BBC TOP NEWS : વેનેઝુએલાની સરહદ પર ભારે સંઘર્ષ, સૈન્યના ગોળીબારમાં બેનાં મૃત્યુ

વેનેઝુએલામાં હિંસાની તસવીર

ઇમેજ સ્રોત, EPA

કોલંબિયા અને બ્રાઝિલથી આવનારી માનવીય સહાયને અટકાવવા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના નિર્ણય બાદ શનિવારે વેનેઝુએલાની સરદહને અડીને આવેલાં શહેરોમાં ભારે તણાવનો માહોલ સર્જાયો.

રાશન સામગ્રી લેવા પહોંચેલા લોકો પર વેનેઝુએલાના સુરક્ષા દળોએ આંસુ ગૅસ અને રબરની ગોળીઓ ચલાવી.

માનવાધિકાર સંગઠનોએ દાવો કર્યો છે કે આ ગોળીબારમાં ઓછામાં ઓછી બે વ્યક્તિનાં મૃત્યુ નીજપ્યાં.

વિપક્ષ ઇચ્છી રહ્યું છે કે આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહેલા વેનેઝુએલાને મદદ મળે. જોકે, માદુરો આ પગલાંને દેશની સુરક્ષા માટે જોખમના રૂપે જોઈ રહ્યા છે.

નોંધનીય છે કે દેશના સ્વ-ઘોષિત કાર્યકારી રાષ્ટ્રપતિ ખ્વાન ગ્વાઇદોએ શનિવારે કહ્યું હતું કે લાખો સ્વયંસેવક માનવીય સહાયતા પહોંચાડવા માટે મદદ કરશે. આ સહાયમાં અન્ન અને દવાઓનો સમાવેશ થાય છે.

જો આ સહાયને વેનેઝુએલામાં પહોંચાડવી શક્ય બની જાય તો રાજકીય રીતે તેને માદુરોનો પરાજય ગણવામાં આવશે અને ગ્વાઈદોનો વિજય.

આ જ કારણ છે કે વેનેઝુએલાના બન્ને નેતાઓ વચ્ચે હાલમાં માનવીય સહાયનો મુદ્દો અગત્યનો વિષય બન્યો છે.

અરુણાચલમાં હિંસક વિરોધ પ્રદર્શન, બેનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં સ્થાનિક છ સમયુદોયોને કાયમી આવાસી પ્રમાણપત્ર(પી.આર.સી) આપવાના વિરોધમાં થયેલાં હિંસક વિરોધ પ્રદર્શનમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે.

ટોળાએ ઈટાનગરમાં રાજ્યના નાયબ મુખ્ય મંત્રી ચાઉના મીનના ખાનગી આવાસને કથિત રીતે આગ લગાડી દીધી, જ્યારે ઉપાયુક્તના કાર્યાલયમાં તોડફોડ કરી હોવાની માહિતી પણ મળી છે.

શુક્રવારે પોલીસે કરેલા ગોળીબારમાં ઈજાગ્રસ્ત વ્યક્તિનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં ગુસ્સે ભરાયેલા લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી આવ્યા હતા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું.

નોંધનીય છે કે પી.આર.સી આપવાની યોજતા હાલ પૂરતી અટકાવી દેવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હોવા છતાં વિરોધ પ્રદર્શનો અટકાવી નહોતા શકાયા.

આ પહેલાં શનિવારે ઈટાનગર અને નહરલાગનમાં સુરક્ષા દળો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં 24 પોલીસકર્મી સહિત 35 લોકોને ઈજા પહોંચી હતી.

ઘર ખરીદવાનું સપનું સરળ બન્યું, જી.એસ.ટી.માં ઘટાડો

ઇમેજ સ્રોત, Getty Images

ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ(જી.એસ.ટી.) કાન્સિલે મકાનો પર જી.એસ.ટીનો દર 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દીધો છે.

સાથે જ જી.એસ.ટીમાં ઇનપુટ કરનો લાભ ખતમ કરવાનો પણ નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત અફૉર્ડેબલ હાઉસ પર જી.એસ.ટી.નો દર આઠ ટકાથી ઘટાડીને એક ટકા કરવાનું નક્કી કરાયું છે.

નાણાંમંત્રી અરુણ જેટલીએ રવિવારે જી.એસ.ટી પરિષદની બેઠક બાદ સંબંધિત જાણકારી આપી.

પરિષદે અફૉર્ડેબલ હાઉસની વ્યાખ્યામાં પણ વિસ્તાર કરતા 45 લાખ રૂપિયાની કિંમત અને 60 વર્ગ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલાં મકાનોને પણ શ્રેણીમાં મૂક્યા છે.

તો નાનાં અને મધ્યમ કદનાં શહેરોમાં આ મર્યાદા 90 વર્ગ મીટરની કરી દેવાઈ છે. જી.એસ.ટીનો આ દર એપ્રિલ 2019થી લાગુ કરાશે.

સરકારના આ નિર્ણય થકી ઘરના ઘરનું સપનું સેવતા લોકોને મોટી રાહત મળવાની આશા સેવાઈ રહી છે.

ખેડૂતોનાં ખાતાંમાં પહોંચ્યા 2 હજાર રૂપિયા, ગોરખપુરથી શરૂઆત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોનાં ખાતાંમાં સીધા જ પૈસા જમા કરવાની 'પીએમ-કિસાન' યોજનાને ગોરખપુરથી શરૂ કરી.

રવિવારે એક કરોડ દસ લાખ ખેડૂતોનાં ખાતાંમાં બે હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો જમા કરાવવામાં આવ્યો.

75 હજાર કરોડ રૂપિયાની 'પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ' યોજના અતંર્ગત બે એકરની જમીન ધરાવતા 12 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને આવરી લેવાનો દાવો કરાયો છે.

આ યોજના અંતર્ગત ખેડૂતોનાં ખાતાંમાં એક વર્ષ દરમિયાન છ હજાર રૂપિયા મોકલવામાં આવશે.

આગામી એકાદ દિવસમાં વધુ એક કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ પહોંચાડવાનો દાવો પણ કરાઈ રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો