#Balakot : પાકિસ્તાનમાં લોકો શું કહી રહ્યા છે

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, Reuters

ભારતનું કહેવું છે કે વાયુસેનાએ નિયંત્રણ રેખા પર પાકિસ્તાન પ્રાશસિત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના કૅમ્પોને ધ્વસ્ત કર્યા છે.

પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરી કહ્યું હતું કે 'ભારતના ફાઇટર પ્લૅન મુઝફ્ફરાબાદ સૅક્ટરની અંદર 3 થી 4 કિલોમીટર ઘૂસી ગયા હતા, પણ પાકિસ્તાને તાત્કાલિક જવાબ આપ્યો એટલે તેમને પાછળ ખસવું પડ્યું હતું.'

પાકિસ્તાની આર્મીના આ ટ્વીટ બાદ ભારતમાં હલચલ મચી ગઈ હતી.

જોત-જોતામાં લોકો કહેવા લાગ્યા કે ભારતે પાકિસ્તાનથી પુલવામા હુમલાનો બદલો લીધો.

જોકે ભારત તરફથી ઔપચારિક પુષ્ટિમાં ઘણો સમય લાગી ગયો હતો.

ભારત સરકાર તરફથી સૌ પ્રથમ પ્રકાશ જાવડેકર સામે આવ્યા અને કહ્યું કે તેઓ વાયુસેનાને અભિનંદન આપે છે.

તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ સેનાને ખુલ્લી છૂટ આપી છે અને વાયુસેનાએ બહાદુરી બતાવી છે.

ત્યાર બાદ સવારે 11.30 વાગ્યે ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે કહ્યું કે વાયુસેનાએ બાલાકોટમાં આંતકિયોના કૅમ્પોને હુમલો કરીને ધ્વસ્ત કરી દીધા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પાકિસ્તાનના ટ્વિટર પર હલચલ

આને લઈને પાકિસ્તાનમાં ખૂબ હલચલ મચી ગઈ હતી. પાકિસ્તાની નાગરિક સોશિયલ મીડિયા પર પોતાની ઍરફોર્સના એમ કહીને વખાણ કરી રહ્યા હતાં કે તાત્કાલિક જવાબ આપવાને કારણે ભારતે પાછળ હટવું પડ્યું હતું.

પાકિસ્તાનમાં ટ્વિટર પર બાલાકોટ, પાકિસ્તાની સેના અને પાકિસ્તાની ઍરફોર્સ ટ્વિટર ઉપર ટ્રૅન્ડ કરી રહ્યા હતા.

નય્યાબ કયાનીએ લખ્યું, ''અમે સૂતા હતાં, પણ અમારા જવાન જાગી રહ્યા હતા, અલ્લાહ તેમનો સાથ આપે.''

યાસિર મલિકે ટ્વીટ કર્યું છે કે ભારતે હજુ એક વાર એલઓસીનું ઉલ્લંઘન કર્યું છે અને પોતાની સેનાના ઍરક્રાફ્ટે તેને સીમા પાર મોકલ્યા છે.

પરંતુ માશાઅલ્લાહ અમારી ઍરફોર્સે તેમને જડબાતોડ જવાબ આપ્યો અને પરત ફરવા મજબૂર કર્યા હતા.

અરસલન યાકૂબે લખ્યું હતું, ''100 કરોડ હિંદુ અમારા પર હુમલા કરવા માટે તૈયાર છે અને અમે 20 કરોડ પાકિસ્તાની વગર કોઈ ચિંતાએ પીએસએલ જોઈ રહ્યા છે, કારણ કે આ જે સંતોષ ( શાંતિ- इत्मिनान) છે તેની પાછળ સૈનિકો છે.''

ખુર્રમ કેટીએસ નામના ટ્વિટર હૅન્ડલ પર લખાયું છે, '' ભારતની તરફથી હવાઈ હુમલાની પ્રથમ જાણકારી ભારતના કૃષિ મંત્રીએ આપી, જુઓ ક્યાંક ટામેટા તો નથી માર્યા ને.''

આ દરમ્યાન પાકિસ્તાનના અમુક લોકોએ પોતાની સરકાર અને સેનાને સવાલો કર્યા છે.

પાકિસ્તાનના ફવાદ જાવેદે પાકિસ્તાની સેનાને સવાલ કર્યો છે કે ભારતીય વિમાન સીમા પાર ઘૂસ્યા કેવી રીતે?

જાવેદે ટ્વીટ કરી પૂછ્યું, '' તેઓ આપણા હવાઈક્ષેત્રમાં ઘૂસી ગયા તથા આપણી સેનાએ તેમને કેમ મારી ન પાડ્યા. હવે તમે માત્ર ટ્વિટર ઉપર ફાયર કરી રહ્યા છો.''

અમુક લોકોએ ભારતીય વડા પ્રધાન નરેન્દ મોદીની સંરક્ષણ બાબતે કૅબિનેટ બેઠક અને આરામ કરતા પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાનની તસવીરને એક સાથે ટ્વીટ કરી છે.

પાકિસ્તાનના એક પત્રકાર અહમદ નિરાનીએ લખ્યું છે, ''કાલે રાત્રે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ જે કર્યું તેની હું નિંદા કરૂં છું.''

''આમ તો હું યુદ્ધની વિરુદ્ધ છું, પણ મને પાકિસ્તાની સેના પર પૂરો ભરોસો છે કે તેઓ ભારતની કાર્યવાહીનો પૂરી તાકાતથી જવાબ આપશે.''

''આ પાકિસ્તાનના સન્માનનો સવાલ છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો