ભૂરા રંગના પ્રકાશથી ખરેખર લોકો આત્મહત્યા કરતાં ઓછા થઈ જાય છે?

ટ્રેન Image copyright DAMON COULTER

વૈજ્ઞાનિકોનો દાવો હતો કે રેલવે સ્ટેશનો પર ભૂરા રંગના પ્રકાશની લાઇટ્સ રાખવાથી આત્મહત્યાના કેસોમાં 84 ટકાનો ઘટાડો નોંધાયો.

એક રિસર્ચ પેપરમાં સંકેત આપવામાં આવ્યો હતો કે રેલવે સ્ટેશન પર ભૂરા રંગના પ્રકાશવાળા બલ્બ કે લેમ્પ લગાવવાથી ત્યાં થતી આત્મહત્યાઓના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

ત્યારથી જ વિશ્વભરમાં આ નુસખો ચર્ચાનો વિષય બન્યો છે. આ રિસર્ચ પેપર જાપાનમાં છપાયું હતું.

વર્ષ 2013માં એક ઑનલાઇન રિસર્ચ પેપર પ્રકાશિત થયું હતું જેણે ઑનલાઇન દુનિયામાં ઘણી ચર્ચા જગાવી હતી.

સોશિયલ મીડિયા પર આ રિસર્ચ મામલે સંખ્યાબંધ કૉમેન્ટ્સ કરવામાં આવી હતી. વળી તે મામલે થયેલી સંખ્યાબંધ સ્ટોરીઝ પણ વાઇરલ થઈ હતી.

જેને પગલે આત્મહત્યાની સમસ્યાનો સામનો કરી રહેલા ઘણા દેશોએ તેનો પ્રયોગ કર્યો.

પરંતુ જેમ દરેક વિજ્ઞાન સંબંધિત કિસ્સાઓ સાથે થતું આવ્યું છે એવું જ આ કિસ્સામાં પણ થયું.

આ સ્ટોરીને તોડી-મરોડીને તેનાં તથ્યો સાથે છેડખાની કરીને તેને શૅર કરવાનું શરૂ થયું અને તેને સમજવામાં આવી.

તેની શરૂઆત એકવીસમી સદીના પહેલા દાયકામાં થઈ હતી. ત્યારે જાપાનની કેટલીક રેલવે કંપનીઓ રેલવે સ્ટેશનો પર ભૂરા રંગની રોશની લગાવવાની શરૂઆત કરી હતી.

આ કોશિશ પાછળનો હેતુ રેલવે સ્ટેશનો પર આત્મહત્યા રોકવાનો હતો.

ઘણી વાર આવી નાની નાની બાબતોના કારણે લોકોના વર્તાવમાં કેટલોક ફેરફાર જોવા મળતો હોય છે.


ભૂરા રંગની રોશનીથી શું અસર થાય છે?

Image copyright Getty Images

ભૂરા રંગની રોશનીને રેલવે સ્ટેશન પર ઉપયોગમાં લેવા પાછળનો વિચાર એ હતો કે લોકોની માનસિકતા પર અસર કરવામાં આવે.

વર્ષ 2017માં થયેલા એક સંશોધને આ વિચાર પર મહોર લગાવી હતી અને તેનું સમર્થન કર્યું હતું.

સંશોધનનાં તારણોમાં જાણવા મળ્યું હતું કે માનસિક બીમારીથી પીડાતા લોકો જો થોડો સમય ભૂરા રંગના પ્રકાશમાં સમય પસાર કરે, તો તેમને માનસિક શાંતિ મળે છે.

જાપાનની વાસેડા યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ મિચિકો યૂએડાએ રેલવે કંપનીઓના આ પ્રયોગ વિશે સાંભળ્યું હતું.

તેમણે રેલવેના ઍડમિનિસ્ટ્રેશન સાથે વાતચીત કરી. રેલવેના મૅનેજરોએ દાવો કર્યો કે ભૂરા રંગની રોશનીથી સારાં પરિણામ આવ્યાં છે.

આત્મહત્યા રોકવા માટે આ નુસખો કારગત નિવડ્યો છે.

મિચિકો યૂએડાએ જાપાનમાં આત્મહત્યાના વધી રહેલા મામલાઓના કારણો તપાસવા માટે સંશોધન કર્યું હતું.

તેની પાછળ આર્થિક કારણોની સાથે સાથે કુદરતી આપદા અને સેલિબ્રિટી સ્યૂસાઇડ સુધીનાં કારણો સામેલ હતાં.

જોકે, મિચિકોએ જ્યારે રેલવે કંપનીઓ દ્વારા ભૂરા રંગના પ્રકાશના ઉપયોગ વિશે સાંભળ્યું ત્યારે તેમને શંકા થઈ હતી. તેમણે રેલવે પાસે આ મામલે આંકડાઓ માંગ્યા હતા.

મિચિકોએ જાપાનના 71 રેલવે સ્ટેશનો પર છેલ્લાં દસ વર્ષમાં કરવામાં આવેલી આત્મહત્યાના આંકડાઓની તપાસ કરી.

તેમને તપાસમાં જાણવા મળ્યું કે ભૂરા રંગની રોશનીનો ફાયદો કેટલેક અંશે જરૂર થયો છે.

તેમાં 84 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ દાવાએ ટૂંક સમયમાં જ વિશ્વભરનું ઘ્યાન આકર્ષિત કર્યું.

પરંતુ અફસોસની વાત એ છે આ પૂરી કહાણી નથી. અધૂરી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આત્મહત્યા ઘટવાના દાવા કેટલા સાચા?

Image copyright DAMON COULTER

રિસર્ચના દાવા મીડિયામાં ચર્ચાનો વિષય બનવા લાગ્યા ત્યારે ત્સુકુબા યુનિવર્સિટીના મસાઓ ઇચિકાવાનું ધ્યાન પણ તેના પર ગયું.

તેમણે આત્મહત્યાના આંકડાઓનું ફરીથી અધ્યયન કર્યું.

ઇચિકાવાનું કહેવું હતું કે આ આંકડાઓને સવાર-રાત એમ રીતે વહેંચીને વિશ્લેષણ કરવું જરૂરી છે.

કેમ કે દિવસે મોટાભાગે રેલવે પ્લૅટફૉર્મની લાઇટ્સ બંધ રહેતી હોય છે.

આથી 24 કલાકના આધારે એકત્ર કરાયેલા આંકડાઓ પરથી દાવાને સાચા માનવા યોગ્ય નથી.

ઇચિકાવાનો દાવો છે કે ખરેખર ભૂરા રંગની રોશનીને કારણે આત્મહત્યાના કેસોમાં 14 ટકાનો જ ઘટાડો નોંધાયેલો જોવા મળ્યો.

જોકે, આ ઘટાડો પણ નોંધપાત્ર છે પરંતુ 84 ટકાનો દાવા કરતાં ઘણો ઓછો છે.

ઇચિકાવાએ કોશિશ કરી કે તેઓ તેમના રિસર્ચ પેપર દ્વારા મિચિકો યૂએડાના દાવાની બીજી બાજુ દુનિયા સમક્ષ રજૂ કરશે.

તેમનું માનવું હતું કે લોકો એવું ન સમજી લે કે ભૂરા રંગની રોશની જાદુઈ છે. તેનાથી લોકો પણ એટલી બધી અસર થાય છે.

ઇચિકાવા જ નહીં પણ અન્ય સંશોધનકર્તાઓ પણ એવું માની રહ્યા છે કે જો પ્લૅટફૉર્મ પર જો બૅરિઅર્સ અને માત્ર ટ્રેન આવતા જ ખુલે તેવી સ્સિટમ લગાવવામાં આવે તો આત્મહત્યા રોકવામાં મદદ મળી શકે છે.

તેને લગાવવાનો ખર્ચ એટલો છે કે તમામ કંપનીઓ તેનો અમલ ન કરી શકે પણ પ્લૅટફૉર્મ પર ભૂરી રોશની કરવી સસ્તી છે.


બ્રિટનથી પાઇલટ પ્રોજેક્ટની શરૂઆત

Image copyright Alamy

મિચિકો યૂએડાએ જ્યારથી સંશોધન પત્ર પ્રકાશિત કર્યું છે ત્યારથી વિશ્વભરમાંથી તેમના પર કૉલ આવી રહ્યા છે.

બ્રિટનમાં બે સ્ટેશન પર ભૂરા રંગની રોશનીનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ પણ કરી દેવાયો છે.

આ મામલે મિચિકો કહે છે, "મને જ્યારે પણ કોઈ પૂછે છે કે પ્લૅટફૉર્મ પર ભૂરી લાઇટ્સ લગાવવા અને સિસ્ટમૅટિક દરવાજા લગાવવાના વિકલ્પમાંથી કયો વિકલ્પ બહેતર છે, ત્યારે હું સિસ્ટમૅટિક દરવાજાનો વિકલ્પ જ પસંદ કરું છું."

મિચિકોનું માનવું છે કે ભૂરા રંગની રોશની આપણી માનસિક સ્થિતિ પર હળવી અસર કરે છે.

તેઓ આ મામલે વધુ સંશોધનની જરૂર પર ભાર મૂકે છે. તેમનું માનવું છે કે સ્ટેશન પર આવી લાઇટ્સ મૂકવાથી લોકોના વર્તનમાં પરિવર્તન આવી શકે છે.

જોકે, તેમનું કહેવું છે કે કેટલાક સમય પછી લોકોને જ્યારે તેની આદત પડી જશે પછી આ લાઈટ્સની અસર પૂર્ણ થઈ જશે.

ભૂરા રંગની રોશનીની મનોવૈજ્ઞાનિક અસર

Image copyright Getty Images

હવે મિચિકો યૂએડા ભૂરા રંગની રોશનીથી થતી મનોવૈજ્ઞાનિક અસર વિશે સંશોધન કરી રહ્યા છે.

વર્ષ 2017માં એક રિસર્ચ પેપરમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભૂરા રંગની રોશનીથી મનને શાંતિ મળે છે.

બ્રિટનની લીડ્સ યુનિવર્સિટીના સ્ટીફન વેસ્ટલૅન્ડ કહે છે કે જો કોઈનો મિજાજ અચાનક કંઈક કરી દેવાનો છે, તો રોશની તેની પર અસર નહીં કરી શકે.

સ્ટીફનના એક જૂના વિદ્યાર્થીએ તેમના પ્રયોગમાં નોંધ્યું હતું કે રોશનીની અસર લોકોના વર્તાવ પણ ઓછી થાય છે. સ્ટીફનનું કહેવું છે રોશની અને આપણા વર્તાવ વચ્ચે કોઈ સંબંધ નથી.


જાપાનમાં આત્મહત્યાનું પ્રમાણ

આ મામલે સંશોધન કરનારાઓનું કહેવું છે કે જાપાનમાં જો આવી રોશનીના કારણે આત્મહત્યાનું પ્રમાણ ઓછું થયું છે, તો કોશિશ ચાલુ જ રાખવી જોઈએ.

જાપાનમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે છે. વિશ્વના ટોચના 20 દેશોમાં તે સામેલ છે, જેમાં દેશમાં સરેરાશ આત્મહત્યાનું પ્રમાણ ઊંચું છે.

જોકે, છેલ્લાં 15 વર્ષોમાં જાપાનમાં આત્મહત્યાનું પ્રમાણ ઘટ્યું છે. વર્ષ 2003માં 34,500 લોકોએ આત્મહત્યા કરી હતી.

વર્ષ 2017માં આ સંખ્યા 21 હજાર સુધી ઘટી ગઈ હતી. જોકે, જાપાનમાં યુવાઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે.

ઇચિકાવા કહે છે કે આની પાછળનાં મુખ્ય કારણો જણાવવા મુશ્કેલ છે.

હોઈ શકે કે આત્મહત્યાનો વિચાર ધરાવતી વ્યક્તિ પર ભૂરા રંગની રોશનીની કોઈ અસર થતી હોય.

આજ સુધી કોઈ પણ વૈજ્ઞાનિક સંશોધન પેપરમાં તેના નક્કર પુરાવા નથી મળતા.

મિચિકો યૂએડા કહે છે કે, "હું ખુદ નથી ઇચ્છતી કે લોકો ભૂરા રંગની રોશનીને આત્મહત્યા રોકવાના ઉપાય તરીકે જુએ."

"હું ફરી કહીશ કે લોકોએ આત્મહત્યાઓ રોકવા માટે અન્ય ઉપાયો અમલમાં લેવા જોઈએ."

"રેલવે સ્ટેશન પર આત્મહત્યા રોકવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ પ્લૅટફૉર્મ પર દરવાજા મૂકવાનો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો