ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલૅન્ડ સામે 'ટીમ વર્ક'થી વિજય, ભારત 2-0થી આગળ

ટીમ ઇન્ડિયા Image copyright Getty Images

ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવન અને રોહિત શર્માની આક્રમક ભાગીદારી અને ત્યારબાદ કુલદીપ યાદવ સહિત ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડ દેખાવથી પ્રજાસત્તાક દિવસે રમાઈ રહેલી વન-ડે મૅચમાં ભારતે વિજય મેળવ્યો છે.

325 રનના લક્ષ્ય સામે ન્યૂઝીલૅન્ડની ટીમ 234 રનમાં ઑલ આઉટ થઈ ગઈ હતી.

માઉન્ટ મૉનગાનુઈ ખાતે રમાઈ રહેલી મેચમાં ભારતે ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેને ઓપનિંગ જોડીએ યોગ્ય સાબિત કર્યો હતો.

ધવન અને રોહિતની જોડીએ આક્રમક શરુઆત કરી હતી.

ભારતની ઇનિંગમાં શિખર ધવન અને રોહિત શર્માની જોડીએ 146 બૉલમાં 150 રન ફટકાર્યા હતા.

રોહિત શર્માએ 96 બૉલમાં 87 રન અને શિખર ધવને 67 બૉલમાં 66 રન કર્યા હતા.

ઓપનિંગ બૅટ્સમૅન આઉટ થયા બાદ વિરાટ કોહલી અને અંબાતી રાયડુએ ઉપયોગી ભાગીદારી કરી હતી. જોકે, વિરાટ કોહલી અને અંબાતી રાયડૂ અડધી સદી ચૂકી કયા હતા.

વિરાટ કોહલી 45 બૉલમાં 43 રને અને રાડૂ 49 બૉલમાં 47 રને આઉટ થયા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

ભારતે છેલ્લી ઓવરમાં 20 રન કર્યા હતા. મહેન્દ્રસિંહ ધોનીએ 33 બૉલમાં 48 રન કર્યા હતા.

છેલ્લે રમતમાં આવેલા કેદાર જાદવે 10 બૉલમાં ઉપયોગી 21 રન કર્યા હતા.ધોની અને કેદાર જાદવ અણનમ રહ્યા હતા.

આમ, બૅટ્સમેનનો ઑલરાઉન્ડ દેખાવથી ભારતે ન્યૂઝીલૅન્ડને 325 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.


ટીમ ઇન્ડિયાનું ટીમવર્ક

Image copyright Getty Images

આજની મૅચની ખાસિયત એ ટીમવર્ક રહ્યું હતું. તમામ બૅટ્સમૅન દ્વારા શાનદાર દેખાવ બાદ બૉલર્સે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતું.

ભૂવનેશ્વર કુમારે માર્ટિન ગપ્ટીલને 15 રન પર આઉટ કરી પહેલી સફળતા અપાવી હતી. ત્યાર બાદ ચહલે કૉલિન મુનરોને 31 રન પર આઉટ કર્યા હતા.

મોહમ્મદ શમીએ કૅપ્ટન વિલિયસનની મહત્ત્વની વિકેટ ઝડપી હતી. શમીના દડે કિવી કૅપ્ટન બૉલ્ડ થઈ ગયા હતા. વિલિયસને 20 રન કર્યા હતા.

કેદાર જાદવે સૅટ થઈ રહેલાં બૅટ્સમૅન રૉસ ટૅલરને આઉટ કરી દીધા હતા. રોઝ ટેલરે 25 બૉલમાં 22 રન કર્યા હતા.

ટૅલર આઉટ થયા બાદ કુલદીપ યાદવે 31મી ઓવરમાં બૅક ટૂ બૅક હેનરી નિકોલ્સ અને ઇશ સોઢીને આઉટ કરી દીધા હતા.

ટૉમ લાથમને કુલદીપ યાદવે 34 રન પર એલબીડબલ્યૂ આઉટ કરી દીધા હતા. લાથમે 32 બૉલમાં સૌથી વધારે 34 રન બનાવ્યા હતા.

કુલદીપ યાદવે મૅચમાં કુલ 4 વિકેટ ઝડપી હતી.

ન્યૂઝિલૅન્ડ વતી ડૉગ બ્રૅસવેલે ટક્કર આપી હતી. એમણે આક્રમક બૅટિંગ કરતા 46 બૉલમાં 57 રન નોંધાવ્યા હતા.

ભૂવનેશ્વરકુમારે એમની વિકેટ ઝડપી હતી.

ઉલ્લેખનીય છે કે આ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 157 રનમાં ઑલઆઉટ કરી મેચી જીતી લીધી હતી. ભારત હવે સિરીઝમાં 2 મૅચ જીતી આગળ થઈ ગયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો