યૂએનની સુરક્ષા પરિષદમાં ચીનને મળેલા કાયમી સભ્યપદ માટે નહેરુ જવાબદાર?

નેહરુ Image copyright Getty Images

ચીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદના સ્થાપક મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક આતંકી જાહેર ન થવા દીધો.

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ચીન કાયમી સભ્ય છે તેણે ફ્રાન્સના પ્રસ્તાવ પર વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો.

ચીને ચોથી વખત આવું કર્યું છે, જે ભારતને સૌથી મોટો ઝટકો માનવામાં આવે છે.

ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લામાં 14 ફેબ્રુઆરીના રોજ જૈશ-એ-મોહમ્મદે સીઆરપીએફના એક કાફલા પર આત્મઘાતી હુમલો કરીને 40 જવાનોની હત્યા કરી હતી.

આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. તેથી એવી અપેક્ષા હતી કે આ વખતે ચીન મસૂદ અઝહર મુદ્દે ભારતને સમર્થન આપશે.

ભારતે ચીનના વલણ પર દુઃખ વ્યક્ત કર્યું છે તો વિરોધ પક્ષ કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે સરકાર પર નિશાન તાક્યું છે.

રાહુલે ટ્વીટ કર્યું, "નબળા મોદી શી જિનપિંગથી ડરેલા છે. ચીને ભારત વિરુદ્ધ પગલું ભર્યું તો મોદીના મોંમાંથી એક પણ શબ્દ ન નીકળ્યો." રાહુલના ટ્વીટની ભાજપે કડક ટીકા કરી છે.

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે દેશ મુશ્કેલીમાં હોય ત્યારે રાહુલ ગાંધીને આનંદ કેમ થાય છે? "ચીનની વાત રાહુલ કરશે તો વાત દૂર સુધી જશે."

પ્રસાદે પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં 9 જાન્યુઆરી 2004ના 'ધ હિન્દુ'ના એક અહેવાલની નકલ બતાવતાં કહ્યું કે ભારતના પહેલા વડા પ્રધાન નહેરુએ સંયુક્ત રાષ્ટ્રમાં સુરક્ષા પરિષદમાં સીટ મેળવવાનો ઇનકાર કરીને એ સીટ ચીનને અપાવી દીધી હતી.

અરુણ જેટલીએ પણ આ અંગે નહેરુને જવાબદાર ઠેરવ્યા હતા અને ટ્ટીટ કર્યુ હતું.

આ અહેવાલમાં કૉંગ્રેસના નેતા અને સંયુક્ત રાષ્ટ્રમાં ઉપ મહાસચિવ રહી ચુકેલા શશિ થરૂરના પુસ્તક 'નહેરુ-ધ ઇન્વેંશન ઑફ ઇન્ડિયા'નો આધાર લેવામાં આવ્યો છે.

આ પુસ્તકમાં શશિ થરૂરે લખ્યુ છે કે 1953ની આસપાસ ભારતને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનવાનો પ્રસ્તાવ મળ્યો હતો પરંતુ તેમણે ચીનને આપી દીધો.

થરૂરે લખ્યું છે કે ભારતીય ડિપ્લોમેટ્સે એ ફાઇલ જોઈ હતી, જેમાં નહેરુએ ઇનકાર કર્યો હોવાનો ઉલ્લેખ હતો.


થરૂરના મતે નહેરુએ યૂએનની સીટ તાઇવાન બાદ ચીનને આપવાનું સમર્થન કર્યું

Image copyright Getty Images

હકીહકતમાં રવિશંકર પ્રસાદ એવું કહેવા માગતા હતા કે આજે જો ચીન યૂએનની સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય છે, તો નહેરુના કારણે. તેનું જ પરિણામ ભારત ભોગવે છે.

જોકે, જેઓ આ બાબતે નહેરુની ટીકા કરે છે, તેઓ જ અન્ય પુરાવાની પણ અપેક્ષા રાખે છે.

સંયુક્ત રાષ્ટ્ર 1945માં બન્યું, તેની સાથે સંકળાયેલાં સંગઠનો પણ ત્યારે આકાર જ લઈ રહ્યા હતા.

1945માં જ્યારે સુરક્ષા પરિષદના સભ્યો બનાવવામાં આવ્યા ત્યારે ભારત સ્વતંત્ર થયું નહોતું.

27 ડિસેમ્બર, 1955 નહેરુએ સંસદમા સ્પષ્ટ રીતે આ વાતનો ઇનકાર કરી દીધો કે ભારતને સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય બનવા માટે કોઈ અનૌપચારિક પ્રસ્તાવ મળ્યો હતો.

27 સપ્ટેમ્બર, 1955માં ડૉ. જે એન પારેખના સવાલોના જવાબમાં નહેરુએ સંસદમાં કહ્યું હતું, "યૂએનમાં સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવા માટે કોઈ ઔપચારિક કે અનૌપચારિક પ્રસ્તાવ મળ્યો નહોતો."

"કેટલાંક શંકાસ્પદ સંદર્ભોનો આધાર લેવામાં આવી રહ્યો છે, જેમાં તથ્ય નથી."

"સંયુક્ત રાષ્ટ્રમાં યૂએન ચાર્ટર અંતર્ગત સુરક્ષા પરિષદનું ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક ચોક્કસ દેશોને કાયમી સભ્યપદ મળ્યુ હતું. ચાર્ટરમાં કોઈ અભ્યાસ વિના પરિવર્તન કે નવા સભ્ય નથી થઈ શકતા."

"તેથી ભારતને સીટ ણલી અને ભારતે ઇનકાર કર્યો હોવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. આપણી જાહેર નીતિ છે કે સંયુક્ત રાષ્ટ્રમાં સભ્ય બનવા માટે જે પણ દેશ યોગ્ય હશે તે દરેકને સામેલ કરવામાં આવશે."


ઇતિહાસ શું છે?નહેરુએ ચીનની મદદ કરી?

Image copyright Getty Images

કહેવામાં આવે છે કે 1950ના દાયકામાં ભારત સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ચીનને સામેલ કરવાના પક્ષમાં હતું. ત્યારે આ સીટ તાઇવાન પાસે હતી.

1949માં પીપલ્સ રિપબ્લિક ઑફ ચીનના ઉદ્ભવ પછીથી ત્યાં ચ્યાંગ કાઈ-શેકના રિપબ્લિક ઑફ ચીનનું શાસન હતું, માઓના પીપલ્સ રિપબ્લિક ઑફ ચીનનું નહીં. સંયુક્ત રાષ્ટ્રએ પીપલ્સ રિપબ્લિક ઑફ ચીનને આ સીટ આપવાથી ઇનકાર કર્યો.

શશિ થરૂરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ જ સંયુક્ત રાષ્ટ્રમાં પીપલ્સ રિપબ્લિક ઑફ ચીનની તરફેણ કરી હતી.

કેટલાંક લોકોનું માનવું છે કે નહેરુએ 1950માં બંને દેશો વચ્ચેના તણાવ વચ્ચે માઓને ખુશ કરવા માટે આવું કર્યું.

બીજા લોકોની દલીલ છે કે એશિયાઈ દેશો વચ્ચે એકતા માટે નહેરુએ ખોટો દાવ લગાવી દીધો. કારણ કે બંને દેશોના ઇતિહાસને જોતાં એ ખ્યાલ આવે છે કે ચીન અને ભારત ઐતિહાસિક સફરમાં સહયાત્રી રહ્યા છે.

ઘણા લોકો આ બાબતને આદર્શવાદ અને આંતરરાષ્ટ્રિય સંબંધોના મૂલ્યાંકન બાબતે નહેરુની ખામી ગણે છે.

તેઓ માને છે કે શક્તિ મહત્ત્વની છે, તેના માટે સમજદારીથી કામ લેવું જરૂરી છે.

ધ ડિપ્લોમૅટે પોતાના એક અહેવાલમાં લખ્યું છે, "જે લોકો આવું માને છે, તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં પીપલ્સ રિપબ્લિક ઑફ ચીનનું સમર્થન કરવાના નહેરુના નિર્ણયને સમજી શક્યા નથી."

"તેમને એ ખ્યાલ નથી કે નહેરુ ઇતિહાસ વિશે કેટલું વાંચતા હતા તેમજ દેશો વચ્ચે શક્તિનું સંતુલન તેમના માટે મહત્ત્વનું હતું."

નહેરુના વલણને સમજવા માટે 20મી સદીમાં જવું પડે. એ વખતના રાજકારણ મુજબ નહેરુ એવું માનતા હતા કે મોટી શક્તિઓએ પોતાના મિત્રોથી દૂર ન જવાને બદલે તેમને આંતરરાષ્ટ્રિય સંગઠનોમાં સામેલ કરવા જોઈએ.

નહેરુ માનતા હતા કે પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ જર્મની સાથે અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો. અપમાન અને બહિષ્કારની ભાવનાથી અન્ય એક અસંતુષ્ટ દેશ યૂએસએસઆર સાથે મિત્રતા કરી.

નહેરુ એ મુદ્દે સ્પષ્ટ હતા કે પીપલ્સ રિપબ્લિક ઑફ ચીન કોઈ સાધારણ શક્તિ નથી.

ધ ડિપ્લોમૅટમાં સાઉથ એશિયન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ટરનેશનલના આસિસ્ટન્ટ પ્રોફેસર નબારૂણ રૉયે લખ્યું છે, "એપ્રિલ 1922માં જર્મનીએ રશિયા સાથે રાપાલો સંધિ પર હસ્તાક્ષર કર્યા, જેનાથી યૂરોપમાં તણાવ વધ્યો."

"પરંતુ બ્રિટને સમયાંતરે તેને 1926માં લીગ ઑફ નેશનનું સભ્ય બનવામાં મદદ કરી. તેમ છતાં ગ્રેટ ડિપ્રેશને તેને વૈશ્વિક સ્થિરતા માટે ફરી ખતરારૂપ બનાવી દીધું."

"નહેરુ સ્પષ્ટ હતા કે પીપલ્સ રિપબ્લિક ઑફ ચીન કોઈ સાધારણ શક્તિ નથી. તેથી તેને વૈશ્વિક રાજકારણમાં સમાવિષ્ટ કરવું જોઈએ."

"કારણ કે, જો એવું થયું તો તે બાદમાં અયોગ્ય રીતે ખતરનાક બની શકે છે. આ સૌથી મોટી દલીલ હતી જેણે સુરક્ષા પરિષદમાં ચીનની કાયમી સભ્યતા પર નહેરુના વલણની આગેવાની કરી."

રૉયે લખ્યું છે, "નહેરુ માનતા હતા કે નવા ચીનના કારણે ન માત્ર પૂર્વમાં પણ સમગ્ર વિશ્વમાં શક્તિ સંતુલન બદલાઈ ગયું."

"તેથી વૈશ્વિક રાજકારણમાં પીપલ્સ રિપબ્લિક ઑફ ચીનને ન સમાવવું એ મુર્ખામી તો હતી જ, સાથે દુનિયા માટે ખતરો પણ હતો."

"નહેરુ માનતા હતા કે જો સંયુક્ત રાષ્ટ્રમાંથી પીપલ્સ રિપબ્લિક ઑફ ચીનને બહાર રાખવામાં આવશે તો યૂએનના નિર્ણયોની ચીન પર કોઈ અસર થશે નહીં."


ભારતની ઇચ્છા

જેમ-જેમ કોઈ દેશ શક્તિશાળી બને છે, તેમ-તેમ તેની મહત્વકાંક્ષાઓ પણ વધે છે તે આંતરરાષ્ટ્રિય સંબંધોની વિચારધારાનો મૂળ સિદ્ધાંત છે.

ભારત પણ આ મુદ્દે અલગ નથી. હાલના સમયમાં તેની સૈન્ય અને આર્થિક શક્તિઓ વધી છે. તેથી વૈશ્વિક રાજનીતિમાં મહત્ત્વની ભૂમિકા નિભાવવા માટે ભારતની ઇચ્છા પણ વધી છે.

તેમાં એક એવી પણ છે કે છેલ્લા કેટલાક વખતથી ભારત સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની માગ કરી રહ્યું છે.

ભારતના નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સહિત દુનિયાભરના વિવિધ મંચો પર તેના માટે ભરપૂર કોશિશ કરી છે. જેથી આંતરરાષ્ટ્રિય સમુદાયો સામે કાયમી સભ્ય તરીકે ભારત તેની યોગ્યતા બતાવી શકે.

Image copyright Getty Images

આ પ્રયત્નોના પરિણામ સંપૂર્ણ નિરાશાજનક નથી રહ્યા. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને રશિયા જેવા મુખ્ય શક્તિશાળી દેશોએ ભારતના સભ્યપદ માટે સમર્થન આપ્યું છે.

જોકે, ચીન તેનું સખત વિરોધી રહ્યું છે. હાલના ઘટનાક્રમોને જોતાં આ વાત આશ્ચર્યજનક પણ નથી કારણ કે, ઘણી વખત બંને દેશોના સંબંધોમાં ખટાશ આવી છે.

બંને વચ્ચે એક લાંબી વિવાદીત સરહદ છે, 2017માં બંને દેશો વચ્ચે ડોકલામ વિવાદ અને યુદ્ધ વિરામ જેવી સ્થિતિ ઊભી થઈ હતી.

ભારત અને ચીન દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગરના વિસ્તારોમાં પોતાના પગ જમાવવા માટે રણનૈતિક ઠેકાણા તપાસી રહ્યા છે. બંને દેશો હાલ રાષ્ટ્રવાદી નેતાઓના નેતૃત્વમાં છે, તેથી હરીફાઈ થોડી વધુ તેજ થઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો