પુલવામા હુમલો: પાકિસ્તાન તરફ જતું નદીઓનું પાણી કઈ રીતે રોકશે ભારત?

નિતીન ગડકરી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતે પાકિસ્તાનમાં વહેતી પોતાની ત્રણ નદીઓનું પાણી રોકવાનો બહુ મોટો નિર્ણય લીધો છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના કાર્યાલયે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે આ લાંબા ગાળાની યોજના છે અને તેને સિંધુ નદી સાથે કોઈ જ સંબંધ નથી.

કેટલાક સમાચાર માધ્યમો કહે છે કે ભારતે પુલવામાના હુમલા બાદ પાકિસ્તાનમાં વહેતી નદીઓને રોકવાનો નિર્ણય લીધો છે. પરંતુ ગડકરીના કાર્યાલયે એ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણયને પુલવામા સાથે કોઈ જ સંબંધ નથી.

સાથે જ એ પણ જણાવ્યું છે કે સિંધુ નદી સંધિ તેના સ્થાને જ રહેશે.

ગડકરીના કાર્યાલયે જણાવ્યું, "રાવી, સતલુજ અને બિયાસ નદીઓનુંપી ડૅમ બનાવીને રોકી લેવામાં આવશે. શાહપુર કાંડી ડૅમ બનવાવાનું કામ પુલવા હુમલા પહેલાં જ શરૂ થઈ ચુક્યુ છે. હવે કૅબિનેટ અન્ય બે ડૅમ બનાવવાનો નિર્ણય લેશે."

ઇમેજ સ્રોત, Reuters

આ પહેલાં, ગુરુવારે એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે, "ભારત અને પાકિસ્તાન અલગ થયા બાદ ત્રણ મદીઓ પાકિસ્તાનને મળી હતી અને ત્રણ ભારતને.આપણી અધિકાર સીમામાં રહેલી નદીઓનું પાણી પણ પાકિસ્તાન તરફ વહેતું હતું. તેથી હવે એ ત્રણે નદીઓ પર પુલ બાંધીન એ પાણીને ફરી યમુનામાં લાવી રહ્યા છીએ."

સિંધુ જળસંધિના ભાગરૂપે ભારત પોતાની નદીઓનું પાણી પાકિસ્તાન સાથે વહેંચે છે.

શું છે સિંધુ જળ સંધિ

ઇમેજ સ્રોત, Getty Images

 • 1960માં ભારતના વડા પ્રધાન જવારલાલ નેહરૂ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને સિંધુ જળ સંધિ કરી હતી. આ સંધિ અંતર્ગત સિંધુ નદીની સહાયક નદીઓને પૂર્વ અને પશ્ચિમ નદીઓમાં વહેંચવામાં આવી હતી.
 • આ સંધિમાં ઝેલમ અને ચિનાબનું પાણી પાકિસ્તાનને આપવામાં આવ્યું અને રાવી, બિયાસ અને સતલજનું પાણી ભારતને.
 • તેમાં એવું પણ નક્કી થયેલું કે ભારત પોતાના ભાગમાં આવેલી નદીઓનો અમુક અપવાદોને બાદ કરતાં કોઈ પણ રીતે ઉપયોગ કરી શકે છે. સાથે જ પાકિસ્તાનની નદીઓનો મર્યાદિત ઉપયોગ પણ ભારતને મળેલો. જેમકે વીજ ઉત્પાદન અને ખેતી માટે ચોક્કસ માત્રામાં પાણી.
 • પાકિસ્તાન ભારતની વીજ ઉત્પાદનની મોટી યોજનાઓ પર હંમેશાં વિરોધ કરતું આવ્યું છે.
 • સાથે ભારતના કાશ્મીરમાં ત્યાંના જળ સંસાધનોનો રાજ્યને લાભ ન મળવાની વાત પણ થતી રહે છે. જ્યારે ભાજપના સમર્થનમાં મહેબુબા મુફતી જમ્મુ કાશમીરના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે કહેલું કે સિંધુ જળ સંધિથી ભારતને 20 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે અને તે વસૂલવાનો રસ્તો કરવો જોઈએ.

ઇમેજ સ્રોત, Reuters

 • પાકિસ્તાનના પંજાબ અને સિંધ વિસ્તારની ખેતીમાં એમાંથી જ પાણી મળે છે, પાકિસ્તાનના બહોળા વિસ્તાર માટે સિંચાઈનો આ જ માર્ગ છે. પાકિસ્તાનના ઉદ્યોગો અને વીજ ઉત્પાદન માટે પણ આ સંધિ મહત્ત્વની છે.
 • સંધિ મુજબ કોઈ પણ એક તરફી રીતે આ સંધિને તોડી કે બદલી નથી શકતું.
 • પરંતુ જાણકારો કહે છે કે ભારત વિયેના સંધિના લૉ ઑફ ટ્રીટીઝ મુજબ એવું કહીને પાછળ હટી શકે કે પાકિસ્તાન ઉગ્રવાદી જૂથોનો તેની વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યું છે.
 • આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે પણ કહ્યું છે કે જો મૂળ સ્થિતીમાં પરિવર્તન આવે તો સંધિ રદ કરી શકાય છે. પરંતુ આ કહેવું સરળ છે એટલું કરવું સરળ નથી.
 • ભાગલા બાદ સિંધુ ખીણમાંથી પસાર થતી નદીઓ પર થયેલા વિવાદમાં વર્લ્ડ બૅંકે મધ્યસ્થી કરી હતી. જો કે ભારત આ સંધિ તોડે તો પાકિસ્તાન સૌથી પહેલાં વર્લ્ડ બૅંક પાસે જશે અને વર્લ્ડ બૅંક ભારત પર આવું નહીં કરવા બાબતે દબાણ કરી શકે છે.
 • જોકે, સિંધુ નદી તિબેટથી શરૂ થાય છે અને ચીનને આ કરારમાં સામેલ કરવામાં આવ્યું નથી. પરંતુ જો ચીન આ નદીને રોકી લે અથવા તેના વહેણની દિશા ફેરવી નાખે તો બંને દેશોને નુકસાન થઈ શકે છે.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો