બાંગ્લાદેશ : વિમાન હાઇજૅક કરનાર શંકાસ્પદ શખ્સને મારી દેવાયો

બાંગ્લાદેશ વિમાન Image copyright Str

રવિવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી દુબઈ જઈ રહેલા ઍરક્રાફ્ટનું ચિત્તગોંગ ઍરપૉર્ટ પર હાઇજૅક કરવાનો પ્રયાસ કરાતા ઇમર્જન્સી લૅન્ડિંગ કરવું પડ્યું હતું અને અપહરણનો પ્રયાસ કરનારી શંકાસ્પદ વ્યક્તિને બાંગ્લાદેશના સુરક્ષા દળો દ્વારા મારી દેવાયો છે.

બિમાન બાંગ્લાદેશના પ્લેનમાં 142 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, પ્લેનને ચિત્તગોંગનાં સિક્યૉરિટી દળોએ લૅન્ડિંગ બાદ વિમાનને ઘેરી લીધું હતું અને શંકાસ્પદ વ્યક્તિને મારી દીધો હતો, એવું કહેવાય છે કે તેની પાસે પિસ્તોલ હતી.

હજી સુધી એ સ્પષ્ટ નથી કે વિમાનનું અપહરણ કરવાનો પ્રયાસ કેમ કરાયો હતો.

સમાચાર એજન્સી એએફપી માહિતી પ્રમાણે, સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે સંદિગ્ધ વ્યક્તિની ઉંમર આશરે 25 વર્ષ છે અને થોડી વાર સુધી કરાયેલા ગોળીબાર બાદ તે વ્યક્તિ મૃત મળી આવી હતી.

મેજર જનરલ મોતિઉર રહેમાને પત્રકારોને કહ્યું, "અમે તેની ધરપકડ કરવાના અને સરેન્ડર કરાવવાનો પ્રયાસ કર્યો, પણ તેને ના પાડી દીધી અને ગોડીબારમાં તે માર્યો ગયો."

Image copyright EPA
ફોટો લાઈન ચિંતગોંગના ઍરપૉર્ટ પર તહેનાત બાંગ્લાદેશ સુરક્ષા બળના જવાનો

તેમણે એવું પણ જણાવ્યું કે 'તે બાંગ્લાદેશી છે. અમને એની પાસેથી માત્ર એક પિસ્તોલ જ મળી આવી છે.'

પહેલાં આવેલા અહેવાલોમાં એવું અનુમાન લગાવવામાં આવતું હતું કે આ વ્યક્તિ માનસિક રીતે બીમાર હોઈ શકે છે અને આ શખ્સે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સાથે વાત કરવાની માગ પણ કરી હતી.

ઍરલાઇન્સ અધિકારીઓના હવાલાથી સમાચાર એજન્સી રૉયટર્સનું કેહવું હતું કે વિમાનના સ્ટાફે આ શખ્સને શંકાસ્પદ ગતિવિધિ કરતો જોયો હતો અને તે વિમાનનું અપહરણ કરવાની ફિરાકમાં હતો.

સોશિયલ મીડિયા પર શૅર કરાયેલી તસવીરોમાં વિમાનના યાત્રીઓને રન વે પર જોઈ શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો