ડ્રગ લૉર્ડ અલ ચેપો અમેરિકામાં ડ્રગ તસ્કરીના આરોપમાં દોષિત

મેક્સિકોના ડ્રગ તસ્કર ખ્વાકીન અલ ચેપો ગૂસમેન Image copyright AFP/GETTY IMAGES
ફોટો લાઈન મેક્સિકોના ડ્રગ તસ્કર ખ્વાકીન અલ ચેપો ગૂસમેન

મેક્સિકોના ડ્રગ તસ્કર ખ્વાકીન અલ ચેપો ગૂસમેનને ન્યૂ યૉર્કની એક ફેડરલ કોર્ટે ડ્રગની તસ્કરીના કેસમાં 10 વિભિન્ન આરોપોમાં દોષિત જાહેર કર્યા છે.

61 વર્ષના ગૂસમેનને કોફીન અને હેરોઇનની તસ્કરી, ગેરકાયદે હથિયાર રાખવા અને મની લૉન્ડરિંગ જેવા મામલામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

હવે આ મામલામાં સજા સંભળાવવાની બાકી છે, માનવામાં આવે છે કે તેમને પૂરી જિંદગી જેલમાં રહેવું પડે તેવી શક્યતા છે.

અલ ચેપો આ પહેલાં મેક્સિકોની જેલમાંથી સુરંગ બનાવીને ભાગી નીકળ્યા હતા.

જે બાદ જાન્યુઆરી 2016માં તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી અને 2017માં તેને અમેરિકામાં પ્રત્યાર્પિત કરવામાં આવ્યા.

ચેપો પર આરોપ હતો કે તાકતવર સિનાલોઆ ડ્રગ કાર્ટેલ પાછળ તેમનો હાથ હતો અને અમેરિકામાં તેઓ ડ્રગ્સના સૌથી મોટા સપ્લાયર છે.


કોર્ટમાં શું થયું?

Image copyright Reuters

મંગળવારે જ્યૂરીએ 11 અઠવાડિયાં સુધી તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આ નિર્ણય સંભળાવ્યો હતો.

સીબીએસ ન્યૂઝ પ્રમાણે ગૂસમેન કોર્ટમાં એક કાળો શૂટ, જૅકેટ અને ટાઈ પહેરીને હાજર રહ્યા હતા.

જ્યારે જજે આ નિર્ણય સંભળાવ્યો ત્યારે તેમના મુખ પર કોઈ અલગ હાવભાવ જોવા મળ્યા ન હતા.

જ્યારે તેઓ કોર્ટરૂમથી બહાર આવ્યો તો પોતાના વકીલો સાથે હાથ મિલાવતા પહેલાં તેમની પત્ની 29 વર્ષીય પૂર્વ બ્યૂટી ક્વીન એમા કોરનેલ સાથે નજરો મેળવી હતી.


કોણ છે અલ ચેપો?

Image copyright Reuters
ફોટો લાઈન અલ ચેપોનાં પત્ની પૂર્વ બ્યૂટી ક્વિન એમા કોરનેલ

ખ્વાકીન ગૂસમેનનો જન્મ 1957માં એક ખેડૂત પરિવારમાં થયો હતો.

તેઓ અફીણ અને ગાંજાનાં ખેતરોમાં કામ કરતા હતા અને અહીંથી જ ડ્રગ તસ્કરીનો ધંધો તેઓ શીખ્યા હતા.

જે બાદ તેઓ 'ધી ગૉડફાધર'ના નામથી ચર્ચિત અને શક્તિશાળી ગ્વાડાલાજારા કાર્ટેલના પ્રમુખ મિગેલ એન્જલ ફેલિક્સ ગેલાર્ડોના ચેલા બની ગયા અને તસ્કરીની નાની-નાની બાબતો શીખી.

5 ફૂટ 6 ઇંચ લાંબા ગૂસમેનનેને 'અલ ચેપો' એટલે કે 'ઠીંગણો માણસ' કહેવામાં આવે છે.

1980ના દશકામાં ઉત્તર-પશ્ચિમ મેક્સિકોમાં પ્રભાવશાળી સિનાલોઆ કાર્ટેલની ટોપ પર પહોંચી ગયા.

જે અમેરિકામાં ડ્રગ તસ્કરી કરનારો સૌથી મોટો સમૂહ બની ગયો અને વર્ષ 2009માં ફૉર્બ્સ પત્રિકાને દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં 701 નંબર પર ગૂસમેનને સામેલ કર્યા હતા.

એ સમયે તેમની સંપત્તિ લગભગ 70 અબજ રૂપિયા જેટલી હતી.

તેમના પર અમેરિકામાં સેંકડો ટન કોકીનની તસ્કરીમાં મદદ કરવાનો આરોપ છે.

સાથે જ હેરોઇન અને મેરવાના ઉત્પાદન અને તસ્કરીના કાવતરાનો આરોપ છે.

એક પૂર્વ લેફ્ટનન્ટ સહિત અલ ચેપોના મુખ્ય સહયોગીઓએ તેમના વિરુદ્ધ જુબાની આપી છે.


સિનાલોઆ કાર્ટેલ શું છે?

Image copyright Getty Images
ફોટો લાઈન મેક્સિમોમાં 2014માં અલ ચેપોની ધરપકડ થઈ તે સમયની તસવીર

સિનાલોઆ મેક્સિકોનો ઉત્તર-પશ્ચિમ પ્રાંત છે અને તેના પરથી જ સિનાલોઆ કાર્ટેલનું નામ પડ્યું છે.

ગૂસમેનના આદેશ પર આ કાર્ટેલે અનેક હરીફોને ડ્રગ તસ્કરી સમૂહનો સફાયો કરી દીધો હતો.

જે બાદ આ સમૂહ અમેરિકામાં ડ્રગ મોકલનારું સૌથી મોટું નેટવર્ક બની ગયો હતો.

અમેરિકન કૉંગ્રેસમાં જુલાઈ 2018માં રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે આ કાર્ટેલ વર્ષે ત્રણ અબજ ડૉલરની કમાણી કરતું હતું.

રિપોર્ટ પ્રમાણે આ ગૅંગનો પ્રભાવ ઓછામાં ઓછા પચાસ દેશોમાં છે.

જોકે, તાજેતરનાં વર્ષોમાં આ કાર્ટેલને તેમના હરિફોથી પડકાર મળી રહ્યો છે અને સવાલ ઊઠી રહ્યા છે કે શું આ કાર્ટેલનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો