ગુજરાતી 'ગલી બૉય્સ', જેમણે વિદેશમાં રહીને ગુજરાતનું નામ રોશન કર્યું

રાઉલ Image copyright FACEBOOK/RaOol

કેમ છો.. મજામાં...કુછ યે ઐસી જગહ હૈ જીસકી અલગ હૈ બાત હી..યહાં નાચે હર દિન હર લમ્હા.. જૈસે નવરાત્રિ...

ધીસ ઇઝ ગુજરાત.. મ્હારો પ્યાર.. અલગ અંદાઝ હૈ ફ્રોમ ધ સ્ટાર્ટ..એન્ટ્રી મારી જો છકડો મેં.. ચલો લેટ્સ ગો પાર્ટી...

'ગુજરાતી ગલી બૉય'નું ગુજરાતી હિંદી અંગ્રેજી ભાષાના મિશ્રણ વાળું આ 'રેપ સોંગ' તમને કેવું લાગ્યું?

ભારતમાં હાલ છેલ્લાં થોડાં વર્ષોથી સ્ટ્રીટ રેપિંગનું કલ્ચર વધી રહ્યું છે.

સ્ટ્રીટ રેપરની દિવાનગી એવી છે કે રણવીર સિંહ પણ રેપર્સના જીવન પર બનેલી ફિલ્મ લઈને આવી રહ્યા છે. જોકે, તેમની ફિલ્મ મુંબઈના રેપર્સ પર આધારિત છે.

રાઉલ Image copyright FACEBOOK/RaOol

ત્યારે બીબીસી ગુજરાતીએ કેટલાક 'ગલી બૉય્સ' સાથે વાત કરી કે જેઓ ગુજરાતી છે. અને તેમની ખ્યાતિ માત્ર ગુજરાતમાં નહીં, પણ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયેલી છે.

આવા જ રેપર્સમાંથી એક છે RaOol.


RaOol અને રેપ સોંગ

રાઉલ Image copyright FACEBOOK/RaOol

દિપેશ ખારીયા કે જેમને લોકો RaOolના નામે ઓળખે છે, તેઓ એવા કલાકારોમાંથી એક છે કે જેમના રેપ સોંગે ઇન્ટરનેટ પર લોકોને પોતાના દિવાના બનાવ્યા છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે RaOol ગુજરાતી તો છે પણ તેમનો ઉછેર ઑસ્ટ્રેલિયામાં થયો છે અને તેઓ રહેતા પણ લંડનમાં હતા.

પણ કવિતા અને સંગીત માટે તેમનો પ્રેમ એટલો હતો કે તેનાથી પ્રેરિત થઈને તેઓ એક રેપર બની ગયા.

તેમનું રેપ સોંગ હાઉસફુલ 3 જેવી બોલીવુડ ફિલ્મમાં પણ સાંભળવા મળ્યું છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

જ્યારે RaOolએ પૂછ્યું 'કેમ છો.. મજામાં..'

રાઉલ Image copyright FACEBOOK/RaOol

RaOol ભલે વર્ષો સુધી વિદેશમાં રહ્યા હોય, પણ ગુજરાત પ્રત્યે તેમનો લગાવ એટલો છે કે તે પ્રેમ તેમણે એક રેપ કરીને દર્શાવ્યો.

RaOol કહે છે, "જ્યારે મેં ગુજરાતીમાં રેપ કરવાનું નક્કી કર્યું, તો મને કોઈનું સમર્થન મળ્યું ન હતું. લોકોએ મને કહ્યું કે આ વસ્તુ ક્યારેય ચાલશે નહીં કેમ કે તેમના મને ગુજરાતીઓ 'cool' નથી."

"પણ એ બધી વાતની અવગણના કરીને મેં ગુજરાતી રેપ તૈયાર કર્યું અને જ્યારે 'કેમ છો.. મજામાં' રિલીઝ કર્યું તો તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો."

RaOolના આ ગીતનું શુટિંગ ગુજરાતના મોઢેરા સ્થિત સૂર્ય મંદિર સિવાય ભૂજ, અમદાવાદ સિવાયની અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યું હતું.

આ રેપના માધ્યમથી RaOolએ હિપ હોપ અને નવરાત્રિને સંગીતાંજલી આપવાનો પ્રયાસ કર્યો હતો.

રાઉલ Image copyright FACEBOOK/RaOol

પોતાના રેપની સફળતાને જોઈને RaOol માને છે કે આગામી સમયમાં ગુજરાતના, ખાસ કરીને અમદાવાદના ઘણા સારા રેપર્સનું ભવિષ્ય ઉજળું બની શકે છે.

RaOol કહે છે કે ત્રણ વર્ષ પહેલાં સુધી રેપ એટલે લોકોના મગજમાં એક જ છબી આવતી, દારુ, છોકરીઓ સાથે મોંઘી મોંઘી કારની વચ્ચે ગીત ગાતા કલાકાર.

"તે સમયે રેપમાં કોઈ સંદેશ ન હોતો. માત્ર ગીતને ગ્લેમરસ બનાવવા માટે રેપનો ઉપયોગ થતો હતો. પણ હવે ઘણી સારી વસ્તુઓ લોકોની વચ્ચે આવી રહી છે."

"ધીરે ધીરે ડિવાઇન અને નેઝી જેવા કલાકારો સામે આવ્યા છે કે જેમણે ભારતમાં રેપને એક નવી દિશા આપી છે."

"ગલી બૉય જેવી ફિલ્મ દેશના બીજા રેપર્સ માટે એક તક સમાન છે. પહેલા જે રેપની અત્યાર સુધી અવગણના થઈ રહી હતી, તેને હવે લોકો મહત્ત્વ આપી રહ્યા છે."

લાઇન
લાઇન

ગુજરાતી 'બ્લડ બ્રધર્સ'

સ્વપનીલ શાહ Image copyright Swapnil Shah

RaOol સિવાય બીબીસી ગુજરાતીએ કેલિફોર્નિયામાં રહેતા સ્વપનીલ શાહ સાથે પણ વાત કરી.

સ્વપનીલ શાહ એ જ વ્યક્તિ છે કે જેમને લોકો 'સ્વેપ'ના નામે ઓળખે છે. તેમણે પોતાના વધુ એક જોડીદાર નિમેશ પટેલ ઉર્ફે 'નિમો' સાથે મળીને ગુજરાતી રેપ સૉંગ રચ્યા છે. તેમનું બૅન્ડ કાર્મસી લોકો વચ્ચે ખૂબ ચર્ચિત છે.

તેમણે બ્લડ બ્રધર્સ નામનું નવીન ટ્રેક રજૂ કર્યું હતું.

આ રેપ સૉંગમાં ન તો ગાળો હતી, ન તો તેમાં બંદૂકો હતી, ન છોકરીઓ. પણ આ રેપમાં વાત કરવામાં આવી અમેરિકામાં પ્રવાસી ભારતીયોની.

આ રેપ તેમણે ગુજરાતીની સાથે સાથે અંગ્રેજીમાં પણ બનાવ્યું હતું.


અમેરિકામાં ગુજરાતી રેપ!

સ્વપનીલ શાહ સાથે બીજા રેપર્સ Image copyright FACEBOOK/KARMACY

સ્વપનીલ શાહનો જન્મ કેલિફોર્નિયામાં થયો હતો અને તેઓ પછી ત્યાં જ વસી ગયા.

પણ તે છતાં તેમણે ત્યાં રહીને અંગ્રેજી કે બીજી કોઈ ભાષામાં નહીં, પણ ગુજરાતીમાં રેપ સૉંગ લખ્યું જેની ખૂબ પ્રશંસા પણ થઈ.

સ્વપનીલ શાહ કહે છે, "જ્યારે લોકો સામે તેમની માતૃભાષાનો ઉપયોગ નવીન રીતે કરવામાં આવે તો લોકો તેની તરફ વધારે ધ્યાન આપે છે અને લોકો તેને પસંદ પણ કરે છે."

"લોકોને અનુભવ કરાવવો જોઈએ કે તમે રેપના માધ્યમથી જે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ પણ તેનો એક ભાગ છે."

"અમે જોયું હતું કે તેવું પહેલા કોઈએ પણ કર્યું ન હતું."

તેઓ માને છે કે રેપ સંગીતમાં તમારા જીવનનો પડછાયો હોવો જરુરી છે. રેપ સંગીત સાથે વ્યક્તિને પોતાની કહાણી કહેવાની તક મળે છે.

સ્વપનીલ શાહે પોતાના રેપમાં પણ એ જ વસ્તુ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેમના માતાપિતાએ અમેરિકા સુધી પહોંચવામાં કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.

સ્વપનીલનું કહેવું છે કે ઘણા લોકોને તેમના બનાવેલા રેપ વિચિત્ર લાગતા હતા, તે છતાં તેમણે આ પ્રકારના રેપ બનાવવાનું ચાલુ રાખ્યું. કેમ કે તેમનું માનવું હતું કે જો તેઓ કંઈક અલગ કરશે, તો નવા રેપર્સને આગળ વધવા પ્રોત્સાહન મળશે અને તેઓ કોઈ નવો પ્રયોગ કરવાથી ડરશે નહીં.

લાઇન
લાઇન

એક રેપ સૉન્ગ લખવું કેટલું અઘરું?

રેપરની પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

RaOol માને છે કે એક સામાન્ય બોલીવુડ ગીત લખવું રેપ લખવાથી એકદમ અલગ છે.

અને રેપ લખવું ત્યારે વધારે સહેલું બની જાય છે જ્યારે તમારી પાસે કોઈ સંદેશ છે.

આ અંગે સ્વપનીલ કહે છે કે રેપ સૉન્ગ બનાવવું એક કળા છે. અને તમારે એક સારુ રેપ સૉન્ગ લખવા માટે 50 ખરાબ રેપ સૉંગ લખવા પડે છે.

તેઓ ઉમેરે છે, "રેપ સૉન્ગ લખવા માટે તમારો સંગીત પ્રત્યે પ્રેમ હોવો અને તેમાં સત્યતા હોવી ખૂબ જરુરી છે. જો તમારી અંદર આ બન્ને વસ્તુ છે તો તમે ચોક્કસ એક સારુ રેપ સૉંગ લખી શકો છો."


ગુજરાતી રેપ સૉન્ગનું ભવિષ્ય કેટલું ઉજળું?

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

જ્યારે કોઈ વ્યક્તિ ભારતીય સંગીત વિશે વિચારે છે તો રેપ સામાન્યપણે મગજમાં આવતું નથી. આ મ્યુઝીકનું એક એવું ફોર્મ છે કે જેનો જન્મ અમેરિકામાં થયો હતો.

પરંતુ સંગીતની આ શૈલી હવે ભારતમાં પહેલા કરતા વધારે લોકપ્રિય છે. ભારત રેપનું પ્રશંસક પણ બન્યું છે અને રેપર્સ પોતાનાં ગીતો સાથે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે.

પણ તે છતાં રેપમાં ગુજરાતનું ભવિષ્ય શું છે?

આ અંગે સ્વપનીલ શાહ કહે છે, "મેં વધારે ગુજરાતી રેપર્સ જોયા નથી. પણ વધારે ગુજરાતી રેપર્સ બનવા જોઈએ. તેના માટે રિસ્ક લેવું જરુરી છે અને ગુજરાતી લોકો રિસ્ક લેવાનું પસંદ કરતા નથી. પણ જો રિસ્ક લેવામાં આવે તો ગુજરાતીઓ આ ક્ષેત્રે ખૂબ આગળ આવી શકે છે કેમ કે તેઓ ખૂબ સ્માર્ટ હોય છે."

તેઓ ઉમેરે છે, "રેપ સૉંગની અલગ મજા છે. ભારતીયો ખૂબ મ્યુઝિકલ હોય છે. અને તેમણે આ ક્ષેત્રે વધારે આગળ આવવું જોઈએ કે સંગીત આપણા બધાના લોહીમાં છે."


રેપ અને હિપ હોપ વચ્ચે કેટલી સમાનતા?

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

આ સવાલ પર RaOolનું કહેવું છે, "હિપ હોપ અને રેપ બન્ને એકબીજાથી ઘણી દૃષ્ટિએ અલગ છે. રેપમાં કવિતાનું માત્ર એક જ એલિમેન્ટ હોય છે, જ્યારે હિપ હોપમાં બ્રેક ડાન્સ, ગ્રાફીટી, સ્ટ્રીટ આર્ટ જેવા એલિમેન્ટનો ઉમેરો થાય છે."

તેઓ કહે છે, "હિપ હોપ એક સંસ્કૃતિ છે."

RaOolની આ વાત સાથે સ્વપનીલ શાહ પણ સહમતી ધરાવે છે. તેઓ કહે છે કે હિપ હોપ એક સંસ્કૃતિ છે જ્યારે રેપ હિપ હોપનું એક પ્રકાર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો