જ્યારે એક કરોડપતિને ખબર પડી કે તેઓ પોતાનાં બાળકોના પિતા નથી

રિચર્ડ મેસોન

"મને એવું લાગ્યું કે કોઈએ મને હથોડાથી માર્યો હોય."

આ વાત કહી રહ્યા છે 54 વર્ષીય સફળ વેપારી રિચર્ડ મેસોન. તેઓ બ્રિટીશ વેબસાઇટ MoneySupermarket.comના કો-ફાઉન્ડર છે.

તેઓ જણાવે છે કે તેમને કેવું લાગ્યું જ્યારે બે વર્ષ પહેલાં ડૉક્ટરે તેમને કહ્યું કે તેઓ સિસ્ટિક ફિબ્રોસિસ નામની બીમારીથી પીડાઈ રહ્યા છે.

તેમને સૌથી મોટો ઝટકો એ વાતથી નહોતો લાગ્યો કે તેઓ આ બીમારીથી પીડાઈ રહ્યા છે.

તેમને એ વાતથી ઝટકો લાગ્યો હતો કે તેમની આ બીમારીના કારણે તેઓ નાનપણથી જ નપુંસક બની ગયા હતા.

તેનો મતલબ એ છે કે તેઓ તેમના 3 બાળકોના પિતા ન હતા જેમને તેમનાં પૂર્વ પત્ની કેટએ જન્મ આપ્યો હતો.

રિચર્ડે બીબીસી રેડિયો 5 લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું, "મને એવું કહેવામાં આવ્યું હતું કે જે પુરુષને સિસ્ટિક ફિબ્રોસિસ હોય છે તેઓ નપુંસક હોય છે અને તેઓ ભાગ્યે જ કોઈ બાળકના પિતા હોઈ શકે છે."

"મને લાગ્યું કે ડૉક્ટરથી કંઈક ભૂલ થઈ હશે પણ ડૉક્ટરે કહ્યું કે આ વાત સાચી છે અને આ અંગે પહેલા મારે મારી પત્ની સાથે વાત કરવી જોઈએ."

જ્યારે રિચર્ડ અને તેમનાં વર્તમાન પત્નીને કોઈ બાળક ન થયું તો તેમણે કેટલાંક પરીક્ષણ કરવાનું વિચાર્યું હતું જેમાં આ વાત સામે આવી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

શું પત્નીએ દગો આપ્યો?

Image copyright Getty Images

આ માહિતી મળ્યા બાદ તેમણે પત્ની કેટને સવાલ કર્યા. 20 વર્ષનાં લગ્નજીવન બાદ રિચર્ડે 2007માં કૅટ સાથે છૂટાછેડા લીધા હતા.

કેટે રિચર્ડને કહ્યું કે જુડવા બાળકો એડ અને જોએલ કે જેમની ઉંમર 19 વર્ષ છેૃ અને વીલિયમ કે જેની ઉંમર 23 વર્ષ છે તે રિચર્ડનાં જ બાળકો છે.

જોકે, આ વાત ડીએનએ પરીક્ષણમાં ખોટી સાબિત થઈ હતી.

રિચર્ડ કહે છે, "હું વિચારતો રહેતો હતો કે મારાં બાળકોના પિતા કોણ હતા. મને કંઈ જ ખબર ન હતી."

આ મામલે રિચર્ડ તેમનાં પૂર્વ પત્ની કેટને ધોખાધડીના આરોપસર કોર્ટમાં લઈ ગયા.

ગત નવેમ્બર મહિનામાં કેટ રિચર્ડને થયેલા નુકસાન બદલ 3,20,000 ડૉલર (આશરે 2,27,63,200 રૂપિયા) ભરવા રાજી થયાં હતાં.

છૂટાછેડા સમયે તેમણે રિચર્ડ પાસેથી 5 મિલિયન ડૉલર મેળવ્યા હતા.

Image copyright Getty Images

આ તરફ કોર્ટે કેટને તેમનાં બાળકોના સાચા પિતાની ઓળખ ગુપ્ત રાખવાની પરવાનગી આપી છે.

ડેઇલી ટેલિગ્રાફ ન્યૂઝપેપર સાથે વાત કરતા રિચર્ડના વકીલ કહે છે, "તેઓ (રિચર્ડનાં પૂર્વ પત્ની) તેમનાં બાળકોના સાચા પિતાની ઓળખ જાહેર કરવા માગતાં નહોતાં."

"અમે નથી જાણતા શા માટે. એટલે જ તેઓ નાણાંકીય કરાર કરવા તૈયાર થયાં જેથી તેમણે બાળકોના પિતાનું નામ કહેવું ન પડે."

"એક સમયે જ્યારે મારાં બાળકો જાણવા માગશે કે તેમના પિતા કોણ છે, તો મારી પાસે તે અંગે માહિતી નહીં હોય."

"મને ખબર નહીં તે કોણ હશે, મારો કોઈ મિત્ર અથવા તો કોઈ એવી વ્યક્તિ કે જે મારી ખૂબ જ નજીક રહી હશે."

"જ્યારે તમારા મગજમાં આવી કોઈ ગૂંચવણ ચાલતી હોય તો તે તમારા પર ખૂબ અસર કરે છે. કોઈને પણ તે જાણવાની જલદી હશે."

રિચર્ડ મેસને જે વ્યક્તિ તેમના બાળકોના સાચા પિતાની માહિતી આપશે તેને 6,400 ડૉલર (આશરે 4,55,216 રૂપિયા) ઇનામ આપવાની જાહેરાત કરી છે.

બ્રિટિશ ન્યૂઝપેપર ડેઇલી મેલનો રિપોર્ટ કહે છે કે મેસોન માને છે કે તેમના બાળકોના પિતા એ વ્યક્તિના હોઈ શકે છે કે જેમની સાથે તેમનાં પૂર્વ પત્ની કેટના 1990 દરમિયાન પ્રેમ સંબંધ હતા. તે વ્યક્તિ કેટ સાથે કામ કરતા હતા.

બીબીસીએ કેટ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ તેમણે કોઈ જવાબ આપ્યો નથી.

બાળકો સાથે કોઈ સંપર્ક નહીં

Image copyright Facebook

કોર્ટ કેસે મેસોન માટે વધારે તકલીફ ઊભી કરી કેમ કે તેમના બે બાળકોએ તેમની સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે.

તેમણે ડેઇલી મેલ સાથે વાત કરતા જણાવ્યું, "હું જ્યારે જોઉં છું કે તેઓ ફેસબુક પર શું કરે છે, ત્યારે હું ખૂબ દુઃખી થાઉં છું."

"સૌથી મોટો દીકરો હાલ જ ગ્રેજ્યુએટ થયો અને મને નિમંત્રણ મળ્યું ન હતું."

અત્યારે બે જુડવા બાળકોમાંથી એક એડ જ મેસોન સાથે વાત કરે છે.

જ્યારે બીજા જુડવા બાળક જોએલે પોતાનું મૌન તોડ્યું છે અને ડેઇલી મેલ સાથે વાત કરતા તેમના પિતાની નિંદા કરી છે.

જોએલ કહે છે, "તેઓ ખૂબ ચાલાક વ્યક્તિ છે અને તમે આવી વ્યક્તિ સાથે જરા પણ રહેવા માગશો નહીં. મેં આ વસ્તુ ત્યારે જ અનુભવી હતી જ્યારે હું 15 વર્ષનો હતો."

જોએલે એમ પણ કહ્યું કે તેમના સાચા પિતા કોણ છે તે અંગે તેઓ જાણવા માગતા નથી.

તેઓ કહે છે, "રિચર્ડ મારા પિતા છે અને હું મારા સાચા પિતાને શોધવા માગતો નથી."

"તેમને કદાચ એ પણ ખબર નહીં હોય કે તેમના બાળકો પણ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો