અફઘાનિસ્તાનમાં પૂરને કારણે 32 લોકોનાં મૃત્યુ, સાત પ્રાંત પ્રભાવિત

અફઘાનિસ્તાનમાં પૂર Image copyright Getty Images

પશ્ચિમ અફઘાનિસ્તાનમાં આવેલા પૂરને પગલે ઓછામાં ઓછાં 32 લોકોનાં મૃત્યુ થયાં છે.

અફઘાનિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીએ જણાવ્યું છે કે ભારે વરસાદ કારણે કેટલાંય મકાનો પડી ગયાં છે અને પૂરમાં કેટલાંય અસ્થાયી આવાસો પણ તણાઈ ગયાં છે.

દેશના કુલ સાત પ્રાંત અસરગ્રસ્ત થયા છે, જેમાંથી ફરયાબ, બગધીસ અને હેરત પ્રાંતમાં પૂરની સૌથી વધુ અસર જોવા મળી છે.


ભાજપે ગુજરાતમાં જાહેર કર્યા લોકસભા માટે વધુ ચાર ઉમેદવાર

Image copyright Getty Images

લોકસભાની 2019ની ચૂંટણી માટે ભાજપે ગુજરાતની વધુ ચાર બેઠકના ઉમેદવારની જાહેરાત કરી છે, જેમાં આણંદ બેઠક પર કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સામે મિતેષ પટેલ ચૂંટણી લડશે.

આ ઉપરાંત પાટણમાં ભરતસિંહ ડાભી, જૂનાગઢમાં રાજેશ ચુડાસમા અને છોટા ઉદેપુરમાં ગીતાબહેન રાઠવાને ભાજપે ટિકિટ આપી છે.

ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ તરફથી જૂનાગઢ બેઠક પર પૂંજા વંશ અને છોટા ઉદેપુર બેઠક પર રણજિત રાઠવા ઉમેદવાર છે તો પાટણ બેઠક પર કૉંગ્રેસે જગદીશ ઠાકોરને ટિકિટ આપી છે.

આ ચાર નામ જાહેર થયાં બાદ હવે ભાજપ તરફથી ગુજરાતમાં ફક્ત ત્રણ જ બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી રહે છે.

ભાજપે હજુ અમદાવાદ પૂર્વ, સુરત અને મહેસાણા બેઠક પર નામ જાહેર કર્યાં નથી.

તો સામે કૉંગ્રેસે અત્યાર સુધી 13 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી દીધી છે.


દિલ્હીમાં કૉંગ્રેસ આપ સાથે ગઠબંધન કરશે નહીં - રાહુલનો નિર્ણય

Image copyright TWITTER/@INCGUJARAT

દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચેના ગઠબંધનની તમામ શક્યતાઓનો અંત આવી ગયો છે. એનડીટીવી ઇન્ડિયાની વેબસાઈટના જણાવ્યા અનુસાર કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં ગઠબંધનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ જાહેરમાં કૉંગ્રેસ સાથે ગઠબંધનની ઇચ્છા વ્યક્ત કરતા રહ્યા છે. જોકે, દિલ્હી કૉંગ્રેસનાં વડાં શીલા દીક્ષિત ગઠબંધનના પક્ષમાં નહોતાં.

અંતે કૉંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ ગઠબંધનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

પાર્ટીના નેતાઓ સાથે ચર્ચા-વિચારણા બાદ તેમણે દિલ્હીમાં કૉંગ્રેસ એકલપંડે ચૂંટણી લડે એવો તેમણે નિર્ણય કર્યો હતો.


370 હટાવવાથી ભારતનો કાશ્મીર સાથેનો સંબંધ પૂરો

Image copyright EPA

જમ્મુ અને કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી તેમજ પીડીપીનાં અધ્યક્ષ મહેબૂબા મુફ્તિએ કહ્યું છે કે જો બંધારણની કલમ 370 ખતમ કરી દેવાશે તો રાજ્યનો ભારત સાથેનો સંબંધ પણ પૂરો થઈ જશે.

અરુણ જેટલીના તાજેતરના નિવેદનનો જવાબ આપતા મહેબૂબાએ કહ્યું, "જેટલીએ આ સમજવું જોઈએ. તેમણે આટલી સરળતાથી આ વાત ના કરવી જોઈએ. જો તમે કલમ 370 ખતમ કરશો તો ભારત સાથેનો જમ્મ-કાશ્મીરનો સંબંધ પણ ખતમ થઈ જશે."

આ પહેલાં કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે કલમ 35A જમ્મુ-કાશ્મીરના આર્થિક વિકાસ સામે અવરોધ ઊભો કરે છે.

ગુરુવારે પોતાના બ્લોગમાં તેમણે લખ્યું હતું કે કલમ 35A 1954માં લાગુ કરવામાં આવી હતી.

આ કલમ રાજ્યના કાયમી રહેવાસી અને ભારતના અન્ય લોકો વચ્ચે ભેદભાવ કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો