ભારત અને પાકિસ્તાન ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં નહીં ટકરાય?

  • સૌતિક બિશ્વાસ
  • બીબીસી સંવાદદાતા
ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

જો તમે આજકાલની છાપાઓની હેડલાઇન વાંચી હોય તો એવું લાગશે કે ભારત 16 જૂને મૅનચેસ્ટરમાં પાકિસ્તાન સામેની મૅચ નહીં રમે.

ચર્ચા તો એવી પણ છે કે ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન પર પ્રતિબંધ લગાવવા માટે ભારત આયોજકો પર દબાણ ઊભું કરી રહ્યું છે.

સમાચાર એજન્સી પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇંડિયા)ના રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઈની પ્રશાસન સમિતિએ પાકિસ્તાન સાથે વર્લ્ડ કપ મૅચ રમવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે આઈસીસીને આગ્રહ કરવામાં આવ્યો છે કે, તેઓ એ દેશોથી સંબંધ તોડી નાખે, જે ઉગ્રવાદીઓને પ્રોત્સાહન આપતા હોય.

ભારત પ્રાશાસિત કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ) જવાનો પર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી પાકિસ્તાન આધારિત એક ઉગ્રાવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે.

ભારત, પાકિસ્તાન પર ઉગ્રવાદ વધારવાનો આરોપ લાગી રહ્યો છે, જોકે પાકિસ્તાન આ અંગે ઇન્કાર કર્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ સમાચારો અને અંદાજો વચ્ચે હજી સુધી સ્પષ્ટ નથી કે આ બધું કેવી રીતે થશે.

આ મુદ્દા અંગે પ્રશાસન સમિતિના સભ્યોની શુક્રવારે બેઠક થઈ. બેઠક બાદ સમિતિના અઘ્યક્ષ વિનોદ રાયે કહ્યું :

"16 જૂન હજૂ દૂર છે. આ મુદ્દે અમે સરકાર સાથે વાતચીત કર્યા બાદ નિર્ણય લઈશું."

શું મુદ્દે ખેલાડીઓની પણ મત લેવાયા છે? રાયે આ સવાલનો જવાબ 'ના' માં આપ્યો.

રાયે કહ્યું, "આઈસીસીને મોકલેલા એક મેલમાં અમે ઉગ્રવાદી હુમલા અંગેની અમારી ચિંતા વ્યક્ત કરી દીધી છે."

"અમે તેમને કહ્યું છે કે ખેલાડીઓ અને મૅચ અધિકારીઓની સુરક્ષાનું પૂરું ધ્યાન રાખવામાં આવે."

પ્રશ્ન એ પણ છે કે 46 દિવસ ચાલનારી વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી બાકીની આઠ ટીમ આ આગ્રહ પર ચૂપ કઈ રીતે રહેશે?

તેમને પણ ખ્યાલ છે કે આ નિર્ણય ટુર્નામેન્ટ અને પાકિસ્તાન સાથે તેમના રમતના સંબંધોને જોખમમાં મુકી દેશે.

જોકે, ભારતના ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરે શુક્રવારે ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું કે વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ નહીં રમીને તેમને બે પૉઇન્ટ દાનમાં આપી દેવા તેમને મંજૂર નથી.

તેમણે લખ્યું કે, "વર્લ્ડ કપમાં હંમેશા ભારત પાકિસ્તાન સામે જીતતો રહ્યો છે. આ સમય એમને ફરી એક વખત હરાવવાનો છે."

"વ્યક્તિગત રીતે તેમને બે પૉઇન્ટ આપી દઈને ટૂર્નામેન્ટમા તેમને મદદ કરવાથી મને નફરત થશે."

સાથે જ તેમણે લખ્યું, "આ વાત કરતાં મારા માટે સૌથી પહેલાં ભારત આવે છે. તેથી દેશનો જે પણ નિર્ણય હશે તેને મારું સમર્થન હશે."

તણાવની અસર ક્રિકેટ પર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં પુલવામા હુમલા પર વધતી નારાજગી અને વિરોધના પગલે નરેન્દ્ર મોદી સરકાર પર પાકિસ્તાનને જવાબ આપવાનું દબાણ વધી ગયું છે. વારંવાર બદલો લેવાની વાતો થઈ રહી છે.

તેની અસર ભારત- પાકિસ્તાન મૅચ પર પડે તે સ્વાભાવિક છે. બન્ને દેશો વચ્ચે જ્યારે અશાંતિ થઈ છે, તેની અસરમાંથી ક્રિકેટ પણ બાકાત નથી રહી.

બંને દેશોએ 2008ના મુંબઈ હુમલા બાદથી દ્વિપક્ષીય સિરીઝ રમી નથી.

આ પહેલાં પણ લાંબા-લાંબા સમય સુધી બંને દેશો વચ્ચે મૅચ નથી રમાઈ.

1978માં 18 વર્ષના અંતરાલ બાદ ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના સંબંધોની ફરી શરૂઆત થઈ હતી.

પાકિસ્તાની ખેલાડીઓને દુનિયાની સૌથી લોકપ્રિય અને આકર્ષક ક્રિકેટ ટુર્નામેન્ટ આઈપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)થી દૂર રાખવામાં આવ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

લેખક ને પત્રકાર જૉર્જ ઑરવેલે રમત વિશે કહ્યું છે કે આ 'ગોળીઓ વિનાનું યુદ્ધ' છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ 'રાષ્ટ્રભક્તિ' અને 'અંધરાષ્ટ્રભક્તિ'ની ભાવનાથી ભરેલી હોય છે.

તેના ઘણા ઉદાહરણ રહ્યા છે. એક વખત કેટલાક કટ્ટર દક્ષિણ પંથી જૂથના લોકોએ ગુસ્સામાં આવીને ક્રિકેટ પીચ ખોદી નાખી હતી.

અમદાવાદમાં એક વખત પાકિસ્તાનની ટીમને હૅલમેટ પહેરીને ફીલ્ડિંગ કરવી પડી હતી. કરાચીમાં થયેલી એક મૅચમાં સ્ટેન્ડ સળગાવી દેવાયા હતા.

આ ગુસ્સો સમય સાથે થોડો ઓસર્યો છે. પણ રામચંદ્ર ગુહાએ પોતાના પુસ્તક 'અ કૉર્નર ઑફ અ ફોરેન ફીલ્ડ'માં લખ્યું છે :

"1947 પહેલાં હિંદુ અને મુસલમાનો વચ્ચે તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારા મતભેદોની અસર દુનિયાભરની રમતો પર પડે છે."

મૅચ ન થવાથી કમાણી પર અસર

ઇમેજ સ્રોત, AFP

મૅનચેસ્ટરમાં જૂનમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થનારી મૅચ ટુર્નામેન્ટની પ્રતિષ્ઠા અને કમાણીની દૃષ્ટિએ મહત્ત્વની છે.

આ મૅચની 25 હજાર ટિકિટ માટે પાંચ લાખ લોકોએ અરજી કરી છે, જ્યારે ફાઇનલ મૅચ માટે બે લાખ 70 હજાર અરજી મળી છે.

ટુર્નામેન્ટના ડિરેક્ટર સ્ટિવ એલવર્દી આ મુકાબલાને 'દુનિયાની સૌથી મોટી સ્પૉર્ટિંગ ઇવેન્ટ' કહે છે.

મૅચના બહિષ્કારનું સમર્થન કરનારા ભારતીયો કહે છે કે આ મૅચ છોડવાથી ભારતને કોઈ નુકસાન નહીં થાય.

2003ના વર્લ્ડ કપમા ઇંગ્લૅન્ડે પોતાના ચાર પૉઇન્ટ્સ ગુમાવ્યા હતા. ઇંગ્લૅન્ડની ટીમે સુરક્ષાના કારણોસર ઝિમ્બાબ્વે સામે રમવાથી ઇન્કાર કર્યો હતો.

તેમને કહેવામાં આવ્યું હતું કે સુરક્ષાના કારણોસર મૅચને ઝિમ્બાબ્વેથી દક્ષિણ આફ્રિકામાં રમાવાની મંજૂરી મળશે નહીં.

તમે આ વાંચ્યું કે નહીં?

પરંતુ ભારત-પાકિસ્તાનની આ મોટી મૅચ રદ થવાની ટુર્નામેન્ટ પર જરૂર અસર થશે.

જોકે, વર્લ્ડ કપમાં ભારતના રેકર્ડની વાત કરવામાં આવે તો પાકિસ્તાન સામે ભારત ક્યારેય હાર્યું નથી.

વર્ષ 1999માં વર્લ્ડ કપમાં બંને દેશોએ બહુ સારું પ્રદર્શન કર્યું નહોતું. પરંતુ ભારતે પાકિસ્તાનને 47 રનથી હરાવ્યો હતો.

મૅચના દિવસે ત્રણ પાકિસ્તાની જવાન અને ત્રણ ભારતીય અધિકારીઓ કારગિલમાં મૃત્યુ પામ્યાં હતાં.

સાંસદ અને લેખક શશિ થરૂરે કહ્યું છે તેમ, "આ મૅચ ન રમવાથી માત્ર બે પૉઇન્ટનું નુકસાન નહીં થાય, પણ એ આત્મસમર્પણ કરવાથી પણ ખરાબ છે, કારણ કે તમે લડ્યા વિના જ હાર માની લેશો."

મૅચ ન રમવામાં ભારતનું નુકસાન

ઇમેજ સ્રોત, TWITTER.COM/BCC

આ મુદ્દે ખેલ પત્રકાર આદેશ કુમાર ગુપ્તે ક્રિકેટ નિષ્ણાત વિજય લોકપલ્લી સાથે વાત કરી.

વિજય લોકપલ્લીએ કહ્યું, "આ મુદ્દે સૌથી સારી પ્રતિક્રિયા ગાવસ્કરની છે, કારણ કે તેમણે આ મુદ્દો ખેલાડીની નજરે જોયો છે."

"તેમણે કહ્યું કે, તમે પાકિસ્તાન સામે નહીં રમો તો તમારા બે પૉઇન્ટ ઘટી જશે અને પાકિસ્તાનના વધી જશે તો નુકસાન ભારતનું જ છે."

લોકપલ્લીએ કહ્યું, "હજુ ઘણો સમય છે. મૅચ જૂનમાં છે. બની શકે કે સ્થિતી સુધરી જાય. તણાવ ઘટી જાય. હાલ મૅચ રમવી કે ન રમવી એ મુદ્દો અગત્યનો નથી."

જ્યારે બીસીસીઆઈના પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી બહાર કાઢવાના પ્રયત્ન અંગે વિજય લોકપલ્લીએ કહ્યું કે એ શક્ય નથી.

આઈસીસી આ વાત માનશે જ નહીં. જો આસીસીઆઈ કંઈ કરી શકે તો એ કે ભારત જ મૅચ કે વર્લ્ડ કપથી પાછળ હટી જાય, જેનાથી ભારતને જ નુકસાન થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો