વેનેઝુએલામાં પેટ્રોલ પાણીથી પણ સસ્તું, છતાં સરકારનો વિરોધ કેમ?

વેનેઝુએલામાં વિરોધ Image copyright EPA

દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલા હાલ રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.

અહીંના વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ મડુરોની સત્તા સામે લાખો લોકો પ્રદર્શન કરી રહ્યા છે.

આ પ્રદર્શનની વચ્ચે હાલ ત્યાંના વિપક્ષના નેતા ખુઆન ગોઇદોએ ખુદને જ વચ્ચગાળાના રાષ્ટ્રપતિ ઘોષિત કરી દીધા છે.

જે બાદ અમેરિકાએ વિપક્ષના નેતાને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તરીકે મંજૂરી પણ આપી દીધી.

અમેરિકાને અનુસરતા બ્રાઝિલ, કોલંબિયા તથા પેરુએ પણ ગોઈદોને રાષ્ટ્રપતિ તરીકે માન્યતા આપી દેતાં સંકટ વધારે ઘેરું બન્યું છે.

જે બાદ મડુરોએ અમેરિકા સાથેના સંબંધોને કાપી નાખવાનો આદેશ આપ્યો અને અમેરિકાના ડિપ્લોમેટ્સને 72 કલાકમાં દેશ છોડી જવાનું અલ્ટીમેટમ પણ આપી દીધું.

તમે આ વાંચ્યું કે નહીં?

વેનેઝુએલામાં વિપક્ષના નેતા ખુઆન ગોઇદોના નેતૃત્વ હેઠળ લાખો લોકો રાષ્ટ્રપતિ મડુરોના વિરોધમાં રસ્તાઓ પર ઊતર્યા છે.


જ્યાં પેટ્રોલ આટલું સસ્તું મળે છે ત્યાં વિરોધ કેમ?

Image copyright EPA

નિકોલસ મડુરો અહીં બીજી ટર્મ માટે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.

જોકે, વિરોધ પક્ષોએ ગઈ ચૂંટણીમાં મડુરો સામે ચૂંટણીમાં મોટા પ્રમાણમાં ગેરરીતીઓ આચરવાના આક્ષેપો કર્યા હતા.

મડુરોના નેતૃત્વ હેઠળ વેનેઝુએલા વર્ષોથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.

બેકાબૂ ફુગાવાના દરથી વધતી મોંઘવારી, ખાવાની વસ્તુઓ અને દવાની સખત અછતના કારણે લાખો લોકો વેનેઝુએલા છોડીને ચાલ્યાં ગયાં છે.

'ગ્લૉબલ પેટ્રોલ પ્રાઇસિઝ ડૉટ કૉમ' મુજબ વેનેઝુલામાં પેટ્રોલના ભાવ દુનિયામાં સૌથી ઓછા છે.

વેબસાઇટ મુજબ ગુરુવારના આંકડાઓ પ્રમાણે વેનેઝુએલામાં પેટ્રોલના ભાવ 71 પૈસા પ્રતિ લીટર હતા, એટલે કે ભારતીય એક રૂપિયાથી પણ ઓછા ભાવ છે.

આપને આ પણ વાંચવું ગમશે

1 રૂપિયા પ્રતિ લીટરથી પણ ઓછા ભાવે પેટ્રોલ મળતું હોવા છતાં વેનેઝુએલામાં ખાદ્યપદાર્થો તથા દવાઓના ભાવ એટલા છે કે સુપરમાર્કેટો ખાલી પડી છે.

ઑગસ્ટમાં લઘુતમ વેતનમાં 60 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

'ડૉલર ટુડે' મુજબ નવેમ્બરમાં લઘુતમ વેતન વધારીને 4,500 બૉલિવાર્સ કરવામાં આવ્યું હતું.

વ્યાપારીઓને ચિંતા છે કે તેઓ કેવી રીતે કર્મચારીઓને પગાર ચૂકવશે.

લોકોને સુપર માર્કેટમાં ખાવા-પીવાની વસ્તુઓ નથી મળી રહી.

મૂળભૂત માળખામાં રોકાણની અછતને કારણે અમુક શહેરોમાં પાણી અને વિજળી પણ મળી રહ્યાં નથી.

લોકોનાં ઘરો અને વ્યાપાર સિવાય આને કારણે હૉસ્પિટલોમાં પણ ભારે મુશ્કેલી વર્તાઈ રહી છે.

ખાદ્ય સામગ્રીની કમીને કારણે બાળકોમાં કુપોષણ પણ રેકૉર્ડ સ્તર પર પહોંચી ગયું છે.


વેનેઝુએલામાં આવી પરિસ્થિતિ કેમ થઈ?

Image copyright EPA

કાગળો પર વેનેઝુએલા એક અમીર દેશ હોવો જોઈએ કારણ કે એ સાબિત થઈ ગયું છે કે તેની પાસે દુનિયાના સૌથી મોટા તેલ ભંડાર છે.

વેનેઝુએલાનું અર્થતંત્ર તેલ પર એટલું નિર્ભર થઈ ગયું છે કે હવે તેની કમાણીનો 95 ટકા આધાર માત્ર ઑઇલની નિકાસ છે.

2014માં જ્યારે તેલના ભાવ નીચે પડ્યા ત્યારે સ્વાભાવિક રીતે વેનેઝુએલા તેનાથી પ્રભાવિત થયું હતું.

આનો અર્થ એ થયો કે વેનેઝુએલા સામે વિદેશી મુદ્રાની ભારે અછત સર્જાઈ અને તેની સામે બીજી વસ્તુઓ આયાત કરવા માટે મુશ્કેલી ઊભી થઈ ગઈ.

આ કારણે વેનેઝુએલામાં આયાત કરેલી વસ્તુઓની કમી થવા માંડી.


અધધધ... ફુગાવાએ વેનેઝુએલાને કંગાળ કર્યું

Image copyright AFP

આ તમામનું પરિણામ એ આવ્યું કે વેપારીઓએ કિંમતો વધારી દીધી અને ફુગાવો પણ વધ્યો.

'નેશનલ ઍસેમ્બલી'ના એક અધ્યયન મુજબ નવેમ્બર 2018માં વેનેઝુએલામાં વાર્ષિક ફુગાવો 1,300,000% થઈ ગયો હતો.

આટલું જ નહીં સરકારે વધારાની રોકડ છાપવાની તૈયારી બતાવી અને ગરીબો વચ્ચે લોકપ્રિયતા વધારવા માટે લઘુતમ વેતન સતત વધાર્યાં કર્યું.

વેનેઝુએલાની સરકાર ઘણી વખત સરકારી બૉન્ડ પર ડિફૉલ્ડર થઈ ચૂકી છે એટલે તેને લોન મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

રોકાણકારો આ સંજોગોમાં વેનેઝુએલામાં રોકાણ કરવાનો ખતરો ઉપાડે તેવી સંભાવનાઓ ઓછી હોવાને કારણે સરકારે વધુ કરન્સી છાપવાનો નિર્ણય કર્યો છે.

એના કારણે બોલિવાર(વેનેઝુએલાનું ચલણ)નું અવમૂલ્યન થયું છે અને ફુગાવો વધ્યો છે.


30 લાખ લોકોએ છોડી દીધો દેશ

Image copyright Getty Images

વેનેઝુએલાની વસ્તી 32 કરોડ 40 લાખ છે. આર્થિક સંકટ શરૂ થયા બાદ અંદાજે 30 લાખ લોકો દેશ છોડીને જતાં રહ્યાં છે.

સંયુક્ત રાષ્ટ્રના આંકડાઓ કહે છે કે 2014માં આર્થિક સંકટની શરૂઆતથી લઈને અત્યાર સુધી દેશની દસ ટકા વસ્તીએ વેનેઝુએલા છોડી દીધું છે.

આ વિશ્વના પશ્ચિમી ભાગમાં સૌથી મોટી સંખ્યામાં લોકોને જબરદસ્તીપૂર્વક વિસ્થાપિત થવું પડ્યું છે.

2013માં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝની જગ્યાએ નિકોલસ મડુરો રાષ્ટ્રપતિ બન્યા હતા.

જોકે, વેનેઝુએલાની અંદર તથા બહાર, કથિત માનવાધિકારનું ઉલ્લંઘન તથા આર્થિક પરિસ્થિતિને કારણે તેમનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે.

આપને આ પણ વાંચવું ગમશે

વિસ્થાપિતોમાં જાન્યુઆરીમાં મડુરોના સમર્થક રહેલા પૂર્વ સુપ્રીમ કોર્ટ જજ ક્રિસ્ટિયન ઝેરપા પણ સામેલ છે.

તેમણે કહ્યું હતું કે તેઓ બીજી વખત મડુરોના રાષ્ટ્રપતિ બનવાના વિરોધમાં વેનેઝુએલા છોડી રહ્યા છે.

જોકે, ઉપ-રાષ્ટ્રપતિ ડૅલસી રૉડ્રિગ્ઝ 30 લાખ લોકોના વિસ્થાપનની વાતને ફગાવતા કહે છે કે દુશ્મન દેશો સંખ્યા વધારીને બતાવી રહ્યા છે.

સોમવારે 27 નેશનલ ગાર્ડની સૌનિકોએ કરાકાસમાં સરકાર વિરુદ્ધ બળવો કર્યો હતો.


અત્યારે વેનેઝુએલામાં શું થઈ રહ્યું છે?

Image copyright Anadolu Agency/Getty

વેનેઝુએલામાં માદુરોના પક્ષમાં પણ નાની-નાની રૈલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

નિકોલસ માદુરોએ જાન્યુઆરીમાં બીજી વખત વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતાં.

જોકે, વેનેઝુએલામાં થયેલી ચૂંટણીને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઢોંગ કહેવામાં આવી હતી.

જે બાદ લોકોનો સતત વિરોધ વધતો ગયો અને વિપક્ષના નેતાએ પોતાને રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરી દીધા.


સેના પર પ્રભાવ

Image copyright Getty Images
ફોટો લાઈન વિપક્ષના નેતા ખુઆન ગોઇદો

બુધવારે ગોઇદોએ શપથ લેતી વખતે કહ્યું, "હું કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રીય કાર્યકારી શક્તિઓને અધિકૃત રીતે હાથ ધરવાની શપથ લઉં છું."

દેશની સંસદના વડા ગોઇદોએ સેનાને પણ મડુરોની સરકારની અવગણના કરવાની અપીલ કરી છે.

તેમણે વેનેઝુએલામાં કાર્યકારી સરકારનું નેતૃત્વ કરવા તથા નિષ્પક્ષ ચૂંટણી કરવાનું વચન આપ્યું છે.

જોકે, વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ મડુરો પોતાની સત્તા છોડવા માટે રાજી નથી. હાલ વેનેઝુએલા રાજકીય સંકટમાં ફસાયું છે.

બીબીસી લૅટિન અમેરિકાના સંપાદક કૅન્ડેન્સ પીએટે કહ્યું કે મડુરોએ સેનાને પોતાના પક્ષમાં રાખવાના ઘણા પ્રયાસો કર્યા છે.

તેમણે સેનાધિકારીઓને મહત્ત્વપૂર્ણ સરકારી પદો અને સેના સાથે સંકળાયેલી કંપનીઓને તેલના કૂવાના કરારો આપ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ