કૉંગ્રેસ નેતા ભગા બારડને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, નહીં યોજાય તાલાલા પેટા ચૂંટણી

ભગવાન બારડ Image copyright Social Media Bhagabhai Barad

સુપ્રીમ કોર્ટે આજે ગુજરાતની તાલાલા વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજવાની ચૂંટણીપંચના જાહેરનામા પર સુનાવણી કરતા રોક લગાવી દીધી છે.

એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે આ મુદ્દે રાજ્ય સરકાર અને ચૂંટણી પંચને નોટિસ પણ આપી છે.

ચૂંટણીપંચે 10 માર્ચના તાલાલા વિધાનસભા બેઠકની ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.

આ જાહેરાતને બારડે હાઈકોર્ટમાં પડકારી હતી પરંતુ હાઈકોર્ટેમાં રાહત મળી નહોતી.

ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ નેતા ભગવાન બારડ આ બેઠકથી ધારસભ્ય હતા અને તેમને ગેરકાયદે ખનન મુદ્દે ગુનેગાર ઠેરવી સજા કરવામાં આવી હતી અને તેને પગલે સ્પીકરે તેમને સસ્પેન્ડ જાહેર કર્યા હતા.


સેન્સેક્સ 39000 પાર

Image copyright AFP

લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આજથી શરું થઈ રહેલાં નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી છે.

બજાર ખુલતાની સાથે જ તે 39000ને પાર કરી ગયું છે તો નિફટી પણ 11700 પર પહોંચી ગયુ છે.

બજાર 186 પોઇન્ટના વધારા સાથે ખુલ્યુ હતું અને 39,017 સુધી પહોંચ્યું હતું.

માર્ચમાં વિદેશી રોકાણકારોએ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે.

ઓટો, કેપિટલ, ગુડ્સ અને મેટલ સેક્ટરમાં સારી ખરીદી જોવા મળી છે. સૌથી વધારે મેટલ ઇન્ડેક્સમાં 1.64 ટકાનો વધારો જોવા મળ્યો છે તો તાતા મોટર્સ, વેદાંતાના શેરમાં પણ વધારો જોવા મળ્યો છે.


#EMISAT : 28 વિદેશી ઉપગ્રહો સાથે ઈસરોએ લૉન્ચ કર્યો અન્ય એક સેટેલાઇટ

Image copyright ISRO/BBC

ઈસરોએ આજે શ્રીહરિકોટા ખાતેથી ઇલેક્ટ્રૉનિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટ એમિસેટ લૉન્ચ કર્યો છે. આ એક સર્વેલન્સ સેટેલાઇટ છે જે દુશ્મનોના રડારને પકડી પાડશે.

આ સેટેલાઇટ સાથે અન્ય દેશોના 28 સેટેલાઇટ પણ લૉન્ચ કરવામાં આવ્યા છે.

PSLV C-45 મારફતે લૉન્ચ કરવામાં આવેલી આ પ્રક્રિયા 'મિશન શક્તિ'ના છ દિવસ બાદ હાથ ધરવામાં આવી છે.

ઈસરોના જણાવ્યા અનુસાર PSLVનું આ 47મું ઉડ્ડયન છે. આ સાથે જ શ્રીહરિકોટા ખાતેથી આ 71મું લૉન્ચિ વ્હિકલ મિશન છે.

ઈસરોની આ સિદ્ધીની સાક્ષી બનવા માટે પ્રથમ વખત જાહેર જનતાને પણ આમંત્રિત કરવામાં આવી હતી.

ઈસરોના ચેરમેન કે. સીવન સાથેની વાતચીતના હવાલાથી 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' અખબાર લખે છે લૉન્ચિંગ જોવા માટે લોકો માટે એક ખાસ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે જેની ક્ષમતા 5 હજારની છે.


સ્લોવાકિયામાં ઝુઝાના કૈપ્યૂટોવા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યાં

Image copyright REUTERS

ઍન્ટિ-કરપ્શન ઉમેદવાર ઝુઝાના કૈપ્યૂટોવા સત્તા પક્ષના ઉમેદવાર મારકોસ સેફ્કોવિકને હરાવીને સ્લોવાકિયાનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની ગયાં છે. જોકે, તેમને રાજકારણને લઈને કોઈ પણ પ્રકારનો અનુભવ નથી.

વકીલ તરીકે કામ કરતાં અને પ્રોગ્રેસિવ પાર્ટીનાં ઉમેદવાર કૈપ્યૂટોવાએ આ ચૂંટણીને સારા અને ખરાબ વચ્ચેનો સંઘર્ષ ગણાવી હતી.

કૈપ્યૂટોવાને 58 ટકા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી સેફ્કોવિકને 42 ટકા મત મળ્યા હતા.

આ ચૂંટણી દરમિયાન ઇન્વસ્ટિગેટિવ જર્નલિસ્ટ જૈન કુસિઐકની હત્યા પણ થઈ હતી.

કુસિઐક નિયોજિત પ્રકારે થઈ રહેલા અપરાધ અને રાજકારણ વચ્ચેના તાલમેલની સતત તપાસ કરી રહ્યા હતા. આ તપાસ દરમિયાન જ તેમની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.

ઝુઝાના કૈપ્યૂટોવાએ એક સંબોધનમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાના ઘણાં કારણો છે પરંતુ તેમાંથી એક કારણ કુસિઐકની હત્યા પણ છે.


દલિત મત તોડવા ભાજપે ચંદ્રશેખર રાવણને વારાણસીથી ઊતાર્યા- માયાવતી

Image copyright Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ ભાજપ પર આરોપ મૂકતા કહ્યું છે કે દલિત મતોને તોડવા માટે વારાણસી લોકસભા બેઠક પરથી ભાજપે ભીમ આર્મીના ચંદ્રશેખર રાવણને ઊભા રાખવાનું ષડયંત્ર રચ્યું છે.

માયાવતીએ ટ્વીટ કરતાં લખ્યું, "આ સંગઠનનું ગઠન ભાજપના ષડયંત્ર અને ઍન્ટિ-દલિત માનસિકતાના ભાગરૂપે થયું છે જે નિંદાસ્પદ રાજકારણ કરી રહ્યું છે."

માયાવતીએ એવું પણ લખ્યું છે કે ચંદ્રશેખરના વારાણસી લોકસભા બેઠકથી ચૂંટણી લડવાને કારણે ભાજપને ફાયદો પહોંચશે.

માયાતીએ અન્ય એક ટ્વીટમાં લખ્યું, "ભાજપે ચંદ્રશેખરને પોતાના જાસુસ તરીકે બસપામાં સામેલ કરવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેઓ ષડયંત્રમાં અસફળ રહ્યા."

તમે આ વાંચ્યું કે નહીં?

પાન કાર્ડને આધાર સાથે જોડવાની સમયમર્યાદા છ મહિના વધારાઈ

Image copyright Getty Images

'એનડીટીવી ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની સમયમર્યાદા વધારીને 31 સપ્ટેમ્બર, 2019 કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ આ છેલ્લી તારીખ 1 એપ્રિલ, 2019 નક્કી કરવામાં આવી હતી.

આવું છઠ્ઠી વખત બન્યું છે કે સરકારે પાન કાર્ડને આધાર સાથે જોડવાની સમયમર્યાદા વધારી હોય.

પરંતુ સીબીડીટી (સૅન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેક્ટ ટૅક્સેશન) વિભાગે એવું કહ્યું છે કે 1 એપ્રિલ, 2019થી ઇન્કમ ટૅક્સ ફાઇલ કરતી વખતે આધાર નંબરને લિંક કરવું અનિવાર્ય હશે.

ફેબ્રુઆરી માસમાં સીબીડીટીએ કહ્યું હતું કે ગત વર્ષના સપ્ટેમ્બર માસમાં ઉચ્ચ ન્યાયાલયે આધારની બંધારણીય માન્યતાને દુરસ્ત રાખી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો