ભારત વિરુદ્ધ ગુસ્સામાં પોતાનું જ નુકસાન કરી રહ્યું છે પાકિસ્તાન

સીરિયલના કલાકારો Image copyright HUMSAFAR

જ્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો, તો પાકિસ્તાને ન માત્ર તેનો બળપૂર્વક જવાબ આપ્યો પણ તેણે ભારતીય સિનેમા અને ટેલીવિઝન પર પણ રોક લગાવી દીધી.

પાકિસ્તાને જે રીતે ગુસ્સો વ્યક્ત કર્યો અને બદલો લીધો તે તો સહેલું હતું પણ પાકિસ્તાનનો આ દાવ ઊંધો પડ્યો છે.

બીબીસીના ઇલયાસ ખાસ અને શુમાઇલા ઝાફરીએ પોતાના રિપોર્ટમાં આ વાત સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

ભારત અને પાકિસ્તાન વર્ષ 1947થી જ એકબીજા વિરુદ્ધ લડી રહ્યા છે.

પરંતુ બોલીવૂડને લઈને તેમનો પ્રેમ સંઘર્ષની તમામ ઘટનાઓ બાદ પણ યથાવત રહ્યો અને આજે પણ છે.

તેમ છતાં નિયંત્રણ રેખાની બન્ને બાજુ જો કંઈ પણ થાય છે તો તેની સીધી અસર બોલીવૂડ પર પડે છે અને બોલીવૂડ સીધી તેની ઝપેટમાં આવી જાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

રોજી-રોટી સાથે જોડાયેલો મામલો

Image copyright Getty Images

પાકિસ્તાન ઍસોસિયેશન ઑફ ફિલ્મ એક્ઝિબીટર્સનું કહેવું છે કે તેઓ ભારતીય ફિલ્મોની રિલીઝ પર પ્રતિબંધ લગાવી રહ્યા હતા અને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે વધુ એક પગલું આગળ વધારતા આદેશ આપી દીધો કે ભારત સાથે જોડાયેલો કોઈ પણ કાર્યક્રમ પ્રસારિત થશે નહીં.

આ પ્રતિબંધ સ્થાનિક ચેનલો પર પણ લાગુ હતો. પ્રતિબંધ ભારતીય વિજ્ઞાપનો, સીરિયલ અને ફિલ્મો પર લાગુ થાય છે.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવતા કહ્યું છે કે એવું કોણ હશે જ્યારે ભારત ઘુસણખોરી કરી રહ્યું હોય અને મનોરંજન નિહાળવા માગતા હોય?

24 વર્ષીય વિદ્યાર્થિની અક્શા ખાન આ વાતને મનથી સ્વીકારે છે.

અક્શા કહે છે, "તેઓ આપણી સાથે યુદ્ધ કરી રહ્યા છે ત્યારે આપણે કેવી રીતે તેમની ફિલ્મો અને સીરિયલ અહીં રિલીઝ થવા દઈએ?"

પરંતુ પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો અને ધારાવાહિકોને પસંદ કરતા પાકિસ્તાનમાં ઘણા લોકો છે પરંતુ દેશભક્તિના પગલે તેઓ આ પ્રતિબંધના સમર્થનમાં છે.

અલી શિવારી નામની એક વ્યક્તિ કહે છે, "હું તો શાહરુખ ખાન, આમિર ખાન અને સલમાન ખાનને જોઈને મોટો થયો છું."

અલી ભારતીય સિનેમાથી ખૂબ પ્રભાવિત છે અને ભારતીય સિનેમા જોઈને તેમણે ફિલ્મ જગતમાં શિક્ષણ મેળવવાનું નક્કી કર્યું.

તેઓ કહે છે, "પાકિસ્તાની ઇન્ડસ્ટ્રીમાં હજુ તેવું કંઈક મળવામાં સમય લાગશે."

કમાણીનો ભાગ

Image copyright Getty Images

આ સિવાય સૌથી વધારે જરુરી છે આર્થિક પરિણામ.

પાકિસ્તાનમાં હાજર એક ફિલ્મ પત્રકાર રફય મહેમૂદ કહે છે, "પાકિસ્તાનની બૉક્સ ઑફિસ બચી રહે એ માટે ભારતીય સિનેમાનું હોવું ખૂબ જરુરી છે."

પાકિસ્તાનમાં આશરે 120 મૂવી થિયેટર છે.

મહેમૂદના આધારે, સરેરાશ એક સારી ફિલ્મ બૉક્સ ઑફિસ પર આશરે 2 અઠવાડિયા સુધી ટકી રહે છે. તેમના આંકડાના આધારે પાકિસ્તાની સિનેમાને આશરે 26 નવી ફિલ્મો દેખાડવાની હોય છે કે જેથી સિનેમા જગતમાં વેપાર ચાલતો રહે.

મનોરંજન જગત સાથે સંબંધ રાખતા હસન ઝૈદી કહે છે કે આશરે 70% પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું રેવેન્યૂ ભારતીય ફિલ્મોથી આવે છે.

Image copyright Getty Images

તેઓ કહે છે કે આ પ્રતિબંધ લાંબા સમય સુધી રહી શકતો નથી.

"પાકિસ્તાની ઇન્ડસ્ટ્રી ભારતીય ઇન્ડસ્ટ્રી વગર આગળ વધી શકતી નથી."

આ વાતના પુરાવા પણ છે કે જ્યારે જ્યારે પાકિસ્તાને ભારતીય ફિલ્મો અને ધારાવાહિકો પર પ્રતિબંધ લગાવ્યો છે તો પાકિસ્તાને કેવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે.

આ પહેલી વખત નથી કે જ્યારે પાકિસ્તાને ભારતીય મનોરંજનને પ્રતિબંધિત કર્યું છે.

સૌથી લાંબો પ્રતિબંધ 40 વર્ષ સુધી રહ્યો. ભારત સાથે 1965ના યુદ્ધ બાદ 40 વર્ષો સુધી પાકિસ્તાનમાં ભારતીય સિનેમા પર પ્રતિબંધ રહ્યો હતો.

એક વખત જ્યારે આ પ્રતિબંધ હટ્યો તો પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે 90ના દાયકા સુધી લગભગ મરી ગઈ હતી, તે ધીરે ધીરે ફરી ઊભી થઈ.

પાકિસ્તાને આપી પ્રતિક્રિયા

Image copyright Getty Images

પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઇટ 'ડૉન ન્યૂઝ'નાં સંપાદક અતિકા રહેમાનનું કહેવું છે કે પ્રતિબંધ હટ્યા બાદ પાકિસ્તાની સિનેમાનો વિકાસ થયો, તો ધીરે-ધીરે દર્શકો પણ સિનેમા તરફ વળવા લાગ્યા.

તેઓ કહે છે, "તેનાથી પાકિસ્તાની ફિલ્મ મેકર્સને પ્રોત્સાહન મળ્યું અને તેમણે પણ ફિલ્મો બનાવવાવનું શરુ કરી દીધું."

તેના પગલે પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હાલત ખરાબ થઈ ગઈ.

સમગ્ર પાકિસ્તાનમાં ફેલાયેલાં થિયેટર શૉપિંગ મોલમાં પરિવર્તિત થઈ ગયાં અને ઘણા થિયેટર લગ્નના મંડપમાં.

એક વાત એ પણ છે કે પાકિસ્તાની ફિલ્મો ક્યારેય ભવ્યતા અને સ્ટાર કાસ્ટના મામલે બોલીવૂડની સરખામણી કરી શકતી નથી.

સિનેમા જગત સાથે જોડાયેલા એક નિષ્ણાત કહે છે કે આ વાત એ દર્શાવે છે કે તાજેતરના વર્ષોમાં બોલીવૂડની ફિલ્મોને 60% ફિલ્મ સ્ક્રિનિંગ કેમ મળે છે. હોલીવૂડની ફિલ્મો પણ તેની પાછળ જ આવે છે.

સાચું કહીએ તો ભારતીય સામગ્રી પર પાકિસ્તાનમાં જે પ્રતિબંધ લાગ્યા છે, તે પ્રતિક્રિયા સમાન છે.

આ પહેલાં અખિલ ભારતીય સિને વર્કર્સ ઍસોસિયેશને પુલવામા હુમલા બાદ પાકિસ્તાની કલાકારો અને અભિનેતાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે.

આ પહેલી વખત નથી કે જ્યારે ભારતે આ પ્રકારના પ્રતિબંધની જાહેરાત કરી હોય.

આ પહેલાં પાકિસ્તાનના ફવાદ ખાનને બોલીવૂડ ફિલ્મોમાં કામ કરવાથી રોકી દેવાયા હતા જ્યારે એક દક્ષિણપંથી સંગઠને 2016માં સર્જિકલ સ્ટ્રાઇક બાદ દરેક પાકિસ્તાની કલાકરને દેશ છોડી જવાનો આદેશ આપ્યો હતો.

ફવાદ ખાને બોલીવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને ભારતમાં તેમના પ્રશંસકોમાં કોઈ ખામી પણ નથી.

Image copyright MAHIRAHKHAN/INSTAGRAM

આ સિવાય જ્યારે 2017માં બોલીવૂડ એક્ટર શાહરુખ ખાને પોતાની એક ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન સાથે કામ કર્યું તો તેના પર પણ ભારતમાં ખૂબ વિવાદ થયો હતો.

ભારતમાં દક્ષિણપંથી સંગઠનોએ આ ફિલ્મની રિલીઝ રોકવાની માગ કરી હતી. ત્યારબાદ ભારતમાં આ ફિલ્મની રિલીઝ ડેટ ટાળવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાનમાં આ ફિલ્મ રિલીઝ થઈ ન શકી.

પાકિસ્તાની સેન્સર બોર્ડે ફિલ્મને આપત્તિજનક ગણાવી રોકી દીધી હતી.

પાકિસ્તાની ફિલ્મ નિર્માતા નદીમ માંડવીવાલા આશા રાખે કરે છે કે આ પ્રતિબંધ અલ્પકાલિન હોય.

તેઓ કહે છે, "આશા છે કે બન્ને દેશોમાં સમજનો વિકાસ થશે."

પરંતુ એ ભૂલવું ન જોઈએ કે આજકાલ બોલીવૂડને પસંદ કરતા લોકો નેટફ્લિક્સ અને તેના જેવા તમામ બીજા પ્લેટફોર્મ પર બોલીવૂડ ફિલ્મ જોઈ શકે છે. તેવામાં આ પ્રતિબંધ પ્રતીકાત્મકતા કરતાં વધારે કંઈ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો