BBC TOP NEWS : અમેરિકા : ત્રણ અઠવાડિયા માટે શટડાઉનનો અંત

ટ્રમ્પ Image copyright AFP

અમેરિકામાં છેલ્લા 35 દિવસોથી ચાલી રહેલું શટડાઉન અથવા કામબંધી અસ્થાયી રૂપે બંધ થવાનું છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ મુદ્દે એક સમજૂતી થઈ છે જેના કારણે 15 ફેબ્રુઆરી સુધી અમેરિકન સરકારનું કામકાજ ચાલુ રહેશે.

આ સાથે જ આગામી ત્રણ અઠવાડિયા સુધી બે દળની એક સમિતિ બેસાડવામાં આવશે જે સરહદ સુરક્ષાને લઈને ચર્ચા કરશે.

ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે કૉંગ્રેસ સાથે યોગ્ય સમજૂતી સધાયા વિના સરકારનું કામ ફરીથી બંધ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ચાલી રહેલા શટડાઉનને કારણે ત્યાંના દરેક સરકારી કામકાજ ઠપ્પ છે. આ સાથે વિમાન સેવામાં પણ આ શટડાઉનની અસર જણાઈ રહી છે.


ગુજરાતીઓ પદ્મશ્રી ઍવોર્ડ માટે નામાંકિત

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' ના અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે વર્ષ 2019માં 4 પદ્મ વિભૂષણ, 14 પદ્મ ભૂષણ અને 64 પદ્મશ્રી સહિત 112 લોકોની યાદી જાહેર કરી છે જેમાં 8 ગુજરાતીઓનો સમાવેશ થાય છે.

ફિલ્મ અભિનેતા કાદર ખાન અને પત્રકાર કુલદીપ નાયરને મૃત્યુપર્યત પદ્મશ્રી જાહેર થયા.

ગુજરાતીઓની વાત કરવામાં આવે તો પદ્મશ્રીની યાદીમાં વલ્લભભાઈ મોરવણીયા (ખેતી), ગણપતભાઈ પટેલ (શિક્ષણ), જ્યોતિ ભટ્ટ (આર્ટ એન્ડ પેઇન્ટિંગ), મુક્તાબહેન ડગલી (સામાજિક કાર્ય), જોરાવરસિંહ જાદવ (લોકનૃત્ય અને કલા), અબ્દુલ ગફુર ખત્રી (આર્ટ એન્ડ પેઇન્ટિંગ), બિમલ પટેલ અને નગીનદાસ સંઘવી (રાજકીય વિવેચક, મહારાષ્ટ્રથી) નો સમાવેશ થાય છે.

આ સિવાય નગીનદાસ સંઘવી અને જગદીશ પ્રસાદ પરીખને પણ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.

જ્યારે એ. એમ. નાયક (એલ એન્ડ ટી લિમિટેડ)ને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો.

પદ્મ વિભૂષણ માટે તેજનબાઈ (લોક ગાયિકા), ઇસ્લાઇલ ઉંમર ગુલ્લે, અનિલ કુમાર મણિભાઈ નાયક અને બલવંત મોરેશ્વર પુરાંદ્રેનો સમાવેશ થાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?


વેશ્યા શબ્દ ઉશ્કેરણીજનક સંબોધન : સુપ્રીમ કોર્ટ

Image copyright Getty Images

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જો પતિ પોતાની પત્નીને વેશ્યા કહી સંબોધે તો તે અચાનક ઉશ્કેરણીજનક નિવેદન ગણાશે જે આઈપીસી કલમ 300ના અપવાદ 1ની અંતર્ગત આવશે.

આ ઉશ્કેરણીજનક નિવેદન બાદ કરાયેલી હત્યા વગર ઇરાદે કરાયેલી હત્યા ગણાશે.

જસ્ટિશ એમ. એમ. શાંતનાગૌડર અને દિનેશ માહેશ્વરીની વડપીઠ બેન્ચે કહ્યું કે આ પ્રકારે ઉશ્કેરણીજનક સંબોધન બાદ કરાયેલી હત્યા આર્ટીકલ 304 ભાગ-1 અંતર્ગત આવશે.

ઉલ્લેખનીય છે કે કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો હતો જેમાં પ્રેમી સાથે મળીને પ્રેમિકાએ તેના પતિની હત્યા કરી નાખી હતી.

આ કેસમાં ટ્રાયલ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટે બન્ને આરોપીને આઈપીસી કલમ 302 તથા પુરાવા નષ્ટ કરવા માટે 201 અંતર્ગત ગુનેગાર ઠેરવ્યા હતા.

જોકે, બાદમાં આરોપીઓએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.


ભારત-ન્યૂઝિ લૅન્ડ વચ્ચે બીજી બીજી વનડે મૅચનો પ્રારંભ

Image copyright Getty Images

ન્યૂઝિ લૅન્ડના નેપિયર ખાતે ભારત અને ન્યૂઝિ લૅન્ડ વચ્ચે વનડે શ્રેણીની બીજી મૅચનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય બેટ્સમેન શિખર ધવન (26 રન) અને રોહિત શર્મા (33 રન) સાથે ભારતની આગેવાની કરી રહ્યા છે. હાલમાં ટીમના કુલ 63 રન બન્યા છે.

ઉલ્લેખનીય છે કે આ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ન્યૂઝિ લૅન્ડને 157 રનમાં ઓલઆઉટ કરી મેચી જીતી લીધી હતી.

આ મેચમાં શિખર ધવને ધુવાંધાર બેટિંગ કરી 103 બૉલમાં 75 રન કર્યા હતા.


ગ્રીસના સંસદમાં મેસિડોનિયાના નવા નામને મંજૂરી

Image copyright REUTERS

ગઈ કાલે ગ્રીસની સંસદમાં મેસિડોનિયાને લઈને ચાલી રહેલા 27 વર્ષ જૂના વિવાદનો અંત આવી ગયો. 146ની સામે 153 મત સાથે મિસિડોનિયાના નવા નામ 'રિપબ્લિક ઑફ મેસિડોનિયા'ને મંજૂરી મળી ગઈ છે.

ગ્રીક વડા પ્રધાન એલેક્સિસ ત્સીપ્રાસે કહ્યું હતું કે 'ઉત્તર મેસિડોનિયાનો આજે જન્મ થયો.'

ઉલ્લેખનીય છે કે વર્ષ 1991થી અને પોતાની સ્વતંત્રથી ગ્રીસ મેસિડોનિયાના નામને નકારી રહ્યું છે કારણ કે ગ્રીસમાં પણ મેસિડોનિયા નામનો પ્રાંત આવેલો છે.

નામના આ વિવાદને કારણે મિસિડોનિયાને નાટો અને યુરોપિયન યુનિયનમાં પ્રવેશ મળતો નહોતો.

નામના વિવાદ પર ચાલી રહેલા મતદાન સમયે સંસદની બહાર હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો