લોકસભા ચૂંટણી 2019 : ગુજરાત કૉંગ્રેસના વધુ બે ઉમેદવાર જાહેર, કચ્છથી નરેશ મહેશ્વરી અને નવસારીથી ધર્મેશ પટેલ

નરેશ મહેશ્વરી Image copyright FB naresh maheshwari

લોકસભા ચૂંટણી માટે કૉંગ્રેસે ગુજરાતના વધુ બે ઉમેદવારોની જાહેરાત કરી છે. કચ્છની બેઠક પરથી નરેશ મહેશ્વરી ચૂંટણી લડશે તો નવસારીની બેઠક પરથી ધર્મેશ પટેલ ચૂંટણી લડશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ કચ્છની અનામત બેઠક માટે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું નામ ચર્ચામાં હતું. જોકે, મેવાણી લોકસભાન ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ ગુજરાતની અમદાવાદ પશ્ચિમ બેઠક પર રાજુ પરમાર, આણંદ બેઠક પર ભરતસિંહ સોલંકી, વડોદરા બેઠક પર પ્રશાંત પટેલ અને છોટા ઉદેપુર બેઠક પર રણજિત રાઠવાની ઉમેદવારી જાહેર કરી ચૂકી છે.


જયાપ્રદાને ભાજપમાં જોડાતાંની સાથે જ મળી ગઈ ટિકિટ

Image copyright Getty Images

વરિષ્ઠ અભિનેત્રી જયાપ્રદા ભાજપમાં જોડાયાંના ગણતરીની કલાકોમાં તેમને રામપુરની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.

પાર્ટીમાં સામલ થયા બાદ જયાપ્રદાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહનો આભાર માન્યો હતો.

જયાપ્રદાએ કહ્યું, "આ માટે માટે મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. હું નરેન્દ્ર મોદીની વિચારસરણીથી પ્રભાવિત છું અને તેમના મિશનને આગળ ધપાવીશ. તેમના હાથમાં દેશ સુરક્ષિત છે."

જયાપ્રદા આ પહેલાં સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય લોકદળ તથા સમાજવાદી પાર્ટીમાં હતાં.

જયાપ્રદા ઉત્તર પ્રદેશની રામપુર બેઠક ઉપરથી બે વખત સાંસદ રહી ચૂક્યાં છે.

આ સિવાય મેનકા ગાંધી (સુલતાનપુર), વરૂણ ગાંધી (પીલીભીત), ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ મહેન્દ્ર પાંડેય (ચંદૌલી), રામશંકર કથેરિયા (ઇટાવા), રીટા બહુગુણા જોષી (અલાહાબાદ) અને કેન્દ્રીય પ્રધાન મનોજ સિંહા ગાઝીપુરની બેઠક ઉપરથી ચૂંટણી જંગમાં ઉતરશે.


મૂલર મુદ્દે ટ્રમ્પ કરશે વળતો પ્રહાર

Image copyright Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે રશિયા સાથેની સંડોવણી સાબિત કરવા તેમના શત્રુઓએ કરેલી 'અનિષ્ટ' અને 'રાજદ્રોહી' કાર્યવાહી બદલ તેમની તપાસ કરાવાશે.

ઑવેલ ઑફિસમાં આ અંગે વાત કરતા ટ્રમ્પે કહ્યું હવે 'ખોટા વૃત્તાન્ત' બદલ કોઈ રાષ્ટ્રપતિની તપાસ ના થવી જોઈએ.

ઍટર્ની જનરલ દ્વારા સ્પેશિયલ કાઉન્સેલ રૉબર્ટ મુલરના રિપોર્ટનો સાર જાહેર કરાયાના એક દિવસ બાદ ટ્રમ્પે સંબંધિત વાત કરી છે.

એ સારમાં વર્ષ 2016ની ચૂંટણી દરમિયાન રશિયા સાથે સાઠગાંઠ કરવાના આરોપમાંથી ટ્રમ્પને મુક્ત કરી દેવાયા છે.


ગણપત વસાવાનો રાહુલ ગાંધીને ઝેર પીવડાવવા કૉંગ્રેસી કાર્યકરોને પડકાર

Image copyright TWITTER/@INCGUJARAT

ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવાએ કૉંગ્રેસ કાર્યકરોને પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીને ઝેર પીવડાવાનો પડકાર ફેંક્યો છે.

સુરતના બારડોલીમાં એક સભાને સંબોધતા આદિજાતિ વિકાસ મંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધી 'શિવના અવતાર' હોવાની વાત ત્યારે જ સાચી ઠરે કે જો તેઓ '500 ગ્રામ ઝેર' પીને જીવતા રહી શકે.

રાજ્યના મુખ્ય મંત્રી વિજય રુપાણીની હાજરીમાં વસાવાએ કહ્યું, "કૉંગ્રેસના લોકોનો દાવો છે કે રાહુલ ગાંધી ભગવાન શિવના અવતાર છે. ભગવાન શંકરે લોકો બચાવવા માટે ઝેર પીધું હતું. હું ઇચ્છું છું કે કૉંગ્રેસના કાર્યકરો પોતાના નેતાને 500 ગ્રામ ઝેર પીવડાવે."

વસાવાએ દાવો કર્યો હતો, "ઝેર પીધા બાદ તેઓ બચી જાય તો અમે માની લઈશું કે તેઓ ભગવાન શંકરનો સાચો અવતાર છે."

ભાજપને ચૂંટણમાં હારવાનો ડર લાગી રહ્યો હોવાના કારણે આવા નિવેદનો આપી રહ્યો હોવાનું કૉંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું.


દક્ષિણ રાનમાં પૂર, 10 લોકોનાં મૃત્યુ

Image copyright Reuters
ફોટો લાઈન પૂરગ્રસ્ત શિરાઝ શહેરની ગલીઓ

દક્ષિણ ઈરાનમાં અચાનક આવેલાં પૂરને કારણે લગભગ 19 લોકોનાં મૃત્યુ થયાં છે. તેમજ 100થી વધુ લોકો ઘાયલ થયાં છે.

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા શિરાઝ શહેરનાં ફૂટેજમાં જોઈ શકાય છે કે કાદવવાળું પાણી ધસમસતું શહેરમા ઘૂસી રહ્યું છે. આ જ શહેરમાં સૌથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

તેમાં લોકોને વીજળીના થાંભલાનો આધાર લઈ રહેલા કે ગાડીઓ પર ચડીને જીવ બચાવતા જોઈ શકાય છે. પૂરને કારણે ઘણાં ઘરોને નુકસાન થયું હોવાના પણ અહેવાલ છે.

ઈરાનના ન્યાયતંત્રએ કહ્યું છે કે સરકારની કુદરતી હોનારતો વખતે વ્યવસ્થા જાળવવાની નીતિ પર તપાસ થઈ રહી છે.

મિઝાન ન્યૂઝ એજન્સીને જ્યુડિશિયરી ચીફ ઈબ્રાહીમ રાઇસીના જણાવ્યા અનુસાર 'આ પૂરના સમયે વ્યવસ્થા જાળવવાની, લોકોને રાહત સામગ્રી અને મદદ પહોંચાડવાની નિષ્ફળતા જેવી બાબતોની તપાસ કકરવામાં આવશે.'


ઇઝરાયલનો ગાઝા પર વળતો પ્રહાર

ઇઝરાયલે ગાઝાપટ્ટી પર હમાસના ઠેકાણાંઓ પર હવાઈ હુમલા કર્યા છે. તેલ અવિવ શહેરમાં કરાયેલા રૉકેટ હુમલા બાદ ઇઝરાયેલે સંબંધિત પ્રતિક્રિયા દાખવી છે.

ઇઝરાયેલી ડિફેન્સ ફૉર્સીઝ(આઈડીએફ)એ જણાવ્યું છે કે ઇઝરાયલી હવાઈ હુમલામાં હમાસના રાજકીય નેતા અને સંગઠનના મિલિટરી ઇન્ટૅલિજન્સ હૅડક્વાર્ટરને નિશાન બનાવાયાં છે.

આ હુમલામાં સાત લોકોને ઈજા પહોંચી હોવાનું ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.

આ પહેલાં મિશમેરેત વિસ્તારમાં કરાયેલા રૉકેટ હુમલા માટે આઈડીએફે હમાસને જવાબદાર ગણાવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો