'ગોલ્ડન બ્લડ' : એવું લોહી જે બચાવી શકે છે સૌનો જીવ

ગોલ્ડન બ્લડ Image copyright Getty Images

ગોલ્ડ બ્લડ. સાંભળીને કોઈ અત્યંત અમૂલ્ય વસ્તુ હોય તેવું જણાય છે. લોહીનું આ એક દુર્લભ ગ્રૂપ છે જે દુનિયામાં ઘણાં ઓછા લોકો ધરાવે છે.

ભલે આ ગ્રૂપના લોકોને તમે ખાસ માનો પણ ખરેખર તો આ બાબત એમના માટે ઘણી વખત જીવલેણ બની જતી હોય છે.

જે બ્લડ ગ્રૂપને 'ગોલ્ડન બ્લડ' કહેવામાં આવે છે એનું વાસ્તવિક નામ આરએચ નલ (Rh null) છે.

Rh null શું છે અને આને કેમ અમૂલ્ય ગણવામાં આવે છે અને શા માટે તેની સરખામણી સોના સાથે કરવામાં આવે છે?

આ બ્લડ ગ્રૂપવાળા લોકોને શેનું જોખમ હોય છે?

આ સવાલોનો જવાબ મેળવતા પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે બ્લડ ગ્રૂપનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે.


આવી રીતે નક્કી કરવામાં આવે છે બ્લડ ગ્રૂપ

Image copyright Getty Images

લોહી કે જે લાલ કોશિકાઓમાંથી બનેલું હોય છે તેના પર પ્રોટીનનું એક સ્તર હોય છે જેને ઍન્ટીજન કહેવામાં આવે છે.

બ્લડ ટાઈપ Aમાં માત્ર ઍન્ટીજન A હોય છે, બ્લડમાં B માત્ર B , બ્લડ AB માં આ બન્ને હોય છે અને ટાઈપ O માં આ બન્ને હોતા નથી હોતા.

લાલ લોહીની કોશિકાઓમાં એક અન્ય પ્રકારનું ઍન્ટીજન હોય છે. એને કહેવામાં આવે છે Rh D.

આ ઍન્ટીજન 61 Rh ટાઈપના ઍન્ટીજનોના સમૂહનો એક ભાગ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જ્યારે લોહીમાં Rh D હોય ત્યારે તેને પૉઝિટિવ ગણવામાં આવે છે અને ના હોય ત્યારે તેને નૅગેટિવ ગણવામાં આવે છે.

આ રીતે સામાન્ય બ્લડ ગ્રૂપની ઓળખ કરી એનું વર્ગીકરણ આ રીતે કરવામાં આવે છે : A-, B +, B-, AB +, AB-, O + , અને O-.

જો કોઈને લોહી ચઢાવવાની જરૂર પડે તો એના ગ્રૂપની જાણ હોવી જરૂરી છે.

જો નૅગેટિવ ગ્રૂપવાળા માણસને પૉઝિટિવ દાતાનું લોહી આપવામાં આવે તો આ તેના માટે પ્રાણઘાતક બની શકે છે.

આવું એટલા માટે કે એના શરીરના એન્ટીબૉડીઝ આ લોહીનો અસ્વીકાર કરી દે છે.

આ જ કારણસર O- બ્લડ ગ્રૂપવાળા લોકોને યુનિવર્સલ ડૉનર કહેવામાં આવે છે.

કારણ કે આમાં એન્ટીજન A, B કે Rh D હોતા નથી.

આવા સંજોગોમાં લોહી કોઈ પણ અડચણ વગર અન્ય ગ્રૂપવાળા વ્યક્તિના લોહીમાં ભળી જઈ શકે છે.


જોખમકારક 'ગોલ્ડન બ્લડ'

Image copyright Getty Images

આ પ્રકારનાં જેટલાં પણ સંયોજન છે તેમાં Rh null સૌથી અલગ છે.

જો કોઈના રેડ બ્લડ સેલમાં એન્ટીજન નથી તો એનું બ્લડ ટાઈપ Rh null હશે.

બાયૉમેડિકલ રિસર્ચ પોર્ટલ મોજેક પર છાપવામાં આવેલા એક લેખમાં પૅન બૅલીએ લખ્યું છે કે પ્રથમ વખત આ બ્લડ ગ્રૂપની ઓળખ 1961માં કરવામાં આવી હતી.

ઑસ્ટ્રેલિયાનાં મૂળ નિવાસી મહિલામાં આ જોવા મળ્યું હતું. ત્યારબાદ અત્યાર સુધી આ પ્રકારના માત્ર 43 કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.

નેશનલ યૂનિવર્સિટી ઑફ કોલંબિયામાં હૅમેટૉલૉજીમાં નિષ્ણાત નતાલિયા વિલારોયાએ બીબીસીને જણાવ્યું કે આ પ્રકારનું લોહી આનુવાંશિક રીતે મળશે.

એમણે કહ્યું, 'માતા-પિતા બન્ને આ મ્યૂટેશનનાં વાહક હોવા જોઈએ.'

Rh બ્લડ ટાઈપ એક રીતે વરદાન પણ બની શકે છે અને શાપ પણ.

એક રીતે આ યુનિવર્સલ બ્લડ છે જે કોઈ Rh ટાઈપ વાળા કે Rh ટાઈપ વગરનાને ચઢાવી શકાય છે.

કારણ કે આવું ઘણાં ઓછા કિસ્સાઓમાં બની શકે છે કારણ કે આને પ્રાપ્ત કરવું દુર્લભ છે.

નેશનલ રેફરન્સ લેબોરેટરીના નિદેશક ડૉક્ટર થિયરી પેરર્ડને ટાંકીને મોજેક પર લખવામાં આવ્યું છે, "અત્યંત દુર્લભ હોવાને કારણે જ આને ગોલ્ડન બ્લડ કહેવામાં આવે છે."

બૅલીના જણાવ્યા અનુસાર, આ પ્રકારનું લોહી ખૂબ જ મોંઘું હોય છે.

ભલે આ પ્રકારના લોહીને કોઈ પણ પ્રકારની ઓળખ વગર સંગ્રહિત કરવામાં આવ્યું હોય પણ એવા કિસ્સા બહાર આવ્યા છે કે જેમાં વૈજ્ઞાનિકોએ પોતાની શોધ માટે લોહીના નમૂના લેવાના હેતુસર રક્તદાન કરનારની ભાળ કાઢવાનો પ્રયાસ કર્યો હોય.


મોંઘું પડે છે આ પ્રકારનું લોહી

Image copyright CHOJA

ગોલ્ડન બ્લડ ગ્રૂપ હોવું ઘણી વખતે લોકોને મોંઘું પડી જતું હોય છે.

યુએસ રૅયર ડિસીઝ ઇન્ફર્મેશન સેન્ટર અનુસાર જે લોકોનું બ્લડ ગ્રૂપ Rh null હોય છે એમને હળવા પ્રકારનો ઍનિમીયા હોઈ શકે છે.

વળી જો તેમને લોહી ચઢાવવાની જરૂર પડે તો એમને માત્ર Rh null લોહી જ ચઢાવી શકાય છે અને જેને શોધવું એક કપરું કામ છે.

માત્ર એટલા માટે જ નહીં કે આ પ્રકારના લોહી વાળા લોકો ઓછા પ્રમાણમાં છે પણ બીજા કોઈ દેશોમાં આ પ્રકારના લોહીના દાતા મળી જાય તો ત્યાંથી લોહી લાવવું પણ અઘરું છે.

Rh null બ્લડ ગ્રૂપવાળા લોકો બ્રાઝિલ, કોલંબિયા, જાપાન, આયરલૅન્ડ અને અમેરિકામાં રહે છે.

એમને પ્રોત્સાહન આપી શકાય છે કે તેઓ લોહી ડૉનેટ કરતા રહે કે જેથી આ રિઝર્વ તરીકે કોઈ વખતે પોતાના માટે પણ કામ લાગી શકે.

પણ આ બ્લડ ગ્રૂપવાળા લોકો ઘણા ઓછા છે તેથી એમનું લોહી અન્ય જરૂરિયાતવાળાને પણ ખપમાં આવી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો