પેટ્રોલનો ભાવ વધતાં ઝિમ્બાબ્વેમાં હિંસા, 12 લોકોનાં મૃત્યુ, રાષ્ટ્રપતિએ રદ કર્યો યુરોપ પ્રવાસ

ઝિમ્બાબ્વેમાં હિંસા Image copyright Getty Images

પેટ્રોલના ભાવમાં વધારાના પગલે ઝિમ્બાબ્વેમાં હિંસા ફાટી નીકળી છે. વિરોધ પ્રદર્શનના પગલે ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ એમર્સન મેનગાગ્વાએ પોતાનો યૂરોપ પ્રવાસ રદ કરવો પડ્યો છે.

રાષ્ટ્રપતિ એમર્સન દાવોસ સમિટમાં ભાગ લેવા યૂરોપ પહોંચવાના હતા અને ત્યાં તેઓ ઝિમ્બાબ્વે તરફથી રોકાણ કરવાના હતા.

સત્તાધારી પાર્ટીઓના મંત્રીઓનું કહેવું છે કે વિપક્ષ પાર્ટી મુવમેન્ટ ફૉર ડેમોક્રેટીક ચેન્જ (MDC) પટ્રોલમાં ભાવ વધારાને હિંસા ભડકાવવા એક હથિયાર તરીકે વાપરી રહી છે.

આ તરફ MDC સત્તાધારી પાર્ટી પર દોષનો વેપલો ઢોળી રહી છે.

રાષ્ટ્રપતિ એમર્સને અઠવાડિયા પહેલા પેટ્રોલના ભાવમાં વધારાની જાહેરાત કરી હતી, જ્યારબાદ રાજધાની હરારે અને દક્ષિણ પશ્ચિમી શહેર બુલાવાયોમાં હિંસા ફાટી નીકળી હતી.

જમણેરી વિચારધારા ધરાવતા સંગઠનોનું કહેવું છે કે હિંસામાં 12 લોકોનાં મૃત્યુ થયા છે. જોકે, આ ઔપચારિક આંકડો નથી.

સોમવારની મોડી રાત્રે રાષ્ટ્રપતિ એમર્સન હરારે પહોંચ્યા હતા.

તેમણે પ્રદર્શનની નિંદા કરતા કહ્યું, "દરેકને વિરોધ પ્રદર્શન કરવાનો હક છે, પણ આ શાંતિપૂર્ણ વિરોધ નથી."

તેમણે પ્રદર્શનકારીઓને અવિચારી ગણાવ્યા હતા જેમણે પોલીસ સ્ટેશનમાં લૂંટ ચલાવી બંદૂક અને યુનિફોર્મની ચોરી કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

અગાઉ MDC નેતા નેલસન ચમીસાએ કહ્યું હતું કે ચાર સાંસદો સહિત ઘણા નેતાઓની અટકાયત કરવામાં આવી છે.

તેમણે સુરક્ષાકર્મીઓ પર તેમના ઘરોમાં ઘુસીને પરિવારો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો.

જે જૂથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા તે અમ્બ્રેલા ગ્રુપનું કહેવું છે કે તેમના નેતા જોફેટ મોયોની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ તરફ રાષ્ટ્રપતિએ કહ્યું છે કે સુરક્ષાકર્મીઓ તરફથી જો કોઈ હિંસા કરવામાં આવશે તો તેની તપાસ કરી સજા આપવામાં આવશે.

સરકારના પ્રવક્તા જ્યોર્જ ચારમ્બાએ કહ્યું હતું, "MDCના નેતાઓ વારંવાર એ સંદેશ ફેલાવી રહ્યા છે કે ચૂંટણીના પરિણામોને બદલી નાખવા તેઓ રસ્તા પર હિંસા ફેલાવશે."


વિપક્ષનું શું કહેવું છે?

નેલસન ચમીસાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "એ વાતમાં કોઈ સ્પષ્ટતા આપવાની જરુર નથી. સૈનિકો રસ્તા પર હથિયારો, બંદૂક, મશીન ગન, એકે-47 લઈને ફરી રહ્યા છે. નાગરિકોને મારી રહ્યા છે."

"લોકોને પરિવાર સાથે તેમના ઘરની બહાર લાવવામાં આવે છે. તેઓ સુતા હોય તો પણ તેમને બહાર કાઢવામાં આવે છે.. કોઈ કારણ વગર ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે."

MDCનાં નેશનલ ચેરપર્સન થબીથા ખુમાલો કહે છે કે જ્યારે પોલીસ અને મિલિટ્રી તેમના ઘરમાં ઘુસી આવી હતી, ત્યારે તેમણે છૂપાઈ જવું પડ્યું હતું.

પેટ્રોલના ભાવ કેમ વધ્યા છે?

Image copyright Reuters

પેટ્રોલની કટોકટીનો સામનો કરવા માટે પેટ્રોલમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલનો બિનજરૂરી ઉપયોગ અને ગેરકાયદેસર નિકાસ થતી અટકાવવા માટે પેટ્રોલનો ભાવ વધ્યો છે. આ જાણકારી રાષ્ટ્રપતિ એમર્સને આપી હતી.

પરંતુ ઘણા ઝિમ્બાબ્વેના નાગરિકોનું કહેવું છે કે નોકરી પર જવા માટે હવે તેઓ બસનું ભાડું પણ ચૂકવી શકતા નથી એટલી મોંઘવારી વધી છે.

GlobalPetrolPrices.Comની માહિતી પ્રમાણે, નવા ભાવને ધ્યાનમાં રાખીને દુનિયામાં સૌથી મોંઘુ પેટ્રોલ ઝિમ્બાબ્વેમાં મળે છે.

રાષ્ટ્રપતિ એમર્સન અર્થતંત્રને સ્થિર કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે, જ્યાં ફુગાવો ખૂબ વધી રહ્યો છે અને મજૂરીનો દર અટકી ગયો છે.

સોમવારે દક્ષિણ આફ્રિકાએ ઝિમ્બાબ્વેની લોનની અરજી ફગાવી દીધી હતી. ડિસેમ્બરમાં ઝિમ્બાબ્વેએ 1.2 બિલિયન ડોલરની ઇમરજન્સી લોનની માગ કરી હતી.

સરકારને આશા હતી કે લોનથી અર્થતંત્રને સ્થિર કરશે અને દેશમાં સર્જાયેલી પેટ્રોલની કમીને દૂર કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો