BBC Top News: યૂએસ સાથે પરમાણુ સમજૂતીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ઈરાની મંત્રીનું રાજીનામું

જવાદ ઝરીફ Image copyright Getty Images

ઈરાનના વિદેશ મંત્રી જવાદ ઝરીફે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. ઝરીફે રાજીનામા અંગેની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી હતી.

ઈરાનની સરકારી સમાચાર એજન્સીએ ઝરીફના રાજીનામાની પુષ્ટિ કરી છે.

ઝરીફે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલી ભૂલો અંગે માફી પણ માગી છે.

નોંધનીય છે કે વર્ષ 2015માં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલી પરમાણુ સમજૂતી અંગે ઝરીફે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

જોકે, બાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમજૂતીને રદબાતલ કરી નાખી હતી.


મમતા બેનરજી : વડા પ્રધાને જાણી જોઈને પુલવામામાં જવાનોને મરવા દીધા

Image copyright Getty Images

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ભાજપ પર લોકસભાની ચૂંટણી પહેલાં પુલવામામાં જવાનોનાં મૃત્યુ પર રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો છે.

મમતાએ દાવો કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પુલવામમાં હુમલો થવા અંગેની જાણકારી પહેલાંથી જ હતી.

તેમણે પ્રશ્ન કર્યો હતો કે કેમ સી.આર.પી.એફના 2500 જવાનોને હવાઈ માર્ગે મોકલવામાં બદલે માર્ગની યોગ્ય તપાસ કરાવાયા વગર જ ધોરી માર્ગે મુસાફરી કરવા મંજૂરી અપાઈ?

મમતા બેનરજીએ કહ્યું, "કેન્દ્ર સરકારને જાણ હતી કે આ પ્રકારનો હુમલો થઈ શકે એમ છે. આ અંગેની ગુપ્ત સૂચના પણ હતી. એમ છતાં આપણા જવાનોને બચાવવા માટે સરકારે પગલાં કેમ ના ભર્યાં?"

"સરકારે તેમને મરવા દીધા, જેથી ચૂંટણીમાં જવાનોની શહીદી પર રાજકારણ રમી શકાય."


અરુણાચલમાં કર્ફ્યુ, રસ્તા પર સૈન્યની માર્ચ

Image copyright Getty Images

અરુણાચલ પ્રદેશમાં છ સમુદાયોને કાયમી નિવાસ પ્રમાણપત્ર આપવાની ભલામણનો વિરોધ વધી રહ્યો છે.

મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીના નિવાસ પર હુમલા બાદ રાજધાની ઈટાનગરમાં કર્ફ્યુ લગાવી દેવાયો છે. જોકે, એમ છતાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે.

મુખ્ય મંત્રી પેમા ખાંડુએ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લીધો હતો. જોકે, પ્રદર્શનકારીઓ પર આ નિર્ણયની કોઈ અસર જોવા ના મળી.

સુરક્ષાને ધ્યાનમાં લેતા સૈન્યને વિસ્તારમાં ફ્લૅગ માર્ચ કરવાની ફરજ પડી છે.

નોંધનીય છે કે છ સમુદાયોને કાયમી નિવાસ પ્રમાણપત્ર આપવાની ભલામણ બાદ રાજ્યમાં થયેલી હિંસામાં અત્યાર સુધી છ લોકોનાં મૃત્યુ થયાં છે.


પુલવામા હુમલમાં વપરાયેલી કારના માલિકની ઓળખ : એ.એન.આઈ.

Image copyright Getty Images

કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર કરાયેલા ઉગ્રવાહી હુમલામાં જે ગાડીનો ઉપયોગ કરાયો હતો તેના માલિકની ઓળખ કરી લેવાઈ હોવાનો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એન.આઈ.એ)એ દાવો કર્યો છે.

એજન્સી દ્વારા જણાવાયું છે કે આ હુમલામાં 'મારુતી ઇકો'નો ઉપયોગ કરાયો હતો. આ ગાડી અનંતનાગના બિજબેહરાના વતની સજ્જાદ ભટની હોવાનો પણ એજન્સીએ દાવો કર્યો છે.

એજન્સીની તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલાના દસ દિવસ પહેલાં સજ્જાદે આ ગાડી ખરીદી હતી.

સજ્જાદ હાલમાં ફરાર છે અને શંકા સેવાઈ રહી છે કે તે ઉગ્રવાદી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ'માં જોડાઈ ગયો છે.

નોંધનીય છે કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર કરાયેલા હુમલામાં 40થી વધુ જવાનોનાં મૃત્યુ થયાં હતાં.

ઉગ્રવાદી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' દ્વારા આ હુમલાની જવાબદારી લેવાઈ હતી.


અયોધ્યા વિવાદ પર સુપ્રીમમાં સુનાવણી

Image copyright Getty Images

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની ખંડપીઠ આજે સુનાવણી કરશે.

સુનાવણી દરમિયાન આ મામલે દરરોજ સુનાવણી કરવી કે કેમ એ અંગેનો નિર્ણય પણ લઈ શકે છે.

આ ખંડપીઠમાં મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરનો સમાવેશ થાય છે.

અહીં એ વાત પણ નોંધવી રહી કે આ પહેલાં 27 ડિસેમ્બર 2018ના રોજ ત્રણ જજોની ખંડપીઠે ઇસ્માઇલ ફારુખીના આદેશ અંગે ફરીથી વિચાર કરવાની માગ ફગાવી દીધી હતી.

આ આદેશ મસ્જિદમાં નમાઝ અદા કરવાને ઇસ્લામમાં અભિન્ન અંગ ગણવું કે કેમ એ સંબંધિત હતો.

જે બાદ પાંચ જજોની હાલની ખંડપીઠનું ગઠન કરાયું હતું.

મહત્ત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટની પીઠ અયોધ્યા વિવાદમાં ઇલાહાબાદ હાઈકોર્ટના 2010ના આદેશ વિરુદ્ધ દાખલ 16 અપીલો પર સુનાવણી કરી રહી છે.

હાઈકોર્ટે પોતાના આદેશમાં અયોધ્યાની 2.77 એકરના વિવાદિત સ્થળને ત્રણ પક્ષકારો વક્ફ બૉર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલા વચ્ચે વહેંચવાનો આદેશ આપ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો