પુલવામા હુમલો : પાકિસ્તાની મીડિયા આ મામલે શું કહી રહ્યું છે?

કાશ્મીરમાં હુમલા બાદની તસવીર Image copyright Getty Images

ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપુરમાં કરાયેલા કાર વિસ્ફોટ હુમલામાં જવાનોનો મૃત્યુઆંક 40 થઈ ગયો છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ(સીઆરપીએફ)ના કૉન્વૉય પર કરાયેલા હુમલાને વિશ્વભરમાં વખોડી કાઢવામાં આવ્યો છે.

પાકિસ્તાને આ હુમલાને ગંભીર ચિંતાનો વિષય ગણાવી, હુમલા સાથે પોતાના દેશના તાર હોવાની વાત ફગાવી દીધી છે.

પણ પાકિસ્તાની અખબારોમાં આ હુમલાનો સમાચાર કઈ રીતે કવર કરાયા છે?


'સ્વતંત્રતા સેનાનીએ હુમલોકર્યો, ઑક્યુપાઇડ ફૉર્સના 44નાં મૃત્યુ'

Image copyright Thenation

પાકિસ્તાની અંગ્રેજ વેબસાઇટ 'ધ નેશન'એ અવંતીપુરમાં ભારતીય સુરક્ષા દળો પર કરાયેલા આત્મઘાતી હુમલાને 'સ્વતંત્ર સેનાનીએ કરેલો હુમલો' ગણાવ્યો છે.

વેબસાઇટ લખે છે, "ભારતના કબજાવાળા કાશ્મીરમાં કરાયેલા આ હુમલામાં ઑક્યુપાઇડ ફૉર્સના 44 જવાનોનાં મૃત્યુ થયાં છે."

સમાચાર સંસ્થાના અહેવાલને ટાંકીને વેબસાઇટ લખે છે,

"કબજાવાળા કાશ્મીરમાં અત્યારસુધી વધી રહેલા અત્યાચારો સામે ઝૂંકવાનો ઇન્કાર કરતા સ્વતંત્રતા સેનાનીઓએ કરેલા ભારે વળતા પ્રહારમાં ભારતીય સૈન્યના 44 સૈનિકો માર્યા ગયા છે. જ્યારે કેટલાય ઇજાગ્રસ્ત થયા છે."

વેબસાઇટ આ હુમલાને 'આતંકવાદી હુમલાનો રંગ' આપવા માટે ભારત સરકાર પ્રત્યત્નશીલ હોવાનો આરોપ લગાવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?


'ઑક્યુપાઇડ કાશ્મીરમાં 44 ભારતીયનાં મોત'

Image copyright The Dawn

પાકિસ્તાનના પ્રમુખ અંગ્રેજી અખબાર 'ડૉન'ના પ્રથમ પાને પુલવામા હુમલાના સમાચાર છપાયા છે. 'ઑક્યુપાઇડ કાશ્મીરમાં 44નાં મોત' એવું 'ડૉન' લખે છે.

અખબારે અરુણ જેટલીએ કરેલી 'નવી દિલ્હીના વળતો પ્રહાર કરવા'ની વાત ટાંકી છે. તો સાથે જ આ હુમલાનો સંબંધ પાકિસ્તાન સાથે ના હોવાની દેશના વિદેશ મંત્રાલયની વાત પણ છાપી છે.

હુમલા બાદ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ટ્વીટને પણ અખબારે છાપ્યું છે.

પોતાના ટ્વીટમાં મોદીએ 'સુરક્ષા જવાનોનું બલિદાન એળે નહીં જાય' એવી વાત કરી હતી.

હુમલા બાદ ભારતીય મંત્રી અરુણ જેટલીએ ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે આ હુમલાને 'કાયરનું કામ ગણાવી ભારત વળતો પ્રહાર કરશે' એવી વાત કરી હતી. જેની નોંધ પણ અખબારે લીધી છે.

ભારતીય મીડિયાના અહેવાલાને ટાંકીને અખબારે હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદના હાથની વાત કરી છે તો સાથે જ આ હુમલો અદિલ અહમદ ડારે કર્યો હોવાનું પણ જણાવે છે.

અખબારના મતે સાઉદી અરેબિયાના પાટવીકુંવર મોહમ્મદ બિલ સલમાન ભારત અને પાકિસ્તાનની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે આ હુમલો સૂચક બની રહે છે.

નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાનની મુલાકાતે આવનારા રાજનેતા સામાન્ય રીતે કાશ્મીર મુદ્દે વાત કરવાનું ટાળતા હોય છે.


હુમલા માટે પાકિસ્તાન તરફ ઇશારો : 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન'

Image copyright Express Tribune

પાકિસ્તાનનું અખબાર 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન' લખે છે, 'ભારતીય કબજાવાળા કાશ્મીરમાં કરાયેલા આત્મઘાતી હુમલામાં 44 ભારતીય સૈનિકોનાં મૃત્યુ.'

'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન' સ્થાનિક અહેવાલોને ટાંકીને જણાવે છે કે આ હુમલો કાશ્મીરના જાણીતા ઉગ્રવાદી અદિલ અહમદ ડારે કર્યો છે.

અખબારના જણાવ્યા અનુસાર હુમલા બાદ સુરક્ષાદળોએ ઘટનાસ્થળની આસપાસનાં 15 ગામોને ઘેરી લીધા હતા અને ઘરદીઠ શોધ અભિયાન હાથ ધર્યું હતું.

આ હુમલા પાછળ પાકિસ્તાન તરફ ભારતે ઇશારો કર્યો હોવાનું પણ અખબાર જણાવે છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારતીય મંત્રીએ 'પાકિસ્તાન આતંકવાદ અને આતંકવાદીઓને સમર્થન આપવાનું બંધ કરે' એવી વાત પણ નોંધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો