નીરવ મોદીને પત્રકારોએ લંડનમાંથી કેવી રીતે શોધ્યા હતા?

નીરવ મોદી Image copyright telegraph.co.uk
ફોટો લાઈન લંડનની ઑક્સફોર્ડ સ્ટ્રીટમાં નીરવ મોદી

લંડન ખાતે કરોડો રૂપિયાની ઠગાઈના આરોપી નીરવ મોદીની ધરપકડ કરાઈ છે અને તેમને કોર્ટમાં રજૂ કરાશે.

બ્રિટનના પત્રકાર મિક બ્રાઉને જ્યારે 14 હજાર કરોડ રૂપિયાની ઠગાઈના આરોપી નીરવ મોદીને રસ્તા પર જોયા ત્યારે તેમની સવાર ઉત્સાહથી ભરાઈ ગઈ હતી.

બીબીસી હિંદીને ઈ-મેઇલ મારફતે આપેલા ઇન્ટરવ્યૂમાં મિક બ્રાઉને તે દિવસનો ઘટનાક્રમ જણાવ્યો.

બ્રાઉને શરૂઆતમાં કહ્યું, "સેંકડો વખત એક જ સવાલ કરવા છતાં ભાગેડુ કરોડપતિ વેપારી નીરવ મોદીએ 'નો કમેન્ટ્સ' સિવાય કંઈ ના કહ્યું."

બ્રાઉન અને તેમના મિત્રએ મોદીને લંડનની ઑક્સફર્ડ સ્ટ્રીટ ખાતે કૅમેરામાં કેદ કર્યા હતા.

બ્રાઉન કહે છે, "જેવા જ અમે તેની (નીરવ મોદી) પાસે ગયા તે ચોંકી ગયો. જ્યારે કોઈને સવાલ કરવામાં આવે અને તે જવાબ આપવાનું ટાળે, ત્યારે હતાશા અનુભવાય છે. પરંતુ ત્યારે તમે કરી પણ શું શકો?"

વીડિયોમાં જોવા મળે છે કે દાઢી-મૂછ અને કાળા રંગનું જાકીટ પહેરેલા નીરવ મોદી લંડનના રસ્તા પર ફરી રહ્યા હતા. અચાનક એક રિપોર્ટર તેની પાસે જાય છે અને સવાલો કરે છે. પ્રત્યુત્તરમાં મોદી માત્ર 'નો કમેન્ટ્સ' જ કહે છે.

વીડિયોમાં જોવા મળે છે કે બ્રાઉન દ્વારા તેમનો પીછો કરાતા તેઓ ટૅક્સીમાં બેસી ત્યાંથી જવા માગે છે.

બ્રાઉન કહે છે કે ઑક્સફર્ડ સ્ટ્રીટ ખાતેથી ટેક્સી મળવી ખૂબ જ મુશ્કેલ છે.

2.13 મિનિટનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. એટલું જ નહીં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ વીડિયોને ટ્વીટ કર્યો હતો.

નીરવ મોદી સાથેની વાતચીત અંગે જણાવતા બ્રાઉન કહે છે, "ખરી રીતે મને આશ્ચચર્ય પણ થયું અને સંતોષ પણ."

"મને જાણ છે કે ભારત માટે મોદીની સ્ટોરી ખૂબ મોટી છે અને આ મુદ્દે મારા ધાર્યા કરતાં વધુ સારો પ્રતિભાવ મળ્યો."

નીરવ મોદીનો આ વીડિયો કોઈ અકસ્માતે નહોતો લેવાયો. તેઓ લંડનમાં શું કરી રહ્યા છે તે અંગે ઘણા સમયથી તપાસ કરવામાં આવી રહી હતી.


મોદીનો ઠાઠ

Image copyright Getty Images

બ્રાઉને બીબીસીને જણાવ્યું કે તેમણે મોદી વિશે ગત વર્ષે 'ધ ડેઇલી ટેલિગ્રાફ' મૅગેઝિનમાં એક લેખ લખ્યો હતો. આ વખતે તેઓ મોદી એક વર્ષથી શું કરી રહ્યા હતા તે અંગે લખવા માગતા હતા.

બ્રાઉન કહે છે, "નીરવ મોદી માટે એ દિવસ પણ સામાન્ય હતો. કદાચ તેઓ દરરોજની જેમ ઑફિસ અને ત્યારબાદ ઘરે જઈ રહ્યા હતા જ્યાં તેમના અમુક સહયોગી કારોબારીઓ રહે છે."

આ પહેલાં પણ મોદી લંડનમાં છે તેવા સમાચાર મળ્યા હતા પરંતુ તેમને શોધવા એટલા સરળ નથી.

બ્રાઉન કહે છે, "અમારે તેને ગમે તેમ કરીને શોધવા જ હતા અને આખરે અમે તે કરી બતાવ્યું."

ટેલિગ્રાફમાં માઇક બ્રાઉન અને રોબર્ડ મેન્ડીક દ્વારા છપાયેલા એક લેખમાં જણાવાયું કે નીરવ મોદી લંડનના પશ્ચિમ છેડે 8 મિલિયન પાઉન્ડ (અંદાજે 73 કરોડ રૂપિયા)ના એપાર્ટમેન્ટમાં ઠાઠથી રહે છે અને હાલમાં તેઓ હીરાના નવા ધંધા સાથે જોડાયેલા છે.

48 વર્ષના મોદી લંડનમાં 3 બેડરૂમના ફ્લેટમાં રહે છે જેનું ભાડું પ્રતિમાસ 17 હજાર પાઉન્ડ (અંદાજે 15 લાખ રૂપિયા) છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પ્રત્યાર્પણ મુદ્દે નિષ્ફળતા

Image copyright AFP

જ્યારે નીરવ મોદીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો, ત્યારે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે સરકાર નીરવ મોદીને પરત લાવવાના તમામ પ્રયાસો કરી રહી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રાજીવ કુમારે દિલ્હી ખાતે મીડિયાને જણાવ્યું કે સરકારને જાણ છે કે નીરવ મોદી લંડનમાં છે.

કુમાર કહે છે, "અમે યૂકે સરકારને મોદીના પ્રત્યાર્પણ માટે રજૂઆત કરી હતી. હવે યૂકે સરકાર પર નિર્ભર કરે છે કે તેઓ સીબીઆઈ અને ઈડીની ભલામણને ક્યારે સ્વીકારે."

"જો તમને લાગતું હોય કે અમે નીરવ મોદી મામલે કંઈ નથી કરી રહ્યા, તો તમે ખોટા છો. અમે વિજય માલ્યાના કેસની જેમ જ આ કેસ અંગે પણ પ્રયાસો કરી રહ્યા છે."

બ્રાઉન દ્વારા પણ નીરવ મોદીને આ મુદ્દે સવાલ કરવામાં આવ્યા હતા કે શું તેમણે યૂકે સરકાર સમક્ષ શરણની અરજી કરી છે? બીજું કે ભારત સરકાર તેના પ્રત્યાર્પણ મુદ્દે કાર્યવાહી કરી રહી છે કે કેમ?

મોદીએ આ અંગે કોઈ જવાબ આપ્યો નહોતો.

બ્રાઉન કહે છે, "હાલમાં આ કેસની સ્થિતિ શું છે તે અંગે કહેવું મુશ્કેલ છે. ભારત સરકારે મોદીના પ્રત્યાર્પણની ભલામણ કરી હતી, પરંતુ યૂકે સરાકરે આ અંગે કોઈ પગલું ભર્યું નથી."

"પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં તેની ધરપકડ થવી જરૂરી છે પરંતુ એવું નથી થયું. એવું જણાઈ રહ્યું છે કે બ્રિટિશ સરકાર તેનું લૉકેશન જાણવામાં નિષ્ફળ નીવડી રહી છે."

વિદેશમાં હીરાનો વેપાર

Image copyright Getty Images

મોદી અને મેહુલ ચોક્સી વિરુદ્ધમાં ભારતમાં કરોડો રૂપિયાનું કૌભાડ કરવાનો આરોપ છે.

છેલ્લા આઠ પર નજર કરીએ તો મોદીએ લંડન, ન્યૂ યોર્ક અને હોંગ કોંગમાં મોટાપાયે હીરાનો વેપાર જમાવ્યો હતો. ફૉર્બ્સના આંકડા અનુસાર તેમની કુલ મિલકત 1.75 બિલિયન ડૉલર આંકવામાં આવી હતી.

નીરવ મોદીના વૈભવની વાત કરવામાં આવે તો વીડિયોમાં તેઓ શાહમૃગની ચામડીમાંથી બનેલું જાકીટ પહેરેલા દેખાય છે જેની કિંમત અંદાજે 10 હજાર પાઉન્ડ (અંદાજે 9 લાખ રૂપિયા) છે.

બ્રાઉન કહે છે, "મારો એક મિત્ર ફેશન ડેસ્ક સાથે જોડાયેલો છે તેમણે ખાતરી કરી કે તે શાહમૃગની ચામડીમાંથી બનેલું જાકીટ હતું."


કોણ છે આ ગુજરાતી નીરવ મોદી?

Image copyright FACEBOOK/NIRAVMODI

અંગ્રેજી વેબસાઇટ લાઇવમિન્ટ.કૉમના અહેવાલ અનુસાર નીરવ મોદીનો જન્મ હીરાના વેપારીઓ, ફૂલોના અત્તર અને ગુજરાતી શાયરી માટે જાણીતા પાલનપુરમાં એક જૈન પરિવારમાં થયો હતો.

તેમના દાદા ઉત્તર ભારતમાં 1930-40ના સમયગાળા દરમિયાન હીરાનો વેપાર કરતા હતા. ત્યારબાદ તેઓ સિંગાપુર જતા રહ્યા હતા.

બેલ્જિયમના એન્ટવર્પમાં તેમના પિતા દીપક મોદીએ આ વ્યવસાયની સ્થાપ્યો હતો. નીરવ મોદીનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ તેમનો ઉછેર બેલ્જિયમમાં થયો છે.

એમ કહેવાય છે કે યુવા ઉંમરથી જ તેમની રુચિ આર્ટ અને ડિઝાઇનમાં હતી અને તે યૂરોપના અલગ અલગ મ્યૂઝિયમ્સની મુલાકાતો લેતા હતા.

ભારતમાં વસી જવા અને ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસની ટ્રેનિંગ લીધા બાદ 1999માં તેમણે ફાયરસ્ટારનો પાયો નાખ્યો હતો.

આ કંપનીને પ્રખ્યાત બનાવવા માટે તેમણે યોગ્ય હીરાની પસંદગી અને તે પ્રમાણે દાગીના ડિઝાઇન કરવા અનેક મહિનાઓ પસાર કર્યા હતા.

એ સમયે તેમને અનુભવ થયો કે જ્વેલરીને લઈને ઝનૂન અને કલા બંને તેમનામાં રહેલી છે ત્યારે તેમણે બ્રાંડ બનાવવા તરફ એક પગલું આગળ ભર્યુ હતું.

2010માં તેઓ ક્રિસ્ટી અને સદબીના કેટલોગમાં સ્થાન પામનારા પ્રથમ ભારતીય જ્વેલર બન્યા હતા.

2013માં તેમને ફોર્બ્સ લિસ્ટ ઓફ ઇન્ડિયન બિલિયનર્સમાં સ્થાન મળ્યું અને ત્યારથી તેમણે આ યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

ક્યાં છે મોદીના સ્ટોર્સ?

Image copyright HTTP://WWW.NIRAVMODI.COM/

નીરવ મોદીનાં ડિઝાઇનર જ્વેલરી બૂટીક્સ લંડન, ન્યૂયોર્ક, લાસ વેગાસ, હવાઈ, સિંગાપુર, બેઇજિંગ અને મકાઉમાં છે. ભારતમાં તેમના સ્ટોર મુંબઈ અને દિલ્હીમાં છે.

2014માં નીરવ મોદીએ દિલ્હીની ડિફેન્સ કૉલોનીમાં પ્રથમ ફ્લેગશિપ સ્ટોર ખોલ્યો હતો અને 2015માં મુંબઈના કાલા ઘોડા વિસ્તારમાં સ્ટોર ખોલ્યો હતો.

2015માં જ નીરવ મોદીની કંપનીએ ન્યૂયોર્ક શહેર અને હોંગકોંગમાં બૂટીક ખોલ્યાં હતાં. લંડનની બૉન્ડ સ્ટ્રીટ અને એમજીએમ મકાઉમાં પણ તેમના બૂટીક સ્ટોર્સ તાજેતરમાં ખૂલ્યા હતા.

વેબસાઇટ niravmodi.com અનુસાર નીરવ મોદીને આ વ્યવસાય આવવા પાછળ તેમના પરિવારમાં રાત્રી ભોજન દરમિયાન થતી વાતચીતની અસર હતી.

આ ઉપરાંત તેમણે તેમના માતા પાસેથી પણ પ્રેરણા મળતી હતી. તેમના માતા ઇન્ટીરિયર ડિઝાઇનર હતાં.

નીરવે પોતાનાં નામથી જ 2010માં ગ્લોબલ ડાયમંડ જ્વેલરી હાઉસનો પાયો નાખ્યો હતો. કંપનીની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો