#Balakot: પાકિસ્તાન હવે ભારતને પરમાણુ બૉમ્બના નામે ડરાવવાનું બંધ કરશે?

યુદ્ધ વિમાન Image copyright Reuters

ભારતીય વિદેશસચિવ વિજય ગોખલેએ કહ્યું કે ભારતીય વિમાનોએ 26 ફ્રેબુઆરીની સવારે ઉગ્રવાદી જૂથ 'જૈશ-એ-મોહમ્મદ'ના મોટા કૅમ્પ પર હુમલો કર્યો.

ગોખલેએ આ હુમલાને અસૈનિક અને બચાવમાં કરવામાં આવેલી કાર્યવાહી ગણાવ્યો હતો.

જેમાં બાલાકોટમાં સૌથી મોટા ઉગ્રવાદી કૅમ્પ પર હુમલો કરીને મોટી સંખ્યામાં આત્મઘાતી હુમલા માટે તૈયાર કરાયેલા ઉગ્રવાદીઓને ઠાર કર્યા.

સવારે આવેલા રિપોર્ટમાં ત્રણ સ્થળો- બાલાકોટ, ચકોઠી અને મુઝફ્ફરાબાદમાં હુમલો થયાની વાત સામે આવી હતી. જોકે વિજય ગોખલેએ માત્ર બાલાકોટનો ઉલ્લેખ કર્યો.

સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે બાલાકોટ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહમાં છે. એટલે કે આ વિસ્તાર પાકિસ્તાનમાં આવે છે, એ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરનો ભાગ નથી.

પ્રાંતના સ્થાનિક લોકોએ બીબીસી ઉર્દૂ સાથેની વાતચીતમાં પ્રચંડ ધડાકો સાંભળ્યાની વાતની પુષ્ટિ કરી છે. પરંતુ આ ધડાકાનું કારણ ભારતીય વિમાનોએ કરેલો હુમલો હતો કે કેમ એ સ્પષ્ટ થયું નથી.

અહેવાલો અનુસાર સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો છે, આથી ત્યાંનો સંપર્ક કરવો સરળ નથી.


Image copyright Getty Images

ભારતે કરેલી કાર્યવાહીને હજુ બહુ સમય નથી થયો એટલે ઘણી બાબતોની જાણકારી સામે આવવાની બાકી છે. એને કારણે લોકો ગભરાઈને જવાબ આપી રહ્યા છે.

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરેશીએ હવાઈ હુમલાના ભારતીય દાવાને નકારી કાઢ્યો છે અને તેને ભારતની આંતરિક રાજકીય મહત્ત્વાકાંક્ષા સાથે જોડ્યો છે.

હુમલાથી શું નુકસાન થયું, એના પર હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

પરંતુ જો ભારતીય દાવો સાચો હોય તો આ કાર્યવાહી કેટલી મહત્ત્વની છે એ જાણવા બીબીસીએ ભારત અને પાકિસ્તાનના રક્ષાવિશેષજ્ઞો અને રાજનીતિજ્ઞો સાથે વાત કરી.


પરમાણુ બૉમ્બના નામે પાકિસ્તાનનું ડરાવવાનું બંધ?

Image copyright ISPR

પાકિસ્તાનમાં સુરક્ષા મામલાના જાણકાર અને લેખિકા આયેશા સિદ્દીકાના મતે રાજનૈતિક અને કૂટનૈતિક રીતે આ હુમલો મહત્ત્વપૂર્ણ છે.

તેઓ કહે છે, "કૂટનીતિની રીતે આ હુમલો મહત્ત્વપૂર્ણ છે, કેમ કે ભારતે પાકિસ્તાનની (પરમાણુ હથિયાર) ધમકીને ખોટી સાબિત કરી છે. મહત્ત્વની વાત એ છે કે બાલાકોટ એબટાબાદથી નજીક છે (જ્યાં લાદેનને મારવામાં આવ્યો હતો)."

તેઓ કહે છે કે પાકિસ્તાની સેનાનો એ પ્રયાસ રહેશે કે જે સ્થળોએ હુમલો થયો ત્યાંની કોઈ તસવીર બહાર ન આવે.

તમે આ વાંચ્યું કે નહીં?

આયેશાના જણાવ્યા પ્રમાણે જે જગ્યાએ હુમલો થયાના સમાચાર મળ્યા છે ત્યાંથી વધુ જાણકારી મેળવવાની કોશિશ થઈ રહી છે, પણ તેમાં સફળતા મળતી નથી.

ભારતના કૉમોડોર ઉદય ભાસ્કર અનુસાર આ હુમલો પરમાણુ હમલાના નામે ડરાવવાની પાકિસ્તાનની નીતિની ચકાસણી સમાન છે.

તેઓ કહે છે, "અત્યાર સુધી એવું કહેવાતું હતું કે ભારત પાસે કોઈ વિકલ્પ નથી. આજે ભારતે એમ કહ્યું છે કે અમારી પાસે વિકલ્પ છે અને અમે તેનો ઉપયોગ કરીશું. સાથે જ અમે દુનિયાને એ બતાવીએ છીએ કે અમે જે કર્યું એ અમારી સુરક્ષા માટે કર્યું છે."


હુમલામાં થયેલા નુકસાનનું આકલન કેવી રીતે?

Image copyright Getty Images

પાકિસ્તાનમાં બીબીસી સંવાદદાતા એમ. ઇલિયાસ ખાનના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં જે સ્થળોએ હુમલાઓ થયા છે ત્યાં વર્ષોથી કાશ્મીરી ચરમંપથીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે.

સૂત્રોના આધારે ભારતમાં કહેવાઈ રહ્યું છે કે ભારતીય વાયુસેનાના આ હુમલામાં 300થી 350 લોકો માર્યા ગયા છે અને જૈશના કૅમ્પને ઘણું નુકસાન થયું છે. અન્ય દેશના પ્રાંતમાં હવાઈ હુમલા બાદ થયેલા નુકસાનની પુષ્ટિ કેટલી સંભવ છે?

કૉમોડોર ઉદય ભાસ્કરના અનુસાર "વાયુસેનાનો જ્યારે ઉપયોગ થાય છે, જે ઑર્ડિનન્સનો તમે ઉપયોગ કરો છો એના વીડિયોગ્રાફિક પુરાવા મળી રહે છે. તમારી પાસે હવામાં સેટેલાઈટ પણ છે. આ જાણકારી દુનિયામાં બહારથી પણ મળી રહે છે. તમને યાદ હશે કે સેટેલાઈટથી એબટાબાદમાં ઓસામાના ઘરનો નંબર પણ મળી ગયો હતો."

તમે આ વાંચ્યું કે નહીં?

ઍૅર માર્શલ (નિવૃત્ત) હર્ષ મસંદ કહે છે કે હવાઈ હુમલા દરમિયાન તસવીરો લેવામાં આવે છે અને હુમલા પહેલાં પણ ઈન્ટેલિજેન્સના આધારે તપાસ કરી શકાય છે કે જે સ્થળે હુમલો કરવાનો છે ત્યાં કેટલા લોકો છે.

હજુ સુધી આ હુમલાને લઈને કોઈ કૉકપિટ વીડિયો કે તસવીર સામે આવી નથી.


1971 પછી પહેલો વાયુ હુમલો

રક્ષા વિશેષજ્ઞ કૉમોડોર ઉદય ભાસ્કરના જણાવ્યા પ્રમાણે ભારતીય કાર્યવાહી મહત્ત્વપૂર્ણ છે, કેમ કે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી ભારતે પહેલી વાર પાકિસ્તાન સામે વાયુસેનાનો ઉપયોગ કર્યો છે.

તેઓ કહે છે, "આ સંકેત છે કે ભારત આવી રીતે આતંકનો સામનો કરશે."


લાઈન ઑફ કંટ્રોલ પાર જઈને હુમલો

આ હુમલાને 1999ના કારગિલ યુદ્ધ સાથે સરખાવવામાં આવે છે, જ્યારે વાજપેયી સરકારે વાયુસેનાને લાઈન ઑફ કંટ્રોલ પાર કરીને હુમલો કરવાની પરવાનગી આપી હતી.

પૂર્વ ઍર માર્શલ હર્ષ મસંદના અનુસાર કારગિલ યુદ્ધ દરમિયાન સ્થિતિ થોડી અલગ હતી.

કેમ કે ભારત પરિસ્થિતિ વધુ ખરાબ કરવા ઇચ્છતું નહોતું અને "યુદ્ધ લાઈન ઑફ કંટ્રોલ પર ચાલી રહ્યું હતું."

તેઓ કહે છે, "અમને એલઓસી પાર કરતાં રોકવામાં આવ્યા, જેના કારણે અમારાં બે વિમાન મિગ 21, મિગ 23 સહિત એક હૅલિકૉપ્ટરને પણ નુકસાન થયું"

ઍર માર્શલ હર્ષ મસંદના અનુસાર જો જરૂર પડે તો વાયુસેનાને ગમે ત્યાં જવાની પરવાનગી હોવી જોઈએ.


ખબૈર પખ્તૂલખ્વાહના બાલાકોટ પર હુમલો

Image copyright Getty Images

સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ 'જૈશ-એ-મોહમ્મદ'ના જે કૅમ્પ પર હુમલો કર્યાની વાત કરી છે એ ખૈબર-પખ્તૂનખ્વાહ પ્રાંતમાં છે, નહીં કે નિયંત્રણ રેખાની પાસે.

એનો મતલબ કે વાયુસેનાએ કાશ્મીરથી આગળ જઈને એ સ્થળને નિશાન બનાવ્યું જે પાકિસ્તાનના વિસ્તારમાં આવે છે.

પાકિસ્તાનના પૂર્વ ઍર કૉમોડોર કૈસર તુફૈલના અનુસાર, "જો આવું થયું હોય તો એ ખૂબ મહત્ત્તપૂર્ણ છે, કેમ કે તમે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી છે, આ કોઈ વિવાદિત વિસ્તાર નથી. આંતરરાષ્ટ્રીય સરહદના ઉલ્લંઘન માટે આંતરરાષ્ટ્રીય માપદંડ હોય છે."

આપને આ પણ વાચવું ગમશે

'અસૈનિક અને બચાવમાં કરાયેલી કાર્યવાહીના માપદંડ'

વિદેશસચિવ વિજય ગોખલેએ મીડિયાની સાથેની વાતચીતમાં ભારતની આ કાર્યવાહીને 'નૉનમિલિટરી પ્રિએમ્પ્ટિવ' કે 'અસૈનિક અને બચાવમાં કરાયેલી કાર્યવાહી' ગણાવી.

કૉમોડોર ભાસ્કર અનુસાર ભારત કહેવા માગે છે કે આ હુમલાનો ઈરાદો માત્ર આતંકવાદ, આતંકને મદદ કરનારા માળખાને ખતમ કરવાનો હતો.

તેઓ કહે છે, "ભારત એ બતાવવા માગે છે કે તે પાકિસ્તાનની અખંડતાની સાથે છે, આ કોઈ હુમલો નથી. આ (હુમલો) ઉગ્રવાદીઓ અને તેમનાં જૂથોની વિરુદ્ધમાં છે, જેના પર સંયુક્ત રાષ્ટ્રે પ્રતિબંધ લગાવ્યો છે."

આ તરફ પાકિસ્તાનના પૂર્વ ઍર કૉમોડોર કૈસર તુફૈલ કહે છે, "નૉનમિલિટરી પ્રિએંપ્ટિવ સ્ટ્રાઈક નામની કોઈ વસ્તુ નથી હોતી. (જો આવું થયું હોય તો) આ સૈન્ય હુમલો છે."


હુમલાનો ચૂંટણી સાથે સંબંધ?

Image copyright SMQURESHIPTI

દબાયેલા સ્વરે કેટલાક ભારતીય વિસ્તારોમાં આ હુમલાને ભારતીય ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે, પણ પાકિસ્તાનમાં ઘણા લોકો ખુલ્લીને આ વાત કરી રહ્યા છે.

ભારતમાં પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અશરફ જહાંગીર કાજીના જણાવ્યા અનુસાર ભારતીય મીડિયામાં પહેલાં પણ આવા દાવા કરવામાં આવ્યા હતા પણ તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી.

તેમનો ઇશારો સર્જિકલ સ્ટ્રાઈક્સ તરફ હતો. પાકિસ્તાને સર્જિકલ સ્ટ્રાઈક્સના ભારતીય દાવાને નકારી દીધો હતો.

જોકે, પાકિસ્તાનમાં એક બીબીસી સંવાદદાતા અનુસાર ભારતીય સેનાએ કેટલાંય સ્થળોએથી પાકિસ્તાન શાસિત કાશ્મીરમાં પ્રવેશ કર્યો હતો અને પાકિસ્તાની સેનાને કેટલુંક નુકસાન પણ પહોંચાડ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ