#Balakot: ભારતીય વિમાનોએ કેવી રીતે પાર કરી LoC

ઇમેજ સ્રોત, AFP
ભારતીય વાયુ સેનાના સૂત્રોએ બીબીસીને જણાવ્યું છે એ પ્રમાણે ભારતીય વિમાનોએ નિયંત્રણ રેખા પર હુમલા કર્યા છે.
ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જામનગરમાં એપીએમસીના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાષણ આપતા બાલાકોટ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું, "સર્જિકલ સ્ટ્રાઇકની જેમ જ જવાબ આપ્યો. વડા પ્રધાને કહ્યું હતું એ કરીને બતાવ્યું."
બીજી બાજુ, કચ્છમાં એક ડ્રૉન તોડી પાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે.
બાલાકોટના રહેવાસી મોહમ્મદ આદિલ તથા વાજિદ શાહ
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ ગુજરાતના કચ્છ જિલ્લામાં પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા નજીક પાકિસ્તાનનું એક અનમેન્ડ એરિયલ વ્હિકલ (યૂએવી) મંગળવારે તોડી પાડવામાં આવ્યું હતું.
પીટીઆઈએના રિપોર્ટ પ્રમાણે, કચ્છના અબડાસા તાલુકામાં નંઘાટડ ગામ પાસે યૂએવીનો ભંગાર મળી આવ્યો હતો.
સવારે 6 વાગ્યા આસપાસ એક ધડાકો સંભાળાતા ગામવાસીઓ દોળી ગયા હતાં, જ્યાં તેમને ડ્રૉનનો ભંગાર મળી આવ્યો હતો.
પોલીસ અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે આવો બનાવ બન્યો છે અને અમે તેની તપાસ કરી રહ્યા છીએ, પણ તેમણે વધુ વિગતો આપવાનો ઇન્કાર કર્યો હતો.
હુમલો કરવા વિમાન કેવી રીતે પહોંચ્યાં?
ઇમેજ સ્રોત, TWITTER/OFFICIALDGISPR
આ તસવીર પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરી છે.
વાયુ સેનાના અધિકારીએ બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતને આ કાર્યવાહીની જાણકારી આપતા કહ્યું હતું કે મંગળવારે અંબાલાથી ઘણાં મિરાજ વિમાન ઊડ્યાં અને આંતરરાષ્ટ્રીય સીમાનું ઉલ્લંઘન કર્યા વગર બૉમ્બ વરસાવ્યા.
વિમાનોએ નિયંત્રણ રેખા નજીક બાલાકોટ નામની જગ્યા પર બૉમ્બ વરસાવ્યા.
વાયુ સેનાએ એવું પણ જણાવ્યું કે આ અભિયાન અડધા કલાકમાં પૂરું થયું અને સાડા ત્રણ વાગ્યે તમામ વિમાન સુરક્ષિત પરત આવી ગયાં.
તમે આ વાંચ્યું કે નહીં?
ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ આ અંગે જાણકારી આપી હતી. પ્રેસ બ્રીફિંગમાં તેમણે કહ્યું:
- 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આત્મઘાતી હુમલો થયો હતો. જૈશ-એ-મોહમ્મદ બે દસકાથી પાકિસ્તાનમાં સક્રીય છે.
- પુલવામા હુમલો જૈશ-એ-મોહમ્મદ નામના ઉગ્રવાદી સંગઠને કરાવ્યો હતો.
- ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના મથક પર કાર્યવાહી કરી છે.
- ફક્ત જૈશના મથકોને જ નિશાન બનાવાયાં હતાં.
- પાકિસ્તાન વળતી કાર્યવાહી કરે એવી શક્યતા છે.
પાકિસ્તાનની સેનાના પ્રવક્તા મેજન જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કર્યું કે મુઝફ્ફરાબાદ સૅક્ટરથી ભારતીય વિમાનોએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, જેની સામે પાકિસ્તાની સેનાએ તરત કાર્યવાહી કરી છે.
બીજી તરફ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને નેશનલ કૉન્ફરન્સના ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે.
ઇમેજ સ્રોત, TWITTER/OFFICIALDGISPR
આ તસવીર પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂર
તેમણે ટ્વીટમાં લખ્યું, "ભારતીય વિમાનોના ઘૂસણખોરીના પ્રયાસ સામે પાકિસ્તાની વાયુ સેના દ્વારા તાત્કાલિક અને પ્રભાવક કામગીરી કરવામાં આવી, ત્યારબાદ એ લોકો ભાગવા લાગ્યા."
"ભાગતી વખતે તેમણે કેટલાક બૉમ્બ વરસાવ્યા જે બાલાકોટની નજીક પડ્યા."
આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન ન થયું હોવાનો પણ પાકિસ્તાનનો દાવો છે.
વર્ષ 1971 પછી પહેલી વખત ભારતીય વાયુ સેનાએ એલઓસી પાર કરી હોવાનું જાણવા મળે છે.
પાકિસ્તાન દ્વારા આ દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પુલવામા હુમલા અંગે તણાવની સ્થિતિ છે.
14 ફેબ્રુઆરીએ થયેલા હુમલા બાદ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સુરક્ષા બળોને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે.
જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે જો પાકિસ્તાન પર હુમલો થશે તો પાકિસ્તાન વળતી કાર્યવાહી કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો