BBC Top News: ચીનની ટેલિકોમ જાયન્ટ કંપની Huawei સામે અમેરિકાનો ક્રિમિનલ કેસ

મેંગ વાનઝોઉ Image copyright Reuters

ટેલિકોમ ક્ષેત્રની ચીનની મલ્ટીનેશનલ કંપની ખ્વાવે (Huawei) અને તેનાં મુખ્ય નાણાકીય અધિકારી મેંગ વાનઝોઉ સામે અમેરિકાનાં ન્યાય વિભાગે ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે.

આ કેસમાં અમેરિકાની ટી મોબાઇલ કંપનીની તકનીક ચોરી કરવાનો, બૅન્ક સાથે છેતરપિંડી કરવાનો, સપંત્તિ પચાવી પાડવાનો, ન્યાયપ્રકિયામાં અવરોધ ઊભો કરવાનો આરોપ છે.

ખ્વાવે (Huawei) એ અમેરિકાના ઇરાન પરના પ્રતિબંધોને તોડ્યા બાદ અમેરિકાની વિનંતીને આધારે ગત મહિને મેંગની કૅનેડામાં ધરપકડ કરવામાં આવી હતી.

મેંગ વાનઝોઉ અને ખ્વાવે (Huawei) બેઉએ આરોપોનો ઇન્કાર કર્યો છે.

આપને આ પણ વાંચવું ગમશે


મેરિકાએ વેનેઝુએલાની ઑઇલ કંપની પર પ્રતિબંધ મૂક્યો

Image copyright EPA

એમેરિકાએ વેનેઝુએલાની સરકારી ઑઇલ કંપની પીડીવીએસએ પર પ્રતિબંધ મૂકીને વેનેઝુએલાની સેનાને શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ સ્વીકારી લેવાની ધમકી આપી છે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બૉલ્ટનએ કહ્યું કે હવે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમના સહયોગી વેનેઝુએલાના લોકોની સંપત્તિને લૂંટી નહીં શકે .

ઉલ્લેખનીય છે કે ઑઇલથી સમૃદ્ધ વેનેઝુએલા ગંભીર આર્થિક અને રાજકીય કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે.

વિપક્ષી દળોએ માદુરોને હટાવવા માટેના પ્રયાસોને ગતિ આપી છે.

અમેરિકા સહિત વિશ્વના 20થી વધારે દેશોએ વિપક્ષના નેતા ખુઆન ગોઇદોને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે માન્યતા આપી છે. રશિયા, ચીન, મેક્સિકો અને તુર્કી માદુરોના સમર્થનમાં છે.


સિંગાપોરમાં એચઆઇવીના દર્દીઓનો ડેટા લિક

Image copyright EPA

એઇડ્સ નામે જાણીતા ગુપ્ત ચેપી રોગ એચઆઇવીથી 14,000 લોકોના ખાનગી ગણાતા ડેટાની સિંગાપોરમાં ચોરી થઈ છે અને તેને ઑનલાઇન લીક કરી દેવાયો છે.

આ 14,000 લોકોમાં કેટલાક વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

2016માં બનેલી આ ડેટા ચોરાવાની અને ઑનલાઇન લીક થવાની ઘટના અંગે સત્તાધિકારીઓએ સોમવારે માહિતી આપી છે.

આ ડેટામાં વ્યકિતની ઓળખ, સરનામું, એચઆઇવીનું સ્ટેટસ અને અન્ય મેડિકલ વિગતો સામેલ હતી.

સત્તાધિકારીઓ માને છે કે એચઆઇવીથી પીડિત એક અમેરિકન અને તેનો સિંગાપોરનો ડૉકટર આ ડેટા લીક માટે જવાબદાર છે.


છત્તીસગઢ ઍઇમ્સે દર્દીઓના ધર્મની જાણકારી માગતા વિવાદ

Image copyright CGPR

છત્તીસગઢના રાયપુર સ્થિત એઇમ્સ હોસ્પિટલમાં બીમારીના ઇલાજ માટે આવતા લોકો પાસેથી એમના ધર્મની જાણકારી માગવામાં આવતા વિવાદ થયો છે.

બીમારીના ઇલાજને અને ધર્મને શું લેવા દેવા હોઈ શકે એવો સવાલ દર્દીઓ કરી રહ્યા છે.

બીબીસીએ કરેલી તપાસ મુજબ દર્દીઓને દાખલ કરવાના ફૉર્મમાં અન્ય માહિતીની સાથે ધર્મની માહિતી પણ માગવામાં આવી છે.

છત્તીસગઢ ઍઇમ્સના અધિક્ષક ડૉકટર અજય દાણીનું કહેવું છે કે છતીસગઢમાં દર્દીઓની જે જાણકારી એકત્ર કરવામાં આવે છે તે કેન્દ્રીય સ્તરે થાય છે. ભારત સરકારના રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર તરફથી જે ફૉર્મેટ બનાવવામાં આવ્યું છે એમાં આ માહિતી નાખવાની જોગવાઈ છે અને દરેક દર્દીની ધર્મની માહિતી પણ એમાં નાખવાની હોય છે.

તેમણે માહિતી અધિકાર હેઠળ કે સંસદમાં આવી માહિતી માગવામાં આવતી હોવાનો તર્ક આપી આને ધાર્મિક રીતે નહીં જોવા કહ્યું છે.

જોકે, નાગરિક સંગઠનો આવી રીતે બીમારીની સારવારમાં ધર્મને લગતી માહિતીની વાતને ગંભીર ગણાવે છે અને આ મામલે અદાલતમાં પણ જશે તેમ કહે છે.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો