EVM હૅકિંગ : ચૂંટણી પંચે હૅકિંગના દાવાને નકાર્યો કહ્યું ફૂલપ્રૂફ છે ઈવીએમ

લંડનમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સ Image copyright Youtube Grab
ફોટો લાઈન લંડનમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સની તસવીર

અમેરિકામાં રહેનારા એક સાઇબર ઍક્સપર્ટ સૈયદ શુજાએ દાવો કર્યો છે કે ભારતમાં 2014માં થયેલી સામાન્ય ચૂંટણીઓમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન(ઈવીએમ) હૅક કરવામાં આવ્યાં હતાં.

શુજા એ એવો પણ દાવો કર્યો છે કે તેઓ ભારતના ઈવીએમને ડિઝાઇન કરનારી ટીમના સભ્ય હતા.

શુજાએ આ મામલે સોમવારે લંડનમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી અને ઈવીએમ હૅકિંગ મામલે અનેક વાતો કહી.

સૈયદ શુજાએ વીડિયો કૉન્ફરન્સ દ્વારા પોતાની વાત રાખી.

જોકે, ભારતના ચૂંટણી પંચે શુજાની વાતને રદીયો આપતાં કહ્યું છે કે ઈવીએમ ફૂલપ્રૂફ છે. તેને હેક કરી શકાય નહીં.

તમે આ વાંચ્યું કે નહીં?

2014ની ચૂંટણીમાં ઈવીએમ હૅક થયાં હતાં?

Image copyright Getty Images

સાઇબર ઍક્સપર્ટ શુજાએ દાવો કર્યો છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી હતી.

શુજાએ એક ચોંકાવનારો દાવો કર્યો હતો કે પૂર્વ કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેની હત્યા થઈ હતી.

તેમના દાવો હતો કે મુંડેને ઈવીએમ હૅકિંગની જાણકારી હતી.

શુજાએ આરોપ લગાવ્યો કે ટેલિકૉમ કંપની રિલાયન્સે ભાજપને હૅકિંગમાં મદદ કરી હતી.

સાઇબર ઍક્સપર્ટ શુજાએ એ પણ દાવો કર્યો કે ગૌરી લંકેશની પણ હત્યા એટલા માટે કરી દેવામાં આવી કે તેઓ ઈવીએમ હૅકિંગ પર એક અહેવાલ પ્રગટ કરવાનાં હતાં.

શુજાએ આ મામલે અનેક પાર્ટીઓને પર પણ આરોપ કરતાં કહ્યું કે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને આમ આદમી પાર્ટી પણ હૅકિંગમાં સામેલ છે.

ઈવીએમ ફૂલપ્રૂફ : ચૂંટણી પંચ

Image copyright Getty Images

આ પ્રેસ કૉન્ફરન્સ થતાની સાથે જ ભારતના ચૂંટણી પંચે પોતાનો પક્ષ રાખ્યો હતો.

ચૂંટણી પંચે પ્રેસ નોટ જારી કરીને કહ્યું હતું કે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતાં ઈવીએમમાં કોઈ છેતરપીંડીં થઈ જ ના શકે.

પંચે કહ્યું કે આ ઈવીએમ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઇલેક્ટ્રોનિક્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડમાં ભારે સુરક્ષા વચ્ચે બનાવવામાં આવ્યાં છે.

પંચે આ મામલે કાયદાકીય કાર્યવાહી અંગે કહ્યું કે આ મામલે કાયદાકીય કાર્યવાહી કેવી રીતે કરી શકાય તે મામલે વિચાર કરવામાં આવશે.


ડેટા ટ્રાન્સમિટ માટે 9 સેન્ટરો : શુજા

શુજાએ એવો પણ દાવો કર્યો કે રિલાયન્સ કૉમ્યુનિકેશન કંપની પાસે ડેટા ટ્રાન્સમિટ કરવા માટેનું નેટવર્ક છે.

તેમણે કહ્યું, "આ નેટવર્કનો ફાયદો ભાજપને મળી રહ્યો છે."

શુજાએ દાવો કર્યો, "ભારતમાં આવાં 9 સેન્ટરો છે, જેમાં ડેટા ટ્રાન્સમિટ થાય છે. કર્મચારીઓને ખબર પણ નથી હોતી કે તેઓ શું કરી રહ્યા છે. તેમને લાગે છે કે તેઓ ડેટા એન્ટ્રી કરી રહ્યા છે."

શુજાએ દાવો કર્યો કે ભાજપને આ મામલે જો ઈશારો ના થયો હોય તો તે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં તે સરળતાથી જીતી જાત.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જીત વિશે બોલતાં તેમણે દાવો કર્યો કે 2015માં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વખતે ડેટા ટ્રાન્સમિશન રોકી દેવામાં આવ્યું હતું જેથી આપ 67 બેઠકો જીતી ગઈ.

આ મામલે ભાજપે શું કહ્યું?

આ પ્રેસ કૉન્ફરન્સમાં કૉંગ્રેસના નેતા કપિલ સિબ્બલ પણ હાજર હતા એવા કેટલાક મીડિયાના અહેવાલો છે.

આ સમગ્ર મામલા પર પ્રતિક્રિયા આપતા નાણા પ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે ઈવીએમ હૅકિંગની વાત સાવ બકવાસ છે.

તેમણે આ મામલાને સ્પષ્ટ કરવા માટે અનેક ટ્વીટ્સ કર્યાં હતાં.

તેમણે કહ્યું, "રફાલ અને ઉદ્યોગપતિની લોન માફ કરવાના જુઠ્ઠાણા બાદ આ સૌથી મોટું જુઠ્ઠાણું ઈવીએમ હૅકિંગ."

બીજા ટ્વીટમાં તેમણે કહ્યું, "શું યુપીએના સમયમાં ઈવીએમ બનાવનારા અને તેનું પ્રોગ્રામિંગ કરનારા હજારો લોકો અને ચૂંટણી પંચ ભાજપ સાથે હતું? સાવ બકવાસ વાત."

કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું, "ઈવીએમ હૅક થાય એવું દર્શાવવા માટે લંડનમાં કાર્યક્રમનું આયોજન કરાયું."

"કૉંગ્રેસ પાસે ઘણા ફ્રિલાન્સર છે, તેઓ ઘણીવાર મોદીજીને હટાવવા માટે પાકિસ્તાનની પણ મદદ લે છે."

"તેઓ આગામી ચૂંટણીમાં તેમની હાર થવાની શક્યતાને કારણે આ હૅકિંગ હૉરર શો કરી રહ્યા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ