અફઘાનિસ્તાન : ખુફિયા મથક પર તાલિબાનનો હુમલો, આશરે 43નાં મૃત્યુ

હુમલામાં ધરાશાયી થયેલી ઇમારત Image copyright EPA

અફઘાનિસ્તાનના કાબુલ નજીક આવેલા એક ખુફિયા મથક પર તાલિબાને હુમલો કર્યો છે.

NDS ઇન્ટેલિજન્સ સર્વિસે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું છે કે આ હુમલામાં આશરે 43 લોકોનાં મૃત્યુ થયા છે જ્યારે 54 લોકો ઘાયલ થયા છે.

તાલિબાની હુમલાખોરોએ કાર બૉમ્બનો ઉપયોગ કરી હુમલો કર્યો હતો અને પછી ફાયરિંગ કર્યું હતું. કેટલાક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મોતનો આંકડો 100ને પાર પહોંચ્યો છે.

ખુફિયા મથક પર આ સૌથી મોટા હુમલાઓમાંથી એક છે.

વર્દક સ્થિત નેશનલ ડિરેક્ટરેટ ફોર સિક્યોરિટી (NDS)ના મથક પર હુમલો કરતા પહેલા જ તાલિબાને કતારમાં અમેરિકી રાજદૂતો સાથે શાંતિવાર્તા કરી હતી.

રિપોર્ટ્સના આધારે કાબુલથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલા મૈદાન શહરમાં સરકાર સમર્થિત લશ્કરી દળનું ટ્રેનિંગ સેન્ટર આવેલું છે.

હુમલાખોરોએ અહીં પહેલા વિસ્ફોટકોથી ભરેલી કારમાં ધમાકો કર્યો અને પછી બે બંદૂકધારીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું.

NDSએ બીબીસીને જણાવ્યું કે, બીજો કાર હુમલો અફઘાન સુરક્ષાકર્મીઓએ નિષ્ફળ કરી દીધો હતો અને ત્રણ આત્મઘાતી હુમલાખોરોનાં મૃત્યુ થયા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

સોમવારે તાલિબાને કહ્યું કે તેમણે અફઘાનના સ્પેશિયલ ફોર્સ યુનિટ પર હુમલો કર્યો છે અને તેમાં 190 લોકોનાં મૃત્યુ થયા છે. તાલિબાન ઘણી વખત પોતાના હુમલામાં થયેલા લોકોનો મૃત્યુઆંક બમણો કરીને જણાવે છે.

શરૂઆતમાં ઔપચારિક રૂપે 20 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી. પરંતુ નવા અનૌપચારિક આંકડા જણાવે છે કે કાટમાળમાંથી આશરે 70 જેટલા લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે.

મોટાભાગના લોકોના મૃત્યુ બ્લાસ્ટના કારણે છત તૂટી પડવાથી થયા હતા.

વર્ષ 2014માં જ્યારે વિદેશી સેનાએ અફઘાનિસ્તાન છોડ્યું, ત્યારથી તાલિબાનનો દબદબો વિસ્તારમાં વધી ગયો છે.

તાલિબાન ઘણી વખત સૈન્ય મથક, સૈનિકો અને પોલીસ પર હુમલા કરે છે.

ગત વર્ષે રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ કહ્યું હતું કે વર્ષ 2015થી 28000 અફઘાન પોલીસ અને સૈનિકોનાં મૃત્યુ થયા હતા.


કોણ છે તાલિબાન?

અફઘાનિસ્તાનમાંથી સોવિયત સેનાના હટી ગયા બાદ તાલિબાનનો ઉદય 1990ના દાયકામાં થયો હતો.

1996થી 2001 સુધી તાલિબાને અફઘાનિસ્તાન પર રાજ કર્યું હતું. પરંતુ અમેરિકામાં થયેલા 9/11ના હુમલા બાદ અમેરિકાની સેનાએ તાલિબાનને અફઘાનિસ્તાનમાં હાર અપાવી હતી.

એવું કહેવામાં આવતું હતું કે જે અલ કાયદાના હુમલાખોરોએ અમેરિકામા હુમલો કર્યો હતો તેમણે અફઘાનિસ્તાનમાં આશરો લીધેલો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ