મનુષ્યોની સાથે-સાથે પ્રાણીઓ પણ અનુભવે છે આ પાંચ લાગણીઓ

વાનર Image copyright Getty Images

તમને એવું લાગતું હોય કે ખુશી, તકલીફ અને ડર એવી લાગણીઓ છે કે જે માત્ર મનુષ્ય માટે જ બની છે, તો તમે ખોટા છો. આ તો બધી એવી લાગણીઓ છે કે દુનિયામાં વસતા વિવિધ પ્રકારના જીવ માટે જરૂરી છે.

પરંતુ એવી લાગણીઓનું શું કે જેમાં એક વ્યક્તિ પોતાના પ્રિયજનના દૂર થઈ જવા પર દુઃખ અનુભવે છે અથવા તો તેમની સાથે કંઈક ખોટું થાય તો તેમને ગુસ્સો આવે છે?

તો જીવવિજ્ઞાનના સંશોધન અનુસાર મનુષ્યોની જેમ જ પ્રાણીઓ પણ નર્વસ સિસ્ટમ ધરાવે છે.

નીચે આપેલાં પાંચ ઉદાહરણોથી તમે જાણી શકશો કે મનુષ્યો અને પ્રાણીઓની લાગણીઓ વચ્ચે કેટલી સમાનતા છે.

આ ઉદાહરણો 'ધ ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઑફ એનિમલ્સ' પુસ્તકમાંથી લેવામાં આવ્યાં છે. આ પુસ્તક સ્પેનિશ લેખક પેબ્લો હેરેરો દ્વારા લખવામાં આવ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

1. સાચા-ખોટાની પરખ

Image copyright Getty Images

ઘણા લોકો એ વસ્તુને પરખી શકે છે કે શું યોગ્ય છે અને શું અયોગ્ય. આ જ વસ્તુની પરખ વાનર પણ કરી શકે છે.

એટલાન્ટાના યેર્ક્સ પ્રાઇમેટ સેન્ટરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે જ્યારે વાનરોને ખબર પડી કે તેમની સાથે યોગ્ય વર્તન થઈ રહ્યું નથી, તો તેઓ પણ સહકાર આપવાની ના પાડી દે છે.

સંશોધકોએ કેટલાક વાનરોને કાકડીના કટકા આપ્યા અને એક વાનરને દ્રાક્ષ આપવામાં આવી. દ્રાક્ષ એક એવી વસ્તુ છે કે જે વાનરને કાકડી કરતાં વધારે ભાવે છે.

જ્યારે વાનરોએ જોયું કે એક વાનરને દ્રાક્ષ મળી છે તો તેમણે તુરંત કાકડીના ટુકડા મનુષ્યો પર ફેંકી દીધા.


2. બદલો લેવાની ભાવના

Image copyright Getty Images

એક સમય આવે છે જ્યારે કોઈ ઘટનાને લઈને મનુષ્યોના મનમાં બદલાની ભાવના ઉદ્ભવે છે.

વર્ષ 2016માં રાંચીમાં હાથીઓએ હુમલો કર્યો હતો કે જેના કારણે સ્થાનિકોએ પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું હતું.

હાથીઓ એક હાથણીનો મૃતદેહ શોધી રહ્યા હતા કે જેનું એક કેનાલમાં પડી જતાં મૃત્યુ થયું હતું.

ચિમ્પાન્ઝી પણ એવું પ્રાણી છે કે જેને ખબર પડી જાય છે કે તેના મિત્ર કોણ છે અને કોણ દુશ્મન છે. જો કોઈ દુશ્મન તેના મિત્ર પર હુમલો કરે છે તો તે તુરંત તેનો બદલો લે છે.


3. માતૃપ્રેમ

Image copyright Getty Images

કહેવામાં આવે છે કે માતા જેવો પ્રેમ કોઈ કરી શકતું નથી. મનુષ્યો પોતાનાં બાળકોને ખૂબ પ્રેમ આપે છે. આ જ વસ્તુ પ્રાણીઓમાં પણ જોવા મળે છે.

તાન્ઝાનિયાના એક ચિમ્પાન્ઝીએ પોતાના બચ્ચાની ખૂબ કાળજી લીધી હતી જે બચ્ચું ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મ્યું હતું અને જાતે બેસી શકતું ન હતું.

ટૉક્યો યુનિવર્સિટીએ સંશોધનમાં જાણ્યું કે ચિમ્પાઝીની મા ક્યારેક ક્યારેક તેની કાળજી રાખવામાં જમતી પણ ન હતી.

તે ક્યારેય બીજા કોઈને પોતાનું બચ્ચું સોંપતી નહોતી. કેમ કે તેને લાગતું હતું કે તેના બચ્ચાની કાળજી તેના કરતાં વધારે સારી રીતે કોઈ રાખી શકશે નહીં. જોકે, ચિમ્પાન્ઝીના બચ્ચાનું 2 વર્ષની વયે મૃત્યુ થયું હતું.

પેબ્લો હેર્રોસ પણ એક કિસ્સો યાદ અપાવે છે કે જેમાં એક હાથી અને મદનિયું અલગ પડી જાય છે. મદનિયાને ટ્રેનિંગ આપીને થાઇલૅન્ડમાં પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડવા મોકલી દેવાયું હતું.

સંરક્ષણ સંગઠનોના 3 વર્ષ સુધી પ્રયાસ બાદ મદનિયાનું તેની મા સાથે મિલન થયું. બન્ને લગભગ એક કલાક સુધી એકબીજા સાથે ઊભાં રહ્યાં અને પછી એકબીજાને પ્રેમ વ્યક્ત કરવાનું શરૂ કર્યું.

4. દિલ તૂટવું

Image copyright Getty Images

ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ સાથે બ્રેક-અપ થતાં એક વ્યક્તિ મનથી તૂટી જાય છે અને તે ઘણી તકલીફ સહન કરે છે.

માનવામાં આવે છે કે પોપટ પોતાના પાર્ટનર પ્રત્યે ખૂબ વફાદાર હોય છે અને જો તેઓ પાર્ટનરથી અલગ પડી જાય છે તો તેઓ પણ મનુષ્ય જેટલું જ દુઃખ અનુભવે છે.

જો એક પાર્ટનરનું અચાનક મૃત્યુ થાય છે તો બીજા પાર્ટનર માટે જીવવું અઘરું બની જાય છે. ઘણી વખત તો તેઓ જમવાનું બંધ કરી દે છે જેનાથી તેઓ નબળા પડી જાય છે.

કેટલાક પોપટ તો એટલા નબળા પડી જાય છે કે તેઓ ડાળ સુધી પણ પહોંચી શકતા નથી અને નીચે પડી જાય છે. તેને એક પ્રકારની આત્મહત્યા પણ કહી શકાય છે.

5. સહાનુભૂતિ અને આશ્વાસન

Image copyright Getty Images

એક વ્યક્તિ બીજી વ્યક્તિને આશ્વાસન આપી શકે છે અને જો બીજી કોઈ વ્યક્તિને તકલીફ થાય તો સહાનુભૂતિનો અનુભવ પણ કરે છે.

2016ના સંશોધન પ્રમાણે ઉંદર જેવું એક પ્રાણી જેને વોલ નામે ઓળખવામાં આવે છે. તે બીજા પ્રાણીને સહાનુભૂતિ આપે છે જ્યારે તે તણાવમાં હોય છે.

અન્ય સંશોધનમાં પણ જાણવા મળ્યું છે કે ચિમ્પાન્ઝી પણ કોઈ પીડિત પ્રાણીને સહાનુભૂતિ આપે છે. આ જ પ્રકારની ભાવના ડોલ્ફિન, હાથી અને શ્વાનમાં પણ જોવા મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો