BBC Top News : કેન્યાની ફાઇવ સ્ટાર હોટલ પર હુમલો, ગોળીબારમાં 14નાં મોત

કેન્યામાં અલ શબાબનો હુમલો Image copyright AFP

પૂર્વ આફ્રિકા સ્થિત દેશ કેન્યાની રાજધાની નૈરોબીમાં ફાઇવ સ્ટાર હોટલ કૉમ્પલેક્સ પર હુમલો થયો છે.

સમાચાર એજન્સી રોયટર્સના અહેવાલ પ્રમાણે આ ઘટનામાં 14 લોકોનાં મૃત્યુ થયાં છે. બંધક બનેલા લોકોને મુક્ત કરી દેવામાં આવ્યા છે.

કેન્યાના રાષ્ટ્રપતિ ઉહુર કેન્યાટાએ કહ્યું કે રાજધાની નૈરોબીમાં કટ્ટરવાદીઓએ બાનમાં લીધેલી હોટલ પરનો એમનો કબ્જો સમાપ્ત થઈ ગયો છે. અને હુમલાખોરોને મિટાવી દેવામાં આવ્યા છે.

અગાઉ શહેરના વેસ્ટલૅન્ડ્સ વિસ્તારમાં આવેલી આ હોટલમાં બે વિસ્ફોટ અને ગોળીબાર થયાનો અવાજ સંભળાયો હતો.

હુમલામાં 30 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને નૈરોબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સોમાલિયાના ઉગ્રવાદી જૂથ અલ શબાબે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ મુજબ હોટલમાં હથિયારધારી ચાર શખ્સ પ્રવેશ્યા હતા. કેટલાક અન્ય પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે તેમણે ચાર મૃતદેહ જોયા છે.

કેન્યાની સરકારના કહેવા પ્રમાણે હોટલ હવે સુરક્ષા દળના નિયંત્રણમાં છે.


પૂર્વ રાષ્ટ્રપતિને 900 કરોડની લાંચ

Image copyright Getty Images/EPA

મેક્સિકોના પૂર્વ રાષ્ટ્રપતિ એનરિક પેના નિએતોએ 900 કરોડ રૂપિયાની લાંચ ડ્રગ ઉત્પાદક કિંગપિન જોઆકિન 'અલ ચાપો' ગુઝમાન પાસેથી સ્વીકારી હતી, એવો દાવો કોર્ટ રૂમમાં સાક્ષીએ કર્યો છે.

એલૅક્સ સિફ્યુન્તેસ એવો દાવો કરે છે કે તેઓ વર્ષો સુધી ગુઝમાનના નજીક રહ્યા હતા અને તેમણે ન્યૂ યૉર્ક કોર્ટરૂમમાં '2016માં લાંચ આપી' હોવાનું જણાવ્યું છે.

સિનાલો ડ્રગ ઉત્પાદનના કેસમાં ગુઝમાન પર કાર્યવાહી થઈ રહી છે, સરકારી વકીલના કહેવા પ્રમાણે ગુઝમાન યૂએસના સૌથી મોટા ડ્રગ સપ્લાયર હતા.

61 વર્ષીય ગુઝમાન પર બ્રૂકલીનમાં નવેમ્બર મહિનાથી કોકેન અને હેરોઇન જેવા ડ્રગ્સના સ્મગલિંગ મામલે કાર્યવાહી કરાઈ રહી છે.

2013માં ગુઝમાનની મેક્સિકોમાંથી ધરપકડ કરાઈ હતી અને ત્યારબાદ તેમને યૂએસ લવાયા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

બ્રિટન : થેરેસા મેની બ્રેક્સિટ ડીલ સંસદે નકારી દીધી

Image copyright EPA

બ્રેક્સિટ ડીલ એટલે કે યુરોપિયન સંઘમાંથી બ્રિટનની અલગ થવાની વડાં પ્રધાન થેરેસા મેને યોજનાને બ્રિટિશ સંસદે જંગી બહુમતીથી નકારી દીધી છે.

થેરેસા મેની આ યોજનાના સમર્થનમા 202 સાંસદોએ જ મત આપ્યા હતા, જ્યારે 432 સાંસદોએ આ યોજનાના વિરોધમાં મત આપ્યા હતા.

વડાં પ્રધાન થેરેસા મેની કન્ઝર્વેટિવ પાર્ટીના જ 118 સાંસદોએ વિપક્ષની સાથે મળીને ડીલના વિરોધમાં મત આપ્યા હતા.

વડાં પ્રધાન થેરેસા મેની યોજનાની બ્રિટિશ સંસદમાં અભૂતપૂર્વ હાર થયા બાદ વિપક્ષી લેબર પાર્ટીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બેને કહ્યું કે સંસદે જે રીતે વડાં પ્રધાનની ડીલને નકારી છે, એનાથી સ્પષ્ટ થાય છે કે સરકારે સદનનો વિશ્વાસ ગુમાવી દીધો છે.

અવિશ્વાસના પ્રસ્તાવ અંગે બુધવારે ચર્ચા થશે અને સાથેસાથે થેરેસા મે ફરી એકવખત વિશ્વાસ મત મેળવવાનો પ્રયત્ન કરશે.

જે બુધવારે થેરેસા મે સદનનો વિશ્વાસ હાંસલ કરવામાં નિષ્ફળ થશે તો સંસદમાં વિશ્વાસ મત હાંસલ કરવા 14 દિવસનો સમય તેમને અથવા અન્યને મળશે.

જો આ દરમિયાન કોઈ સરકાર ન બનાવી શકે તો બ્રિટનમાં ફરીથી ચૂંટણીની જાહેરાત થશે.


સામુહિક ધર્માંતરણ થતું હોય તો દેશ માટે ચિંતાનો વિષય : ગૃહમંત્રી

Image copyright AFP

ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું, "અમે જીતીએ કે હારીએ પણ અમે લોકો વચ્ચે ભેદભાવ નહીં કરીએ."

તેમણે એવું પણ કહ્યું કે સામુહિક ધર્માંતરણ અંગે દેશભરમાં તપાસ કરવાની જરૂર છે.

ખ્રિસ્તી સંગઠન દ્વારા મંગળવારે આયોજિત કાર્યક્રમમાં ગૃહમંત્રીએ આ ટિપ્પણી કરી હતી.

તેમણે કહ્યું, " વડા પ્રધાન માને છે કે અમે ક્યારેય જ્ઞાતિ કે ધર્મ આધારે ભેદભાવ નથી કર્યો. અમને મત મળે કે ન મળે એની અમને ચિંતા નથી, પણ અમે ક્યારેય લોકોમાં ભેદભાવ નહીં કરીએ."

તેમણે ખ્રિસ્તી સમુદાયને સંબોધીને કહ્યું, "કોઈ પોતાની મરજીથી બીજો ધર્મ અપનાવે એનાથી અમને વાંધો નથી. પણ મોટાપાયે ધર્માંતરણ થવા લાગે, લોકો મોટી સંખ્યામાં ધર્મ બદલવા લાગે તો એ દેશ માટે ચિંતાનો વિષય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ