વિજય માલ્યાને ભારત લાવવા બ્રિટને મંજૂરી આપી, અપીલના વિકલ્પ વચ્ચે હવે શું?

માલ્યા Image copyright AFP/GETTY

બૅન્કોના કરોડો રૂપિયા મામલે જેમના ઉપર છેતરપિંડી આરોપો છે તે વિજય માલ્યાને ભારતમાં લાવવા માટે યૂકે સરકારની મંજૂરી મળી ગઈ છે.

આ દરમિયાન વિજાય માલ્યાને આ મામલે અપીલ માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

આમ છતાંય પ્રત્યાર્પણ પ્રક્રિયામાં મહિનાઓથી માંડીને એક વર્ષથી વધુનો સમય લાગી શકે છે.

Image copyright Getty Images

વૅસ્ટમિનસ્ટર કોર્ટના પ્રત્યાર્પણ સંબંધિત ચુકાદની ફાઈલ હોમ સેક્રેટરી સાજીદ જાવીદને મોકલી આપવામાં આવી હતી, જેની ઉપર તેમણે મંજૂરીની મહોર મારી હતી.

વિજય માલ્યાના કહેવા પ્રમાણે, તેઓ નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં અપીલ કરવાની પ્રક્રિયા હાથ ધરશે.

વિજય માલ્યા પર ભારતની બૅન્કો સાથે હજારો કરોડની છેતરપીંડી કરવાનો આરોપ છે. માલ્યા માર્ચ 2016માં ભારત છોડી લંડન જતા રહ્યા હતા.

માલ્યાને ભારત પરત લાવવા માટે કેન્દ્રની એજન્સીઓએ કાનૂની લડાઈ શરૂ કરી હતી.


લાગી શકે છે મહિનાઓ

Image copyright Reuters
ફોટો લાઈન માલ્યાએ અપીલ દાખલ કરવાની વાત કહી

બ્રિટનના ગૃહ વિભાગના પ્રવક્તાના કહેવા પ્રમાણે, "તમામ મુદ્દે સાવચેતીપૂર્વક અવલોકન કર્યા બાદ ગૃહપ્રધાને પ્રત્યાર્પણ હસ્તાક્ષર કર્યા હતા."

"તેમની ઉપર ખોટી નિવેદનબાજી કરવાના, છેતરપિંડી કરવાના તથા મની લૉન્ડ્રિંગના આરોપ છે."

આ અંગે અમારા બ્રિટનની લો-ફર્મ પિટર્સ ઍન્ડ પિટર્સના પાર્ટનર નિક વમોસે બીબીસી સાથે વાત કરી.

તેમના કહેવા પ્રમાણે, "એક વખત કોર્ટ પ્રત્યાર્પણ ઉપર મંજૂરીની મહોર મારે એટલે તેને નકારવાનો ગૃહ પ્રધાન પાસે કોઈ વિવેકાધિકાર નથી હોતો, એટલે તેમનો નિર્ણય આશ્ચર્યજનક નથી."

"ગત વર્ષે જ માલ્યાએ જાહેરાત કરી દીધી હતી કે તેઓ કોર્ટના ચુકાદા સામે અપીલ કરશે. તેમની પાસે 14 દિવસની મુદત છે. મને લાગે છે કે તેમના વકીલોએ આ અંગેની તૈયારી કરી લીધી હશે.

"તથ્યાત્મક તથા કાયદાકીય દૃષ્ટિએ આ કેસ જટિલ છે એટલે કોર્ટ દ્વારા તેમની અપીલ ગ્રાહ્યા રાખવામાં આવશે, એમ લાગે છે."

"અપીલ પ્રક્રિયામાં બે-ત્રણ મહિના નીકળી જશે, આ દરમિયાન તેઓ જામીન ઉપર બહાર રહેશે. હાઈકોર્ટમાં કેસની 'પુનઃસુનાવણી' નહીં થાય, પરંતુ નીચલી કોર્ટે બરાબર ચુકાદો આપ્યો હતો કે કેમ, તે બાબતને જ ધ્યાને લેશે."

ઝરીવાલા ઍન્ક કંપનીના સ્થાપક સરોશ ઝરીવાલાના કહેવા પ્રમાણે, "ઉચ્ચ કોર્ટ પાસે અનેક અપીલ પડતર હોવાથી પાંચથી છ મહિના લાગી શકે છે."

"જો ત્યાં માલ્યાની વિરુદ્ધ ચુકાદો આવે તો તેઓ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે.

સર્વોચ્ચ અદાલતમાં વધુ પાંચ છ મહિનાથી માંડીને એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે."

આપને આ પણ વાચવું ગમશે

કઈ રીતે માલ્યા દેવાંમાં સપડાયા?

Image copyright Getty Images

વિજય માલ્યા અબજો રૂપિયાની સંપત્તિના માલિક છે.

આઈપીએલ (ઇંડિયન પ્રિમિયર લીગ) માં પોતાની ટીમ ખરીદીને ક્રિકેટ અને ફૉર્મ્યૂલા વન રેસિંગમાં ભાગ્ય અજમાવતા પહેલાં તેમણે કિંગફિશર બિયર નામે બ્રાન્ડ ઊભી કરી છે.

તેમણે 2005માં કિંગફિશર ઍરલાઇન્સ પણ શરૂ કરી હતી, જે હાલ બંધ પડી છે.

તેમના પર કિંગફિશર ઍરલાઇન્સમાં નાણાંની ગેરરીતિ આચરવાના અનેક આરોપો છે.

આ આરોપોની તપાસ ભારતની એજન્સીઓ સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) અને ઈડી (ઍન્ફૉર્સમૅન્ટ ડિરેક્ટ્રેટ) કરી રહી છે.

2012માં માલ્યાએ યુનાઇટેડ સ્પિરિટ્સ ગ્રૂપનો પોતાનો મોટાભાગનો સ્ટેક યૂકેની લિકર જાયન્ટ ડિયાગોને વેંચી દીધો હતો.

આ ડિલ માલ્યાને યુનાઇટેડ સ્પિરિટ્સને દેવાંમાંથી બહાર કાઢવા અને કિંગફિશર ઍરલાઇન્સ માટે નાણાં છૂટા કરવા માટે મદદરૂપ થવાની હતી એવું મનાય છે.

2012માં બંધ થયેલી ઍરલાઇન્સનું તેના આગળના વર્ષે ફ્લાઇંગ લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું.

જે બાદ ઍરલાઇન્સ નુકસાનમાં ગઈ અને ઋણદાતાઓએ તેમને નવી લોન આપવાની ના પાડી દીધી.

એક અંદાજ મુજબ માલ્યાએ જ્યારે દેશ છોડ્યો ત્યારે તેમની ઉપર અંદાજે રૂ. નવ હજાર કરોડનું દેવું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો