રાજકોટમાં રેલી : કોઈ દેશ પ્રત્યે પ્રેમ બતાવવાનું કહી ના શકે - કનૈયા કુમાર

પત્રકાર પરિષદ Image copyright Bipin tankaria

જેએનયુના વિદ્યાર્થી સંગઠનના પૂર્વ નેતા કનૈયા કુમાર, પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ અને વડગામથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ ત્રણેય યુવા નેતા આજે રાજકોટમાં મળ્યા.

આ ત્રણેય નેતા આજે રાજકોટમાં યોજાનારી બંધારણ બચાવો રેલીમાં ભાગ લીધો હતો.

આ પહેલાં તેમણે પત્રકાર પરિષદ કરી હતી અને કહ્યું હતું કે આ સમયે બંધારણ બચાવવું વધારે જરૂરી છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સરકાર પર આરોપ કરતા કહ્યું કે સરકારે આ રેલી રોકવાના ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ અંતે તેમણે મંજૂરી આપવી પડી.

જે બાદ હાર્દિક પટેલે કહ્યું કે દેશમાં અત્યારે બંધારણ બચાવવાની સૌથી વધારે જરૂરી છે.

હાર્દિકે કહ્યું કે હાલ કેન્દ્રની મોદી સરકાર વિવિધ સંસ્થાઓ પર પ્રહાર કરી રહી છે. જેથી સંવિધાન બચાવવું જરૂરી છે.

કનૈયાએ કહ્યું કે હાર્દિક અને જિગ્નેશ જે લડાઈ લડી રહ્યા છે તે અલગ અલગ લડાઈ નથી. તે એક જ છે.

અહીં કનૈયા કુમારે કહ્યું, "સરકારને સવાલ પૂછવો એ અમારો અધિકાર છે. જેને અમારો વિરોધ કરવો હોય તે કરે અમે કોઈથી ડરતા નથી."

"મેં દેશ વિરોધી નારા લગાવ્યા હોત તો હું અત્યારે જેલમાં હોત."

તમે આ વાંચ્યું કે નહીં?

કનૈયા કુમારે એક પત્રકારના પ્રશ્નના જવાબમાં કહ્યું કે હું ભારત માતાની જય બોલું છું અને બોલતો રહીશ.

તેમણે કહ્યું, "જો કોઈ એમ કહે કે તમે તમારાં માતાને પ્રેમ કરો છો, તો કરીને બતાવો તો હું એવું નહીં કરું."

"એ કોણ લોકો છે કે જે મારા પ્રેમ માટે સર્ટિફિકેટ આપે છે. કોઈના દબાણમાં હું આવું નહીં કરું."

Image copyright Bipin Tankaria

આ રેલીનું આયોજન કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અને રાજકોટના સ્થાનિક નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યું છે.

આ રેલી રાજકોટના હૉસ્પિટલ ચોક પાસે આવેલા બી. આર. આંબેડકર ભવન પાસેથી શરૂ થશે અને બહુમાળી ભવનની આસપાસ પૂર્ણ થશે.

પાટીદાર અનામત આંદોલનના એક અન્ય નેતા ગોપાલ ઇટાલિયા અને ગુજરાત જન અધિકાર મંચના પ્રમુખ પ્રવિણ રામ પણ આ રેલીમાં જોડાશે.

બપોર બાદ ત્રણ વાગ્યાની આસપાસ આ રેલી શરૂ થવાની ધારણા છે.

આ ત્રણેય યુવા નેતા ખૂલીને ભાજપના નેતૃત્વમાં ચાલી રહેલી એનડીએ સરકારનો વિરોધ કરી રહ્યા છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી સામે 2017માં વિધાનસભાની ચૂંટણીમાં લડ્યા હતા. જોકે, તેમાં તેમની હાર થઈ હતી.

પોતાની હારના એક મહિના બાદ રાજ્યગુરુએ કૉંગ્રેસમાંથી એમ કહીને રાજીનામું આપી દીધું હતું કે તેઓ પક્ષની કામ કરવાની રીતથી સંતુષ્ટ નથી.

જોકે, તેમણે જસદણમાં તાજેતરમાં યોજાયેલી અને વટનો સવાલ બની ગયેલી ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવારને ટેકો આપતા પ્રચાર કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો