INDvNZ : ભારતના ધબડકા સામે ન્યૂ ઝિલૅન્ડની 8 વિકેટે આસાન જીત

10 વર્ષ બાદ ન્યૂ ઝિલૅન્ડમાં એની જ ધરતી પર એકદિવસીય શ્રેણી પોતાના નામે કરનારી ભારતીય ક્રિકેટ ટીમ વર્તમાન પાંચ મૅચની શૃંખલાની ચોથી મૅચમાં કંગાળ બૅટિંગ કરતી જોવા મળી હતી અને ફકત 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
93 રનનું લક્ષ્ય ન્યૂ ઝિલૅન્ડે 2 વિકેટ ગુમાવી ફકત 14.4 ઓવરમાં પાર પાડ્યુ હતું. ભારત તરફથી ભૂવનેશ્વર કુમારે 2 વિકેટ ઝડપી હતી.
તેમણે માર્ટિન ગપ્ટિલને અને કેન વિલિયમસનને આઉટ કર્યા હતા.
હેનરી નિકોલસે 30 રન અને રોઝ ટેલરે 37 રન કર્યા હતા અને બેઉ અણનમ રહ્યા હતા.
21 રનમાં 5 વિકેટ ઝડપનાર ન્યૂ ઝિલૅન્ડ બૉલર ટ્રૅન્ટ બૉલ્ટને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.
આ પહેલાં ન્યૂ ઝિલૅન્ડ ટૉસ જીતી ભારતને પ્રથમ બૅટિંગ કરવાનું કહ્યું હતું.
હૅમિલ્ટનમાં સૅડોન પાર્ક ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી આ ચોથી વન-ડેમાં ન્યૂ ઝિલૅન્ડના બૉલર્સ ગ્રાન્ડહોમ અને ટ્રૅન્ટ બૉલ્ટે ઘાતક સ્વિંગ બૉલિંગ કરી ભારતના ટૉપ અને મિડલ ઑર્ડર બૅટ્સમૅનને ધરાશયી કરી દીધા હતા.
વિરાટ કોહલીની ગેરહાજરીમાં કૅપ્ટન તરીકે ઉતરેલા રોહિત શર્માને ફક્ત 7 રન પર અને શિખર ધવનને 13 રન પર બૉલ્ટે આઉટ કરી દીધા હતા.
ડૅબ્યૂ મૅચ રમી રહેલા શુભમન ગિલને પણ બૉલ્ટે 9 રન પર આઉટ કર્યા હતા.
અંબાતી રાયડૂ અને દિનેશ કાર્તિક ખાતું પણ ખોલાવી શક્યા નહોતા અને શૂન્ય પર ગ્રાન્ડહોમનો શિકાર થયા હતા.
ગ્રાન્ડહોમે 11મી ઓવરમાં આ બે વિકેટ ઝડપી હતી.
14મી ઓવરમાં કેદાર જાદવને 1 રને બૉલ્ટે આઉટ કર્યા હતા. રિવ્યૂનો નિર્ણય પણ ન્યૂ ઝિલૅન્ડની તરફેણમાં આવ્યો હતો.
17મી ઓવરમાં ભૂવનેશ્વરકુમારને 1 રન પર ગ્રાન્ડહોમે આઉટ કર્યા હતા.
આપને આ પણ વાંચવું ગમશે
- મહિલા ટી-20માં સદી ફટકારનારાં હરમનપ્રીત કૌર કોણ છે?
- ભૂરા રંગનો પ્રકાશ આત્મહત્યા રોકવામાં મદદ કરી શકે?
- રાહુલ ગાંધીની લઘુત્તમ આવકની જાહેરાત ખરેખર છે શું?
હાર્દિક પંડ્યા 16 રને બૉલ્ટની બૉલિંગમાં આઉટ થયા હતા.
બૉલ્ટે 10 ઓવરમાં 21 રનમાં 5 વિકેટ ઝડપી હતી.
અંતિમ ક્રમના બૅટ્સમૅન ચહલ અને કુલદીપ યાદવે લડત આપવાની કોશિશ કરી હતી.
કુલદીપ યાદવે 15 અને ચહલે 18 રન કર્યા હતા.
કુલદીપ યાદવને ટોડ એસ્લે અને ખલીલ અહમદને નીશમે 5 રન પર આઉટ કર્યા હતા.
ચહલ આખી ટીમમાં સૌથી વધારે 18 રન કરી અણનમ રહ્યા હતા.
આ ન્યૂ ઝિલૅન્ડ સામે ભારતે નોંધાવેલો બીજા નંબરનો સૌથી ઓછો સ્કૉર છે.
અગાઉ 2010માં ભારતની ટીમ ન્યૂ ઝિલૅન્ડ સામે 88 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો