નહેરુને 'શાંતિ દૂત' ગણાવનાર સાઉદી 'નિશાન-એ-પાકિસ્તાન' કેમ બની ગયુ?
- ટીમ બીબીસી હિન્દી
- નવી દિલ્હી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રહી ચુકેલા હુસૈન હક્કાનીએ સાઉદી અરબના તાજપોશ પ્રિન્સ મોહમ્મદ બિન-સલમાનના પાકિસ્તાન પ્રવાસ ઉપર એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં તેમણે 1976ના એક સમાચાર અહેવાલના કટિંગ શેર કર્યું છે.
સમાચાર એજન્સી રૉઈટર્સનો આ અહેવાલ સાઉદી અરબના તત્કાલીન કિંગ ખાલિદના છ દિવસના પાકિસ્તાન પ્રવાસ વિશે છે.
આ અહેવાલ અનુસાર પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને આશા હતી કે સાઉદી નાણાંકીય મદદ વધારશે. અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સાઉદી કિંગનો આ પહેલો પાકિસ્તાન પ્રવાસ છે.
આ જ અહેવાલના એક ભાગની તસવીરને ટ્વીટ કરતા હુસૈન હક્કાનીએ લખ્યું છે, "આ 1976નો સમાચાર અહેવાલ છે. 43 વર્ષ પછી, સાઉદીના બીજા નેતા અને એ જ આશાઓ?" હુસૈન હક્કાનીના આ ટ્વીટ ઉપર પાકિસ્તાનીઓએ કડક પ્રતિક્રિયા આપી છે. જો કે કેટલાંક લોકોએ સમર્થન પણ આપ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?


થંભી ગયું પાકિસ્તાન

ઇમેજ સ્રોત, @PID_GOV
રવિવારની રાત્રે સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન-સલમાન પાકિસ્તાન પહોંચ્યા ત્યારે જાણે આખું પાકિસ્તાન થંભી ગયું હતું. પ્રિન્સ સલમાન પહેલી વાર પાકિસ્તાન પહોંચ્યા છે. વડાપ્રધાન ઈમરાન ખાન અને સેના પ્રમુખ સલમાનના સ્વાગતમાં ઍરપોર્ટ ઉપર ઉભા હતા.
ઇમરાન ખાન પોતે ગાડી ચલાવીને સલમાનને પોતાના નિવાસ ઉપર લઈ આવ્યા. બંનેની મુલાકાતમાં ઇમરાન ખાનની બૉડી લૅન્ગવેજથી સ્પષ્ટ થતું હતું કે તેઓ પોતાની દરેક વાતમાં આભાર વ્યક્ત કરી રહ્યા છે.
સલમાનના પ્રવાસના મુદ્દે પાકિસ્તાની મીડિયા અને સત્તામાં મહિનાઓથી હિલચાલ હતી. પાકિસ્તાની મીડિયામાં તો રોજ ધારણાઓ બાંધવામાં આવતી હતી કે સલમાન આ પ્રવાસમાં પાકિસ્તાનને કેટલા અરબ ડૉલરની મદદ કરશે.
હકીકતમાં પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી હાલ સૌથી ભયંકર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. હાલત એવી છે કે તેનો વિદેશી મુદ્રા ભંડાર 9 અબજ ડૉલર થઈ ગયો છે જ્યારે બાંગ્લાદેશનો 33 અબજ ડૉલર છે.
સાઉદી અરેબિયાએ 20 અરબ ડોલરના કરાર અને 2000 કેદીઓની મુક્તિની જાહેરાત કરી છે.
તો સામે પાકિસ્તાને સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન-સલમાનની શાનદાર મહેમાનનવાજી સાથે તેમને દેશના સર્વોચ્ચ સન્માન નિશાન-એ-પાકિસ્તાનથી નવાજ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સાઉદી અરબને પાકિસ્તાન સુરક્ષાનો ભરોસો અપાવે છે. પાકિસ્તાન પરમાણું શક્તિ સંપન્ન દેશ છે અને તેને લાગે છે કે આ હથિયારના જોર પર મધ્ય-પૂર્વમાં ઘર્ષણની સ્થિતિ પેદા થઈ તો તે સાઉદી સાથે મજબૂતીથી ઉભો રહેશે.
ઇમરાન ખાને વડાપ્રધાન બન્યા પછી પહેલા વિદેશી પ્રવાસ માટે સાઉદીને જ પસંદ કર્યો હતો. ખાને આ પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાન કોઈ બહારની શક્તિને સાઉદી ઉપર હુમલો કરવા દેશે નહીં.
અત્યારે સાઉદીમાં 25 લાખથી વધુ પાકિસ્તાની કામ કરે છે. આમાંથી મોટા ભાગના શ્રમજીવી છે. એ દર વર્ષે પાકિસ્તાનમાં પોતાના પરિવારો માટે 5થી 6 અબજ ડૉલર રકમ મોકલે છે અને એ પાકિસ્તાની અર્થવ્યવસ્થા માટે ખૂબ અગત્યનું છે.
અરબ ન્યૂઝના અહેવાલ અનુસાર સાઉદી અરબ ઇન્ટેલિજન્સના મુખ્ય પ્રિન્સ તુર્કી બિન ફૈઝલે પાકિસ્તાન અને સાઉદીના સંબંધો વિષે કહ્યું હતું, "લગભગ આ બંને દેશો વચ્ચેનો હાલ સૌથી સારો સંબંધ છે."


ઇમેજ સ્રોત, @PID_GOV
1960ના દશકાથી જ પાકિસ્તાની સૈનિક સાઉદીના શાહી શાસનની સુરક્ષામાં લાગ્યા છે. આ સાથે જ પાકિસ્તાન સાઉદીના સૈનિકો અને પાઇલટને તાલીમ આપે છે. 1969માં પાકિસ્તાને યમનની સેનાના આક્રમણને અટકાવવામાં મદદ કરી હતી.
ઈરાન-ઈરાક યુદ્ધમાં પણ પાકિસ્તાને પોતાની સેનાને સાઉદી આરબ મોકલી હતી.
2016ના અહેવાલના અનુસાર સાઉદી અરબ પાકિસ્તાની હથિયારોનો સૌથી મોટો આયાતકર્તા છે. પાકિસ્તાને જ્યારે પરમાણું પરીક્ષણ કર્યું હતું ત્યારે તો સાઉદીએ ખુલીને તેનું સમર્થન કર્યું હતું.
સાઉદી અરબે 1998થી 1999 સુધી 50 હજાર બેરલ તેલ મફતમાં આપ્યું હતું. સાઉદી પર વિવિધ પ્રકારના પ્રતિબંધ હોવા છતાં તેણે આવું કરેલું.
અફઘાનિસ્તાનથી રશિયન સેના પરત ગઈ ત્યારે સંયુક્ત આરબ અમીરાત ઉપરાંત સાઉદી અરબ એકમાત્ર દેશ હતો જેણે કાબુલમાં તાલિબાન શાસનનું સમર્થન કર્યું હતું. આ સાથે જ કશ્મીર સમસ્યા ઉપર પણ સાઉદી અરબ પાકિસ્તાનના સમર્થનમાં રહ્યું છે.
સાઉદી અરબ પોતાની નીતિઓ અને કાર્યવાહીઓને મુદ્દે સુન્ની મુસલમાન દેશોને વિશ્વાસમાં લેતો રહ્યો છે. શિયા મુસ્લિમ દેશ ઈરાનની બાબતે સાઉદીની સુન્ની ગોળબંધી જગજાહેર છે. યમનમાં સાઉદીના નેતૃત્વ વાળા દેશોની કાર્યવાહીમાં પણ સુન્ની વિરુદ્ધ શિયાનો જ મોટી ભૂમિકા છે.


ઇમેજ સ્રોત, @PID_GOV
પાકિસ્તાન પણ સુન્ની મુસલમાન વસતી ધરાવતો દેશ છે. જો કે યમનમાં તેઓ સાઉદીની સાથે સીધા પ્રકારે નથી પરંતુ અન્ય ઘણાં પ્રકારના સૈન્ય સમર્થન આપી રહ્યો છે.
1980ના દશકામાં સાઉદીએ અફઘાનિસ્તાનથી સોવિયત સેના વિરુદ્ધ લડવા માટે પાકિસ્તાન દ્વારા જ અફઘાન મુજાહિદ્દીનોને તૈયાર કર્યા હતાં. તેનું પરિણામ એ આવ્યું કે તાલીબાનનો જન્મ થયો અને પછી અલ-કાયદા સામે આવ્યું.
પાકિસ્તાનને સાઉદી ફંડની બેહિસાબ મદદની ઘણી ટીકા પણ થાય છે. આ ટીકા પાકિસ્તાનની અંદર પણ થાય છે કે સાઉદીના ફંડથી પાકિસ્તાનમાં ઇસ્લામિક કટ્ટરતા વધી છે. સાઉદીના શાહી શાસન ઇસ્લામિક રૂઢીવાદી અને વહાબી વિચારધારાને પ્રોત્સાહન આપે છે.

આપને આ પણ વાંચવું ગમશે

આ સ્થિતિમાં સાઉદીના ફંડથી પાકિસ્તાનમાં ઇસ્લામિક કટ્ટરતા અને રૂઢિવાદને ઉર્વર જમીન મળી. સાઉદીની મદદથી પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં ધાર્મિક સ્કૂલ અને મદરેસા શરૂ થયા. છેલ્લા કેટલાંક વર્ષોમાં ઇસ્લામિક કટ્ટરતાના કારણે હજારો પાકિસ્તાનીઓના જીવ પણ ગયાં.
અરબ ન્યૂઝે લખ્યું છે, "1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ત્રણ વર્ષ પછી તત્કાલીન પ્રિન્સ સુલતાન બિન અઝીઝ પાકિસ્તાન ગયા હતા અને ત્યારે જ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય રક્ષા સહયોગને મુદ્દે સમજુતી થઈ હતી. 1970ના દાયકામાં ભારતના પરમાણુ લક્ષ્યોની બાબતે પણ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને મદદ કરી હતી.


ઇમેજ સ્રોત, @PID_GOV
સાઉદી અરબની પાકિસ્તાનની સાથે દોસ્તી ભલે બહુ જ મજબૂત છે પરંતુ તે ભારતની પણ ઉપેક્ષા કરી નથી શકતો. 1956ના સપ્ટેમ્બર મહિનામાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ સાઉદી અરબના પ્રવાસે ગયા હતા.
આ પ્રવાસ ઉપર સાઉદીની ભીડે નહેરૂના સ્વાગતમાં 'મરહબા રસૂલ અલ સલામ' મતલબ 'શાંતિના દૂત તમારું સ્વાગત છે' ના નારા લગાવ્યા હતા. જો કે 1970ના દશકામાં મદદ કરી અને સાઉદીનો ઝુકાવ પાકિસ્તાન તરફ વધતો ગયો.
સાઉદીએ ક્યારેય પોતાને ભારતથી સંપૂર્ણપણે અલ કર્યો નથી. બંને દેશોએ પારસ્પરિક આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને સંબંધોને યથાવત રાખ્યા. સાઉદીમાં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસી પણ કામ કરે છે.
સાઉદીમાં ભારતીય મોટી નોકરી પણ કરે છે અને મજૂરોના કામ પણ. સમયની સાથે ભારતીયોની સંખ્યા વધતી ગઈ. 2016માં સાઉદીમાં કામ કરનારા ભારતીયોની સંખ્યા વધીને લગભગ 30 લાખ સુધી પહોંચી ગઈ.
જો ખાડીના તમામ દેશોને ભેગા કરી દેવામાં આવે તો ભારતીયોની સંખ્યા 73 લાખ થઈ જાય છે અને તેમણે 2015માં ભારતમાં પોતાના સ્વજનોને 36 અબજ ડૉલર મોકલ્યા હતાં.


ઇમેજ સ્રોત, @PID_GOV
ભારતની આર્થિક પ્રગતિ અને વધતી ઈંધણની જરૂરિયાતોને લીધે સાઉદી અરબ માટે ભારત તેલનો સૌથી મોટો ખરીદાર દેશ બની ગયો છે. આર્થિક જરૂરિયાતો બાદ બંને દેશોના મહત્વના થઈ રહેલા સંબંધોના કારણે 2006માં સાઉદીના કિંગ અબ્દુલ્લાએ મુલાકાત લીધી હતી.
એ મુલાકાત બાદ બંને દેશોના સંબંધોમાં પરસ્પર ઘનિષ્ટતા વધી.
હવે તો ભારત અને સાઉદી અરબ આર્થિક રીતે એક બીજા માટે ઘણાં મહત્વના બની ગયાં છે. 2014-15માં બંને દેશોની વચ્ચે 39.4 અરબ ડૉલરનો વેપાર થયો હતો. બીજી તરફ પાકિસ્તાન અને સાઉદી વચ્ચે 6.1 અરબ ડૉલરનો જ વેપાર થયો.
ભારત અને સાઉદીમાં સંબંધ ઘણાં મજબૂત છે પરંતુ પાકિસ્તાન અને સાઉદીની વચ્ચે રક્ષા સંબંધ વધુ મજબૂત છે. જો કે હવે ભારત અને સાઉદી અરબ ઉપરાંત બાકીના ખાડી દેશો સાથે સુરક્ષા સંબંધો વધી રહ્યા છે.
2010માં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાઉદીના પ્રવાસે ગયા હતા ત્યારે આ સંબંધની શરૂઆત થઈ હતી. ભારત અને સાઉદીએ 2014માં એક સુરક્ષા સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા હતાં. જેમાં માહિતીના આદાન-પ્રદાન અને સૈન્ય તાલીમ જેવી બાબતો સામેલ હતી.
વડાપ્રધાન મોદી પણ સાઉદીના પ્રવાસે ગયા હતા અને તેમનું શાહી શાસન તરફથી ખૂબ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીને સાઉદીનું સર્વોચ્ચ નાગરિક સન્માન પણ આપવામાં આવ્યું હતું.
ભારત અને સાઉદીના વધતા સંબંધો વચ્ચે પાકિસ્તાની નેતાઓને પણ એવી લાગણી થઈ કે આંતરરાષ્ટ્રીય સંબંધોની રચના પરસ્પર હિતોના પાયા થતી હોય છે.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો