BBC Top News : પુલવામા હુમલાની આડમાં ભારત અમારી સાથે ન ટકરાયઃ પાકિસ્તાની સેના

પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ મસૂદ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ મસૂદ

પાકિસ્તાની સેનાએ એક પત્રકાર પરિષદમાં ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી પર જવાબ આપ્યો છે.

મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે આ હુમલઆથી ભારતની સુરક્ષા વ્યવસ્થા ઉપર જ સવાલ ઊભા થયા છે.

આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના આક્ષેપો તેમણે નકારી કાઢ્યા છે અને ભારત પર પાકિસ્તાનમાં કોઈ અગત્ય ઘટના થવાની હોય ત્યારે શાંતિ ભંગના પ્રયત્નો કરવાનો આક્ષેપ કર્યો છે.

મેજર જનરલ ગફૂરે કહ્યું, "પાકિસ્તાને આ ઘટના પછી પહેલાં વિચાર કર્યો, તપાસ કરી પછી એક જવાબદાર સરકાર તરીકે જવાબ આપ્યો છે."

"અમારા વડા પ્રધાને ભારતને એ ઑફર આપી છે, જે ભૂતકાળમાં ભારતને ક્યારેય નથી મળી."

"તેમણે કહ્યું કે પુરાવા રજૂ કરો અને જો પુરાવા મળે તો અમે તમારા દબાણ ખાતર નહીં, પણ પોતાના રસથી પાકિસ્તાન વિરુદ્ધ દુશ્મની ફેલાવનાર સામે પગલાં લઈશું."

તેમણે કહ્યું કે, "અમે તપાસ કરીને જવાબ આપ્યો એટલે અમને વાર લાગી, તેનો અર્થ એ છે કે અમારા પર લાગેલા આરોપ પાયાવિહોણા છે."

સુપ્રીમ કોર્ટની નોટિસ

ઇમેજ સ્રોત, Getty Images

દેશના ઘણા શહેરોમાં કાશમીરી વિદ્યાર્થીઓ વિરુદ્ધ હિંસા અને પીછેહઠ બાબતે સુપ્રીમ કોર્ટે દસ રાજ્યોને નોટિસ મોકલી છે.

સુપ્રીમ કોર્ટમાં વકીલ કૉલિન ગોન્સાલ્વિસે જાહેર હિતની અરજી કરીને માગ કરી હતી કે સરકાર આ બાબતને રોકવા માટે નક્કર પગલાં નથી લઈ રહી. તેથી કોર્ટે તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ.

પુલવામાના હુમલામાં સીઆરપીએફના 40 જેટલા જવાનો મૃત્યુ પામ્યા બાદ દેશના વિવિધ શહેરોમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ અને વેપારીઓ પર હુમલાના સમાચાર આવી રહ્યા હતા.

જેના પગલે પંજાબ, માહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, જમ્મૂ અને કાશ્મીર, હરિયાણા, મેઘાલય. પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ જેવા રાજ્યોને નોટિસ આપવામાં આવી છે.

દેહરાદૂન, પટના, યવતમાલ, પુણે અને પશ્ચિમ બંગાળના નાદિયામાં કેટલાક વિદ્યાર્થીઓ અને વેપારીઓને હિંસાનો સામનો કરવો પડ્યો હતો.

મેઘાલયના રાજ્યપાલ તથાગત રૉયના કાશ્મીરી વિદ્યાર્થીઓના બહિષ્કારની વાત મુદ્દે ટીકા થઈ હતી.

દિલ્હીમાં માનવ વિકાસ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે એક પત્રકાર પરિષદમાં કહ્યું:

"ઘણા લોકો એવું કહેવા માગે છે કે કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલા થઈ રહ્યા છે, પણ એવું નથી. હું દરેક સંસ્થાના સંપર્કમાં છું અને આવી કોઈ ઘટના બની નથી."

આપને આ પણ વાંચવું ગમશે

ત્રણ મિનિટ માટે માફી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

યૉસિતાકા સાકૂરદા જાપાનમાં ઑલિમ્પિક આયોજનના પ્રધાન

જાપાનના ઑલિમ્પિક બાબતોના પ્રધાન યૉસિતાકા સાકૂરદા સંસદીય બેઠકમાં ત્રણ મિનિટ મોડા પહોંચ્યા હતા, જેના કારણે તેમણે જાહેર જનતાની માફી માગી છે.

વિપક્ષી સાંસદોના કહેવા પ્રમાણે, યૉસિતાકાએ તેમના પદ પ્રત્યે સન્માન નથી દર્શાવ્યું, આમ કહીને વિરોધ દર્શાવવા માટે બજેટ કમિટીની બેઠકનો પાંચ કલાક માટે બહિષ્કાર કર્યો હતો.

સામાન્ય રીતે કોઈ બેઠકમાં થોડું મોડું પહોંચવું એ કોઈ મોટી બાબત નથી, પરંતુ તાજેતરની ઘટનાએ યૉસિતાકા તેમની ફરજ પ્રત્યે ગંભીર ન હોવાનું દર્શાવવા માટે ઊઠાવવામાં આવ્યો હતો.

તાજેતરમાં એક અખબાર દ્વારા 'શું યૉસિતાકા તેમના પદને માટે લાયક છે?' એવો સવાલ પૂછ્યો હતો. પ્રત્યુત્તરમાં 65 ટકા લોકોએ જવાબ 'ના'માં આપ્યો હતો, જ્યારે માત્ર 13 ટકાએ 'હા'માં આપ્યો હતો.

યૉસિતાકાને ગત વર્ષે ઑક્ટોબર માસમાં આ પદ માટે નીમવામાં આવ્યા હતા.

'સેનાને તકનીક ન આપો'

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાની ટૅક જાયન્ટ માઇક્રોસોફ્ટના કમ સે કમ 50 કર્મચારીઓએ મૅનેજમૅન્ટને પત્ર લખીને માગ કરી છે કે સેનાને હોલૉલૅન્સ તકનીક આપવામાં ન આવે.

આ લોકોનું કહેવું છે કે ' લોકોને હાનિ પહોંચાડતી અને હિંસા વધારતી તકનીક કંપનીએ અમેરિકાની સેનાને ન આપવી જોઈએ.'

'અમે હથિયાર વિકસાવવા માટે કંપની માટે કામ નથી કરતા, અમારા કામનો કેવી રીતે ઉપયોગ થાય છે, તે જાણવાનો અમને હક છે.'

માઇક્રોસોફ્ટનું કહેવું છે કે 'અમે કર્મચારીઓના ફિડબૅકનું સન્માન કરીએ છે તથા અનેક મંચ ઉપર કર્મચારીઓનો અવાજ સાંભળવામાં આવે છે.'

માર્ચ 2016માં લોન્ચ થયેલી હોલૉલૅન્સની તકનીકની મદદથી વાસ્તવિક જગતમાં ડિજિટલ ઇમેજને મૂકી શકાય છે. તેની બીજી આવૃત્તિ આગામી દિવસોમાં રજૂ થનારી છે.

ગત વર્ષે નવેમ્બર મહિનામાં 479 મિલિયન ડૉલર (લગભગ રૂ. 3400 કરોડ)માં એક લાખ હેડસેટ તૈયાર કરવાનો કૉન્ટ્રેક્ટ લીધો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો