એ ભારતીય શાયર જેમના વિશે પાકિસ્તાનમાં ભણાવવું પાપ છે

શિવ કુમાર બટાલવી

જ્યારે હિંદુસ્તાનના ભાગલા પડ્યા, એ વખતે શિવ કુમાર બટાલવીની ઉંમર ફક્ત દસ વર્ષની હતી.

વિભાજન પછી તેમના પરિવારને પાકિસ્તાનના પંજાબથી મૂળસોતા ઉખડીને ભારતના હિસ્સામાં આવેલા પંજાબમાં આવીને વસવું પડ્યું.

પરંતુ હવે 70 વર્ષ પછી પણ તેમની શાયરીનાં નિશાન પંજાબની સાથેસાથે સંગીતની દુનિયામાં પણ ફરકે છે.


'આટલું સુંદર લખનાર છોકરો કોણ છે?'

ફોટો લાઈન ફિક્શન હાઉસના ઝહૂર અહમદ

23 જુલાઈ, 1937ના રોજ પાકિસ્તાનના બારાપિંડમાં જન્મેલા શિવ કુમાર બટાલવીએ પોતાની શાયરી ગુરુમુખી લિપિમાં લખી. જ્યારે પાકિસ્તાનમાં પંજાબી લખવા માટે શાહમુખી લિપિનો ઉપયોગ થાય છે.

લાહોરમાં પંજાબી ભાષાના પુસ્તકો છાપનારા પ્રકાશક 'સુચેત કિતાબ ઘર' દ્વારા 1992માં શિવ કુમાર બટાલવીની પસંદ કરેલી શાયરીનું એક પુસ્તક 'સરીંહ દે ફુલ' છાપી.

પ્રકાશક સુચેત કિતાબ ઘરના મુખી મકસૂદ સાકિબ જણાવે છે, "હું 'માં બોલી' નામથી પંજાબીનું માસિક સંપાદન પ્રકાશિત કરતો હતો જેના દરેક અંકમાં શિવ કુમાર બટાલવીની એક બે કવિતાઓ ચોક્કસ છપાતી હતી."

"વાચકો શિવની શાયરી વિશે પત્રો લખતા હતા. જેને કારણે અમને લાગ્યું કે અમારે તેમનું પુસ્તક છાપવું જોઈએ."

'સુચેત કિતાબ ઘર' દ્વારા 'સરીંહ દે ફૂલ'ની બીજી આવૃત્તિ વર્ષ 2014માં પ્રકાશિત કરવામાં આવી.

લાહોરના જ એક પ્રકાશક 'ફિક્શન હાઉસ'એ 1997માં શિવ કુમાર બટાલવીની સંપૂર્ણ શાયરી 'કુલિયાત-એ-શિવ'ના નામે છાપી.

'ફિક્શન હાઉસ'ના ઝહૂર અહમદે શિવ કુમારની શાયરી છાપવાની ભલામણ ડૉક્ટર આસિફ ફારૂકીએ કરી હતી.

દિલ્હીમાં શિવની તસવીર જોઈને ડૉક્ટર આસિફ ફારૂકીએ અમૃતા પ્રીતમને પૂછ્યું હતું કે આટલું સુંદર લખનાર આ છોકરો કોણ છે.

અમૃતા પ્રીતમે જણાવ્યું હતું કે શિવ કુમાર બટાલવી પંજાબી ભાષાના બહુ મોટા શાયર હતા અને બહુ જવાન ઉંમરમાં જ તેમનું અવસાન થયું હતું.

ડૉક્ટર આસિફ ફારૂકીએ શિવ કુમારની શાયરી વાંચી અને 'ફિક્શન હાઉસ' દ્વારા 'કુલિયાત-એ-શિવ' છપાવી.

'કુલિયાત-એ-શિવ'નું બીજું સંસ્કરણ 2017માં છપાયું. આ જ વર્ષે 'સાંઝા' નામના પ્રકાશકે પણ તેમનો સંપૂર્ણ કાવ્ય સંગ્રહ 'કલામ-એ-શિવ'ના નામથી છાપ્યો.

યુવા શાયર અફઝલ સાહિર રેડિયો ઉપર 'નાલ સજ્જન દે રહિયે...' નામનો એક કાર્યક્રમ રજૂ કરે છે.

તેઓ ઘણીવાર શિવ કુમાર બટાલવીની શાયરી વાંચી સંભળાવે છે. તેઓ ઘણીવાર તેમની શાયરી ઉપર વિશેષ પ્રોગ્રામ પણ પ્રસ્તુત કરી ચૂકયા છે.

શિવ કુમાર સિલેબસનો ભાગ નથી

અફઝલ સાહિરનું કહેવું છે, "સરહદની બંને તરફ અલગ-અલગ લિપિઓમાં પંજાબી લખવામાં આવે છે. આ કારણથી સરહદ પારના કવિઓને ઓછા વાંચવામાં આવે છે."

"જોકે, પાકિસ્તાનના પંજાબમાં પંજાબીની હાલત ઘણી જર્જરિત છે. પરંતુ 1990ના દશકામાં શિવ કુમાર અહીં છપાય અને લોકો એમને વાંચે છે."

"નુસરત ફતેહ અલી ખાને તેમનું ગીત 'માયેની માય મેરે ગીતાં દે નૈણા વિચ વિરહો દી રડક પવે...' ગાઈને તેને બહુ જ લોકપ્રિય બનાવી દીધું."

અફઝલ સાહિરને યાદ છે કે ઘણાં વર્ષો પહેલાં લાહોરમાં 'પંજ પાણી' નામનો એક નાટક ઉત્સવ થયો હતો.

જેમાં કેવલ ધારીવાલે અમૃતસરના 'મંચ રંગમંચ'ના અદાકારોની સાથે શિવ કુમાર બટાલવીનું કાવ્ય નાટક 'લુણા' ભજવ્યું હતું.

એ નાટકના દર્શકોને બહુ પ્રભાવિત કર્યા હતા. પાકિસ્તાનમાં પંજાબી સાહિત્ય સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ભણાવવામાં આવે છે પરંતુ શિવ કુમાર અહીં અભ્યાસક્રમનો હિસ્સો નથી.

પ્રોફેસર ફાખરા એજાઝ પંજાબી સાહિત્ય ભણાવે છે.

તેઓ જણાવે છે, "બંને દેશોમાં રાજકીય પરીસ્થિતિને કારણે પાકિસ્તાનના પંજાબમાં શિવ કુમાર બટાલવી ભણાવવામાં નથી આવતા."

"કારણ કે જો શાયરના નામની પાછળ કુમાર, સિંહ અથવા કૌર લાગેલું હોય તો તેમણે ભણાવવા પાપ થઈ જાય છે."

'મુંડા લંબડા દા...'

ફોટો લાઈન કુલિયાત-એ-શિવ

ફાખરા એજાઝ જણાવે છે કે યુવા વિદ્યાર્થી શિવ કુમારને વાંચે છે.

પહેલાં શિવ કુમારનાં ગીતો મહિલાઓ લગ્નોમાં પણ ખૂબ ગાતી હતી.

સુરિન્દર કૌરનાં ગીત રેડિયો ઉપર સાંભળવામાં આવતા હતાં.

લગ્નમાં ઢોલક વગાડતાં-વગાડતાં મહિલાઓ ગૌરવથી ગીત ગાતી, 'મેનુ હીરે-હીરે આંખેની મુંડા લંબડા દા...'

પ્રોફેસર મોહમ્મદ જવાદે શિવ કુમારના ગીતને સંગીતબદ્ધ કર્યું છે.

તેમના અવાજમાં 'ગમાં દી રાત લંબી હૈ યા મેરે ગીત લંબે ને, ના ભેડી રાત મુકડી હૈ...' ડેલી નેશન ઉપર ખૂબ જોવામાં આવ્યું છે.

ઘણા અન્ય ગાયકોએ પણ શિવ કુમારનાં ગીત ગાયાં છે.

એ ગીત યૂ-ટ્યૂબ ઉપર પણ જોઈ શકાય છે. પ્રોફેસર મોહમ્મદ જવાદ હવે શિવ કુમાર બટાલવીના ગીતોનું આલ્બમ પણ લૉન્ચ કરવા ઇચ્છે છે.

પ્રોફેસર ઝુબૈર અહમદ પંજાબી બોલીના કાર્યકર્તા છે અને શિવ કુમારના મોટા ચાહક છે.

તેમનું કહેવું છે કે શિવ કુમાર બટાલવી વિભાજનની હિંસાના સાક્ષી હતા અને એ જુલમોનું દુ:ખ તેમના લેખનમાં ઊતર્યું છે.

તેઓ કહે છે કે એ દર્દ સરહદની બંને તરફના લોકોનું સહિયારું દર્દ હતું તો શિવ કુમાર સરહદની કોઈ પણ એક જ તરફના શાયર ના હોઈ શકે.

એટલે જ અમૃતા પ્રીતમ પછી શિવ કુમાર બટાલવી એવા કવિ છે જેમની સંપૂર્ણ શાયરી પાકિસ્તાનમાં પણ છપાઈ છે.

તેમનું કહેવું છે, "જેમ અફઝલ સાહિરની શાયરીમાં શિવ કુમારની શાયરીની અસર સ્પષ્ટ વર્તાય છે, તેમ અહીંના યુવા કવિઓની શાયરીમાં શિવ કુમારની છાપ સ્પષ્ટ ઝળકે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો