પહેલી વખત ચીને ચંદ્ર ઉપર કપાસનાં બીજ અંકુરિત કર્યાં

ચંદ્ર પર અંકુરિત થયેલા કપાસના બીજ Image copyright AFP/CHONGQING UNIVERSITY

ચીન દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલા રોવર પર કપાસના બીજ અંકુરિત થયા બાદ પહેલી વખત આપણી દુનિયાની બહાર કોઈ છોડનો વિકાસ થયો છે.

ચીનના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને આ અંગે જાણકારી આપી છે.

અંતરિક્ષ સંશોધન મામલે ચીનની આ સિદ્ધિને એક મહત્ત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહી છે.

અંતરિક્ષના ક્ષેત્રમાં મહાશક્તિ બનવાની ચીનની મહત્ત્વકાંક્ષા વધારતા ચાંગ'ઇ-4 3 જાન્યુઆરીના રોજ ચંદ્રની બીજી તરફના ભાગમાં ઊતર્યું હતું.

આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ અંતરિક્ષ યાન ચંદ્રના દૂરના વિસ્તારમાં ઊતર્યું હોય. અત્યારસુધી આ વિસ્તાર અછૂત રહ્યો છે.

આ પહેલા છોડને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ઉગાવવામાં આવ્યા હતા પણ ચંદ્ર પર આવુ કંઈક પહેલી વખત થયું છે.

ચંદ્ર પર છોડ ઊગાડવા ભવિષ્યના સ્પેસ મિશન માટે ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

આશરે અઢી વર્ષ બાદ મંગળ ગ્રહ પર પ્રવાસ કરી શકાશે તેના માટે આ સિદ્ધિ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ સફળતા બાદ હવે અંતરિક્ષયાત્રીઓ સ્પેસમાં પોતાના માટે ખાવાની વસ્તુઓના છોડ ઉગવી શકશે. અને તેનાથી તેમણે સ્પેસમાં ભોજન વારંવાર લઈને પણ જવાની જરુર પડશે નહીં.

ચાઇનિઝ યાનમાં કપાસ અને બટાટાની પ્રજાતિની બીજ, યીસ્ટ અને ફ્રુટ ફ્લાય ઈંડા મોકલવામાં આવ્યા હતા.

આ છોડ બંધ ડબ્બામાં મોકલવામાં આવ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

શું ચંદ્ર પણ પ્રદૂષિત થઈ જશે?

પૉલ રિંકન, સાયન્સ એડિટર, બીબીસી ન્યૂઝ વેબસાઇટ

ચાંગ'ઇ-4ને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તેનાથી લીલી વનસ્પતિઓ બનાવવાની તેમજ શ્વાસોશ્વાસની પ્રક્રિયાનું પરીક્ષણ કરી શકાય.

જે છોડ મોકલવામાં આવ્યા છે તેની બધી વસ્તુઓને 18 સેન્ટિમિટર ઊંચા અને 3 કિલો વજન ધરાવતા એક કૅનમાં રાખવામાં આવી છે.

તેને 28 ચાઇનિઝ યુનિવર્સિટી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું.

આ કૅનની અંદર પાણી, હવા અને પોષક તત્વોનો ઉમેરો કરવામાં આવ્યો છે કે જેથી છોડનો વિકાસ થઈ શકે.

પરંતુ ચીનના એક વૈજ્ઞાનિક કહે છે કે તાપમાન જાળવી રાખવું તે એક મોટો પડકાર છે.

કેમ કે ઘણી વખત ચંદ્ર પર તાપમાન -173 સેલ્સિયસ ડિગ્રીથી 100 સેલ્સિયસ ડિગ્રી કે તેના કરતા વધારે હોય છે.

તેમણે ભેજ અને પોષક તત્વો પર પણ નિયંત્રણ મેળવવું જરુરી છે.

કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે તેનાથી ચંદ્ર પણ પ્રદૂષણ ફેલાઈ શકે છે.

આ ખરેખર એક ચિંતાનો વિષય પણ છે કેમ કે અપોલોના અંતરિક્ષયાત્રીઓએ પહેલેથી જ કચરાની 100 થેલીઓ ચંદ્ર પર છોડેલી છે.

મંગળવાર (15 જાન્યુઆરી 2019)ના રોજ ચાઇનિઝ મીડિયાએ કહ્યું કે કપાસના બીજ અંકુરિત થયા છે.

ચીનની સત્તાધારી પાર્ટીના ઔપચારિક મુખપત્ર પીપલ્સ ડેઇલીએ અંકુરિત બીજની એક તસવીર ટ્વિટર પર શૅર કરી હતી.

ઑસ્ટ્રેલિયન એસ્ટ્રોનોમિકલ ઑબ્ઝર્વેટરીના અંતરિક્ષયાત્રી ફ્રેડ વૉટસને બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે આ એક ખૂબ સારા સમાચાર છે.

તેઓ કહે છે, "આ સફળતાના કારણે આગળ ભવિષ્યમાં અંતરિક્ષયાત્રીઓ માટે સમસ્યા સર્જાશે નહીં અને તેઓ ચંદ્ર પર નિયંત્રિત તાપમાનમાં પોતાના બીજ વાવી શકશે."

Image copyright CLEP

ફ્રેડ વૉટ્સન કહે છે, "ચંદ્રને મંચ તરીકે વાપરવું એક ખૂબ સારી બાબત છે, ખાસ કરીને મંગળયાત્રા માટે કેમ કે તે પૃથ્વીથી નજીક છે."

આ પરીક્ષણના ચીફ ડિઝાઇનર પ્રોફેસર શી ગેંગઝિને સાઉથ ચાઇના મૉર્નિંગ પૉસ્ટમાં કહ્યું હતું, "અમે અંતરિક્ષમાં જીવનને લઈને પગલું ભર્યું છે."

"ઓછા ગુરુત્વાકર્ષણ બળ ધરાવતા હવામાનમાં આ છોડ વાવીને ભવિષ્યમાં અંતરિક્ષમાં કંઈક કરવાની તક આપી છે."

તેમણે જણાવ્યું કે અંતરિક્ષયાત્રીઓ કપાસનો ઉપયોગ કપડાં બનાવવા માટે અને બટાટાનો ઉપયોગ ખાવા માટે કરી શકે છે.

ચીનની ક્ઝિનુહા ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું કે ચંદ્ર પર 170 જેટલી તસવીરો લેવામાં આવી છે કે જેને પૃથ્વી પર મોકલી દેવામાં આવી છે.

શુક્રવારે ચાઇનિઝ લુનાર એક્સપ્લોરેશન પ્રોગ્રામ (CLEP)એ કેટલીક તસવીરો જાહેર કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો