પુલવામામાં CRPF પર કરાયેલા હુમલા બાદ પાકિસ્તાનની સ્થિતિ કેવી છે?

  • હારૂન રશીદ
  • વરિષ્ઠ પત્રકાર, પાકિસ્તાનથી
ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, AFP

ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફ જવાનોના કાફલા પર કરાયેલા

આત્મઘાતી હુમલા બાદ ભારતમાં સરકાર, નાગરિક અને મીડિયા વચ્ચે ગરમાગરમીનો માહોલ છે.

હુમલાની જવાબદારી પાકિસ્તાનના સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ'એ લીધી છે. ભારત સરકાર પુલવામા હુમલા માટે પાકિસ્તાન સરકારને જવાબદાર ઠેરવી રહી છે. મીડિયામાં યુદ્ધ કરવાથી લઈને સિંધુ જળ સંધિ તોડવા સુધીની વાતો થઈ રહી છે.

ભારત પાકિસ્તાન પર કટ્ટરવાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કરી રહ્યું છે.

પરંતુ પાકિસ્તાને દરેક આક્ષેપોને ફગાવી દીધા છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પ્રતિક્રિયા આપવાની ચેતાવણી પણ આપી દીધી છે.

ત્યારે પાકિસ્તાનની જનતા આ મુદ્દાને કઈ રીતે જોઈ રહી છે? સરકારમાં કેવા પ્રકારની હિલચાલ છે અને મીડિયામાં પુલવામા હુમલા મુદ્દે અને ભારતના વલણને કેટલું મહત્ત્વ આપવામાં આવે છે?

પાકિસ્તાની જનતા શું વિચારે છે

ઇમેજ સ્રોત, facebook

પાકિસ્તાનના લોકોમાં ચિંતા છે કે ફરી એક વખત બંને દેશો આક્ષેપ-પ્રતિઆક્ષેપના ચક્રમાં ફસાઈ ગયા છે. ભારતમાં હુમલો થાય તો તેનો આક્ષેપ સીધો પાકિસ્તાન પર આવે છે.

પરંતુ પાકિસ્તાનના લોકો પણ યુદ્ધ ઇચ્છતા નથી. અહીંના લોકોએ તાલીબાન અને યુદ્ધની સ્થિતી બન્નેનો અનુભવ કર્યો છે અને તેથી તેઓ શાંતિના પક્ષમાં છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પરંતુ વિપક્ષના નેતા એ સવાલ ચોક્કસથી પૂછે છે કે શું પાકિસ્તાને પોતાનું હોમવર્ક કર્યું છે?

પહેલાં પણ પાકિસ્તાન એ વાતથી ઇન્કાર કરતું આવ્યું છે કે કટ્ટરપંથી હુમલા માટે તેની જમીનનો ઉપયોગ કરાયો છે. પરંતુ બાદમાં તેની સાથે જોડાયેલી ઘણી એવી બાબતો ધ્યાનમાં આવી કે જે પાકિસ્તાનના દાવા પર પ્રશ્નાર્થ સર્જી દે.

તો શું આ વખતે પાકિસ્તાનને પૂરી ખાતરી છે કે આ હુમલાને ત્યાંથી અંજામ આપવામાં આવ્યો નથી અને તેમાં પાકિસ્તાનનું કોઈ જૂથ સંકળાયેલું નથી?

સત્તા પર કેટલી અસર?

ઇમેજ સ્રોત, Getty Images

પુલવામા હુમલા બાદ બારતમાં સત્તાએ થોડી ગરમી પકડી છે પણ પાકિસ્તાનની સ્થિતી થોડી અલગ છે.

પાકિસ્તાનમાં ઘણા મુદ્દા એક સાથે ચાલ્યા કરે છે તેથી એક બાબત પર ધ્યાન કેન્દ્રિત થઈ શકતું નથી.

ઈરાન તરફથી પણ આ હુમલા બાદ ઘણા આકરાં નિવેદનો આવ્યાં હતાં. તે ઉપરાંત કુલભૂષણ જાદવ બાબતે પણ ધ્યાન આપવામાં આવી રહ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

કુલભૂષણ મામલે પાકિસ્તાની વકીલોએ ભારતીય વકીલોને કેવા જવાબ આપ્યા અને તેમની દલીલોને કેવી રીતે ફગાવી દેવાઈ તેના પર મીડિયા ખબરો આપી રહ્યું હતું.

પુલવામા પર બહુ વધુ સમાચારો નહોતા. પાકિસ્તાનમાં આ મુદ્દે નેતાઓની બેઠકો અને વડા પ્રધાન ઇમરાન ખાનના નિવેદનને જ અખબારોમાં મહત્ત્વ અપાયું હતું.

પરંતુ પાકિસ્તાની ટેલિવિઝન જોતાં અનુભવાશે કે આ મુદ્દે વધુ વાત નથી થઈ રહી.

શું મરાન ખાન માટે આ ચૂંટણીનો મુદ્દો હશે?

ઇમેજ સ્રોત, AFP/Gettyimages

પાકિસ્તાનમાં ગયા વર્ષે જ ચૂંટણીઓ થઈ ચૂકી છે. તેથી ત્યાં હાલ આ રાજકીય મુદ્દો નથી. પરંતુ અર્થવ્યવસ્થાનો મુદ્દો ચોક્કસ છે.

ઈમરાન ખાન અર્થતંત્રમાં સુધારા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ જો કોઈ કાર્યવાહીની અર્થતંત્ર પર અસર પડે છે તો એ સરકાર માટે ચિંતાનો વિષય હશે.

સરકાર નથી ઇચ્છતી કોઈ એવી સ્થિતિ સર્જાય કે વિકાસ માટે બચાવાયેલું ફંડ સૈન્ય પાછળ ખર્ચવું પડે.

તેથી તેઓ સક્રીયતા તો બતાવી રહ્યા છે પણ લોકોથી વધુ સરકારમાં અસહજતા જોવા મળી રહી છે.

ભારતના તીખા નિવેદનો પર જનતાની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, PTI

ભારતમાં પાકિસ્તાન સામે બદલો લેવાની, પાણી અને ટમેટાં બંધ કરવા જેવી વાતો થઈ રહી છે. પરંતુ પાકિસ્તાની સોશિયલ મીડિયા જોઈએ તો ત્યાં આ મુદ્દે કોઈ જ આક્રમક પ્રતિક્રિયા જોવા મળતી નથી.

આ તણાવભર્યા માહોલમાં પણ લોકો મજાક કરી રહ્યા છે. જેમકે, અમુક લોકો લખે છે કે પાકિસ્તાનમાં સ્થિતી બરાબર નથી એટલે ભારત અને પાકિસ્તાને પોતાનું યુદ્ધ દુબઈમાં લડવું જોઈએ.

તો કોઈએ લખ્યું કે ભારત 'દહશતગર્દી'ના જવાબમાં 'ટમાટરગર્દી' કરી રહ્યું છે. આવા ટુચકાઓ ચાલી રહ્યા છે. મજાક ચાલે છે. ગંભીર વાતો પણ ચાલે છે, જેમ કે પાકિસ્તાન હવે વધુ યુદ્ધનો ભાર સહન કરી શકશે નહીં.

પાકિસ્તાને અર્થતંત્રને વધુ મહત્ત્વ આપવાની જરૂર છે.

મરાન ખાનનું વલણ બદલાયું?

ઇમેજ સ્રોત, Getty Images

પુલવામા હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નેતાઓના નિવેદનો આકરાં બની રહ્યાં છે.

સૈન્યને વારંવાર ખુલ્લી છૂટ આપવાની અને પ્રતિકાર કરવાની વાતો થઈ રહી છે. પરંતુ પાકિસ્તાનમાં ઈમરાન ખાનનું વલણ પહેલાં જેવું જ છે.

તેમના વલણમાં પહેલાં જેવી જ આક્રમક્તા ઝરી રહી છે. ઈમરાન ખાન વિપક્ષ નેતામાંથી વડા પ્રધાન બની ગયા છે છતાં તેમનું વલણ પહેલાં જેટલું જ આક્રમક છે.

તેઓ ક્રિકેટ પણ આક્રમક રીતે રમતા હતા એટલે કદાચ આ જ એમની રીત છે.

આપને આ પણ વાચવું ગમશે

કેટલાક લોકો તો એવું પણ કહે છે કે તેમને હજૂ વિશ્વાસ નથી થતો કે તેઓ વડા પ્રધાન બની ગયા છે,

તેથી જ તેઓ વિપક્ષના નેતાઓથી પણ વધુ હોબાળો કરી રહ્યા છે. વિપક્ષ ઓછું બોલે છે અને સરકાર વધુ બોલે છે.

જોકે, પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં રહેલાં લોકોને સાવધાન રહેવા કહેવાયું છે. સાથે જ એ પણ કહેવાયું છે કે સરહદ નજીકના વિસ્તારોમાં વધુ લોકોએ એકઠા થવું નહીં.

પેશાવરના આકાશમાં ઘણાં યુદ્ધવિમાનો ઊડતાં નજરે ચડે છે. પાકિસ્તાન યુદ્ધની તૈયારી તો કરે છે પણ દરેક ઇચ્છે કે એવી સ્થિતિ ના આવે તો જ સારું!

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો