બ્રાઝિલનું એક દંપતી દીકરાને દીપડા સાથે કેમ રમવા દે છે?

ટિઆગો અને ચિત્તા Image copyright Family handout

આ તસવીર ખૂબ વાઇરલ થઈ છે જેમાં એક કિશોર પાણીમાં નહાવા પડ્યો છે અને તેની સાથે છે બે દીપડા. એક દીપડો તેના ખભે દોસ્તની જેમ હાથ મૂકીને જાણે ફોટો પડાવી રહ્યો છે.

આ તસવીર એટલી લોકપ્રિય બની કે લોકો તે અસલી છે કે કેમ તેવો સવાલ પણ કરવા લાગ્યા.

આ તસવીર સાચી જ છે અને આ કિશોર આવી રીતે તેના પાળતુ બે ચિત્તાને લઈને આ રીતે જ ફરતો રહે છે.

ટિઆગો સિલ્વેરિયા નામના આ કિશોર બ્રાઝીલના છે. તેઓ નાનો હતા ત્યારથી જ આ રીતે દીપડા સાથે રમતા રમતા મોટા થયા છે.

12 વર્ષીય ટિઆગોએ બીબીસી બ્રાઝીલ (પોર્ટુગીઝ સર્વિસ)ને જણાવ્યું કે, "મારા કેટલાક મિત્રો પણ કહેતા હતા કે આ તસવીર નકલી છે."

"જોકે, ઘણા લોકોને તે તસવીર પસંદ પણ આવી હતી. તેઓ આ દીપડાને જોવા માગતા હતા."

"મારા જેવા નસીબદાર ન હોય તેવા લોકોને મારો અનુભવ કેવો રહ્યો તે જણાવવાનું મને તો ગમે પણ છે."

તમે આ વાંચ્યું કે નહીં?

ચિત્તા સાથે ઉછેર

Image copyright Family handout

ટિઆગોના માતાપિતા લિએન્ડ્રો સિલ્વેરિયા અને એન્ના જેકોમો બંને બાયોલૉજિસ્ટ્સ છે. ગોઇઆઝ રાજ્યમાં આવેલી બ્રાઝીલની જેગ્વાર ઇન્સ્ટિટ્યૂટમાં આ દંપતિ કામ કરે છે.

તેમનો હેતુ છે ચિત્તાઓનો અભ્યાસ કરવો અને તેમનું સંવર્ધન કરવું. તેઓ અમેરિકા ખંડના નિવાસી છે.

સિલ્વેરિયા કહે છે, "મારા દિકરાનો ઉછેર ચિત્તાઓ વચ્ચે જ થયો છે. તે નાનો હતો ત્યારથી જ તેની સાથે કેવી રીતે રહેવું તે શીખ્યો છે."

"જોકે, કેટલી હદ સુધી આગળ વધવું તે અમે તેને જણાવતા હોઈએ છીએ, પણ તે પોતે પણ જાણે છે કે આ પ્રાણીઓ સાથે કેવી રીતે વર્તવું. તેના માટે આ ખૂબ સહજ બની ગયું છે."

આ તસવીર પણ તેમણે જ પાડી હતી અને પોસ્ટ કરી હતી જ્યારબાદ તે પ્રસિદ્ધ થઈ ગઈ હતી.

તેઓ કહે છે, "આમાં કંઈ પણ નવાઈની વાત નથી. અમારા માટે આ રોજિંદું જીવન છે."

ટિઆગોનો જન્મ થયો ત્યારે તેના માતાપિતા દીપડાનાં ત્રણ બચ્ચાની સંભાળ કરી રહ્યાં હતાં.

Image copyright Family album

તેઓ પીકઅપ લઈને ફરવા નીકળે ત્યારે ત્રણ બચ્ચાં અને પોતાના દીકરાને લઈને નીકળે. રસ્તામાં ચારેયને બૉટલથી દૂધ પીવડાવવા માટે રોકાતા પણ જતા.

તેમના દીકરાને પણ લાગે છે કે પોતે દીપડા જેવા પ્રાણી સાથે ઉછરી રહ્યો છે તે અનોખો અનુભવ છે.

તેઓ કહે છે, "આ પ્રેમ અને આદરનો સંબંધ છે. આ પ્રાણીઓની સંભાળ લેવામાં મારા માતાપિતાને મદદ કરવામાં મને આનંદ આવે છે."

દીપડાની સામે આવી જાવ ત્યારે કેવી રીતે વર્તવું તેની સલાહ સિલ્વેરિયા દંપતિ નાગરિકોને આપતું હોય છે. તેમણે એ જ રીતે પોતાના પુત્રને પણ તૈયાર કર્યો છે.

સિલ્વેરિયા જણાવે છે, "આ પ્રાણીઓ મનુષ્યનો શિકાર કરતા નથી. આપણે કંઈ કરવા જઈએ ત્યારે જ પ્રતિસાદ આપે છે."

"તેથી તેમનો આદર કરવો રહ્યો. તેની બોડી લૅંગ્વેજથી તમને ખ્યાલ આવી જશે કે તમે વધારે નજીક ન જાવ એમ તે ઇચ્છે છે."

સંપર્કની હદ

Image copyright Family handout

"કઈ હદ સુધી આગળ વધવું તે સમજી લેવું જરૂરી હોય છે. દીપડા તમારી નજીક આવવા માગતો હશે ત્યારે તે આવશે."

"આમ તે ખૂબ મળતાવડા પ્રકારનું પ્રાણી નથી પણ (મનુષ્ય સાથે) જીવનભરનો નાતો કેળવી શકતા હોય છે."

ટિઆગોનાં માતા કહે છે કે અત્યાર સુધીમાં ક્યારેય દીપડાએ તેમના દીકરાને ઇજા પહોંચાડી નથી.

જોકે, એન્ના ખાસ કહે છે કે તેઓ ક્યારેય ટિઆગોને ચિત્તા સાથે એકલો છોડતાં નથી.

"અમે હંમેશાં ચિત્તા સાથે તથા કોઈ પણ પ્રાણી સાથે સંભાળપૂર્વક વર્તીએ છીએ. સંભાળ રાખવા માટેના અમારા નિયમો એકદમ સ્પષ્ટ છે."

દીપડા માટેનું અભયારણ્ય 123 એકરમાં ફેલાયેલું છે, જેની માલિકી સિલ્વેરિયા અને જેકોમો ધરાવે છે. પ્રાણીઓ પ્રત્યે માન રાખીને તેઓ અભયારણ્યમાં પ્રવાસીઓને પ્રવેશ આપતા નથી.

તેમણે 2002માં અભયારણ્ય બનાવ્યું હતું અને તે વખતે તેમની ગણતરી માત્ર દીપડાના વર્તનનો અભ્યાસ કરવાની હતી.

Image copyright Family album

બાદમાં તેમને બ્રાઝીલની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍન્વરનમેન્ટ એન્ડ રિન્યૂએબલ નેચરલ રિસોર્સીઝે વિનંતી કરી હતી કે અહીં અનાથ થયેલા પ્રાણીઓના બચ્ચાંઓનો ઉછેર કરવો જોઈએ.

હાલમાં તેઓ પોતાની આ જમીનના અડધા ભાગમાં બ્રિડિંગ સેન્ટર પણ ચલાવે છે.

સિલ્વેરિયાના જણાવ્યા અનુસાર આ કાર્ય પાછળનો 95% ખર્ચ તેઓ અંગત મૂડીમાંથી કરે છે, જ્યારે બાકીની રકમ દાનથી મળે છે.

તેઓ કહે છે, "અમારે સતત આવક માટે વિચારતા રહેવું પડે છે, કેમ કે અમને ક્યારેય જાહેર જનતાના ફાળાનો લાભ મળ્યો નથી."

હાલમાં આ પરિવાર 14 દીપડાને પાળી રહ્યું છે. તેમાં ચાર બચ્ચાં છે અને આઠ પુખ્ત છે.

છેલ્લા એક દાયકા દરમિયાન દંપતીએ 35 જેટલા પ્રાણીઓનો ઉછેર કર્યો છે.

અહીંથી દીપડાને ઘણી વાર અન્ય કેન્દ્રોમાં પણ મોકલવામાં આવે છે, જેથી આ જાતના ચિત્તાનું સંવર્ધન થઈ શકે છે અને પ્રજોત્પતિ થઈ શકે.

ઇન્ટરનેશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચર દ્વારા વિલુપ્ત થવાને આરે આવેલા પ્રાણીઓની યાદી (રેડ લિસ્ટ) તૈયાર કરવામાં આવી છે, તેમાં દીપડાનો પણ સમાવેશ થાય છે.

દુનિયાના 21 દેશોમાં જેગુઆર છે, પરંતુ બ્રાઝીલમાં સૌથી વધુ છે. દુનિયામાં પ્રાણીઓની કુલ વસતી (20,000થી 30,000)માંથી લગભગ અડધા જેટલા બ્રાઝીલમાં છે.

કેવી રીતે મનુષ્ય સાથે ચિત્તાનો સંપર્ક વધે છે?

Image copyright Family handout

જોકે, આ કેન્દ્રમાં દીપડાનાં બચ્ચાંને લાવવામાં આવે છે, તેને જંગલમાં મુક્ત છોડી દેવામાં આવતા નથી, કેમ કે તેમનો શિકાર થઈ શકે છે.

ખાસ કરીને ખેડૂતો તેમના પાળતુ પશુઓને બચાવવા તેમનો શિકાર કરી શકે છે.

બીજું કારણ એ કે આ રીતે કેન્દ્રમાં ઉછેર થયો હોવાથી મનુષ્ય સાથે દીપડાનો સંપર્ક વધારે રહે છે.

જેકોમો સમજાવે છે, "આ દીપડા માટે મનુષ્યનો સંગ છોડી દેવો મુશ્કેલ હોય છે. તેમને જંગલમાં છોડી દેવાય તો મનુષ્ય વસતી હોય તેવા વિસ્તારમાં જવા માટે તે કોશિશ કરશે. ત્યાં તેમનો શિકાર થઈ શકે છે."

ગયા વર્ષથી ટિઆગો દીપડાથી જુદો પડ્યા છે. તેમને સેકન્ડરી સ્કૂલમાં ભણવા માટે રાજ્યની રાજધાની ગોઇઆનામાં મૂકવામાં આવ્યા છે.

Image copyright Family handout

તેમને પોતાના ચિત્તાઓ વિના જરાય ગમતું નથી.

ટિઆગો કહે છે, "મને જરાય ગમતું નથી, કેમ કે હું નાનો હતો ત્યારથી તેમની સાથે જ રમ્યો છે."

"હું જ્યારે પણ ઘરે જાઉં ત્યારે મને લાગે છે કે દીપડાને પણ મારા વિના ગમતું લાગતું નથી. તેઓ મારી સાથે હવે જુદી રીતે રમે છે."

"આ ખૂબ ગૌરવ અપાવે તેવી વાત છે કે હું તેમને જેટલો પ્રેમ કરું છું એટલો જ પ્રેમ આ પ્રાણીઓ પણ સામો દર્શાવે છે."

ખૂબ લોકપ્રિય થયેલી તસવીર આવી જ એક મુલાકાત દરમિયાન 15 નવેમ્બરે લેવાઈ હતી.

ટિઆગો જે રીતે વાત કરી રહ્યા છે તે જોતા લાગે છે કે ભવિષ્યમાં સિલ્વેરિયાના પૌત્ર પણ આ દીપડાઓ સાથે તસવીરો પડાવી રહ્યા હશે.

ટિઆગો કહે છે, "હું પણ બાયોલૉજી ભણીને મારા માતાપિતાના પગલે ચાલવા માગું છું."

"અમે એક પશુજાતને બચાવવા કોશિશ કરી રહ્યા છીએ અને અમારી આ લડત ચાલતી રહે તેમ હું ઈચ્છું છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો