પુલવામા CRPF હુમલો : મસૂદ અઝહરનો બચાવ કરીને આ રીતે ચીન એક કાંકરે બે પંખીઓ મારે છે

  • સંદીપ સોની
  • બીબીસી સંવાદદાતા
મસૂદ અઝહર

ઇમેજ સ્રોત, Getty Images

આ વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામાંમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(સીઆરપીએફ)ના કાફલા ઉપર જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલા પછી મસૂદ અઝહરનું નામ એક વાર ફરીથી સમાચારના મથાળાઓમાં આવ્યું છે અને ફરી એક વાર આ મામલે ચીન પર સહુની નજર અટકે છે.

જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાનનો એક કટ્ટરપંથી સમૂહ છે અને મસૂદ અઝહર એનો આગેવાન છે. ભારત ઇચ્છે છે કે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય કટ્ટરવાદી જાહેર કરવામાં આવે.

આ માટે ભારત સુરક્ષા પરિષદમાં આ મુદ્દો રજુ કરતો રહ્યો છે, પરંતુ દરેક વખતે ચીને ભારતના પ્રસ્તાવ ઉપર વીટોનો ઉપયોગ કર્યો છે. ચીન આવું શા માટે કરે છે?

આ સવાલ ઉપર ભારતના ભૂતપૂર્વ રાજનાયક વિવેક કાટજૂ કહે છે, "ચીન પાકિસ્તાની સેનાને મસૂદ અઝહરના મુદ્દે ટેકો આપે છે.

મસૂદ અઝહર પાકિસ્તાની સેનાનો એક વર્ચુઅલ ભાગ છે. મસૂદ અઝહર, જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હાફિઝ સઈદ પાકિસ્તાનની વિદેશ નીતિ અને કૂટનીતિને આગળ વધારવામાં મદદ કરે છે."

વિવેક કાટજૂ કહે છે, "મને લાગે છે કે પાકિસ્તાની સેનાએ ચીનને વિનંતી કરી છે કે તમે મસૂદ અઝહરને યૂએન અંતર્ગત કટ્ટરવાદી જાહેર ના થવા દે. જ્યારે જૈશ-એ-મોહમ્મદ કટ્ટરવાદી સંગઠન જાહેર થઈ ચૂક્યું છે."

"પરંતુ મસૂદ અઝહર તરફ પાકિસ્તાની સેનાનો વિશેષ લગાવ છે અને આ જ લગાવને કારણે તેમણે ચીનને ફોસલાવી રાખ્યો છે કે તે મસૂદ અઝહરને ટેકો આપતો રહે."

તમે આ વાંચ્યું કે નહીં?

ચીન અને પાકિસ્તાનની જૂની મિત્રતા

ઇસ્લામાબાદમાં બીબીસી સંવાદદાતા આસિફ ફારૂકી કહે છે, "ચીન સાથે પાકિસ્તાનની દોસ્તી હિમાલયથી ઉંચી, સમુદ્ર કરતા ઊંડી, અને મધથી મીઠી છે. છેલ્લા ચાર-પાંચ દશકાથી અમે એ સંભાળતા આવ્યા છીએ. પાકિસ્તાનમાં બહુ અનિશ્ચિતતા રહી છે, પરંતુ આ દોસ્તીનો દસ્તૂર ચાલુ છે."

"છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં આમાં નવા પ્રાણ પુરાયા છે. ચીને પાકિસ્તાનમાં જોર-શોરથી રોકાણો કર્યા છે. પાકિસ્તાનમાં રાજનીતિ, સેના અને સામાન્ય લોકોમાં બહુ જ મુશ્કેલીથી કોઈ એવું મળશે જે ચીનની વિરુદ્ધ કંઇક કહે."

જો કે, પાકિસ્તાનમાં એક એવા બુદ્ધિજીવી વર્ગ પણ છે જે પાકિસ્તાનમાં ચીનની એક હદ કરતા વધુ દખલને યોગ્ય નથી માનતા અને કહે છે કે દોસ્તી રાખવી જોઈએ પરંતુ 'લિમિટ'માં રાખવી જોઈએ.

ઇમેજ સ્રોત, Getty Images

બેઈજિંગમાં સ્થિત વરિષ્ઠ પત્રકાર સૈબલ દાસગુપ્તા માને છે કે ચીન પાકિસ્તાનનો સાથ શા માટે આપે છે, આને સમજવા માટે આપણે એ વાતોથી દૂર જવું પડશે જેને સંભાળવા-સમજવાની આપણી આદત પડી ગઈ છે.

સૈબલ દાસગુપ્તા કહે છે, "જેમ ભારતમાં એમ કહેવાય છે કે ચીન, પાકિસ્તાનનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરી રહ્યો છે. એ વાત એક હદ સુધી સાચી છે. આવું કરીને ભારતને આર્થિક મહાશક્તિ બનવાથી અટકાવી શકાય છે. પરંતુ ચીન અને પાકિસ્તાનના સંબંધો આજના નથી."

"1950ના દશકામાં કારાકોરમ દર્રાને કોઈ પણ તકનીકી મદદ બગર પહોળો કરવામાં આવ્યો હતો જેથી ચીનની ટ્રક પાકિસ્તાનમાં જઈ શકે. આજે પણ એ જ એક માત્ર રસ્તો છે જેનાથી તમે ચીનથી પાકિસ્તાન જઈ શકો છો. આજનું ચીન-પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડૉર એ જ રસ્તો છે જેને વિસ્તાર આપવામાં આવ્યો છે."

સૈબલ આ દોસ્તીનું એક અન્ય પાસુ બતાવે છે, "આ જ રીતે અક્સાઈ ચીનનો જે ભાગ છે, પાકિસ્તાનને ખબર હતી કે એ ભાગને સંભાળવો તેના હાથની વાત નથી, એટલે પાકિસ્તાને એ ભાગ ચીનને આપી દીધો. પાકિસ્તાન અને ચીનનો આ સંબંધ જુનો છે."

"વચમાં એવું બન્યુ કે અમેરિકા આવ્યો અને પાકિસ્તાનને ડૉલર આપવા લાગ્યો. ચીનની પાસે આપવા માટે એટલા પૈસા તો હતા નહિ. ડૉલરથી પાકિસ્તાન અને અમેરિકાનો પ્રેમ ગાઢ બન્યો. આજે પણ લગભગ 60 અબજ ડૉલર છે જે પાકિસ્તાને અમેરિકાને ચૂકવવાના છે."

"પરંતુ હવે ચીન પાકિસ્તાનને આર્થિક મદદ આપી રહ્યો છે. તે એમનો પડોસી છે અને ભારતનો વિરોધી પણ છે. ચીન પાસેથી સેના માટે વિમાન અને ટેંક પણ મળી રહ્યાં છે. પાકિસ્તાનને બીજું શું જોઈએ."

મુદ્દો મસૂદ અઝહરનો

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના પૂર્વ રાજનાયક વિવેક કાત્જૂ કહે છે કે જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને ભારતની સાથે વિશ્વના અન્ય દેશ પણ કટ્ટરપંથી માને છે, પરંતુ ફક્ત ચીનનાં વીટોને કારણે મસૂદ અઝહર દરેક વાર બચી જાય છે.

તેઓ કહે છે, "મસૂદ અઝહર, વર્ષો પહેલા હરકત અંસારનો ભાગ હતો. ભારતમાં કાશ્મીરમાં પકડાઈ ગયો, જેલની સજા થઈ. પરંતુ વર્ષ 1999માં કંધાર વિમાન અપહરણ કેસમાં 160 લોકોનો જીવ બચાવવા માટે ભારતને મસૂદ અઝહરને છોડી દેવો પડ્યો."

"છૂટ્યા બાદ મસૂદ અઝહર પાકિસ્તાન ગયા. પાકિસ્તાનમાં તેમનું જોરદાર સ્વાગત થયું. મુક્તિના કેટલાંક મહિના પછી તેણે બહાવલપુરમાં પોતાનું સંગઠન બનાવ્યું. પાકિસ્તાનની સરકારે તેની ભરપૂર મદદ કરી અને પછી કાશ્મીરમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો."

તેમનો દાવો છે, "ભારતે જ નહિ, બલકે અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, રશિયા અને અન્ય પણ ઘણાં દેશ ભારતની વાત સાથે સહમત છે. તેમને પણ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ 1267 અંતર્ગત મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય કટ્ટરપંથી જાહેર કરવામાં કોઈ સમસ્યા નથી. પરંતુ ચીન અડીંગો લગાવીને બેઠો છે. આનું કારણ એક જ છે પાકિસ્તાન અને ખાસ કરીને પાકિસ્તાનની સેના."

વરિષ્ઠ પત્રકાર સૈબલ દાસગુપ્તા મસૂદ અઝહર વિરુદ્ધ ભારતના પ્રસ્તાવ ઉપર ચીનનાં વીટોના ત્રણ કારણો જણાવે છે.

તેઓ કહે છે, "ચીન પહેલું કારણ એ જણાવે છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કેટલાંક નિયમ-કાયદા છે જેનું પાલન કરવું પડતું હોય છે. એ હિસાબે જ્યારે લિસ્ટીંગ થાય છે તો અમે એ હિસાબે વિચારીએ છીએ."

"બીજું કારણ તે એ જણાવે છે કે મસૂદ અઝહરની વિરુદ્ધ ભારત કોઈ ખાસ પુરાવાઓ નથી આપી શકતું, જેને અમે માની લઈએ, જ્યારે પુરાવા આપશે ત્યારે જોઈશું."

"ત્રીજું કારણ, ચીન એ કહે છે કે સુરક્ષા પરિષદના તમામ સભ્યોનું સમર્થન આ કિસ્સામાં ભારતને નથી મળ્યું. એ અલગ વાત છે કે ભારત કહે છે કે એને ચીન સિવાય તમામનું સમર્થન મળ્યું છે."

ઈસ્લામાબાદમાં બીબીસી સંવાદદાતા આસિફ ફારૂકી કહે છે કે પાકિસ્તાનમાં ભારતની જેમ આ વાતની બહુ ચર્ચા નથી થતી કે ચીને ભારતના પ્રસ્તાવ ઉપર વીટો કરી દીધો છે.

તેઓ કહે છે, "ચીનના વીટોનું કારણ પાકિસ્તાન સાથે દોસ્તી નહિ, બલકે તેની ભારત સાથે દુશ્મની છે. કટ્ટરપંથી જૂથોને આનો જ લાભ મળે છે. દુશ્મનનો દુશ્મન મિત્ર વાળી વાત છે. સંયુક્ત રાષ્ટ્રમાં ચીનનું વલણ તો આ જ બતાવે છે."

સેના અને સરકારની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી સંવાદદાતા આસિફ ફારૂકી જણાવે છે કે પાકિસ્તાનમાં પ્રતિબંધ હોવા છતાં જૈશ-એ-મોહમ્મદની હરકતો દેખાઈ, જેને વિષે કહેવામાં આવે છે કે તેમને પાકિસ્તાની જાસૂસી તંત્રની મદદ મળતી રહી છે. પરંતુ એના કોઈ પ્રમાણ અથવા પુરાવા નથી.

તેઓ જણાવે છે, "વર્ષ 1999માં કંધાર કાંડ બાદ મસૂદ અઝહરે અફઘાનિસ્તાનમાં તાલિબાનની મદદથી જૈશ-એ-મોહમ્મદ બનાવ્યું. બે-ત્રન વર્ષ પછી તેઓ પાકિસ્તાન આવ્યા, પરંતુ, તેમની ધરપકડ કરવામાં આવી અને તેમના સંગઠન ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. મેં આજ સુધી કોઈ નેતા નથી જોયો જેણે ખુલ્લેઆમ અથવા છુપી રીતે મસૂદ અઝહરના પક્ષમાં ક્યારેય કોઈ વાત કહી હોય."

છતાં પણ પાકિસ્તાનમાં એક જૂથ એવું છે જે તેમનું સમર્થન કરે છે. આસિફ ફારૂકી જણાવે છે, "પાકિસ્તાનમાં મસૂદ અઝહર વિષે કોઈ સારો મત નથી. સૌ જાણે છે કે તેઓ એક કટ્ટરપંથી સમૂહના આગેવાન છે, કટ્ટરપંથનો પ્રચાર કરે છે."

"ઘણી ચરમપંથી ઘટનાઓમાં તેમનો હાથ રહ્યો છે. આજના યુવાન તેમના માટે સારો મત નથી ધરાવતો. પરંતુ સમાજનો એક ભાગ એવો પણ છે જે તેમનું સમર્થન કરે છે. આ એ લોકો છે જે ભારતને પોતાનું દુશ્મન ગણે છે અને ઇચ્છે છે કે ભારતને તબાહ કરી દેવામાં આવે."

તેઓ કહે છે, "કરાચીના એક જલસામાં લગભગ 7 વર્ષ પહેલા સાર્વજનિક રૂપે દેખાયેલા મસૂદ અઝહર એ પછી ભૂગર્ભમાં જતા રહ્યાં અને હાફિઝ સઈદની જેમ મીડિયામાં તેમની કોઈ ખાસ હાજરી રહી નહિ. ત્રણ વર્ષ પહેલા પાકિસ્તાની કાશ્મીરના મુઝફ્ફરાબાદની પાસે જેહાદી તંજીમોની કોન્ફરન્સમાં તેમને છેલ્લી વાર જોવામાં આવ્યા હતા."

બેઈજિંગમાં વરિષ્ઠ પત્રકાર સૈબલ દાસગુપ્તા જણાવે છે, "પાકિસ્તાનની સેના મસૂદ અઝહરની સાથે છે. આઈએસઆઈનું સમર્થન તેને મળેલું છે. ચીન નથી ઇચ્છતો કે પાકિસ્તાનની સેના અને આઈએસઆઈ નારાજ થાય. એનું કારણ એ છે કે ચીનને પાકિસ્તાનની સેનાની જરૂર છે. કારણકે સીમા ઉપર શિનજિયાંગ પ્રાંત છે જ્યાં મુસ્લિમ વસતી છે જે સરકારના વિરોધમાં છે. ચીન નથી ઇચ્છતો કે તાલિબાન તેમની મદદ માટે એ બાજુથી આ બાજુ આવી જાય."

મસૂદ અઝહર મામલે ચીન પોતાનું વલણ બદલશે?

ઇમેજ સ્રોત, Getty Images

આ સવાલ ઉપર ભારતના ભૂતપૂર્વ રાજનાયક વિવેક કાટજૂ કહે છે, "જો ચીન પોતાનું વલણ બદલવા ઈચ્છતો હોત તો આ તક હતી વલણ બદલવા માટેની. પરંતુ ચીને પોતાનું વલણ નહિ બદલે કારણકે કટ્ટરપંથ અને કટ્ટરપંથનો ઉપયોગ પાકિસ્તાનની સિક્યોરિટી ડૉક્ટ્રિનનો એક અગત્યનો હિસ્સો છે."

"પાકિસ્તાનની સેના માટે આતંકવાદી જૂથોનો ઉપયોગ કરવો જરૂરી છે. એટલે તેઓ તેમને આશરો અને પ્રોસ્તાહન આપે છે. પરંતુ અમે આપણે રાખી શકીએ કે એક દિવસ એવો પણ આવશે જ્યારે ચીન આ વિષયમાં ગંભીરતાથી વિચારશે અને અનુભવશે કે આ કારણથી ભારતમાં તેમની વિરુદ્ધ આક્રોશ છે."

"ભારત સાથે સંપૂર્ણપણે સારા સંબંધો રહે, એ માટે આ આક્રોશ યોગ્ય નથી."

શું ભારતના હાથ મસૂદ અઝહર સુધી પહોંચી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images

શું ક્યારેય ભારત એ રીતે પણ કાર્યવાહી કરી શકે છે, જેવી કાર્યવાહી અમેરિકાએ પાકિસ્તાન જઈને ઓસામા બિન લાદેન વિરુદ્ધ કરી હતી.

આ સવાલ ઉપર વિવેક કાટજૂ કહે છે, "અમેરિકનોએ જે રીતે ઓસામા બિન લાદેન વિરુદ્ધ એક્શન લીધું, તેમને તક મળી ગઈ હતી. એ પણ તેમને સરળતાથી નહોતી મળી. એ રસ્તાને અમેરિકા સિવાય મને નથી લાગતું કે કોઈ અન્ય દેશ અપનાવી શકે. દુનિયામાં અમેરિકાની હેસિયતને નકારી શકાય એમ નથી."

અમેરિકાની જેમ કાર્યવાહી ના કરી શકવું ભારતની નબળાઈ કહેવામાં આવે કે તેની પસંદગી, આ સવાલ ઉપર કાટજૂ કહે છે, "મારી સમજણ છે કે ભારતની નબળાઈ કે પસંદગી નહિ બલકે વિચારધારા છે. વિચારધારા જ કાર્યવાહીમાં બદલાય છે. મને નથી લાગતું કે ભારતે ક્યારેય આ પ્રકારની કાર્યવાહી અંગે વિચાર પણ કર્યો છે."

"આના આંતરરાષ્ટ્રીય પરિણામ ઘણાં હોય છે. એટલે આ રસ્તા વિષે ક્યારેય વિચાર પણ નથી કરાયો. એ સવાલ અલગ છે કે આ રસ્તો અપનાવવો જોઈએ કે નહીં."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો