અલ્જીરિયાના રાષ્ટ્રપતિ બૂતેફ્લિકાએ અંતે રાજીનામું આપ્યું

બૂતેફ્લીકા Image copyright AFP

અલ્જીરિયાનાં સરકારી મીડિયા અનુસાર રાષ્ટ્રપતિ અબ્દુલઅઝીઝ બૂતેફ્લિકાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમની વિરુદ્ધ ઘણા સમયથી સમગ્ર દેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં હતાં.

વિરોધીઓએ તેમની પાસે દેશના રાજકીય માળખામાં મૂળભૂત ફેરફાર કરવાની માગ કરી હતી.

82 વર્ષના બૂતેફ્લિકા છેલ્લાં 20 વર્ષથી સત્તા પર છે. તેઓ એક દાયકાથી વધુ સમય સુધી દેશના વિદેશમંત્રી પણ રહી ચૂક્યા છે.

1999થી તેઓ સત્તામાં હતા, તેમનું મુખ્ય કામ દેશ અને અર્થવ્યવસ્થાનું પુનર્નિર્માણ કરવાનું હતું. તે પહેલાં તેમને અલ્જીરિયામાં ગૃહ-યુદ્ધ ખતમ કરવાનું હતું.

બૂતેફ્લિકાને છ વર્ષ પહેલાં હાર્ટઍટેક આવ્યો હતો, તેથી તેઓ જાહેર જીવનમાં ગેરહાજર રહેવા લાગ્યા હતા.

બૂતેફ્લિકા પહેલાં જ કહી ચૂક્યા હતા કે, તેઓ આગામી ચૂંટણી નહીં લડે તેમજ 28 એપ્રિલે પોતાનો કાર્યકાળ પૂરો થતાં સત્તા છોડી દેશે.

વિરોધીઓ માટે આ પૂરતું નહોતું, તેમણે તુરંત રાજીનામાની માગ કરી અને અલ્જીરિયાની સેનાએ તેમને રાજીનામું આપવા કહ્યું.

તમે આ વાંચ્યું કે નહીં?

સરદાર પટેલનું સ્ટેચ્યૂ યોગ્ય તો મારું કેમ નહીં? : માયાવતી

Image copyright Getty Images

'ધ ટાઇમ્સ ઑફ ઇંડિયા'ના અહેવાલ પ્રમાણે ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્ય મંત્રી માયાવતીએ કહ્યું છે કે જો રામની મૂર્તિ બની શકે તો મારી કેમ નહીં? જો સરદાર પટેલની પ્રતિમા યોગ્ય હોય તો મારી કેમ નહીં?

કેવડિયા સ્થિત સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી સંદર્ભે તેમણે આ ટિપ્પણી કરી હતી.

આ અહેવાલમાં નોંધ્યું છે કે માયાવતી તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા શપથપત્રમાં પૂછ્યું છે કે રામની 221 મીટર ઊંચી પ્રતિમા બનાવવાનો પ્રસ્તાવ આવ્યો તો એ અંગે વાંધો કેમ ન ઉઠાવ્યો.

બસપા દ્વારા કરવામાં આવેલી ઍફિડેવિટમાં મંત્રીઓ દ્વારા સરકારી ખર્ચે સ્થાપવામાં આવેલાં સ્ટેચ્યૂનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે.

તેમનું કહેવું છે કે કૉંગ્રેસના કાર્યકાળ દરમિયાન જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને પી. વી. નરસિમ્હા રાવનાં સ્ટેચ્યૂ મૂકવામાં આવ્યાં હતાં.

3000કરોડના ખર્ચે જનતાના પૈસા તૈયાર કરવામાં આવેલાં 182 મીટર ઊંચા સરદાર પટેલના સ્ટેચ્યૂનો ઉલ્લેખ કરીને માયાવતીએ કહ્યું કે કે યોગી આદિત્યનાથની સરકાર 200 કરોડના પ્રારંભિક ખર્ચ સાથે ભગવાન રામનું સ્ટેચ્યૂ બનાવશે. તો મારી પ્રતિમા યોગ્ય કેમ નહીં?


કૉંગ્રેસનું AFSPAમાં સંશોધનનું વચન, ભાજપે કહ્યું દેશને તોડવાનું કામ

Image copyright Getty Images

કૉંગ્રેસે મંગળવારે જાહેર કરેલાં પોતાના ચૂંટણી ઢંઢેરામાં સશસ્ત્ર દળ વિશેષ અધિકાર અધિનિયમ(AFSPA)માં સંશોધન કરવાનું વચન આપ્યું છે.

એનડીટીવી ઇંડિયાની વેબસાઈટ અનુસાર, આ વચને મોટા રાજકીય વિવાદને જન્મ આપ્યો છે.

ભાજપે આ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે કૉંગ્રેસ પાર્ટી ખતરનાક વાયદાઓ કરી રહી છે અને તેમના મૅનિફેસ્ટોમાં એવો ઍજન્ડા છે, જે દેશને તોડવાનું કામ કરશે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ મુદ્દે કહ્યું, "હું કૉંગ્રેસ પ્રમુખને પૂછવા માગું છું કે તેઓ સશસ્ત્ર બળોને મજબૂત કરવા માગે છે કે તેમનું મનોબળ નબળું કરવા માગે છે."

ઉમર અબ્દુલ્લાહે કહ્યું, "કાશ, હું મુખ્ય મંત્રી હતો ત્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હોત. ત્યારે મેં અફસ્પા હટાવવાની વાત કરી તો કૉંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓએ મારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું."

અરૂણ જેટલીએ કહ્યું કે આ મૅનિફેસ્ટો દેશની એકતા વિરુદ્ધ છે. કૉંગ્રેસ પાર્ટી, નહેરૂ અને ગાંધી પરિવારે જમ્મુ-કાશ્મીર મુદ્દે જે નિર્ણય લીધો હતો તે એક ઐતિહાસિક ભૂલ હતી. આ ઍજન્ડાથી તેમની વધુ જોખમી રીતે આગળ વધવાની તૈયારી છે.


જસ્ટિન ટ્રુડોએ બે સાંસદોને હાંકી કાઢ્યાં

Image copyright Reuters

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પર એક જાણીતી કંપની વિરુદ્ધના કેસમાં મધ્યસ્થી કરવાનો આક્ષેપ કરનારાં બે મહિલા સાંસદોને હાંકી કાઢવામાં આવ્યાં છે.

એસએનસી-લેવાલિન વિવાદથી ટ્રુડોના નેતૃત્વ પર પ્રશ્નો ઊભા થયા છે.

ટ્રુડોની કૅબિનેટમાંથી જોડી વિલ્સન રેબૉલ્ડ અને જેન ફિલપોટે પહેલાંથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ સામાન્ય ચૂંટણીઓના એક મહિના પહેલાં ટ્રુડોએ પોતાની લિબરલ પાર્ટીમાંથી તેમને બરતરફ કર્યાં છે.

આ નિર્ણય બાદ મીડિયા સાથે વાત કરતાં ટ્રુડોએ કહ્યું હતું, "આ બંને સભ્યો અને અમારા પક્ષ વચ્ચે હવે પહેલાં જેવો વિશ્વાસ રહ્યો નથી. તેમને પક્ષમાં વિશ્વાસ ન હોય તો તેમને પક્ષમાં રહેવાનો અધિકાર નથી."

મંગળવારે વિપક્ષ કન્ઝર્વેટિવ્ઝના નેતા એન્ડ્રૂ શીઅરે કહ્યું હતું કે વડા પ્રધાને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારા લોકોને દૂર કરીને કાયદાની અવહેલના કરી છે.

પૂર્વ મહિલા ક્રિકેટ ટીમના કૉચની IPLમાં સટ્ટા મુદ્દે ધરપકડ

Image copyright Getty Images
ફોટો લાઈન તુષાર અરોઠે

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કૉચ અને વડોદરાથી પૂર્વ રણજી ખેલાડી તુષાર અરોઠેની આઇપીએલ પર ચાલી રહેલા સટ્ટા કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

વડોદરાના અલકાપુરીમાં એક કાફેમાંથી સોમવારે રાત્રે ક્રાઇમ બ્રાન્ચે આ રૅકેટનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસે અરોઠે અને કાફેના બે ભાગીદારો હેમાંગ પટેલ અને નિશ્ચલ મીઠા સહીત 19 લોકોની ધરપકડ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર હેમાંગ આઈપીએલની દિલ્હી કેપિટલ્સ અને કિંગ્ઝ ઇલેવન પંજાબ પર સટ્ટો રમી રહ્યા હતા. આ બધા લોકોને બાદમાં જામીન પરો છોડી દેવામાં આવ્યા હતાં.

ડિસીપી ક્રાઈમ જયદીપસિંહ જાડેજાએ કહ્યું કે, "હેમાંગ ત્રણ અલગ અલગ મોબાઇલ ઍપ્લિકેશનથી સટ્ટો લગાવી રહ્યા હતાં. અરોઠે પણ ત્યાં હાજર હતાં. અન્ય 19 લોકોના ફોનમાં પણ આવી ઍપ્લિકેશન હતી. જેમાં કેટલાંક કૉલેજના વિદ્યાર્થીઓ પણ હતા. હેમાંગ કોઈ બાબા નામના વ્યક્તિ માટે કામ કરે છે, અમે તેમની શોધમાં છીએ."

અરોઠેના પુત્ર રીશી પણ આ કાફેમાં એક ભાગીદાર છે. અરોઠેએ જણાવ્યું હતું, "હું પોલીસ આવી એની 20 મિનિટ પહેલાં જ કાફેમાં પહોંચ્યો હતો, હું આમાં સામેલ નથી. પોલીસને મારા ફોનમાં પણ આવી કોઈ ઍપ્લિકેશન મળી નથી."

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો