જ્યારે દીકરા માટે રચેલાં ગીતોથી ગુજરાતી માતા ગ્રૅમી ઍવૉર્ડ સુધી પહોંચ્યાં

ફાલ્ગુની શાહ Image copyright Falguni Shah

અમેરિકાના ન્યૂ યૉર્કમાં રહેતા ચાર વર્ષના નિશાદે મમ્મી ફાલ્ગુનીને બાળસહજ પ્રશ્ન પૂછ્યા, 'મમ્મી, હળદરનો રંગ પીળો જ કેમ હોય છે?' અને 'હું શાળામાં અંગ્રેજી અને ઘરે ગુજરાતી ભાષા કેમ બોલું છું?'

મમ્મીએ દીકરાને 'સંગીતમય' જવાબ આપવાનું વિચારી 'ફાલુઝ બાઝાર'ના નામે સંગીત આલબમ રચ્યું અને આશ્ચર્યજનક રીતે આ આલબમે અમેરિકામાં સંગીતક્ષેત્રે પ્રતિષ્ઠિત ગ્રૅમી ઍવૉર્ડની બેસ્ટ ચિલ્ડ્રન મ્યુઝિક કૅટેગરીમાં સ્થાન મેળવ્યું.

આ આલબમમાં 12 ગીત છે, જે ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ભાષામાં છે.

'ફાલુઝ બાઝાર' આ વર્ષે ગ્રૅમી ઍવૉર્ડ માટે નૉમિનેટ થયેલું એક માત્ર ભારતીય આલબમ છે.

'ફાલુઝ બાઝાર' ચિલ્ડ્રન મ્યુઝિક કૅટેગરીમાં અંતિમ પાંચમા પ્રવેશી ચૂક્યું છે

10 ફેબ્રુઆરીએ આ પાંચમાંથી પસંદ કરાયેલા વિજેતાની જાહેરાત કરાશે.

આ આલબમ બનાવનારાં ફાલ્ગુની શાહ મૂળ ગુજરાતી છે અને હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે.

Image copyright Falguni Shah

ફાલ્ગુની શાહે બીબીસી ગુજરાતી સાથે 'ગુજરાતથી ગ્રૅમી'સુધીની સફર અંગે વાત કરી.

ગ્રૅમી ઍવૉર્ડ માટે નૉમિનેટ થયેલું 'ફાલુઝ બાઝાર' આલબમ કેવી રીતે બન્યું તે વિશે વાત કરતાં ફાલ્ગુની કહે છે, "આ મ્યુઝિક આલબમ દ્વારા હું એક બાળકને તેની ખુદની ઓળખ અને સંસ્કૃતિનો પરિચય કરાવવા ઇચ્છતી હતી અને મને લાગ્યું કે સંગીત તેનો ઉત્તમ રસ્તો છે."

"ત્યાંથી જ આ આલબમ બનાવવાનો વિચાર આવ્યો."

બાળકો માટે આ આલબમ રચવા પાછળનો ફાલ્ગુની પોતાનો ઉદ્દેશ દર્શાવતાં કહે છે, "ચાર વર્ષના દીકરાને બોલીવુડનું ફિલ્મી ગીત ગાતા સાંભળ્યા."

"ત્યારે ફાલ્ગુનીને થયું કે બાળકની ઉંમરને અનુરૂપ ગીત હોવાં જોઈએ અને આ જ વિચારના પગલે તેમણે 'ફાલુઝ બાઝાર' આલબમ રચ્યું."

ફાલ્ગુની સંગીતના માધ્યમથી બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનો ઇરાદો ધરાવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આલબમમાં ભારતીય બાળકની વાત

Image copyright Falguni Shah

આ આલબમમાં એક ભારતીય બાળકની વાત રજૂ કરાઈ છે, જે ઘરેથી નીકળી બજારમાં જાય છે તે દરમિયાન અનેક નવી વાતો અને શબ્દોના સંપર્કમાં આવે છે.

આ નવા સંપર્કોથી તેના મનમાં ઓળખ અને સંસ્કૃતિ વિશે પ્રશ્નો ઊભા થાય છે. ત્યારે માતા તેના બાળકને આ પ્રશ્નોના જવાબ ગીત સ્વરૂપે આપે છે.

'ફાલુઝ બાઝાર' આલબમ સાથે માત્ર ફાલ્ગુની શાહ જ નહીં પણ તેમનો આખો પરિવાર જોડાયેલો છે.

આલબમમાં ફાલ્ગુનીનાં માતા કિશોરી દલાલ અને દીકરા નિશાદે ગીત ગાયાં છે, જ્યારે પતિ ગૌરવ શાહે સંગીત આપ્યું છે.

ફાલ્ગુનીનાં માતા અને પતિ શરૂઆતથી જ સંગીતક્ષેત્ર સાથે સંકળાયેલાં હતાં.

કિશોરીબહેન સુગમ સંગીતનાં જાણકાર છે, તો પતિ ગૌરવ શાહ મ્યુઝિક બૅન્ડ 'કરિશ્મા' સાથે જોડાયેલા છે.

ગૌરવનું આ બૅન્ડ અમેરિકાની એશિયન કૉમ્યુનિટીમાં ખાસ્સું લોકપ્રિય છે.


ફાલ્ગુનીનું સંગીત-શિક્ષણ

Image copyright Falguni Shah

અમેરિકાના ન્યૂ યૉર્કમાં રહેતાં ફાલ્ગુની શાહનાં માતાપિતા બંને સુરતનાં છે. તેમના પિતા કનૈયાલાલ સુરત શહેરના ભાગળ વિસ્તારમાં રહેતા હતા.

કનૈયાલાલ વ્યવસાય માટે મુંબઈ ગયા અને ત્યાં જ ફાલ્ગુનીનો જન્મ થયો. સંગીત તેમને ગળથૂથીમાં મળ્યું છે.

તેઓ વિખ્યાત સંગીતકાર કૌમુદી મુનશી સાથે સંગીતના કાર્યક્રમ આપતા હતા.

માતા કિશોરીબહેને દીકરી ફાલ્ગુનીને સાડા ત્રણ વર્ષની વયથી જ સંગીતની તાલીમ આપવાનું શરૂ કરી દીધેલું.

બાદમાં ફાલ્ગુનીએ કૌમુદી મુનશી અને ઉસ્તાદ સુલતાન ખાન પાસેથી પદ્ધતિસરની તાલીમ લીધી.

એટલું જ નહીં તેઓ એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી સંગીત વિષય સાથે અનુસ્નાનક પણ થયાં.

આમ, તેમણે સંગીતનું શિક્ષણ પણ મેળવ્યું અને સઘન તાલીમ પણ લીધી.

તે દિવસો યાદ કરતાં ફાલ્ગુની કહે છે કે વહેલી સવારથી જ અભ્યાસ શરૂ થઈ જતો અને મોડી રાત સુધી રિયાઝ ચાલતો.

તાલીમ મેળવ્યા બાદ ફાલ્ગુનીએ 18 વર્ષની વયે તેમણે મુંબઈના નેશનલ સેન્ટર ફૉર પર્ફૉર્મિંગ આર્ટ્સમાં તેમનાં સંગીતગુરુ કૌમુદી મુનશી સાથે પહેલું પબ્લિક પર્ફૉર્મન્સ આપ્યું હતું.

હાર્વડ યુનિવર્સિટીમાં 21 વર્ષની વયે આપેલું પર્ફૉર્મન્સ એ વિદેશમાં તેમનું પહેલું પર્ફૉર્મન્સ હતું.

જીવનસાથી સાથે મળ્યા સૂર

Image copyright Falguni Shah
ફોટો લાઈન ફાલ્ગુની શાહ તેમના પતિ ગૌરવ શાહ અને ઉસ્તાદ સુલતાન ખાન સાથે

ફાલ્ગુનીને તેમની સંગીત-સફરમાં જ જીવનસાથી પણ મળ્યા. ફાલ્ગુનીએ ગૌરવ શાહ સાથે લગ્ન કર્યાં.

મૂળ દાહોદના અને અમેરિકાના ટૅક્સાસમાં રહેતા ગૌરવ શાહનો ઝુકાવ સંગીત તરફ હતો.

કૉલેજ પૂરી કરી તેઓ સંગીત શીખવા મુંબઈ આવ્યા, ત્યારે ફાલ્ગુની સાથે તેમનો પરિચય થયો.

ત્યારબાદ તેમણે લગ્ન કર્યાં. ગૌરવ શાહ મૂળે ઑન્કૉલોજિસ્ટ છે અને હાલ તે અમેરિકામાં ફાર્માસ્યુટિકલ કંપની ચલાવે છે.

ફાલ્ગુની લગ્ન કરી મુંબઈથી અમેરિકા પહોંચ્યાં પછી તેમનું સંગીત ફલક વિસ્તર્યું.

ગૌરવ અને તેમના મિત્રોના બૅન્ડ - 'કરિશ્મા'માં ફાલ્ગુનીએ ગાવાનું શરૂ કર્યું.

આ બૅન્ડ એશિયન કૉમ્યુનિટીમાં ખાસ્સું લોકપ્રિય હતું પણ બૅન્ડનો ઉદ્દેશ નિજાનંદનો જ હતો.

ફાલ્ગુનીનું પહેલું આલબમ 'ફાલુ' 2007માં રિલીઝ થયેલું, જેમાં તેમણે હિંદી રાગ અને ઇંગ્લિશ મ્યુઝિકનું ફ્યૂઝન કર્યું હતું.

એ પછી રજૂ થયેલા તેમના આલબમ - 'ફોરાઝ રોડ'માં ઠુમરી, કજરી જેવાં હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના સ્વરૂપોને મૂળ સ્વરુપે રજૂ કર્યું.

તેમાં છ ભાષાઓ- ગુજરાતી, હિંદી, રાજસ્થાની, ઉર્દૂ, સંસ્કૃત અને અવધીમાં રચનાઓ રજૂ કરાઈ હતી અને 2018માં ત્રીજું આલબમ- 'ફાલુઝ બાઝાર' રિલિઝ કર્યું, જે ગ્રૅમી માટે નૉમિનેટ થયું.


'ભાષા જશે તો સંસ્કૃતિ જશે'

Image copyright Falguni Shah
ફોટો લાઈન રૂપ કુમાર રાઠોડના હાથે ઍવૉર્ડ લઈ રહેલાં ફાલ્ગુની શાહ

ફાલ્ગુની ગુજરાતી ભાષાને બેહદ ચાહે છે અને તેથી જ તે ઘરમાં પણ ગુજરાતી ભાષા બોલવાનો આગ્રહ રાખે છે.

દીકરો નિશાદ ઘરમાં ગુજરાતી ભાષામાં જ વાતચીત કરે તે માટે ફાલ્ગુની કાળજી રાખે છે. તે માને છે કે આપણી ભાષાનું જતન કરવું જોઈએ.

ભાષા જશે તો સંસ્કૃતિ જશે. ફાલ્ગુની દૃઢપણે માને છે કે કળા અને સંસ્કૃતિની દૃષ્ટિએ ભારતીય વારસો સમૃદ્ધ છે અને તે વિશ્વ સાથે વહેંચવો જોઈએ.


'જ્યાં નમ્રતા હોય ત્યાં જ સંગીત ટકે'

Image copyright Falguni Shah

ફાલ્ગુની શાહ ભારતના લોકપ્રિય સંગીતકાર એ. આર. રહેમાન સાથે પણ કામ કરી ચૂક્યાં છે.

રહેમાન 2009ની સાલમાં જ્યારે 'સ્લમ ડૉગ મિલયોનર' ફિલ્મ માટેની ટૂરમાં અમેરિકા આવ્યા હતા, ત્યારે તેમણે વ્હાઈટ હાઉસમાં ગાવા માટે ફાલ્ગુનીને નિમંત્રણ આપ્યું હતું.

બીબીસી સાથે તે સમયનાં સંસ્મરણો વાગોળતાં ફાલ્ગુની કહે છે ''આ કાર્યક્રમ માટે એ. આર. રહેમાને કેવી રીતે મારી પસંદગી કરી તેની આજ સુધી મને ખબર નથી પડી.''

રહેમાનના વ્યક્તિત્વની પ્રસંશા કરતાં ફાલ્ગુની કહે છે કે રહેમાન બહુ જ શાંત અને નમ્ર વ્યક્તિ છે. તેઓ બોલતા નથી, પણ તેમનું સંગીત બોલે છે. 'જ્યાં નમ્રતા હોય ત્યાં જ સંગીત ટકે'

રહેમાન સાથેની ગુફ્તગૂમાં ફાલ્ગુનીએ રહેમાનને પૂછેલું કે તમારા જીવનમાં યાદગાર ક્ષણો કઈ હતી?

ત્યારે રહેમાને કહ્યું કે 'રોઝા' ફિલ્મ જ્યારે રિલીઝ થઈ, તે તેમની યાદગાર ક્ષણો પૈકીની એક હતી.

ફાલ્ગુનીએ સંગીતની દુનિયામાં પ્રતિષ્ઠિત ગણાતા કાર્નેગી હૉલમાં પણ પર્ફૉર્મ કર્યું છે.

2005ની સાલમાં ક્લાસિકલ સંગીતકાર યોયોમાએ બૉસ્ટન શહેરમાં ફાલ્ગુનીને પર્ફૉમ કરતાં જોયા બાદ કાર્નેગી હોલમાં પર્ફૉમ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ