર્ષ પછી વર્ષ 1995માં યુનિસેફે ઊંટોની દોડમાં બાળકોના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવ્યો.

સેંકડો બાળકોને એ વખતે આઝાદી મળી અને રમેશ એમાંના એક હતા.

ત્યાંથી શિક્ષણની લત લાગી

ફોટો લાઈન રમેશ જયપાલ બાળકો સાથે

રમેશના જણાવ્યા અનુસાર તેમનો માલિક એક અશિક્ષિત અને બેરહેમ માણસ હતો.

તેમની સામે તેમનો ભાઈ ઘણું ભણેલો-ગણેલો અને સમજદાર હતો એટલે જ તેનું સન્માન હતું.

તેઓ કહે છે, "ત્યાંથી મને સમજાયું કે માણસની ઇજ્જત તેના શિક્ષણથી થાય છે."

પાકિસ્તાન પરત ફર્યા બાદ રમેશના પરિવારજનોએ તેમને સ્કૂલે મોકલવાનું શરૂ કર્યું.

તેમના પિતા એક સરકારી વિભાગમાં સાધારણ કર્મચારી હતા.

તેમનો પરિવાર ગામમાંથી નીકળીને શહેરના બે ઓરડાના મકાનમાં રહેતો હતો.

આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેમના પિતા બીજાં બાળકોની સાથે તેમના ભણતરનો ખર્ચ ઉઠાવી શકે. એ કારણે રમેશને મહેનત મજૂરી કરવી પડી.

તેઓ કહે છે, "મેં ફુગ્ગા વેચ્યા, પતંગ વેચ્યા, ગટર સાફ કરનારાઓની સાથે કામ કર્યું અને પછી થોડા સમય સુધી ભાડાની રીક્ષા પણ ચલાવી."

આ રીતે થોડું-થોડું ભણતા તેઓએ મેટ્રિક પરીક્ષા પાસ કરી.

એ પછી એક વાર ફરી ભણતર છૂટ્યું તો તેમણે મજૂરી કરી. જોકે, તેમણે કમ્પ્યુટર શીખી લીધું.

બે વર્ષ પછી ફરીથી ભણવાનું શરૂ કર્યું તો એડમિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમા અભ્યાસ કર્યો અને પછી સ્નાતકનો અભ્યાસ કર્યો.

રમેશે ખૈરપુર યૂનિવર્સિટીથી પહેલા સમાજશાસ્ત્ર અને પછી ગ્રામિણ વિકાસમાં એમએની ડીગ્રીઓ મેળવી.


રેગિસ્તાનથી અમેરિકા સુધીની સફર

Image copyright RAMESH JAIPAL

અભ્યાસ પૂરો કરીને પછી તેમણે સમાજની પ્રગતિમાં એક અગત્યની ભૂમિકા નિભાવવાની શરૂ કરી.

એક સ્થાનિક સામાજિક સંગઠન શરૂ કર્યા બાદ વર્ષ 2008માં તેમણે મિત્રોની મદદથી હરે રામા ફાઉન્ડેશન ઑફ પાકિસ્તાન નામના સંગઠનની શરૂઆત કરી.

તેઓ કહે છે, "સામાજિક, આર્થિક અને શૈક્ષણિક દૃષ્ટિએ જો કોઈ સમુદાય પાછળ હતો તો એ પાકિસ્તાનનો લઘુમતિ હિંદુ સમુદાય હતો."

"આ કારણે ભેદભાવનો સામનો પણ કરવો પડ્યો. હરે રામ ફાઉન્ડેશન દ્વારા અમે ફક્ત હિંદુ જ નહીં બલકે તમામ પછાત તબક્કાઓની બહેતરી માટે કામ કર્યું."

તેમનો દાવો છે કે તેઓ હિંદુ મેરેજ એક્ટ લખનારાઓમાં સામેલ હતા.

તેઓ કહે છે, "હિંદુ સમુદાયના અધિકારો માટે મેં પંજાબ ઍસેમ્બલી લાહોરની સામે પ્રદર્શનનું નેતૃત્વ સુદ્ધાં કર્યું."

સોશિયલ મીડિયા દ્વારા તેમણે અમેરિકન સરકારના હ્યુબર્ટ હમ્ફ્રી ફેલોશિપ પ્રોગ્રામ વિશે જાણકારી મળી.

એમ એના અભ્યાસની સાથે તેમના સામાજિક કાર્યોનો અનુભવ કામ લાગ્યો અને વર્ષ 2017માં તેમની આ પ્રોગ્રામ માટે પસંદગી કરવામાં આવી.

આ પ્રોગ્રામ અંતર્ગત એક કડક હરીફાઈ બાદ પાકિસ્તાનથી દર વર્ષે વિવિધ સમુદાયના પસંદગી પામેલા લોકોને અમેરિકામાં રહેવા અને વિવિધ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરવાની તક આપવામાં આવે છે.

અંગ્રેજી નબળું હોવાને કારણે રમેશે યુનિવર્સિટી ઑફ કેલીફોર્નીયાથી અંગ્રેજીનો કોર્સ કર્યો જે પછી તેમણે વૉશિંગ્ટન કૉલેજ ઑફ લૉથી કાયદા અને માનવાધિકારનું શિક્ષણ મેળવ્યું.

રમેશ કહે છે, "લઘુમતિ સમુદાયથી હોવાને લીધે અને એક પછાત વિસ્તારમાંથી નીકળીને શિક્ષણ માટે અમેરિકા સુધી પહોંચી જઈશ, એવું મેં ક્યારેય નહોતું વિચાર્યું."

તેમનું માનવું છે કે અમેરિકામાં સમય વિતાવવા અને ત્યાંથી શિક્ષણ મેળવ્યા બાદ તેમનામાં એ તમામ ગુણ છે જેનો ઉપયોગ કરીને તેઓ પાકિસ્તાનની પ્રગતિમાં પોતાની મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે.

રહીમયાર ખાનમાં પોતાના ઘરને રમેશે ઘણા કામોનો ભાગ બનાવી દીધું છે.

દિવસમાં તેઓ સ્ટેટ લાઇફ ઇન્સ્યૉરન્સ કંપની ઑફ પાકિસ્તાનમાં સેલ્સ મેનેજર છે અને પછીના સમયમાં સમાજનાં કામોમાં વ્યસ્ત રહે છે.

તેઓ કહે છે, "પહેલાં સંયુક્ત આરબ અમીરાત અને પછી અમેરિકામાં રહીને મને એ વાતનો અંદાજ આવ્યો કે આજના સમયમાં શિક્ષણ જ સહુથી અગત્યનું હથિયાર છે."

અમેરિકાથી પરત આવ્યા બાદ તેમણે વિવિધ સંગઠનો અને હિંદુ સમુદાયની મદદથી રહીમયાર ખાન જિલ્લાના ત્રણ તાલુકાઓમાં હિંદુ બાળકો માટે નાની સ્કૂલો બનાવી છે.

બે ડઝન જેટલા વિદ્યાર્થીઓ વાળી શાળાઓમાં ફક્ત એક શિક્ષક છે અને બાળકો જમીન ઉપર બેસે છે.

રમેશ જયપાલનું કહેવું હતું, "ઓછામાં ઓછું આ રીતે બાળકો ભણી તો રહ્યા છે. તેમના શિક્ષણનો સિલસિલો તૂટશે તો નહીં."

તેમનું કહેવું હતું કે તેમનું મિશન છે કે વર્ષ 2020 સુધીમાં તેઓ આખા પાકિસ્તાનમાં આવી 100થી વધુ શાળાઓ બનાવે.

રમેશ જયપાલ આજે જ્યાં ઊભા છે એ બાબતે તેમનું કહેવું છે કે તેઓએ મહેનતથી એ જગ્યા મેળવી છે.

ભવિષ્યમાં તેઓ પાકિસ્તાનની સંસદીય રાજનીતિમાં પણ ભાગ લેવા ઇચ્છે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ