એક મૂર્ખાઈ આ રીતે બની ગઈ 1.2 અબજ પાઉન્ડનો બિઝનેસ

ક્રિસ્ટો કારમન Image copyright Image copyrightHERMIONE

ક્રિસ્ટો કારમન એક 'નરી મૂર્ખામી' માટે જાતને દોષ દઈ રહ્યા હતા. પણ, તેમને ત્યારે અંદાજ નહોતો કે મુર્ખામીમાંથી જ એક એવો વિચાર જડી આવશે, જે આગળ જતાં 1.2 અબજ પાઉન્ડનો બિઝનેસ બની જશે.

બીબીસીના અઠવાડિક કાર્યક્રમ બોસમાં દુનિયાભરના બિઝનેસ લીડરને આવરી લેવાય છે.

આ અઠવાડિયે અમે વાત કરી ક્રિસ્ટો કારમન સાથે, જેઓ ટ્રાન્ફરવાઇઝ નામના મની ટ્રાન્સફર કંપનીના સ્થાપક અને સીઈઓ છે.

ઇસ્ટોનિયાના ક્રિસ્ટો 2008ની સાલમાં 28 વર્ષના હતા અને મૅનેજમૅન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા હતા. એ વખતે તેમને ક્રિસમસ નિમિત્તે તગડું 10,000 પાઉન્ડનું બોનસ મળ્યું હતું.


...ત્યારે મને ખ્યાલ આવ્યો કે મેં નરી મૂર્ખાઈ કરી હતી

તે વખતે ઇસ્ટોનિયામાં વ્યાજના દરો ઊંચા હતા. તેથી તેમણે વિચાર્યું કે કમાણી માટે બોનસના નાણાં યુકેમાંથી વતનમાં રહેલા બચત ખાતામાં મોકલી આપું.

હાલ 38 વર્ષના ક્રિસ્ટો કહે છે, "મેં યુકેની મારી બૅન્કને 15 પાઉન્ડની ફી આપી અને 10,000 પાઉન્ડ ટ્રાન્સફર કર્યા."

"એક અઠવાડિયા પછી મેં તપાસ કરી તો ઇસ્ટોનિયાના મારા ખાતામાં ધારણા કરતાં 500 પાઉન્ડ ઓછાં આવ્યા હતા,"

"શું થયું તેની મેં તપાસ કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મેં નરી મૂર્ખામી કરી હતી."

"મેં મૂર્ખામી કરીને માની લીધેલું કે મારી યુકેની બૅન્ક મને હૂંડિયામણનો એ દર આપશે, જે મેં (ન્યૂઝ સર્વિસ) રોયટર અને બ્લૂમબર્ગમાં જોયો હતો."

"બૅન્કે 5% ટકા ઓછો ફાયદો થાય તેવો હૂંડિયામણનો દર પસંદ કર્યો હતો. આવી રીતે જ કામ ચાલે છે અને તેમાં બૅન્કને ફાયદો મળી જતો હોય છે. એ મારી જ ભૂલ હતી."

બૅન્કને બાયપાસ કરી નાણાં વિદેશમાં ટ્રાન્સફર કરવાની રીત

Image copyright HERMIONE

પોતાની ભૂલથી નારાજ થયેલા ક્રિસ્ટોએ નક્કી કર્યું કે નાણાં વિદેશમાં ટ્રાન્સફર કરવાની એવી રીત શોધી કાઢવી જોઈએ, જેમાં વચ્ચે બૅન્ક આવે જ નહીં.

શરૂઆતમાં તેમની અને તેમના ઇસ્ટોનિયાના મિત્ર ટાવેટ હિન્ક્રીક્સ વચ્ચે જ નાણાંકીય વ્યવહારો થયા.

ટાવેટ તે વખતે સ્કાઇપમાં ટેલિકૉમ્યુનિકેશન્સ ડિરેક્ટર તરીકે કામ કરતા હતાં.

તેમનું કામ ચાલ્યું, કેમ કે ક્રિસ્ટો પોતાની પાઉન્ડમાં થયેલી કમાણીને ઇસ્ટોનિયાના ચલણ ક્રૂન્સમાં ફેરવતા હતા.

જ્યારે ટાવેટ તેનાથી ઊલટું કરવા માગતા હતા. નાણાંની ફેરબદલ માટે તેઓ બજારના વચલા દર તરીકે જે તે દિવસનો એવરેજ ઍક્સચેન્જ રેટ પસંદ કરી લેતા.


મિત્રોનું નેટવર્ક અને 0.5%ની જ ફી

Image copyright KRISTO KAARMANN

થોડા સમયમાં તેઓએ ઇસ્ટોનિયામાં રહેતા અને વિદેશમાં રહેતા ઇસ્ટોનિયન મિત્રોનું એક નેટવર્ક તૈયાર કર્યું.

તેમની વચ્ચે નાણાંની અદલબદલ થવા લાગી તે પછી ક્રિસ્ટો અને ટાવેટને લાગ્યું કે આ રીતને બિઝનેસમાં બદલી શકાય છે.

તેથી 2011માં તેઓએ લંડનમાં ટ્રાન્સફરવાઇઝ નામની ફાઇનાન્શિયલ ટૅક્નૉલૉજી (ફિનટેક) કંપની સ્થાપી. તેઓએ ફિનટેક વેબસાઇટ તૈયાર કરી.

જેમાં યૂઝર્સને વિદેશમાં નાણાં મોકલવાની સુવિધા મળતી હતી.

બજારના દરમાંથી વચલો દર પસંદ કરીને નાણાં ટ્રાન્સફર કરી શકાય તે માટે 0.5%ની જ ફી રાખવામાં આવી.

આજે ટ્રાન્ફરવાઇઝનો બિઝનેસ દુનિયાભરમાં ફેલાઈ ગયો છે.

કંપનીના ઇન્વેસ્ટર્સમાં વર્જિન કંપનીના વડા રિચર્ડ બ્રેન્સન અને પે-પાલના સહસ્થાપક મેક્સ લેવીનનો પણ સમાવેશ થાય છે.


કોઈ મૂડીરોકાણ કરવા તૈયાર નહોતું

Image copyright TRANSFERWISE

બિઝનેસની શરૂઆતના પ્રથમ વર્ષે ક્રિસ્ટો અને ટાવેટે પોતાની બચતનો ઉપયોગ કરીને સ્વમૂડીથી જ કામકાજ વધાર્યું હતું.

મૌખિક પ્રચારથી પ્રારંભમાં ધીમે ધીમે ગ્રાહકો આવતા થયા હતા. બાદમાં એક ટૅક્નૉલૉજી વેબસાઇટ પર આ સર્વિસનો સારો રિવ્યૂ આવ્યો તે પછી ગ્રાહકોની સંખ્યા ઝડપથી વધી.

કોઈ કાનૂની ગૂંચ ઊભી ના થાય તે માટે ક્રિસ્ટો અને ટાવેટે યુકેની તે વખતની નિયંત્રક સત્તા ફાઇનાન્શિયલ સર્વિસીઝ ઑથોરિટી પાસેથી આગવી મંજૂરી અને પરવાના મેળવી લીધાં હતાં.

"નિયંત્રક સંસ્થા પાસે આવી દરખાસ્ત કરનારા અમે પ્રથમ જ હતાં," એમ ક્રિસ્ટો કહે છે.

"જોકે તેમણે પૂરતી તપાસ કરી હતી, જેથી અમે કોઈ ગરબડ ના કરી રહ્યા હોય તેની ખાતરી થાય."

2012ની શરૂઆતમાં ક્રિસ્ટો અને ટાવેટે પોતાની કંપનીમાં પ્રથમ ઇન્વેસ્ટર્સને શોધવાનું શરૂ કર્યું હતું. જોકે પ્રારંભમાં કોઈ મૂડીરોકાણ કરવા તૈયાર નહોતું.

ક્રિસ્ટો કહે છે, "અમે કદાચ 15 જેટલા ઇન્વેસ્ટર્સ સાથે વાતચીત કરી હશે, પણ તે બધાએ અમને ના પાડી દીધી હતી."

"યુરોપમાં કોઈ અમારો હાથ ઝાલવા તૈયાર નહોતું. તે વખતે અમેરિકન કરતાં યુરોપના ઇન્વેસ્ટર્સ જોખમ લેવા બાબતે વધારે સાવધ હતા."

"તેથી અમને અમારું પ્રથમ નાનું ફંડિંગ ન્યૂ યૉર્કની આઇએ વેન્ચર્સ નામની કંપનીમાંથી મળ્યું."


હવે 30.5 કરોડ પાઉન્ડનું મૂડી રોકાણ

Image copyright HERMIONE

તે પછી ટ્રાન્સફરવાઇઝનો વ્યાપ એક ધારો વધવા લાગ્યો અને અન્ય રોકાણકારો પણ જોડાયા. અત્યાર સુધીમાં કંપનીએ 30.5 કરોડ પાઉન્ડનું મૂડીરોકાણ મેળવ્યું છે.

દરમિયાન કંપનીની વેબસાઇટ અને ઍપનો ઉપયોગ કરનારાની સંખ્યા 40 લાખથી પણ વધી ગઈ છે.

કંપનીની સર્વિસ 50 દેશોમાં અને 49 ચલણોમાં ઉપલબ્ધ છે.

કંપની જણાવે છે કે હવે દર મહિને તેમની સર્વિસ મારફત 3 અબજ પાઉન્ડની રકમ ટ્રાન્સફર થાય છે.

કંપનીની બીજી સૌથી મોટી ઑફિસ ઇસ્ટોનિયાની રાજધાની ટેલિનમાં છે. આઠ અન્ય ઑફિસ ટૅમ્પા બે, બૂડાપેસ્ટ અને ટોકિયો જેવાં શહેરોમાં છે.

માર્ચ 2018ના અંતે પૂરા થતા નાણાકીય વર્ષમાં કંપનીની રેવેન્યૂ 75% વધીને 11.7 કરોડ પાઉન્ડ સુધી પહોંચી હતી.

કંપનીનો વાર્ષિક નફો કોઈ વધારા વિના 62 લાખ પાઉન્ડનો રહ્યો હતો.

માર્ચ 2017 પહેલાંના સમયગાળામાં કંપની સતત ખોટ નોંધાવતી હતી, કેમ કે મૂડી વિસ્તરણમાં વપરાતી હતી. કંપનીમાં હાલ 1400 કર્મચારીઓ છે.

ફિનટેકના લેખક અને વિશ્લેષક ક્રિસ સ્કીનર કહે છે કે ટ્રાન્સફરવાઇઝનો બહુ ઝડપથી વ્યાપ વધ્યો, કેમ કે તેની સેવા બહુ સસ્તી છે. કંપની છુપી રીતે કોઈ ફી લેતી નથી.

તેઓ કહે છે, "આ ઉપરાંત કેટલાક જાણીતા ઇન્વેસ્ટર્સે કંપનીમાં રોકાણ કર્યું અને તેના બિઝનેસને સમર્થન આપ્યું. તેથી સફળતા મળવાની શક્યતા વધેલી ગણાય."

"જોકે, હું હજી શક્યતા જ કહું છું. તેનું કારણ કે આજની દુનિયામાં સારો વિચાર, સારું માર્કેટિંગ, સારા ઇન્વેસ્ટર્સ અને સારા સમર્થન છતાં કશાની ખાતરી આપી શકાય નહીં."

"આમ છતાં, મોન્ઝો, સ્ટાર્લિંગ, રિવોલટ જેવી યુકેની બીજી ઘણી ફિનટેક સ્ટાર્ટ-અપ કંપનીઓ વચ્ચે ટ્રાન્સફરવાઇઝ અલગ તરી આવે છે."

"કંપની ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને સસ્તી સર્વિસ આપીને નાણાકીય સેવાના ક્ષેત્રે પરિવર્તન લાવીને ગ્રાહકોને સારો અનુભવ કરાવી રહી છે."

ક્રિસ્ટોનો હોદ્દો સીઈઓનો છે, પણ તેઓ કહે છે, "હું અને સહસ્થાપક 37 વર્ષના ટાવેટ બંને પ્રારંભથી દરેક બાબતમાં સંકળાયેલા છીએ."

"અમે એકબીજાની સાથે મળીને જ કામ કરતા રહીએ છીએ."

કામમાંથી મોકળાશ મળે ત્યારે ક્રિસ્ટોને કાઇટ સર્ફિંગ કરવું ગમે છે. દર વખતે ક્રિસમસમાં તેઓ પોતાના ભાઈ સાથે આફ્રિકામાં મોટર સાઇકલ લઈને ફરવા નીકળી પડે છે.

"અમે શરૂઆત કરી ત્યારે ઘણી બાબતો વિશે સ્પષ્ટતા નહોતી. શું ઇસ્ટોનિયાના બે છોકરડાએ શરૂ કરેલી વેબસાઇટ પર લોકો ભરોસો કરશે?"

"અમે જે સમસ્યાનો ઉકેલ આપવા માગીએ છીએ તેવી સમસ્યા કોઈને થતી હશે ખરી?" એમ તેઓ કહે છે.

"અમે જોયું કે દુનિયામાં બધાને અમારી જેવી જ સમસ્યા હતા. અને તે લોકોએ અમારા પર વિશ્વાસ પણ મૂક્યો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો