પુલવામા હુમલો: વહી જતું નદીઓનું પાણી રોકવાના નિર્ણય પર પાકિસ્તાનનો જવાબ

સિંધુ જળ સંધિ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાને કહ્યું છે કે તેઓ રાવી, સતલુજ અને બિયાસ નદીઓમાંથી પાકિસ્તાનમાં વહી જતું પાણી રોકી દેવાની ભારતની યોજનાથી ચિંતિત નથી.

પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયના સચિવ ખ્વાજા શુમૈલે પાકિસ્તાનના અખબાર ડૉનને કહ્યું કે જો ભારત તેમની પૂર્વની નદીઓનાં પાણીનો ઉપયોગ પોતાના લોકો માટે કરે તો એમાં અમને કોઈ વાંધો નથી, કારણકે સિંધુ જળ સમજૂતી આવું કરવાની પરવાનગી આપે છે.

તેમણે કહ્યું કે સિંધુ જળ સંધિ સંદર્ભે કહ્યું કે તેઓ ભારતના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવેદનને ચિંતાજનક ગણતા નથી.

પાકિસ્તાન તરફથી આ નિવેદન પાકિસ્તાન વહી જતું નદીઓનું પાણી રોકવાની જાહેરાત કરાયા બાદ આપવામાં આવ્યું છે.

જોકે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના કાર્યલાયે બીબીસીને જણાવ્યું કે આ લાંબા ગાળાની યોજના છે અને તેને સિંધુ નદી સંધિ સાથે કોઈ લેવાદેવા નથી.

પણ કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવાય છે કે ભારતે પુલવામા હુમલા બાદ પાકિસ્તાન જતી ત્રણ નદીઓનું પાણી રોકવાનો નિર્ણય કર્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સિંધુ જળ સમજૂતી યથાવત રહેશે

ઇમેજ સ્રોત, Reuters

પણ ગડકરીના કાર્યાલયે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણયને પુલવામા ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેમણે એવું પણ જણાવ્યું કે સિંધુ જળ સંધિ એમની એમ રહેશે.

ગડકરીના કાર્યાલયે ગુરુવારે જણાવ્યું હતું, "રાવી, સતલુજ અને બિયાસ નદીઓનું પાણી ડૅમ બનાવીને રોકવામાં આવશે. શઆહપુર-કાંડી ડૅમ બનાવવાનું કામ પુલવામા હુમલા પહેલાંથી જ ચાલી રહ્યું છે. હવે કૅબિનેટ અન્ય બે ડૅમ બનાવવા અંગે નિર્ણય લેશે."

ખ્વાજાએ કહ્યું કે રાવી પર શાહપુર-કાંડી બંધ બનાવવા ઇચ્છે છે, જો 1995થી ખોરંભે ચડ્યો છે. હવે ભારત આ બંધ બનાવવા માગે છે કારણકે એનાથી પાકિસ્તાન વહી જતા પાણીનો ઉપયોગ કરી શકાશે. જો તેઓ આ પાણીને રોકીને અને ત્યાં બંધ બનાવીને કે કોઈ અન્ય રીતે તેનો ઉપયોગ કરવા માગતા હોય તો કરે. આનાથી અમને કોઈ ચિંતા નથી, કેમકે સિંધુ જળ સમજૂતીમાં આ અંગે સ્વીકૃતિ છે.

જોકે ખ્વાજે શુમૈલે એવું પણ કહ્યું કે જો ભારત પશ્ચિમની નદીઓ (સિંધુ, જેલમ અને ચેનાબ)ના પાણીને રોકવાનો પ્રયાસ કરશે તો ચોક્કસ પાકિસ્તાન આ અંગે વાંધો નોંધાવશે, કારણકે આ નદીઓનું પાણી અમારો અધિકાર છે.

પાકિસ્તાનના સિંધુ જળ કમિશ્નર સૈયદ મેહર અલી શાહ પ્રમાણે આ સમજૂતીએ 1960માં જ પૂર્વની નદીઓનો ઉપયોગ કરવાનો હક ભારતને આપ્યો હતો, હવે એ તેમના પર છે કે તેઓ ઉપયોગ કરવા માગે છે કે નહીં.

પુલવામા હુમલા પહેલા ભારત આવ્યા હતા પાક.ના તજજ્ઞો

ઇમેજ સ્રોત, Rex Features

સમાચાર એજનસી પીટીઆઈ પ્રમાણે પાકિસ્તાની તજજ્ઞોનું શિષ્ટ મંડળે 28 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન ચેનાબ નદી પરના અનેક હાઈડ્રેપાવર પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી હતી.

જેમાં પકલ દુલ વિદ્યુત પરિયોજના(1 હજાર મેગાવૉટ), લોઅર કલનાઈ જળ-વિદ્યુત પરિયોજના (48 મેગાવૉટ), રાતલે જળ-વિદ્યુત પરિયોજના (850 મેગાવૉટ) અને બગલિહાર જળ વિદ્યુત પરિયોજના (950 મેગાવૉટ) સામેલ છે.

આ સિવાય ભારતે પુલવામા હુમલાના થોડા દિવસ અગાઉ સિંધુ જળ સંધિ અંતર્ગત પોતાના ત્રણ મત રન-ઑફ-દ-રિવર હાઇડ્રોપાવર પ્રોજેક્ટને પાકિસ્તાન સાથે શૅર કર્યા હતા.

પુલવામામાં ઉગ્રવાદી હુમલા પછી ભારતમાં સિંધુ જળ સંધિ અંતર્ગત પાકિસ્તાનને અપાતાં પાણી પર પ્રતિબંધ લગાવવાની માગ જોરશોરથી ચાલી કરાઈ રહી છે.

ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફૅવર્ડ નેશનનો દરજ્જો પરત લઈને આંતરરાષ્ટ્રીય સમુદાયથી પાકિસ્તાનને અલગ પાડીને દબાણ ઊભું કરવાનું કામ શરૂ કરી દીધું છે.

2016માં ઉરીના ઉગ્રવાદી હુમલા બાદ પણ ભારતમાં સિંધુ જળ સંધિ તોડાતાં પાકિસ્તાન જતું પાણી રોકી દેવાની માગ કરી હતી.

શું છે સિંધુ જળ સંધિ?

ઇમેજ સ્રોત, Getty Images

1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સિંધુ જળ સંધિ અંતર્ગત સિંધુ, જેલમ અને ચેનાબનું પાણી પાકિસ્તાનને આપવામાં આવ્યું અને રાવી, બિયાસ અને સતલુજનું પાણી ભારતને આપવામાં આવ્યું.

એમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે ભારત પોતાની નદીઓના પાણીનો, કેટલાક અપવાદોને બાદ કરતા ઉપયોગ કરી શકે છે.

એ જ પ્રકારે પાકિસ્તાનના ભાગે આવતી નદીઓના પાણીનો ઉપયોગ કરવાના સીમિત અધિકાર ભારતને પણ આપવામાં આવ્યા હતા. જેમકે વીજળી ઉત્પન્ન કરવી અને કૃષિ માટે સીમિત પાણી.

સમજૂતી પ્રમાણે કોઈપણ એકપક્ષે આ સંધિને તોડી કે બદલી ન શકે.

વિભાજન બાદ સિંધુ ઘાટીમાંથી પસાર થતી નદીઓ પર થયેલા વિવાદની મધ્યસ્થતા વર્લ્ડ બૅન્કે કરી હતી. જો ભારત આ સમજૂતી તોડે તો પાકિસ્તાન સૌથી પહેલાં વિશ્વ બૅન્ક પાસે જશે. અને વિશ્વ બૅન્ક ભારત પર આવું કરવા માટે દબાણ ઊભું કરી શકે છે.

આ સમજૂતીમાં ચીનને સામેલ કરવામાં આવ્યું નથી, જ્યારે સિંધુ નદી તિબ્બતથી શરૂ થાય છે. જો ચીન નદીને રોકી દે અથવા વહેણને બદલી નાંખે તો બન્ને દેશો માટે નુકસાનકારક છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો