મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ પાસે પુલ તૂટ્યો, 36 લોકો ઘાયલ, પાંચ લોકોનાં મૃત્યુ

પુલ Image copyright ANI

મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસની પાસે એક ફૂટઓવર બ્રિજ તૂટી પડતાં 36 લોકો ઘાયલ થયા હોવાના અને અત્યાર સુધી પાંચ લોકોનાં મૃત્યુ થયાં હોવાનો અહેવાલ છે.

સમાચાર સંસ્થા એએનઆઈએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે.

આ ઘટનામાં 36 લોકો ઘાયલ થયા હોવાની અને પાંચ લોકોનાં મોત થયાની વાતની પૃષ્ટિ થઈ છે.

ઘાયલ થયેલા લોકોમાં બે લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ઘાયલ લોકોને સૅન્ટ જર્યોજ હૉસ્પિટલ, જીટી અને સાયન હોસ્પિટલ ખાતે ઇલાજ માટે લઈ જવામાં આવ્યા છે.

આ ફૂટઓવર બ્રિજ છત્રપતિ શિવાજી ટર્મિનસથી અંજૂમન ઇસ્લામ હાઇસ્કૂલ તરફ જવા માટે વપરાતો હતો.

Image copyright Manish Jha

જોકે, નેશનલ ડિઝાસ્ટર રિલીફ ટીમે 10-12 લોકો દબાયા હોવાની શક્યતા વ્યકત કરી છે.

આ મામલે હજી વધારે વિગતો આવી રહી છે. બચાવ કામગારી ચાલી રહી છે અને કાટમાળ પૂરો હજી હટાવાયો નથી.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મામલે દુઃખ વ્યકત કર્યું છે અને ઝડપી બચાવ કામગીરીનો આદેશ આપ્યો છે.

વડા પ્રધાન મોદીએ પણ આ ઘટના પર શોક વ્યકત કરતું ટ્વીટ કર્યું છે.

રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે ઉચ્ચ સ્તરિય તપાસ માટે આદેશ કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનો માટે પાંચ-પાંચ લાખ રૂપિયાના વળતરની અને મફત સારવારની પણ જાહેરાત કરી હતી.

તો કૉંગ્રેસ પક્ષે પણ આ મામલે ટ્વીટ કરી શોક વ્યકત કર્યો છે. કૉંગ્રેસે કાર્યકરોને લોકોને મદદે જવા અનુરોધ કર્યો છે.

રેલ મંત્રી પિયુષ ગોયલે લખ્યું કે રેલવેના ડૉક્ટર અને અધિકારી રાહત અને બચાવ કાર્યમાં બીએમસીના અધિકારીઓની મદદ કરી રહ્યા છે.

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ ઘટના પર અફસોસ વ્યક્ત કર્યો અને ટ્વીટ દ્વારા મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સશિયલ મીડિયા પર લખ્યું કે"મોદી સરકાર અને મહારાષ્ટ્ર સરકારના વખતમાં ઘણી ઘટનાઓ બની છે- ઍલ્ફિન્સ્ટનમાં પુલ પર ભાગદોડ, અંધેરીમાં ગયા વર્ષે જુલાઇમાં પુલ પડ્યો હતો. રેલવે મંત્રાલયના ઑડિટના દાવા વારંવાર ખોટા સાબિત થઈ રહ્યા છે. રેલવે મંત્રીએ રાજીનામું આપવું જોઈએ, અથવા તેમને બર્થાસ્ત કરવા જોઈએ."

સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે ટ્વીટ કર્યું કે "મુંબઈમાં પુલ પડવાની મોટી ઘટનાઓ વારંવાર થઈ રહી છે. સરકાર પુલોના સૅફ્ટી ઑડિટને ગંભીરતાથી લઈ રહી નથી."

લોકસભા ચૂંટણીમાં 50 ટકા મતોની પેપર ચકાસણી માટે સુપ્રીમમાં અરજી

Image copyright Getty Images

લોકસભાની 2019ની ચૂંટણીના પરિણામ કમસેકમ 50 ટકા મતોની પેપર ચકાસણી પછી જાહેર કરવામાં આવે તેવી માગણી સાથે દસ વિપક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

સમાચાર સંસ્થા એએનઆઈએ આ અંગે ટ્ટીટ કરીને માહિતી આપી છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં ઇવીએમ અંગે અનેક વાર વિવાદો થઈ ચૂક્યા છે.

આગામી લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં યોજાવાની છે અને 23 મે 2019ના રોજ પરિણામની જાહેરાત થવાની છે.

લોકસભાની ચૂંટણીમાં તમામ પોલિંગ સ્ટેશન ઉપર EVM (Electronic Voting Machine)ની સાથે VVPAT (Voter Verifiable Paper Audit Trail) યુનિટનો ઉપયોગ થશે એવી જાહેરાત ચૂંટણી પંચે કરેલી છે.


રફાલ સોદામાં ગેરરીતિ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

Image copyright GETTY IMAGES

રફાલ યુદ્ધવિમાન સોદામાં કથિત ગેરરીતિને મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારના દસ્તાવેજો લીક થવાના દાવા પર ચુકાદો અનામત રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટેમાં સુનાવણીમાં દરમિયાન એટૉર્ની જનરલ (એજી) કે. કે. વેણુગોપાલે પુરાવા અધિનિયમની કલમ 123 અને માહિતી અધિકાર કાયદા મુજબ દસ્તાવેજો લીક થયેલા છે અને તેને સંબંધિત ખાતાની પરવાનગી વગર અદાલતમાં રજૂ ન કરી શકાય તેમ જણાવ્યું હતું.

વેણુગોપાલે પક્ષકારોએ ચોરીને દસ્તાવેજો રજૂ કર્યા છે અને તેના માટે પરવાનગી લીધી નથી એવો તર્ક રજૂ કર્યો હતો.

રફાલ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા, અરુણ શૌરી અને એડવોકેટ પ્રશાંત ભૂષણે અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સરકારે દસ્તાવેજો પર રજૂ કરેલા વાંધા અંગે પહેલા નિર્ણય લેશે એવું વલણ લીધેલું છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં રફાલ મામલે પુનર્વિચારની અરજી અંગેની ગત સુનાવણીમાં એટૉર્ની જનરલ (એજી) કે. કે. વેણુગોપાલે કહ્યું કે આ ફાઇટર વિમાન સોદા સાથે સંકળાયેલા કેટલાક દસ્તાવેજની રક્ષા મંત્રાલયમાંથી ચોરી થઈ છે.

અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં પ્રશાંત ભૂષણે જ્યારે એક નોટ વાંચવાનું શરૂ કર્યું ત્યારે વેણુગોપાલે વાંધો ઉઠાવ્યો હતો

ભૂષણે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી કે રફાલ સોદા સાથે જોડાયેલી તપાસની પુનર્વિચાર અરજી રદ ન કરવી જોઈએ, કેમ કે 'મહત્ત્વનાં તથ્યો'ને સરકાર દબાવી ન શકે.

રફાલ પર પુનર્વિચાર અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. કે. કૌલ અને કે. એમ. જોસેફની બૅન્ચ કરી રહી છે.

રફાલ મામલે શ્રેણીબદ્ધ સમાચારો પ્રકાશિત કરનારા અખબાર 'ધ હિંદુ'ના સંપાદકે કહ્યું છે કે તેઓ કોઈ પણ ભોગે દસ્તાવેજ આપનારા સ્રોતનું નામ જાહેર નહીં કરે.


મમતાના ગઢમાં મોદીનું ગાબડું અને કેરલના પ્રવક્તાએ કૉંગ્રેસ છોડી

Image copyright NURPHOTO

લોકસભાની 2019ની ચૂંટણી અગાઉ પક્ષ છોડવાની મોસમ ગુજરાતમાં ખૂબ ચાલી અને હવે બંગાળ અને કેરલ પહોંચી છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના તૃણમૂલ કૉંગ્રેસના ધારાસભ્ય અર્જુન સિંહ ટિકિટ ન મળતા નારાજ થઈ ભાજપમાં જોડાઈ ગયા છે.

બીજી તરફ કેરલમાંથી કૉંગ્રેસના પ્રવક્તા ટોમ વડક્કને પણ કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. કેરલ કૉંગ્રેસના મોટા નેતા ગણતા ટોમ વડક્કને રવિ શંકર પ્રસાદની હાજરીમાં ભાજપ જોઈન કર્યુ હતું.

ટોમ વડક્કન લાંબા સમયથી કૉંગ્રેસના પ્રવક્તા છે અને સોનિયા ગાંધીની નજીક ગણાતા નેતા છે.

ઉલ્લેખનીય છે કે એક મહિના અગાઉ ટોમ વડક્કને એવું કહ્યું હતું કે જે ભાજપમા જાય તેના બધા પાપ ધોવાઈ જાય છે.


મસૂદને 'આંતરરાષ્ટ્રીય આતંકવાદી' માનવા પર ચીનનો ઇનકાર

પાકિસ્તાની ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મૌલાના મસૂદ અઝહરને 'આંતરરાષ્ટ્રીય આતંકવાદી' જાહેર કરવાના પ્રયાસમાં વધુ એક વખત ચીને અવરોધ ઊભો કર્યો છે.

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં અમેરિકા, બ્રિટન તથા ફ્રાન્સે મસૂદ અઝહરનું નામ આતંકવાદીઓની આંતરરાષ્ટ્રીય બ્લૅકલિસ્ટમાં દાખલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ચીને અટકાવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સિક્યૉરિટી કાઉન્સિલની 1267 કાઉન્ટર- ટૅરરિઝમ કમિટીના 15 સભ્યોમાંથી માત્ર ચીને જ તેનો વિરોધ કર્યો હતો.

ન્યૂઝ એજન્સી એએફપી (એજન્સી ફ્રાન્સ પ્રેસ)ના રિપોર્ટ પ્રમાણે, સુરક્ષા પરિષદમાં પોતાની નોટમાં ચીને કહ્યું કે તેઓ અઝહર ઉપર પ્રતિબંધ મૂકવાની અપીલને સમજવા માગે છે.

આ પહેલાં 2016 અને 2017માં મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવાના પ્રયાસમાં અવરોધ ઊભો કરાયો છે. ભારત અને ચીન વચ્ચે આ મુદ્દે અનેક રાઉન્ડની બેઠક થઈ છે.

આ યાદીમાં સમાવિષ્ટ વ્યક્તિ પ્રવાસ ન ખેડી શકે, તેને હથિયાર વેચી ન શકાય, તેની સંપત્તિ ટાંચમાં લેવામાં આવે છે, કોઈ દેશ તેને આશ્રય ન આપી શકે.

આ યાદીમાં સમાવિષ્ટ કંપની, તેની પેટા કંપની, તેમાંથી છૂટી પડેલી કંપની કે જૂથની સાથે પણ વ્યવહાર ન થઈ શકે. તે કંપની નવું નામ-સ્વરૂપ ધારણ કરે તો તેને પણ નિષેધાત્મક યાદીમાં મૂકવામાં આવે છે.

અલ-કાયદા કે ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ લૅવન્ટ (ISIL) સાથે સંકળાયેલા લોકોની ઉપર લગામ કસવા આ સમિતિ સક્રિય રહે છે.

અઝહરના સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ'ને વર્ષ 2001માં જ 'આતંકવાદી સંગઠન' જાહેર કરી દેવાયું હતું.

ઉલ્લેખનીય છે કે પુલવામા ખાતે સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના કાફલા ઉપર હુમલો થયો હતો, જેમાં કમ સે કમ 40 જવાનનાં મૃત્યુ થયાં હતાં. આ હુમલાની જવાબદારી 'જૈશ-એ-મોહમ્મદ'એ લીધી હતી.


ભાજપ-કૉંગ્રેસ વચ્ચે ટ્વીટ યુદ્ધ

કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર લખ્યું, "નબળા મોદી શી (જિનપિંગ)થી ડરે છે. ભારત વિરુદ્ધ કામ કરતા ચીનની સામે મોદીના મોંમાંથી એક શબ્દ નથી નીકળતો."

"નમોની ચીન ડિપ્લોમસી : 1. ગુજરાતમાં શી (જિનપિંગ) સાથે ઝૂલે ઝૂલવું, 2. દિલ્હીમાં ભેંટવું અને 3. ચીનમાં જિનપિંગ સામે ઝૂકી જવું."

તેના જવાબમાં ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદ સંબોધી હતી અને કહ્યું હતું કે 'ચીનના નિર્ણયથી દેશ દુખી છે, પરંતુ 2009માં જ્યારે ચીને પ્રસ્તાવ અટકાવ્યો ત્યારે તમે ક્યાં હતાં?'

પ્રસાદે ઉમેર્યું હતું કે 'નહેરુને કારણે જ ચીનને સિક્યૉરિટી કાઉન્સિલનું કાયમી સભ્યપદ મળ્યું હતું.'

આ વિશે વધુ વાંચો

ફેસબુક-ઇન્સ્ટાગ્રામ ડાઉન

Image copyright Getty Images

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા વૉટ્સઍપ જેવા સોશિયલ નેટવર્કિંગ પ્લૅટફૉર્મ્સના યૂઝર્સે બુધવારે મોડીરાત્રે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

દુનિયાભરના અલગ-અલગ ભાગોમાંથી યૂઝર્સે આ પ્રકારની ફરિયાદ કરી હતી. ફેસબુકના મુખ્ય બે સોશિયલ નેટવર્કિંગ પ્લૅટફૉર્મ્સ ડાઉન હોવાની વાત લોકોએ અન્ય માધ્યમો દ્વારા કહી હતી.

ટ્વિટરના માધ્યમથી ફેસબુકે જણાવ્યું હતું કે 'આ સમસ્યા અંગે વાકેફ છીએ. ફેસબુકની કેટલીક ઍપ્લિકેશન્સમાં સમસ્યા ઊભી થઈ છે અને તેઓ ટૂંક સમયમાં તેનો ઉકેલ લાવશે.'

યૂઝર્સના જણાવ્યા પ્રમાણે, ફેસબુક ઍપ્લિકેશન તથા ડેસ્કટોપ એમ બંને વર્ઝનમાં આ સમસ્યા જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે વૉટ્સઍપ તથા ઇન્સ્ટાગ્રામની માલિકી પણ ફેસબુક પાસે છે.


બ્રેક્સિટનું કોકડું ગૂંચવાયું

Image copyright HOC

બ્રિટનના સાંસદોએ કોઈપણ જાતની ડીલ વગર જ યુરોપિયન સંઘમાંથી નીકળવાના પ્રસ્તાવને 308 વિરુદ્ધ 312 મતે નકારી દેવાયો હતો.

કાયદેસર રીતે આ ચુકાદો બંધનકર્તા નથી, પરંતુ તેનો મતલબ એવો પણ નથી કે યૂકે યુરોપિયન સંઘમાંથી બહાર નહીં નીકળે.

હવે સંસદમાં યુરોપિયન સંઘમાંથી નીકળવું કે નહીં, તે અંગે ગુરુવારે મતદાન થશે.

જો બ્રિટનની સંસદમાં બ્રેક્સિટને ટાળવાનો પ્રસ્તાવ પસાર થઈ જાય અને યુરોપિયન સંઘ પણ તેના માટે સહમત થઈ જાય તો પૂર્વ નિર્ધારિત તારીખ પ્રમાણે 29મી માર્ચે યુરોપિયન સંઘથી અલગ નહીં થાય.

સરકારે કોઈ પણ જાતના કરાર વગર તા. 29મી માર્ચે યુરોપિયન સંઘમાંથી નીકળવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

બ્રેક્સિટને તા. 22મી મે સુધી ટાળવાના પ્રસ્તાવને પણ 164 વિરુદ્ધ 374 મતે ફગાવી દેવાયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો