ડ્રગ્સ ગૉડફાધર અલ ચેપોએ મેક્સિકોના રાષ્ટ્રપતિને 700 કરોડની લાંચ આપી

Image copyright Getty Images/EPA

મેક્સિકોના પૂર્વ રાષ્ટ્રપતિ એનરિક પેના નિએટોએ ડ્રગ કાર્ટેલના ગૉડફાદર મનાતા અલ ચેપો ગૂસમેન પાસેથી 100 મિલિયન ડૉલર ( આશરે 711 કરોડ રુપિયા) ની લાંચ લીધી હતી, આ પ્રકારનું નિવેદન એક સાક્ષીએ અમેરિકાની એક અદાલતમાં કર્યું છે.

ઘણાં વર્ષો સુધી અલ ચેપો ગૂસમેનના નજીકના સહયોગી રહ્યાં ઍલૅક્સ સિફુઍન્ટેસે ન્યૂયૉર્કની એક અદાલતમાં જુબાની આપી છે કે સાલ 2016માં તેમણે આ બાબતે સરકારી અધિકારીઓને જાણકારી આપી હતી.

પ્રૉસિક્યૂટરોનું કહેવું છે કે અમેરિકામાં ડ્રગ્સનો સૌથી વધારે પુરવઠો પૂરો પાડનાર સિનાલોઆ ડ્રગ કાર્ટેલ પાછળ ગૂસમેનનું નેતૃત્વ છે.

પેના નિએટો 2012 થી 2018 દરમિયાન મેક્સિકોના રાષ્ટ્રપતિ હતાં.

બે વર્ષ અગાઉ 61 વર્ષીય ગૂસમેનનું મેક્સિકોથી અમેરિકામાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

અને ત્યાર બાદ તેમની વિરુદ્ધ ગત વર્ષે બ્રુકલિનની અદાલતમાં મુકદ્દમો શરુ કરવામાં આવ્યો છે.

અલ ચેપો પર દુનિયાના સૌથી મોટા ડ્રગ કાર્ટલના પ્રમુખ તરીકે કોકેઇન, હૅરોઇન તથા અન્ય ડ્રગ્સની તસ્કરી કરવાનાં આરોપ મુકવામાં આવ્યા છે.


નજીકના પૂર્વ સાથીની જુબાની

બ્રુકલિનની અદાલતમાં હાજર રહેલા પત્રકારો મુજબ, પેના નિએટોએ 100 મિલિયન (10 કરોડ) ડૉલર સ્વીકાર કરતા પહેલાં 250 (25 કરોડ ડૉલર) મિલિયન ડૉલરની માંગણી કરી હતી.

સિફુઍન્ટેસે દાવો કર્યો કે ઑક્ટોબર 2012 માં અલ ચેપોના એક મિત્રે આ રકમ મેક્સિકો સિટીમાં પહોંચાડી હતી.

પ્રૉસિક્યૂટરોનું કહેવું છે કે સિફુઍન્ટેસ કોલંબિયાના એક ડ્રગ લૉર્ડ હતાં જે પોતાને અલ ચૅપોના નજીકના સહયોગી તરીકે ઓળખાવે છે તથા તેમણે સરકારી તંત્રથી સંતાવા માટે અલ ચેપો સાથે બે વર્ષ મેક્સિકોના પહાડોમાં વિતાવ્યા હતા.

તેમની ઘરપકડ 2013માં મેક્સિકોમાંથી કરવામાં આવી હતી તથા મેક્સિકોથી પ્રત્યર્પણ કરી તેમને અમેરિકા લાવવામાં આવ્યા હતાં.

સિફુઍન્ટેસે પ્રૉસિક્યૂટરો સાથે વાટાઘાટો કરી ડ્રગ તસ્કરીના આરોપ સ્વીકાર કર્યો હતો.

મેક્સિકોના પૂર્વ રાષ્ટ્રપતિ પેના નિએટોએ 100 મિલિયન ડૉલરની લાંચ અંગેના દાવાઓ પર પ્રતિક્રિયા આપી નથી પરંતુ નવેમ્બરથી શરૂ થયેલા ખટલા દરમિયાન સામે આવેલા ભ્રષ્ટાચારના આરોપોને ફગાવી દીધા છે.


હાઈપ્રોફાઇલ કેસ

Image copyright AFP/GETTY

બ્રુકલિનમાં બીબીસી સંવાદદાતા તારા મૅકકૅલ્વી પ્રમાણે અદાલતમાં આ હાઇપ્રોઇલ કેસની સુનાવણી દરમિયાન ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અદાલત સિવાય આસ-પાસના રસ્તા પર ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

તારા મૅકકૅલ્વી કહે છે કે આ કેસમાં ડ્રગ તસ્કરો દ્વારા કરવામાં આવેલી હત્યાઓ અંગેની બિહામણી વિગતો તથા સરકારી અધિકારીઓ વિરુદ્ધ ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે.

ગૂસમેનના વકીલ જૅફરી લિચમૅને કહ્યું છે કે સિનાલોઆ કાર્ટેલના અસલી પ્રમુખ ઇસ્માઇલ 'અલ મેયો' ઝમ્બાડા છે.

જૅફરી લિચમૅનનો દાવો છે કે ઝમ્બાડા આખી મેક્સિકન સરકારને લાંચ આપીને ખટલાથી બચી રહ્યા છે.

આપને આ પણ વાંચવું ગમશે

મેક્સિકો: એક દુકાનદારના પુત્ર બન્યા મેક્સિકોના રાષ્ટ્રપતિ

'અલીનો મુક્કો પડતો તો હું જીવતો ના હોત'

તેમણે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ પેના નિએટો તથા ફૅલિપ કૅલ્ડ્રૉનને લાંચ આપવામાં આવી છે, જોકે આ બન્ને નેતાઓએ આ આક્ષેપને નકારી કાઢ્યા હતા.

ફૅલિપ કૅલ્ડ્રૉને ઝમ્બાડા તરફથી લાંચનાં દાવાઓને તદ્દન ખોટા તથા આધારવિહીન ગણાવવામાં આવ્યા છે.

નવેમ્બરમાં બીજા કાર્ટેલ સદસ્યે પણ જુબાની આપી હતી કે મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રેઝ મૅનુએલ લૉપૅઝ ઑબ્રાડૉરના એક સહયોગીને 2005માં લાંચ આપવામાં આવી હતી.

સિફુઍન્ટેસે શુક્રવારે કહ્યું હતું કે અલ ચેપોએ એક સેનાધિકારીને એક કરોડ ડૉલર આપવાનો નિર્દેશ પણ કર્યો હતો પણ પછી તેમની હત્યા કરાવવાનું નક્કી કર્યું હતું. જોકે આ હત્યા કરાવવામાં આવી નહોતી.


શું છે અલ ચેપો પર આરોપ?

Image copyright AFP

અલ ચેપો ગૂસમેન પર કુલ 17 ગુના નોંધાયેલા છે. એમના પર સેંકડો ટન કોકેઇનની અમેરિકામાં તસ્કરી કરવાનો આરોપ છે.

કેસ અનુસાર ગૂસમેન અને એમના સાથીઓએ 84 વખત અમેરિકામાં ડ્રગ્સના મોટા શિપમૅન્ટ મોકલ્યાં છે. 18 માર્ચ 2007 ના રોજ 19,000 કિલો કોકેઇન મોકલવાનો આરોપ પણ એમના પર લગાડવામાં આવેલો છે.

એમના પર હેરોઇન, મેથાફેટેમિન, ગાંજા અને અન્ય ડ્રગ્સ ઉત્પાદિત કરવાનો અને વેચવાનો આરોપ પણ છે.

કેસમાં જણાવવામાં આવ્યું છે કે એમણે ભાડૂતી હત્યારાઓની મદદ વડે સેંકડો હત્યા, અપહરણ અને વિરોધીઓ પર હુમલા કરાવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો