#ChristChurch: ક્રાઇસ્ટચર્ચ હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોની હૃદયસ્પર્શી કહાણી

ક્રાઇસ્ટ ચર્ચ Image copyright Getty Images

ક્રાઇસ્ટચર્ચ મસ્જિદમાં થયેલા ઉગ્રવાદી હુમલાનો ભોગ બનેલા પીડિતોની કહાણી વિશ્વમાં વ્યાપ્ત અંધાધૂંધીનું વિચલિત કરી દેનારું પ્રતિબિંબ રજૂ કરે છે. એક એવું વિશ્વ જે યુદ્ધ, ગરીબી અને આર્થિક અસમાનતાથી ત્રસ્ત છે.

ન્યૂઝીલૅન્ડ આવીને ઘણા લોકો માનતા કે જીવનને નવેસરથી શરૂ કરવા માટે તેમને જાણે કે દુનિયાનો એક શાંત અને સુરક્ષિત ખૂણો મળી ગયો છે. આ માન્યતા ગયા શુક્રવારે બદલાઈ ગઈ, જ્યારે એક બંદુકધારીએ અહીં બેફામ ગોળીબાર કરીને અનેક જીવોનો ભોગ લીધો.

હુમલામાં બચી ગયેલા મઝહરઉદ્દીન સઈદ અહેમદ કહે છે, "હું બહુ ખુશ હતો કે મને રહેવા માટે એક સુંદર દેશ મળી ગયો છે, જ્યાં હું મારાં બાળકોનો સારી રીતે ઉછેર કરીશ. આ ઘટનાથી હું બહુ દુ:ખી થયો છું."

અચાનક થયેલા હુમલામાં 50 લોકોનો ભોગ લેવાયા બાદ ક્રાઇસ્ટચર્ચમાં ઠેર-ઠેર એકતાનો સંદેશ પ્રસરી રહ્યો છે. અહીં રહેતા લોકો વચ્ચેનું વૈવિધ્ય અને સામાજિક જટિલતા પ્રત્યે ઘણા લોકોની જાણે આંખો ખૂલી ગઈ છે. અત્યાર સુધી તેમણે આ બાબત પ્રત્યે ખાસ ધ્યાન આપ્યું જ નહોતું.

પણ, આ ઘટનાથી એક વાતનો ખ્યાલ આવે છે કે નફરત કેટલી સહેલાઈથી વધી જાય છે અને કેટલી ઝડપથી તેનો વિસ્ફોટ થઈ શકે છે.

ગયા શુક્રવારે મસ્જિદમાં હાજર લોકોની કહાણીથી સ્પષ્ટ થાય છે કે તેમનું જીવન આ પહેલાં પણ ગમે ત્યારે છિનવાઈ જાય તેવી સ્થિતિમાં જ હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

'તેઓ મોતથી ભાગી છૂટ્યા'

Image copyright HANDOUT

44 વર્ષના ખાલીદ મુસ્તફા અને તેમનો 16 વર્ષનો દીકરો હમ્ઝા રૅફ્યુજી હતા. તેઓ બીજા ત્રણ પરિવારો સાથે સીરિયાના યુદ્ધથી ભાગીને આવ્યા હતા.

તેમના પરિવારે પહેલા જોર્ડનમાં સમય વિતાવ્યો હતો. ત્યારબાદ તેમને ન્યૂઝીલૅન્ડમાં રૅફ્યુજી રિસેટલમેન્ટ પ્રોગ્રામ હેઠળ આશ્રય આપવામાં આવ્યો હતો.

સ્વાભાવિક રીતે તેમને લાગ્યું કે ન્યૂઝીલૅન્ડ એક સુરક્ષિત જગ્યા છે. તેમને અહીં એક વર્ષ પણ પૂરું થયું નહોતું કે અલ નૂર મસ્જિદમાં થયેલા હુમલામાં તેમનું મોત થયું.

અબુ અલી સીરિયામાં રહેતા હતા. તે 1990 માં ન્યૂઝીલૅન્ડ આવીને વસ્યા. તેઓ કહે છે કે તે આ પરિવારને માત્ર એક વાર મળ્યા હતા, પણ આ પરિવાર પોતાને મળેલા સુંદર જીવનથી અત્યંત ખુશ હતો.

ફોટો લાઈન અબુ અલી કહે છે કે ન્યૂઝીલૅન્ડના લોકોના સાથથી અમારા સમાજને ઘણી મદદ મળી

મિ.અલીએ બીબીસીને કહ્યું, "મોતથી પોતાનું જીવન બચાવવા તે લોકો અહીં આવ્યા, અને અહીં આવીને આખરે મોતને ભેટ્યા."

હમ્ઝાનો નાનો ભાઈ ઝાયેદ પણ મસ્જિદમાં હતો. તે ઘાયલ થયો પણ બચી ગયો. બુધવારે તે પોતાના પિતા અને ભાઈની અંતિમવિધિમાં હાજર હતો. સર્જરી બાદ તે વ્હીલચૅરમાં આવીને બેઠો હતો.

લોકોએ તેને પિતા અને ભાઈની કબર આગળ જઈને બોલતા સાંભળ્યો, "મારે અહીં ઊભા રહેવું જોઈએ નહીં. હું તમારી બાજુમાં સૂતેલો હોવો જોઈતો હતો."

મિ.અલી કહે છે કે આ સમાચાર સાંભળીને સ્થાનિક સિરિયન અને મુસ્લિમ સમાજને ઘણો આઘાત લાગ્યો.

"પણ પછી, જ્યારે અમે ન્યૂઝીલૅન્ડના લોકો દ્વારા અમને મળેલો સહકાર જોયો, અને જ્યારે અમે જોયું કે ન્યૂઝીલૅન્ડના ખ્રિસ્તી લોકો પણ અમને સપોર્ટ કરી રહ્યા છે, ત્યારે તમે માનશો નહીં, અમે અમારી સમસ્યા ભૂલી ગયા."

પત્નીનું સપનું પૂરું કરવું એ તેમનું લક્ષ્ય હતું

Image copyright FAMILY HANDOUT

ન્યૂઝીલૅન્ડનું જીવન 24 વર્ષનાં એન્સી અલીબાવા માટે ઘણી રીતે કમનસીબ બની રહ્યું.

તેણીનો જન્મ ભારતના કેરળમાં થયો હતો. તેમનો પરિવાર ધનિક નહોતો. તેમના પિતા સાઉદી અરેબિયામાં કામ કરતા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયા બાદ માત્ર 18 વર્ષની ઉંમરથી એન્સી પોતાના પરિવારની સંભાળ લેવાં લાગ્યાં.

તેમના પતિ અબ્દુલ નઝીર કહે છે, "અમે જ્યારે પહેલીવાર મળ્યા ત્યારે હું એ જોઈને દંગ રહી ગયો કે એન્સી કેવી રીતે દરેક ચીજોને સપોર્ટ કરતાં હતાં."

ભણવાનું અને વિદેશ પ્રવાસનું એન્સીનું સપનું પૂરું કરવાના ઉદ્દેશ્યથી કપલ એક વર્ષ પહેલાં જ ભારતથી અહીં આવીને વસ્યું હતું. અબ્દુલ કહે છે,"એન્સીનું સપનું પૂરું કરવું એ મારું લક્ષ્ય હતું."

તેમના પિતાએ પોતાનું ઘર ગીરવી મૂકીને લૉન લીધી, જેની મદદથી કપલ ન્યૂઝીલૅન્ડ આવી શક્યું. આ પહેલીવાર હતું જ્યારે તેઓ કેરળમાંથી બહાર નીકળ્યાં હતાં. ક્રાઇસ્ટચર્ચમાં નોકરી મળ્યા બાદ તેઓ વતનમાં બંને પરિવારોને મદદ કરતા હતા.

મિ.નઝીર બહુ થોડા શબ્દો બોલી શક્યા. તેમણે જણાવ્યું કે તેઓ બંને ન્યૂઝીલૅન્ડમાં કેટલા આનંદથી રહેતાં હતાં.

ફોટો લાઈન અબ્દુલ નઝીર (ડાબે) કહે છે તેમના પત્નીના દિલમાં સૌ કોઈ માટે જગ્યા હતી

તેઓ કહે છે કે એન્સીને ક્રાઇસ્ટચર્ચની લિંકન યુનિવર્સિટીના એક રૂમમાં બેસીને પોતાનો અભ્યાસ કરવો ગમતો હતો. અહીં તે એગ્રીકલ્ચર એન્જિનિયરીંગમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહી હતી. તેણે થોડા સમય પહેલાં જ ઈન્ટર્નશીપ ચાલુ કરી હતી.

હજી થોડા દિવસ પહેલા તો તેમણે પોતાના પિતરાઈ ભાઈ ફહાદ ઈસ્માઈલ પોન્નાથ સાથે યુનિવર્સિટી કેમ્પસની સુંદર યાદો શેર કરી હતી, કે કેવી રીતે તેઓ બંને અહીં સાથે ફરતા હતા.

પણ ગયા શુક્રવારે દર વખતની જેમ તેઓ અલ નૂર મસ્જિદ ગયા. ત્યાં તેઓ પુરુષ અને સ્ત્રીના કક્ષમાં અલગ-અલગ હતા.

અચાનક ફાયરિંગ શરૂ થતાં તેઓ મસ્જિદમાંથી ભાગીને છલાંગ લગાવી બાજુમાં આવેલા ઘરમાં જતા રહ્યા.

મિ. પોન્નાથ કહે છે, "ઘરના માલિકે પહેલા તો તેમને આતંકી પૈકીના એક માનીને અંદર આવવા ન દીધા."

પણ, પછી તે પોતાની પત્નીને શોધવા તરત એ ઘરમાંથી બહાર નીકળ્યા. તેમણે જોયું કે તે હલનચલન કર્યા વિના રસ્તા પર પડી હતી. તેના નામની બૂમ પાડતા તે નજીક ગયા. બચી ગયેલા અન્ય લોકોએ તેમને કહ્યું કે તેણી મૃત્યુ પામી છે. થોડીવારમાં તો પોલીસ ત્યાં હતી. તે બધા લોકોને ખસેડી રહી હતી. તેના પતિને પણ ત્યાંથી ખસેડવામાં આવ્યા.

34 વર્ષના નઝીર ભાંગ્યા-તૂટ્યા ઈંગ્લીશમાં પોતાની પત્ની વિશે કહે છે, "તે બહુ સારી હતી. બહુ ઉદાર હતી."

"તે બધા સાથે પ્રેમથી વર્તતી હતી. કઝીન્સ, મિત્રો.. બધા સાથે. પરિવારના સભ્યો માટે તેના દિલમાં મોટું સ્થાન હતું. ખાસ કરીને મારા પિતા, મારી માતા અને મારા ભાઈઓ માટે."

મિ. નઝીરને ખબર નથી કે તેઓ હવે ન્યૂઝીલૅન્ડમાં રહેશે કે કેમ, પણ તેઓ પોતાની મૃત પત્નીના પરિવારને સપોર્ટ કરતા રહેશે, કારણકે તેમાં હવે કોઈ કમાનાર રહ્યું નથી.


'મારા પતિ - કેટલા સારા માણસ હતા એ'

બુધવારે મોહમ્મદ ઈમરાન ખાનની 'ઈંડિયન ગ્રીલ' નામની શોપ બહાર ફૂલો અને અંજલિઓનો ઢગલો ખડકાઈ ગયો હતો.

મિત્રોમાં ઈમરાનભાઈ તરીકે જાણીતા મિ. ખાનનું લિનવુડ મસ્જિદમાં થયેલા હુમલામાં મૃત્યુ થયું હતું. તેઓ મૂળ ભારતના હતા, અને ક્રાઇસ્ટચર્ચમાં અત્યંત લોકપ્રિય હતા.

તેમનાં પત્ની ટ્રેસી કહે છે, "હું જાણતી પણ નથી એવા અનેક લોકોના મૅસેજ આવી રહ્યા છે. બધા કહી રહ્યા છે કે તેઓ કેટલા ઉમદા અને પ્રેમાળ વ્યક્તિ હતા."

"મને ખબર હતી કે લોકો તેમને ચાહતા હતા. પણ મને આટલો અંદાજ નહોતો. સમાજ પ્રત્યેની તેમની ઉદારતા અને સમાજ માટે તેમણે જે સમય અને ભોગ આપ્યો તેના લીધે તેઓ બહુ જાણીતા હતા."

ટ્રેસીએ પોતાના ટીનએજ દીકરાની તેમજ પતિના પરિવારજનોની સંભાળ લેવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

દુનિયાભરમાંથી તેમના સબંધીઓ આવી રહ્યા છે. ટ્રેસી કહે છે, "તમે જ્યારે દુનિયાના બીજા ખૂણે હોવ અને આ વાત સાંભળો અને તમારી પાસે બીજી કોઈ ખાસ જાણકારી ન હોય ત્યારે એ ઘણું મુશ્કેલ બની જતું હોય છે."


'આ દેશ સુરક્ષિત છે'

મઝહરઉદ્દીન સઈદ અહેમદ કહે છે કે જીવનનો મોટાભાગનો સમય વતન ભારતમાં અને ત્યારબાદ સાઉદી અરેબિયામાં વિતાવ્યા બાદ તેઓ જ્યારે ન્યૂઝીલૅન્ડ આવ્યા ત્યારે તેમને અહીંનું જીવન કેટલું સુરક્ષિત અને ખાસ લાગ્યું હતું એને તે વર્ણવી શકે એમ નથી.

તે પોતાના બીજા દેશોમાં રહેતા મિત્રોને કહેતા, "તમને ઍરપૉર્ટ પર જતાં જાણે મરવાના હોવ એવી બીક લાગે છે. પણ અહીં અમને ઍરપૉર્ટ બહુ ગમે છે. અમારા માટે એ સુખની સફર જેવું છે. કારણકે આ દેશ બહુ સુરક્ષિત છે."

મિ. સઈદ અહેમદ કહે છે કે એક નાના સમુદાય માટે તો લિનવુડ મસ્જિદ જાણે એક ઘર સમાન હતી.

"અમને શુક્રવારે ખરેખર મસ્જિદ જવું ગમતું હતું અને અમે પ્રાર્થના કરતા હતા.", પ્રાર્થના શબ્દ પર ભાર મૂકીને તેમણે કહ્યું.

ફોટો લાઈન લિનવુડ મસ્જિદમાં હુમલાખોરનો સામનો કરવા બદલ અબ્દુલ અઝીઝને હીરોની જેમ જોવામાં આવી રહ્યા છે

જેને દુનિયાનો સૌથી સારો દેશ માનતા હતા ત્યાં પોતાની અને પોતાના દોસ્તોની સાથે આવું થયું એમ એ માની શકતા નથી.

મિ. સઈદ કહે છે કે શુક્રવારની પ્રાર્થના ચાલતી હતી ત્યારે ફાયરિંગના ત્રણ અવાજોથી તેઓ થીજી ગયા.

લોકોએ થોડો સમય તો પ્રાર્થના ચાલુ રાખી. મિ. સઈદને લાગ્યું કે કંઈક તો બની રહ્યું છે, એટલે તેમના કાન અવાજની દિશામાં હતા. એવામાં તો એક માણસે બૂમાબૂમ કરી, "ભાગો, ભાગો, કશાકની પાછળ સંતાઈ જાવ."

ખબર નહીં કેમ પણ ફાયરિંગના અવાજ છતાં તેઓ સીધા મેઈન દરવાજા તરફ ભાગ્યા અને હુમલાખોર અંદર આવ્યો ત્યારે દરવાજા નજીકની સ્ટૉરેજ માટેની એક જગ્યામાં સંતાઈ ગયા.

તેમને લાગે છે કે અબ્દુલ અઝીઝ નામના અન્ય એક ઉપાસકે હુમલાખોરની સામે ક્રેડિટ કાર્ડ મશીન ફેંક્યું એના લીધે તેઓ બચી ગયા.

મિ.સઈદ અહેમદ કહે છે, "પણ એ જ સમયે મારા મિત્રને મેં મારી આંખની સામે જોયો. દિવાલ પર લોહીનો ફુવારો થઈ ગયો. મેં જોયું કે મારો દોસ્ત ત્યાં જ મૃત્યુ પામ્યો હતો."


'એક આક્રમક પ્રકારનું વ્યક્તિત્વ'

Image copyright FAMILY HANDOUT
ફોટો લાઈન લિન્ડા આર્મસ્ટ્રૉંગનો પરિવાર કહે છે કે તેમણે જીવનનું છેલ્લું કામ મસ્જિદમાં પોતાની મિત્રની જાન બચાવવાનું કર્યું

ભોગ બનેલા પૈકીના મોટાભાગના લોકો મૂળે ન્યૂઝીલૅન્ડ બહારના - દક્ષિણ એશિયા અને મિડલ ઈસ્ટ, સોમાલિયા અને ફિજી, મલેશિયા અને ઇન્ડોનેશિયાના રહેવાસીઓ હતા.

64 વર્ષીય લિન્ડા આર્મસ્ટ્રૉંગના ભત્રીજા કાયરોન ગોસ કહે છે કે લિન્ડા ન્યૂઝીલૅન્ડના હતાં પણ તેમનું જીવન અન્ય લોકોથી અલગ હતું.

"એક સમયે તેઓ થોડા હિપ્પી જેવા હતા. તેઓ પોતાના શહેર ઑકલૅન્ડથી નજીક આવેલા વાહિકી ટાપુ પર રહેતાં હતાં. ત્યાં તેઓ એક ઝાડીની વચ્ચે નાનકડી ઝુંપડીમાં રહેતાં હતાં. ત્યાં કોઈ સુવિધા નહોતી. એક સમયે તેઓ બર્લિનમાં રહેતાં. તેઓ ક્યારેક તબેલામાં તો ક્યારેક દાદીના ઘરે રહેતાં અને મૉટરબાઈક પર ખૂબ ટ્રાવેલ કરતાં."

લિન્ડા હંમેશાં ચીજો વિશે જાણવા ઉત્સુક રહેતાં. 2011માં ઑકલૅન્ડમાં એક રૅફ્યુજી સેન્ટરમાં સેવા આપતી વખતે ત્યાંના લોકો સાથેની વાતચીતમાં તેઓ ઇસ્લામના સંપર્કમાં આવ્યાં હતાં.

મિ. ગોસ કહે છે કે લિન્ડાને આ લોકો પાસેથી તેમની આસ્થા અંગે જાણવું હતું. તેઓ ઈસ્લામ અંગે વધુ જાણકારી મેળવતાં ગયાં. લિન્ડાએ કહ્યું હતું, "આ ખરેખર બહુ સારા લોકો છે અને આ ધર્મ સાથે ખરેખર મારો મેળ બેસે છે."

તેઓ પોતાના આન્ટીને એક "આક્રમક વ્યક્તિ" તરીકે વર્ણવે છે - એક એવી વ્યક્તિ જેમનો સ્વભાવ હંમેશાં વિદ્રોહી અને થોડો હઠીલો હતો.

મસ્જિદમાં પણ તેઓ પોતાનું હઠીલાપણું દર્શાવતાં હતાં. એક સંબંધી સાથે વાતચીતમાં તેમણે ત્યાં જમા થતા પ્લાસ્ટિકના કચરાનો મુદ્દો ઉઠાવ્યો. તેઓ દરેક માટે રિયુઝેબલ પ્લાસ્ટિક ખરીદી લાવ્યાં.

Image copyright Reuters

તેમની પાસે ભાગ્યે જ વધારે નાણાં રહેતાં. પણ તેઓ અત્યંત દયાળુ હતાં. સરકારી સહાય પર રહેતાં હોવા છતાં તેઓ સીરિયાના એક રૅફ્યુજી પરિવારને દર મહિને 50 ન્યૂઝીલૅન્ડ ડૉલર જેટલું દાન કરતાં હતાં.

મિ.ગોસ કહે છે, "લિન્ડા ક્યારેય આ પરિવારને મળ્યાં નહોતાં. તેમણે માત્ર એમના વિશે સાંભળ્યું અને વિચાર્યું કે હું તેમના માટે શું કરી શકું?"

મિસ આર્મસ્ટ્રૉંગની તબિયત ત્યારે બહુ સારી નહોતી. એટલે જ્યારે હુમલો થયો ત્યારે તેઓ મસ્જિદની પાછળના ભાગમાં બેઠાં હતાં. પણ, તેમણે ઝડપથી અન્ય લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો.

મિ.ગોસે બીબીસીને કહ્યું, "લિન્ડાએ પોતાની એક મિત્રની આગળ આવીને ગોળી પોતાની ઉપર ઝીલી લીધી અને મિત્રના હાથમાં મૃત્યુ પામ્યા. ઈમામે તેમના માટે પ્રાર્થના કરી."

"તેમના આવા હોવા બદલ અમને બધાને તેમની ઉપર ખૂબ ગર્વ છે."


'અમારો ભાઈ ખોવાયો છે'

સમગ્ર ક્રાઇસ્ટચર્ચમાં સ્થાનિક લોકો આ ઘટનાથી છવાયેલા આઘાતની તુલના વર્ષ 2011 માં શહેરમાં આવેલા ભૂકંપ સાથે કરે છે, જેમાં 185 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

ઘણા લોકોના કહેવા મુજબ આ એજ પ્રકારનું દર્દ હતું. જોકે તેઓ એ વાતથી પણ પૂરા વાકેફ હતા કે આ દર્દ એક વ્યક્તિ દ્વારા અને એક ચોક્કસ કોમ ઉપર લાદવામાં આવ્યું હતું.

ભૂકંપ બાદ તો એક શહેર પર લાગેલા માળખાકીય ઘા ને રુઝાવી પણ શકાય છે.

ભોગ બનેલા પૈકીના એક એવા ઝકરિયા ભુઈયા ભૂકંપની આ જ પ્રક્રિયામાંથી પસાર થયા હતા. ઈન્ડિયન સોશિયલ એન્ડ કલ્ચર ક્લબના કહેવા મુજબ તેઓ ભૂકંપ બાદની પુન:નિર્માણની કામગીરી માટે બાંગ્લાદેશમાંથી ક્રાઇસ્ટચર્ચ આવ્યા હતા.

મિ. ભુઈયા એક વેલ્ડર હતા. તેમણે અલ નૂર મસ્જિદ ખાતે પોતાની 33 મી વર્ષગાંઠ મિત્રોની સાથે ઉજવવા માટે શુક્રવારે રજા લીધી હતી.

એએમટી મિકેનીકલ કંપની કે જ્યાં તેઓ કામ કરતા હતા તેના માલિક કહે છે, "તેઓ બહુ ઓછી જરૂરિયાતોથી કામ ચલાવતા, કે જેથી તેઓ પોતાના પરિવાર માટે નાણા મોકલી શકે." તેઓ પોતાની પાછળ બાંગ્લાદેશમાં રહેતા તેમના પત્ની રિના અખ્તરને એકલા છોડી ગયા છે.

ક્રાઇસ્ટચર્ચમાં તેમનો કોઈ પરિવાર નહોતો. પણ અધિકારીઓને તેમના મૃતદેહની ઓળખ કરતા જેટલા દિવસો લાગ્યા તે દરમ્યાન તેમના મિત્રો મસ્જિદની બહાર વિરોધ કરતાં બેઠા રહ્યા હતા.

તેમણે પકડેલાં એક બેનરમાં લખ્યું હતું, "અમારો ભાઈ ખોવાયો છે. અમને તેના વિશે કંઈક જાણકારી આપો."


'તેમણે મારું જીવન બદલી દીધું હતું'

ફોટો લાઈન પીટર હિગીન્સ કહે છે અમજદ હામીદે તેમના જીવન દરમ્યાન અનેક લોકોનું જીવન બચાવ્યું હતું.

4 લાખની વસતીના આ શહેરમાં અત્યારે સ્થિતિ એવી છે કે દરેક જણ ભોગ બનેલી કોઈને કોઈ વ્યક્તિને અથવા તેના પરિચિતને ઓળખે છે.

67 વર્ષના પીટર હિગીન્સ કહે છે કે તેમને હાર્ટએટેક આવ્યો પછી તેમના કાર્ડિયોલોજીસ્ટ અમજદ હામીદે તેમને નિવૃત્ત થઈ જવા સમજાવ્યા હતા.

પેલેસ્ટાઈનથી માઈગ્રેટ થઈને ન્યૂઝીલૅન્ડ આવેલા 57 વર્ષીય ડો. હામીદ વિશે તેઓ કહે છે, "એ માણસે ખરેખર મારું જીવન બદલી દીધું હતું. ફાયરિંગમાં તેમનું પણ મોત થયું. હું વિચારું છું કે તેમણે કેટલા લોકોનું જીવન બચાવ્યું હશે? અને કોઈએ ગોળીઓની રમઝટ બોલાવી દીધી."

આ કરુણ ઘટનાએ ઘણા લોકોને અહીં વસતા મુસ્લિમ સમુદાય અંગે ગહેરાઈથી વિચારતા કરી દીધા છે.

Image copyright Reuters
ફોટો લાઈન દાઉદનબી, કે જેમના મૃતદેહની સૌપ્રથમ ઓળખ થઈ હતી

એક ચેરીટી શોપમાં સેવા આપતા મહિલા ક્લેર નિધામ કહે છે કે જેમના મૃતદેહની સૌથી પહેલા ઓળખ થઈ હતી એવા દાઉદનબી ઘણીવાર તેમની ચેરીટી શોપમાં આવતા અને ચીજવસ્તુઓનો ભાવ કરાવતા.

70 વર્ષના મિ. નબી તેમને કહેતાં કે તેઓ પોતાના પૌત્રને કેટલો પ્રેમ કરે છે. હજી ગયા સપ્તાહે જ તેમને ખ્યાલ આવ્યો કે મિ. નબી તેમના સમાજમાં કેટલો આદર ધરાવતા હતા.

તેમનો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હતો પણ લાંબા સમયથી ન્યૂઝીલૅન્ડમાં આવીને વસ્યા હતા. તેઓ સ્થાનિક અફઘાન એસોશિયેશનના પ્રમુખ હતા અને બીજા માઈગ્રન્ટ ગ્રુપ્સને સહાય કરવા માટે જાણીતા હતા.

શ્રદ્ધાંજલિ આપવા આવેલા લોકો પૈકીના એક ખ્રિસ્તી ધર્મ પાળતા ડેવ પામર પણ હતા. તેઓ ફરીદ એહમદની સહિષ્ણુતા જોઈને દંગ રહી ગયા. ફરીદ એહમદના પત્નીએ હુમલામાં જીવ ગુમાવ્યો હતો પણ તેમણે પત્રકારોને કહ્યું કે તેમણે હુમલાખોરને માફ કર્યો છે.

મિ. પામર કહે છે, "મેં વિચાર્યું: મને નથી લાગતું કે હું ક્યારેય આવું કરી શકું. આવું કરવા માટે ખૂબ તાકાત અને હિંમતની જરૂર છે."

ફરીદ અહેમદ અને લિન્ડા આર્મસ્ટ્રોંગની સહિષ્ણુતા હુમલાખોર અને તેણે મૂકેલી ઓનલાઈન સામગ્રીને ફેલાવનાર લોકોથી બિલકુલ અલગ છે.

આ ઘટનામાં, ઓસ્ટ્રેલિયાના 28 વર્ષીય બ્રેન્ટન ટેરન્ટ ઉપર મર્ડરનો આરોપ મૂકાયો છે. દુનિયામાં શ્વેત લોકો સર્વોપરી છે એ વિચારનો તે હિમાયતી છે.

તેણે ફેસબુક પર આ નરસંહારનું લાઈવ-સ્ટ્રીમ કર્યું હતું અને આ હુમલા પાછળના કથિત કારણો જણાવતું 65,000 શબ્દોનું એક વર્ડ ડોક્યુમેન્ટ ઓનલાઈન મૂક્યું હતું તેવું માનવામાં આવે છે.

ઘણા લોકોએ ધ્યાન દોર્યું છે એ મુજબ તેમાં ઘણી જગ્યાએ સાંકેતિક રીતે જુદીજુદી ઓનલાઈન કોમ્યુનિટીને ઉશ્કેરવામાં આવી છે. આ ડોક્યુમેન્ટ 8chan નામના એક ફોરમમાં પોસ્ટ કરવામાં આવ્યું હતું. આ ફોરમને ઓલ્ટ-રાઈટ ગ્રુપ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતું હતું. આનાથી ખ્યાલ આવે છે કે આ પ્રકારના ઓનલાઈન ફોરમમાં અસહિષ્ણુતા અને નફરત કેટલી આસાનીથી ફેલાવી શકાય છે. બાહ્ય સમાજમાં એથી ઉલ્ટું થાય છે. તેમાં સમયની સાથે-સાથે સહિષ્ણુતા આવી જતી હોય છે.

અલ નૂર હુમલામાં એક માણસે 17 મિનિટના ખેલમાં આખરે ડઝનબંધ જીવન અને તેની આશા-આકાંક્ષાઓનો ભોગ લઈ લીધો.

હુમલાની ઘટના પછી હવે એવા સવાલ ઉઠી રહ્યા છે કે શું આવા ફોરમમાં થઈ રહેલી ઉગ્રવાદી પ્રવૃત્તિઓને પકડવા તેમની ઉપર વધુ સારી દેખરેખ રાખી શકાય કે કેમ? પણ, નિષ્ણાંતો કહે છે કે તેમાં કરવામાં આવતી પોસ્ટનું પ્રમાણ ખુબ વધારે છે, અને વળી બીજા કારણો પણ છે જેના લીધે આ કામ પડકારભર્યું છે.

ન્યૂઝીલૅન્ડની ઈસ્લામિક વુમન કાઉન્સિલના અંજુમ રહેમાન કહે છે તેઓ સરકારોને સમાજમાં પ્રવર્તતા ભેદભાવ સામે પગલા લેવા વિનંતી કરતા આવ્યા છે. તેઓ કહે છે, "અમે તેમને ઓલ્ટ-રાઈટ ગ્રુપના ઉદય અંગે અમારા ડરથી માહિતગાર કર્યા છે, પણ સરકારે હજી પૂરતો પ્રતિસાદ આપ્યો નથી.

મિસ. રહેમાન મીડિયાની ભૂમિકાને વખોડતા કહે છે, "અત્યાર સુધી તમે ક્યાં હતા?" તેમની દલીલ છે કે વૈશ્વિક સ્તરે આ મુદ્દા પર પૂરતા પ્રમાણમાં ધ્યાન અપાયું નથી.

ન્યૂઝીલૅન્ડના ચીફ હ્યુમન રાઈટ કમિશનર પોલ હન્ટ કહે છે કે તેમનો દેશ માનવ અધિકાર બાબતે દુનિયામાં સૌથી સારી સ્થિતિ ધરાવતા દેશો પૈકીનો એક છે, જોકે, સમાજના થોડા ભાગમાં ઈસ્લામોફોબિયા અને જાતિવાદ તથા નફરત આધારિત ગુનાઓનું પ્રમાણ જોવા મળે છે.


'તેણે ખોટી જગ્યા પસંદ કરી'

ફોટો લાઈન ગત સપ્તાહે ન્યૂઝીલૅન્ડના દરેક વય અને બેકગ્રાઉન્ડના લોકો તરફથી શ્રદ્ધાંજલિનો દોર જોવા મળ્યો

વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ન જેનું નામ પણ ઉચ્ચારવા નથી માંગતા એવા આ હુમલાખોરને જો એમ લાગતું હોય કે ગયા અઠવાડિયે બનેલી ઘટનાથી ન્યૂઝીલૅન્ડ ભાંગી પડશે તો એ ભૂલે છે.

ગુરુવારે વડાપ્રધાને ન્યૂઝીલૅન્ડના હથિયારો અંગેના કાયદા પર સપાટો બોલાવ્યો. તેમણે હુમલામાં વપરાયેલા તમામ પ્રકારના હથિયારો પર પ્રતિબંધ લાદી દીધો છે.

અગાઉ અમેરિકામાં થયેલ હુમલાથી વિપરિત, અહીં લોકોએ આ પ્રતિબંધોને સારી રીતે સ્વીકારી લીધા છે. ઘણા લોકોએ તો પ્રતિબંધ જાહેર થાય એ પહેલા જ ગન રાખવાનું બંધ કરી દીધું છે.

સ્થાનિક લોકો વારંવાર કહી રહ્યા છે કે તેઓ એક થઈને આવી ઘટના ફરી ન બને તે સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે.

38 વર્ષીય કારા બટલર કહે છે, "મને દુ:ખ પણ છે અને ગુસ્સો પણ. તે આવુ કરવાની હિંમત પણ કેમ કરી શકે? પણ મને લાગે છે કે તેણે ખોટી જગ્યા પસંદ કરી છે. મને લાગે છે કે તેણે વિચાર્યું હશે તેનાથી બિલકુલ ઉલ્ટું થશે. તે ભાગલા પડાવી શકશે નહીં. આ ઘટનાથી ઉલ્ટું અમારો સમાજ વધુ સમરસ બનશે."

આ હુમલામાં બચી જનાર મિ. સઈદ અહેમદ કહે છે કે તેમના બંને બાળકોમાં ન્યૂઝીલૅન્ડના આ મૂલ્યો કેળવાયા છે. હું તેના લીધે ઘણો ખુશ છું."

પણ એક ડર વ્યક્ત કરતા તેઓ કહે છે કે ન્યૂઝીલૅન્ડ તેમજ દુનિયાના અન્ય દેશોએ આ ઘટનાને ભૂલીને અદબ વાળીને બેસી ન રહેવું જોઈએ.

તેઓ કહે છે, "લોકો હવે દુનિયાના દૂર-દૂરના શાંત પ્રદેશોમાં રહેવા જઈ રહ્યા છે."

"આ માત્ર એક દેશની ઘટના છે એવું નથી. તમે આને અન્ય સામાન્ય ઘટનાની જેમ લઈ શકો નહીં. આપણે હવે ચંદ્ર અને મંગળ સુધી પહોંચી રહ્યા છીએ, ત્યારે શું આપણા બાળકો માટે અહીંના જ વિસ્તારો સુરક્ષિત ન હોય?

"આ નફરતનો અંત લાવવો એ આપણા સૌની જવાબદારી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ