પુલવામા હુમલો : પાકિસ્તાન મીડિયાને કરાવશે 'જૈશ-એ-મોહમ્મદ'નાં મુખ્યાલયની મુલાકાત

જૈશ-એ-મોહમ્મદ

બહાવલપુરમાં ઉગ્રવાદી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ'નું હેડ-ક્વાર્ટર ગણાતી જગ્યાને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સ્થાનિક તંત્રએ તાબામાં લીધી છે.

ઉલ્લેખનીય છે કે આ જ ઉગ્રવાદી સંગઠને પુલવામા હુમાલની જવાબદારી સ્વીકારી હતી.

પાકિસ્તાનની પંજાબ સરકારના પ્રવક્તાએ માહિતી આપી છે કે પંજાબ સરકારે મધ્ય-ઉલ-અસબર અને સરનહ-ઉલ-ઇસ્લામની મસ્જિદની જગ્યાને અંકુશમાં લીધી છે.

આ જગ્યા ઉગ્રવાદી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ'ના હેડ-ક્વાર્ટર તરીકે જાણીતી હોવાનું પણ નોંધ્યું છે.

મોડી રાત્રે પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન ચૌધરી ફવાદ હુસૈને લખ્યું કે ભારત દ્વારા પ્રચાર કરવામાં આવે છે કે આ મદરેસા 'જૈશ-એ-મોહમ્મદ'નું મુખ્યાલય છે.

પંજાબ સરકાર મીડિયાના પ્રતિનિધિઓને ત્યાં લઈ જશે અને દેખાડશે કે આ મદરેસા કેવી રીતે કામ કરે છે.

ફવાદે ઉમેર્યું હતું કે પુલવામા હુમલાનાં પગલે આ કાર્યવાહી નથી કરવામાં આવી, પરંતુ નેશનલ ઍક્શન પ્લાન હેઠળ કરવામાં આવી છે.

પાકિસ્તાનની પંજાબ સરકાર દ્વારા આ જગ્યાના વહીવટદાર અધિકારી પણ નીમવામાં આવ્યા છે.

સ્થાનિક સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે આ મદરેસામાં 70 શિક્ષકો અને 600 વિદ્યાર્થીઓ હતા. આ જગ્યા હવે પંજાબ પોલીસના તાબામાં છે.

બીબીસી સંવાદદાતા ઓમર દ્રવિસ નગિયાનાએ જણાવ્યું હતું કે ત્યાંના કર્મચારીઓએ મદરેસાના બંધ થવાની વિગતોને સમર્થન આપ્યું છે અને મદરેસા બહાર પંજાબ પોલીસના કર્મચારીઓ તહેનાત છે.

જોકે આ અંગે પાકિસ્તાનની પંજાબ સરકારના પ્રવક્તાનું કહેવું છે કે આ નિર્ણય વડા પ્રધાન ઈમરાન ખાન દ્વારા નેશનલ સિક્યૉરિટી કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

જૈશના પ્રમુખ મૌલાના મસુદ અઝરની ધરપકડ બાદ 1999ની 24મી ડિસેમ્બરે 180 પ્રવાસીઓ ધરાવતા ભારતીય વિમાનના અપહરણથી આની શરૂઆત થઈ હતી.

મૌલાના મસુદ અઝહરને ભારતીય અધિકારીઓએ વર્ષ 1994માં કાશ્મીરમાં સક્રિય ઉગ્રવાદી સંગઠન 'હરકત-ઉલ-મુજાહિદીન'ના સભ્ય હોવાના આરોપમાં શ્રીનગરમાંથી ધરપકડ કરાઈ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

કઈ રીતે મુકાયો હતો જૈશનો પાયો?

અપહરણકર્તાઓ વિમાનને કંદહાર લઈ ગયા અને ભારતીય જેલોમાં બંધ મૌલાના મસુદ અઝહર, મુશ્તાક ઝરગર અને શેખ અહમદ ઉમર સઇદ જેવા ઉગ્રવાદી નેતાઓની મુક્તિની માગ કરી હતી.

છ દિવસ બાદ 31 ડિસેમ્બરે અપહરણકર્તાઓની શરતોને સ્વીકારતા ભારત સરકારે ઉગ્રવાદી નેતાઓને મુક્ત કર્યા અને બદલામાં કંદહાર ઍરપૉર્ટ પર અપહરણ કરીને રખાયેલા વિમાનને બંધક સહિત મુક્ત કરાવ્યું.

એ ઘટના બાદમાં મૌલાના મસુદ અઝહરે ફેબ્રુઆરી 2000માં જૈશ-એ-મોહમ્મદનો પાયો નાખ્યો અને ભારતમાં કેટલાય ઉગ્રવાદી હુમલાનો અંજામ આપ્યો.

એ વખતે અસ્તિત્વ ધરાવતા 'હરકત-ઉલ-મુજાહિદીન' અને 'હરકત-ઉલ-અંસાર'ના કેટલાય ઉગ્રવાદીઓ 'જૈશ-એ-મોહમ્મદ'માં સામેલ થયા.

ખુદ મૌલાના મસુદ અઝહરે 'હરકત-ઉલ-અંસાર'માં મહાસચિવ પદની જવાબદારી પણ નિભાવી છે અને 'હરકત-ઉલ-મુજાહિદીન' સાથે પણ સંપર્ક રહી ચૂક્યા છે.

પઠાણકોટ, ઉરીથી લઈને પુલવામામાં હુમલા

સ્થાપનાના બે મહિનાની અંદર જ 'જૈશ-એ-મોહમ્મદ' શ્રીનગરના બદામી બાગમાં આવેલા ભારતીય સૈન્યના સ્થાનિક વડા મથક પર કરાયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી.

ફરી પાછું આ સંગઠન ચર્ચામાં આવ્યું અને 28 જૂન વર્ષ 2000માં જમ્મુ અને કાશ્મીરના સચિવાલયની ઇમારત પર કરાયેલા હુમલાની જવાબદારી લીધી.

બિલકુલ આ જ રીતે 24 સપ્ટેમ્બર 2001ના રોજ એક યુવકે વિસ્ફોટક પદાર્થોથી ભરેલી કારને શ્રીનગરના વિધાનસભા ભવન સાથે અથડાવી દીધી.

આ દરમિયાન જ અન્ય કેટલાક ઉગ્રવાદી વિધાનસભાની જૂની ઇમારતમાં પાછળથી ઘૂસી ગયા અને ત્યાં આગ લગાડી દીધી. આ ઘટનામાં 38 લોકો માર્યા ગયા.

હુમલા બાદ તુરંત જ 'જૈશ-એ-મોહમ્મદ'એ આની જવાબદારી સ્વીકારી પણ આગામી દિવસે જ ઇનકાર કરી દીધો.

'જૈશ-એ-મોહમ્મદ'ને 13 ડિસેમ્બરે ભારતીય સંસદ પર થયેલા હુમલા અને જાન્યુઆરી 2016માં પંજાબના પઠાણકોટ ખાતે વાયુ સેનાના મથક પર હુમલા માટે જવાબદાર માનવામાં આવે છે.

પઠાણકોટ પહેલાં પણ ભારતમાં થયેલા કેટલાય હુમલાઓ માટે 'જૈશ-એ-મોહમ્મદ'ને જવાબદાર ગણાવાયું. જેમાં સૌથી મોટો હુમલો વર્ષ 2008માં મુંબઈમાં કરાયો હતો.

'ઉગ્રવાદી' સંગઠનોની સૂચીમાં સામેલ

'જૈશ-એ-મોહમ્મદ'ને ભારત, બ્રિટન, અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રએ 'ઉગ્રવાદી' સંગઠનોની યાદીમાં મૂક્યું છે.

અમેરિકાના દબાણમાં આવીને પાકિસ્તાને વર્ષ 2002માં આ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે, અહેવાલો જણાવે છે કે જૈશના વડા મૌલાના મસુદ અઝહર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુરમાં રહે છે.

પઠાણકોટ પર હુમલા બાદ પાકિસ્તાને 'જૈશ-એ-મોહમ્મદ'ના બહાવલપુર અને મુલ્તાન સ્થિત કાર્યાલયો પર કાર્યવાહી કરી હતી.

પઠાણકોટ હુમલા બાદ 'જૈશ-એ-મોહમ્મદ' દ્વારા 'અલ-કલામ' પર એક ઑડિયો ક્લિપ જાહેર કર્યો. જેમા પોતાના 'જિહાદીઓ' પર કાબૂ કરવામાં ભારતીય સંસ્થાઓની નિષ્ફળતાની મજાક ઉડાવાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો