ગ્રાઉન્ડ રિપોર્ટ : શું છે ગુજરાતની ન્યાય માટે મૃતદેહને સાચવી રાખવાની 'ચડોતરૂં' પ્રથા?

ઘરમાં રખાયેલો મૃતદેહ Image copyright SHAILESH CHAUHAN
ફોટો લાઈન ઘરમાં રખાયેલો મૃતદેહ

સવારે ઊઠીને નહાયાધોયા વગર કોઈ પરિવાર ઊઠીને સૌથી પહેલાં પોતાની દીકરીનો મૃતદેહ સડી ના જાય એ માટે કડકડતી ઠંડીમાં બરફના ટુકડા ગોઠવે છે.

તો ત્યાંથી થોડે દૂર બીજી એક માતા પોતાના દીકરાના ઝાડ પર લટકતા મૃતદેહને પક્ષીઓ ના ખાય એ માટે સવારથી જ બહાર બેઠી રહે છે.

સાબરકાંઠાના બે ગામમાં આવી ઘટના બની છે. ન્યાય મેળવવા એક પરિવાર ઘરમાં બરફમાં દીકરીનો મૃતદેહ સાચવીને બેઠો છે.

તો બીજી તરફ એક માતા ઝાડ પર લટકાવેલો દીકરાનો મૃતદેહ પક્ષીઓ ખાઈ ના જાય તે માટે દિવસ રાત જાગે છે.

આ બધુંય સરકાર પાસેથી ન્યાય મેળવવા માટે આદિવાસીઓની 'ચડોતરૂં' પ્રથા નભાવતા કરાઈ રહ્યું છે.

સાબરકાંઠાના પંચમહુડા નામના ગામમાં છતરાજી ગમારના પરિવારની સવાર બરફ પીગળે ત્યારે પડી જાય છે.

માતા અડધી રાતે ઝબકીને જાગી જાય છે. એનો ભાઈ અને બહેન રાત પડે એટલે માતાજીને પ્રાર્થના કરવા લાગે છે કે કથિત હત્યા મુદ્દે એમની બહેનને ન્યાય મળે.

હાઈવેથી ત્રણ કિલોમિટર દૂર આવેલાં આ ગામમાં બીબીસીની ટીમ પહોંચી ત્યારે સન્નાટો છવાયેલો હતો.

ગામનાં ખેતરોમાં એરંડો લહેરાઈ રહ્યો પણ ખેતરોમાં કોઈ દેખાતું નથી.

સવાર પડે અને છત્રાજીના પરિવારના લોકો ઘરનાં આંગણામાં ચાદર પાથરવાનું શરૂ કરી દે છે.

ગામના લોકો એમને મળવા આવે છે, દિલાસો આપે છે, છેક મોડાસાથી બરફની પાટ લેતા આવે છે.

બે ઓરડાના એક ઘરમાં એક જગ્યાએ લાકડાના બૉકસમાં પ્લાસ્ટિકથી ઢાંકેલા દીકરીના મૃતદેહ પર પરિવાર બરફ નાખે છે અને મૃતદેહ સડી ના જાય એ માટે બરફ પાથરે છે.

ઘરમાં સવારની ચા બનાવવા માટેનો ચૂલો છેલ્લા 25 દિવસથી ઠારેલો છે.

ઘરના લોકોએ પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી એમની દીકરીના હત્યારા ન પકડાય ત્યાં સુધી ચા નહીં પીવે.


રાત્રે માતાજીની પૂજા

Image copyright Bhargav Parikh

મૃતદેહ મૂક્યો છે ત્યાં ખાસ કોઈ જતું નથી. તો બીજા ઓરડામાં રાત્રે માતજીની પૂજા થાય છે અને ચાર કલાક પ્રાર્થના કરાય છે.

ઘરનો ચૂલો ઠારેલો છે પણ પેટની આગ ઠારવા માટે ઘરની બહાર નાનકડું રસોડું બનાવાયું છે.

અહીં ગામની કોઈ ને કોઈ મહિલા આવીને રસોઈ બનાવી જાય છે.

લગભગ 35 દિવસથી આ ક્રમ ચાલી રહ્યો છે.

સગાઓ વચ્ચે ઘેરાયેલા છત્રાજી ભણેલા છે. પહેલાં સુરક્ષા દળમાં નોકરી કરતા હતા હવે ખેતી કરે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Bhargav Parikh

બીબીસી સાથેની વાતચીતમાં એમણે કહ્યું,"મારે સાત બાળકો છે. મારી દીકરીને ભણાવીને ઑફિસર બનાવવી હતી. એટલે મેં એને કૉલેજમાં મૂકી હતી."

"કૉલેજના ફંક્શનમાંથી એ પરત ના આવી અને ત્રણ દિવસ પછી પોલીસે અમને આવીને કહ્યું કે એનો મૃતદેહ મળ્યો છે."

"એના મૃતદેહ પાસેથી દારૂની ખાલી બૉટલો અને સિગારેટના ઠૂંઠાં મળ્યાં હતાં. "

"દીકરી પિંકીના મૃતદેહનો જોયો તો એણે ગળા પર ફાંસો ખાધો હતો પણ એના પગ જમીન પર અડતા હતા. એને મારીને કોઈકે મૃતદેહ ઝાડ પર લટકાવી દીધો હતો."


'મારી બહેનને કોઈકે મારી નાખી'

Image copyright SHAILESH CHAUHAN

છત્રાજીના દીકરા રાજેશે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું,

"મારી બહેનને કોઈકે મારી નાખી છે અને પોલીસ તેને આત્મહત્યામાં ખપાવે છે. અમે પહેલું પોસ્ટમૉર્ટમ થયું તે વખતે જ સંતુષ્ટ ન હતા."

"એટલે અમે બીજા પોસ્ટમોર્ટમની માગ કરી, બીજું પોસ્ટમૉર્ટમ અમદાવાદમાં થયું."

"આ અરસામાં અમારી પર અલગઅલગ નંબર પરથી ધમકીભર્યા ફોન આવતા હતા. અમે પોલીસમાં અરજી કરી છે પણ અમારૂં કોઈ સાંભળતું નથી."

"હું, મારી માતા અને મારી બહેન રોજ રાતે ચાર કલાક માતાજી પાસે બેસીને ન્યાયની પ્રાર્થના કરીએ છીએ. મારા પિતા માનતા નથી એટલે ગાંધી રાહે ચડોતરૂં કર્યું છે."

"પણ અમે અમારી રીતે ગામના લોકોને ભેગા કરીને ચડોતરૂં કરીએ તો ગુનેગારોને પકડવા સહેલા થઈ જાય અને અમારી બહેનને ન્યાય મળે."

"પણ ટાઢી વિરડીના ભાટિયા ગમારની લાશ ઝાડ પર લટકે છે એમ લટકવા ના દઈએ. કારણ કે એના મૃત્યુને 39 દિવસ થયા છતાં અંતિમ સંસ્કાર કરાયા નથી. સમાજ ત્યાં આવતો નથી."

"અમારી સાથે સમાજ છે. પિતા તૈયાર થાય તો પંચાયત બોલાવી ચડોતરૂં કરૂં અને ન્યાય મેળવું."

"આમ ઘરમાં ચા બંધ કરી, બહાર રસોડું કરીને ઘરની બહાર છવ્વીસ-છવ્વીસ દિવસ સુધી રાહ ના જોઉં."

Image copyright Bhargav Parikh

વાતને વચ્ચેથી કાપતા છત્રાજીએ કહ્યું, "સાહેબ સમાજના લોકો સાથે ચડોતરૂં કરીએ તો બધે હિંસા ફેલાય અને તીર-કામઠાં લઈને લોકો આવી જાય. તેથી શાંતિથી ન્યાય મળે તેની લડાઈ લડીએ છીએ."

સવારે ગામના લોકો બરફ લાવે. એના ટુકડા કરીને દીકરીના મૃતદેહ પર પાથરવામાં આવે છે.

આ ઘરમાં છેલ્લા 27 દિવસથી દૂધ નથી આવ્યું.

બરફ વચ્ચે મૃતદેહ સચવાય છે ત્યાં અગરબત્તી કે કોઈ વિધિ થતી નથી.

સતત માતાજી પાસે ન્યાય ઝખતો આ પરિવાર 27 દિવસથી ભરપેટ જમ્યો પણ નથી. ગામવાળાના આગ્રહથી માંડ બે કોળિયા ખાઈ લે છે.

તો ભાટિયા ગમારનો મૃતદેહ 39 દિવસથી ઝાડ પર લટકતો હોવાની વાત સાંભળીને અમારા શરીરમાં લખલખું પસાર થઈ ગયું.

રાજસ્થાનથી બે કિલોમીટર દૂર આવેલા પોશીનાના ટાઢી વિરડી ગામ પર પહોંચ્યા તો કોઈ ભાટિયાનું ઘર બતાવવા રાજી ન હતું.

લાંબી પિછાણ પછી જ્યારે ટાઢી વિરડી પહોંચ્યા તો ગામમાંથી બહિષ્કૃત કરાયેલા ભાટિયા ગમારનું સરનામું મળ્યું.

કાર તો ઠીક, મોટરસાઇકલ પણ ન જઈ શકે એવા ડુંગરાળ રસ્તાઓને ખૂંદતા સાડા ચાર કિલોમીટર ચાલીને અમે ભાટિયા ગમારના ઘરે પહોંચ્યા.

લગભગ એક કિલોમીટર દૂરથી પવનની લહેરની સાથે મૃતદેહની વાસ આવવા લાગી.


મહિલાઓએ અમને ઘેર્યા

Image copyright Bhargav Parikh

ડૂંગરા ચડી-ઊતરીને જ્યારે અમે ત્યાં પહોંચવાની તૈયારીમાં હતા કે ત્યાં જ આજુબાજુથી અચાનક અવાજ આવ્યો અને ચાર પાંચ મહિલાઓએ અમને ઘેરી લીધા.

માંડમાંડ તેમને સમજાવી ભાટિયાનાં માતા હીરા ગમાર સાથે અમે વાત કરી.

ઘરની બહાર ઝાડ પર પલંગમાં મૃતદેહ બાંધેવામાં આવ્યો હતો. એમની માતા થોડે દૂર બેઠાં હતાં.

હીરા ગમારે કહ્યું કે "મારો દીકરો ભાટિયા નજીકના આંજણા ગામના મશરૂભાઈ ગમારની દીકરીના પ્રેમમાં હતો. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. અમે લગ્ન કરાવવાં રાજી હતાં. "

"ગયા વર્ષે ચિત્રવિચિત્રના મેળામાં એ બંને લગ્ન કરવાનાં હતાં પણ ભાટિયાને કામ ન મળ્યું એટલે એણે હિંમત ના કરી."

"બંનેનું પ્રેમ પ્રકરણ ચર્ચાઈ ગયું હતું એટલે સમાજે અમારો બહિષ્કાર કર્યો પણ મારો દીકરો ભાટિયા અને મશરૂની દીકરી વચ્ચે પ્રેમ એવો જ હતો."

"મશરૂ અને એના છોકરાઓએ મારા દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી અને 22 ડિસેમ્બરે દીકરાનો મૃતદેહ ગામના પાદરે ઝાડ પર લટકતો મળ્યો હતો."

Image copyright Bhargav Parikh

ધ્રૂજતા અવાજે હીરા ગમારે વાત આગળ વધારતાં કહ્યું, "અમે પોલીસ ફરિયાદ કરી તો પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કર્યો. અમે તેની વિરુદ્ધમાં ચડોતરૂં કર્યું છે."

"પણ ગામના લોકોએ અમારો બહિષ્કાર કર્યો છે એટલે 39 દિવસથી મૃતદેહ ઝાડ પર લટકે છે પણ કોઈ પૂછવા આવતું નથી."

"નહીં તો ચડોતરાંમાં આજુબાજુના ગામોના બધાય લોકો ભેગા થાય. હજુય મને આશા છે કે આ ચડોતરાંમાં અમારા આદિવાસી ભાઈઓ જોડાશે તો ન્યાય મળશે. હું રોજ અહીં બેસી રહું છું."

"મૃતદેહને અમે ઝાડ પર એટલે બાંધ્યો છે કે તેને કોઈ જાનવર આવીને ખાઈ ન જાય. મૃતદેહની જ આસપાસ હું બેસી રહું છે જેથી પક્ષીઓ તેને ફોલી ના ખાય."

"મારા પતિ પણ અવારનવાર ઝાડ પર ચઢી મૃતદેહ પર ઢાંકેલું કપડું સરખું કરે છે, જેથી આ મૃતદેહ સાચવી શકાય."

"પરંતુ અમને પોલીસ અને ન્યાય તંત્ર પર ભરોસો નથી એટલે ચડોતરૂં કર્યું છે."

"39 દિવસથી અમે ખેતરમાં જઈને કાંઈક ખાય લઈએ છીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ ઉતારીશું નહીં."


ન્યાય મેળવવાની વર્ષો જૂની પ્રથા

Image copyright Bhargav Parikh

સાબરકાંઠામાં 'ચડોતરૂં' એટલે કે ન્યાય મેળવવાની પ્રથા. જે આદિવાસીઓમાં સદીઓથી ચાલી આવે છે.

ન્યાય મેળવવા માટે અહીંના આદિવાસીઓને પોલીસ અને ન્યાયતંત્ર કરતાં પોતાની પંચાયત પર વધારે ભરોસો છે.

ભૂતકાળમાં સાબરકાંઠામાં ચડોતરૂં પ્રથાએ અનેક લોકોનાં જીવ પણ લીધા છે. ચડોતરૂં થાય ત્યારે બે ગામના આગેવાનો ભેગા મળે અને પંચાયતમાં નક્કી થયા પ્રમાણે ન્યાય થાય.

પંતાયતના આદેશ પ્રમાણે દંડની રકમ ચૂકવવામાં આવે.

ભૂતકાળમાં આવી રીતે ચડોતરૂં થયું હોય ત્યારે 72 દિવસ સુધી લાશ ઝાડ પર લટકતી રહી હોવાનાં ઉદાહરણ છે.

સાબરકાંઠાથી ચૂંટાતા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીએ આવાં જ ચડોતરાં માટે 72 દિવસ સુધી પડી રહેલા મૃતદેહ માટે સમાધાન કરાવ્યું હતું અને પછી જ અગ્નિસંસ્કાર થયા હતા.

Image copyright Bhargav Parikh

સાબરકાંઠામાં ચડોતરાં વિશે વાત કરતાં અહીંના જાણીતા સમાજસેવક અને ગાંધીવાદી મનહર જમીલે કહ્યું:"પ્રથા સારા ઉદ્દેશથી શરૂ થઈ હતી. જો કોઈ મહિલા ગુજરી જાય, તો સાસરી પક્ષ દ્વારા પિયર પક્ષને બોલાવાતો હતો."

"દીકરીના મૃતદેહને એમનાં માતા-પિતા જોતાં. દીકરી પર ત્રાસ ગુજારાયાની કોઈ આશંકા જાગે તો ન્યાય મેળવવા માટે મૃતદેહ અંતિમવિધિ કરવા દેતા ન હતાં અને મૃતદેહ સાડીમાં લપેટી ઝાડ પર બાંધતાં."

"ત્યારબાદ પંચાયત મળે અને જે નિર્ણય કરે એ પ્રમાણે દંડ કરવામાં આવતો હતો."

પછીથી જો આદિવાસીઓને એવું લાગતું કે એમને પોલીસ કે કાનૂન દ્વારા ન્યાય નથી મળ્યો તો હત્યાનાં કિસ્સામાં જેના પર શંકા હોય તેના ઘરે મૃતદેહ મૂકી આવતા અને પંચાયત ન્યાય કરે તે પ્રમાણે દંડ ચૂકવાતો હતો.


જો ન્યાય મંજૂર ન થાય તો...

વળી જો ન્યાય મંજૂર ન થાય તો સામસામે તીર-કામઠાં પણ ચાલે છે, જેમાં લોકો ઘાયલ પણ થાય છે.

ગામે ફાગણી અમાસે ચિત્રવિચિત્ર મેળો થાય છે. એમાં આદિવાસીઓ પહેલાં પોતાના પૂર્વજને યાદ કરીને રડે છે.

બીજા દિવસે સૂરજની પહેલી કિરણે મેળો ભરાય છે, જેમાં યુવાનો નૃત્ય કરે છે.

જો કોઈ છોકરાને છોકરી પસંદ આવે તો એ ભાગી જાય છે અને છોકરો પગભર થઈને એના સાસરિયાને દેખાડે એટલે એના વિધિવત્ લગ્ન થાય છે.

Image copyright Bhargav Parikh

પરંતુ આવા કિસ્સામાં વચન આપ્યા પછી છોકરો જો મેળામાં છોકરીને ભગાડી ન જાય તો વેરઝેર પણ થાય છે. પરંતુ ચડોતરૂં થાય એટલે આદિવાસીઓ પોતાનું કામ કરે છે.

સાબરકાંઠામાં થયેલાં આ બે ચડોતરાં વિશે બીબીસી સાથે વાતચીત કરતાં અહીંના ધારાસભ્ય અશ્વિન કોટવાલ કહે છે,

"આદિવાસીઓમાં ચડોતરાં સમયે મૃતદેહ ઝાડ પર લટકાવવાની પ્રથા છે એટલે એમને ન્યાય મળ્યા પછી જ અંતિમવિધિ થાય છે. "

"મેં ભૂતકાળમાં આવાં ચડોતરાંના સમાધાન કરાવેલાં છે અને આ બંને ચડોતરાંમાં પણ સમાધાનના પ્રયાસો ચાલુ છે."

"બંને પક્ષોને ભેગા કરી પોલીસની મદદ લઈ અમે ઝડપથી બંને મૃતદેહનું ચડોતરૂં પૂરૂં કરાવીશું અને એની અંતિમક્રિયા થાય એવો પ્રયાસ કરીશું."


પોલીસ શું કહે છે?

Image copyright Bhargav Parikh
ફોટો લાઈન એસપી(સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) ચૈતન્ય માંડલિક

સાબરકાંઠાના એસપી (સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) ચૈતન્ય માંડલિકનો સંપર્ક સાધતા તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું:

"આ બંને કિસ્સામાં અક્સ્માતે મૃત્યુ થયાં છે. પરિવારની ઇચ્છા પ્રમાણે અમે પોસ્ટમૉર્ટમ કરાવ્યા છે."

"પરંતુ એમને શંકાઓ છે તો એની પણ તપાસ કરીએ છીએ. અમે શક્ય એટલી ઝડપથી આ સમસ્યાનું સમાધાન કરાવીશું."

બીજી તરફ આદિવાસી વિકાસ મંત્રી ગણપત વસાવાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે ચડોતરાંની પ્રથા બંધ કરાવવા માટે સમયાંતરે જાગૃતિ કાર્યક્રમો કર્યા છે અને ચાલુ પણ છે.

"આ બંને ચડોતરાંની સમસ્યાનો તાત્કાલિક નિકાલ આવે તે માટે સૂચના આપીશું અને બંને મૃતદેહની અંતિમક્રિયા ઝડપથી થાય એવા પ્રયાસ કરીશું. "

"આદિવાસી સમાજમાં હજુ વધુ જાગૃતિ આવે અને ભવિષ્યમાં ચડોતરૂં ન થાય તેવો પ્રયાસ પણ કરીશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ