BBC TOP NEWS : ફ્રાન્સમાં ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે ઉગ્ર આંદોલન

પ્રદર્શનકારીઓ Image copyright AFP

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે 'યેલો વેસ્ટ' પ્રદર્શન નવમાં રાઉન્ડમાં પહોંચી ગયું છે.

રાજધાની પેરિસ સહિત ઠેરઠેર ફ્રાંસનાં ઘણાં સ્થળોએ 'યેલો વેસ્ટ' પ્રદર્શન હેઠળ હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે.

પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે વોટર કેનન અને આંસુ ગૅસના સેલ છોડ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે લોકો પ્રદર્શન કરી રહ્યા છે.

સરકારી આંકડા અનુસાર ગત અઠવાડિયે અંદાજે 84 હજાર પ્રદર્શનકારીઓ વિરોધમાં સામેલ થયા હોવાના અહેવાલ છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંની સરકારે દેશમાં ઇલેક્ટ્રિક્ટ વાહનોને પ્રાધાન્ય આપવાના હેતુસર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો.


રફા પહોંચ્યાં કૅનેડા

ઇસ્લામ તથા પોતાનું ઘર છોડીને સાઉદી અરેબિયામાંથી પલાયન કરનારાં 18 વર્ષીય રહાફ મહમદ અક-કુનૂનને કૅનેડામાં આશરો મળ્યો છે.

ખુદ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ વાતની જાહેરાત કરી હતી.

સંયુક્ત રાષ્ટ્ર સંઘે તેમને રૅફ્યૂજીનો દરજ્જો આપતાં કૅનેડા માટે તેમને આશ્રય આપવો સરળ બન્યો હતો.

તેમને સાઉદી પરત મોકલવામાં ન આવે તે માટે રહાફે ખુદને બૅંગકોક ઍરપૉર્ટ પર એક હોટલમાં બંધ કરી દીધાં હતાં અને ટ્વિટર મારફત પોતાની વ્યથા દુનિયાને જણાવતાં રહ્યાં હતાં.

સમગ્ર ઘટનાક્રમ બાદ ટ્વિટર પર તેમના 1.60 લાખ કરતાં વધુ ફોલોઅર્સ થઈ ગયાં છે અને રાતોરાત ઉત્પિડન સામેનો અવાજ બની ગયાં છે.

રહાફે અગાઉ અમેરિકા, ઑસ્ટ્રેલિયા તથા બ્રિટન પાસે પણ શરણાગતિ માટે વિનંતી કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

દરેક કાર્યકર હાથમાં મોદીની તસવીર સાથે પહોંચો

Image copyright Getty Images

નવી દિલ્હીના રામલીલા મેદાન ખાતે ભાજપનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, જેના અંતિમ દિવસે વડા પ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું.

મોદીએ કહ્યું હતું કે વિપક્ષ 'મજબૂર' સરકાર ઇચ્છે છે, જ્યારે અમે 'મજબૂત' સરકાર આપવ ઇચ્છીએ છીએ.

મોદીએ આરોપ મૂક્યો હતો કે યુપીએ સરકારનાં દસ વર્ષના કાર્યકાળને કારણે ભારત નવી સદીમાં અંધકારયુગમાં ધકેલાઈ ગયો હતો.

અમિત શાહે કહ્યું હતું કે દરેક કાર્યકર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથે ભાજપની વિચારધારાને ફેલાવવામાં લાગી જાય. જીત જરૂરી છે, સાથે જ વિચારધારાનો પ્રસાર પણ જરૂરી છે.

ફ્રાન્સમાં ગૅસ વિસ્ફોટ, ત્રણનાં મૃત્યુ

Image copyright EPA
ફોટો લાઈન ગૅસ વિસ્ફોટમાં 47 લોકો ઘાયલ થયા છે

ફ્રાન્સની રાજધાની પેરિસ ખાતે એક બેકરીમાં ગૅસ વિસ્ફોટ થયો છે, જેમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.

ફ્રાન્સના ગૃહપ્રધાનના કહેવા પ્રમાણે 'નાટ્યાત્મક વિસ્ફોટ' થયો છે, જેની સામે ઇમરજન્સી સર્વિસિઝે વળતી કાર્યવાહી હાથ ધરી હતી.

આ ગૅસ વિસ્ફોટમાં મૃત્યુ પામનારાંઓમાં બે ફાયર ફાઇટર્સ અને એક સ્પેનિશ મહિલાનો સમાવેશ થાય છે, જ્યારે 47 અન્ય ઘાયલ થયા છે.

ઘાયલોમાંથી દસ લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાય રહ્યું છે.

ગૅસ વિસ્ફોટને કારણે આગ ફાટી નીકળી હતી અને આજુબાજુની ગાડીઓ ઇમારતો અને દુકાનોને નુકશાન પહોંચ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો